કચ્છમાં ૭ જેટલી પ્રાદેશિક ગુજરાતી ભાષા બોલાય છે

28 July, 2020 09:33 AM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છમાં ૭ જેટલી પ્રાદેશિક ગુજરાતી ભાષા બોલાય છે

ગુજરાતના સાક્ષર સ્વ. કે. કા. શાસ્ત્રીએ કોઈ સંદર્ભે કહેલું કે કચ્છમાં ગુજરાતી ભાષા શુદ્ધ રીતે બોલાય છે. એનું કારણ એ છે કચ્છનો અડધો ભાગ એટલે પશ્ચિમ કચ્છ કચ્છીભાષી છે. કચ્છીભાષી વિસ્તાર ગુજરાતી ભાષા શાળામાં શીખે છે. એમના માટે ગુજરાતી શિક્ષણની ભાષા છે, પરંતુ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની કેટલીક જ્ઞાતિઓ જે ગુજરાતી બોલે છે તે ગુજરાતી આખાય ગુજરાતમાં બોલાતી પ્રાદેશિક ગુજરાતીથી સાવ જુદી પડી જાય છે. જોકે ભાષાની પ્રાદેશિકતાની છટા લખીને નહીં પરંતુ સાંભળીને માણી શકાય. કચ્છના પૂર્વ ભાગમાં જ પાંચેક જેટલી જુદીજુદી છાંટવાળી ગુજરાતી સાંભળવા મળે છે. ઉચ્ચાર અને બોલવાની લઢણ પરથી પારખી શકાય છે કે તે કઈ જ્ઞાતિ કે વિસ્તારની વ્યક્તિ હશે.

‘બાર ગાઉએ બોલી બદલાય’ આ વાતની પ્રતીતિ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોના પરિચયમાં આવનારને થઈ જ હશે. એક સમયે ‘દેશ તેવો વેશ’ એ ઉક્તિ વસ્ત્રોની બાબતમાં ખરી હતી. ભૂતકાળમાં વસ્ત્રો વ્યક્તિના વિસ્તાર અને તેની જ્ઞાતિની ઓળખ બની રહેતાં. હવે પરંપરાગત વસ્ત્રોનું ચલણ ઘટતું જાય છે. વસ્ત્રો એકસરખાં થતાં જાય છે ત્યારે કોઈ વ્યક્તિ કયા વિસ્તારની છે તે જાણી શકાતું નથી, પરંતુ ભાષા અને બોલવાનો લહેકો એક એવી ચીજ છે જે વ્યક્તિની ઓળખ છતી કરી શકે છે. આમ કહેવાય છે કે શુદ્ધ ભાષા માત્ર વર્ગખંડો પૂરતી જ હોય છે. અભ્યાસુઓ ઊંડા અભ્યાસ પછી શુદ્ધ ભાષા બોલી જરૂર શકે, પરંતુ તેના માનવસહજ વ્યવહારની ભાષા તો અશુદ્ધ જ રહેવાની. અશુદ્ધ ભાષા એ ઉચ્ચારશાસ્ત્રની વ્યાખ્યામાં અશુદ્ધ હોઈ શકે છે. માનવીય અભિવ્યક્તિ તરીકે જરાય નહીં, કારણ કે ભાષા માણસના રંગસૂત્રો સાથે સંબંધ ધરાવે છે. તેને ભૂગોળ સાથે પણ નાતો છે. એટલે જ જુદા જુદા વિસ્તારોના ઉચ્ચારો જુદા જુદા હોય છે. જેને લહેકો અને લઢણ કહેવાય છે. ભાષાશાસ્ત્રીઓએ ભાષા અને બોલી એવા બે પ્રકાર ભલે પાડ્યા હોય, પણ ભાષાકીય વિપુલતા ધરાવતા ભારતમાં વિવિધ ઉચ્ચારોના રંગોની જે મસ્તી છે તે ભારતીય સમાજજીવનનું પ્રતિબિંબ છે.

ગુજરાતમાં પટ્ટણી, ચરોતરી, સુરતી, કાઠિયાવાડી, હાલારી એવી જુદા જુદા ઉચ્ચારોવાળી ગુજરાતી ભાષા બોલાય છે. એના બોલવાની લઢણ અને લહેકો એકબીજાથી જુદા પડે છે. તેમાં વિસ્તારો પ્રમાણે થોડો થોડો ફરક જોવા (સાંભળવા) મળે છે. એવી જ રીતે કચ્છમાં જે પ્રજા ગુજરાતી ભાષા બોલે છે અથવા જેમની માતૃભાષા ગુજરાતી છે, તેઓની બોલવાની રીત અલગ અલગ છે. એમાં વિસ્તાર કે જ્ઞાતિ પ્રમાણે કેટલીક સંજ્ઞાઓ પણ જુદી છે. કચ્છમાં જે જ્ઞાતિઓની માતૃભાષા ગુજરાતી છે તે જ્ઞાતિઓ મોટાભાગે પૂર્વ કચ્છના અંજાર, ભચાઉ, રાપર તાલુકામાં રહે છે. જેમાં તમામ બ્રાહ્મણ, તમામ પટેલ, જૈન, વાગડ વિસ્તારના લોહાણા, કોળી, ગુર્જર ક્ષત્રિય, ગુર્જર સુતાર, મચ્છુકાંઠાના દરજી, મેવાડા સુથાર, તમામ સોની, કંસારા, પ્રજાપતિ, તમામ આહિર, ગુર્જર મેઘવાળ, ચારણિયા મેઘવાળ, તુરી બારોટ, વાગડના સંઘાર, વાઘરી, સથવારા, ઢેબર રબારી, રામાનંદી સાધુ, વાગડના સંઘાર, આ જ્ઞાતિઓ મોટાભાગે ગુજરાતી બોલે છે. પશ્ચિમ કચ્છના કડવા અને લેઉવા પાટીદાર તેમ જ કચ્છી રબારી ગુજરાતી બોલે છે. કચ્છમાં કેટલીક એવી પણ જ્ઞાતિઓ છે જે પોતાના વ્યવહારમાં ગુજરાતી અને કચ્છી બેય ભાષાનો ઉપયોગ કરે છે. જેમાં જાડેજા રાજપૂત, મુસ્લિમ ઘાંચી, હિન્દુ ખત્રી, મારુ ગઢવી, ગોરજી, મોચી, પુષ્કર્ણા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, ગીરનારા બ્રાહ્મણ, ગૂગળી બ્રાહ્મણ, પાલિવાળ બ્રાહ્મણ, અબોટી બ્રાહ્મણ, સોમપુરા, સલાટ, ઇસ્માઈલી ખોજા, દાઉદી વહોરા, ભાવસાર, દાતણિયા, વાલ્મીકિ, વાદી, દશનામ ગોસ્વામી, વાગડની કેટલીક મુસ્લિમ જાતિઓ, લોહાણા અને ભાટિયા જેવી જ્ઞાતિઓ. કચ્છમાં રહેતા નાગર અને કાયસ્થ પોતાનો આંતરવ્યવહાર ગુજરાતીમાં કરે છે, પણ આ સાક્ષર જ્ઞાતિનો પુરુષવર્ગ બખૂબીથી કચ્છી બોલી જાણે છે. હવે જ્યારે વ્યાવસાયિક સ્થળાંતર ફરજિયાત જેવું બની રહ્યું છે ત્યારે મિશ્રભાષા અને બહુભાષા બોલનારો વર્ગ વધતો જાય છે, પરંતુ જે તે વિસ્તારની ઓળખ સમો તેનો લહેકો ત્યારે ફરી પાછો તેની જીભ ઉપર આવી જાય છે જ્યારે તે પોતાની મૂળ ભૂમિ ઉપર આવે છે.

કચ્છમાં સાતેક જાતની ગુજરાતી બોલાય છે, જે બોલનારી ચોક્કસ જ્ઞાતિઓ છે અથવા ચોક્કસ વિસ્તાર છે. કચ્છમાં ગુજરાતીની પ્રાદેશિક વિવિધતા પૂર્વ કચ્છમાં વિશેષ જોવા મળે છે. કડવા પાટીદાર, પ્રાંથડિયા આહિર, સોરઠિયા આહિર, કચ્છી રબારી, ચારણિયા મેઘવાળની ભાષા તેમ જ વાગડ પંથક અને કાંઠો એટલે કે શિકારપુર, જંગી ભચાઉ વિસ્તારની ભાષા જુદા જુદા પ્રકારે બોલાય છે. મુખ્યત્વે અંજાર અને ભચાઉ તાલુકામાં રહેતા ઢેબર રબારીઓની ગુજરાતી ભાષાનો લહેકો અલગ છે. આ વર્ગ પોતાનાં પશુઓ સાથે ગુજરાત તેમ જ મધ્યપ્રદેશ સુધી ફરતો રહેતો હતો એટલે એમની ભાષામાં વિવિધ શબ્દો પણ આવી ગયા છે. મુખ્યત્વે અંજારમાં જેમની વસ્તી વધારે છે એવા સોરઠિયા આહિરોની બોલવાની ખાસ લઢણ છે. સાથે તેઓ અમુક શબ્દોમાં આકારાંતનું એકારાંત કરે છે. જેમ કે બઉ ટેઢ (ટાઢ) વાય હે. તેઓ અમે માટે અમીં, ત્યાં માટે ઉંવાં અને એ (સર્વનામ) માટે ઈ બોલે છે. આવા અમીં અને ઉંવાં શબ્દપ્રયોગ ગુર્જર ક્ષત્રિયો પણ કરે છે. કચ્છમાં સાવ અલગ પડી જતી ભાષા હોય તો એ છે પ્રાંથડિયા આહિર અને ચારણિયા મેઘવાળોની. આ બેય જ્ઞાતિની ભાષા અમરેલી પંથકના કાઠી દરબારોની ભાષાને મળતી આવે છે.  પશ્ચિમ કચ્છના પાટીદારોની કચ્છી મિશ્રિત ગુજરાતીની લઢણ સાવ જુદી છે. કડવા પાટીદારોની ભાષા આઉં રો, જાઉં રો. એમણા, કેમણા, ઓલ્યું, જેવા શબ્દોથી અલગ પડે છે. ઢેબર રબારી ઉપરાંત કચ્છી રબારી જે મોટાભાગે માંડવી, ભુજ અને નખત્રાણા તાલુકામાં વસે છે, એમની ભાષામાં આવતા કેટલાક શબ્દો કચ્છની કોઈ ગુજરાતી સાથે ભળતા નથી.

gujarat saurashtra kutch columnists mavji maheshwari