બહેનો, ઓવરવર્કથી બર્ન આઉટ તો નથી થયાંને?

09 August, 2022 07:52 PM IST  |  Mumbai | Jigisha Jain

તમે તમારું જેટલું પોટેન્શિયલ છે એટલું કામ જ નથી કરી શકતા? આ સ્થિતિને બર્ન આઉટ કહે છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક આવતી આ પરિસ્થિતિમાં શું કરવું એ જાણીએ

બહેનો, ઓવરવર્કથી બર્ન આઉટ તો નથી થયાંને?

કામનું ભારણ કોને નથી હોતું, પણ એ ભાર નીચે તમે એટલા તો નથી દબાઈ ગયાને કે તમને કામમાં મજા જ નથી આવતી કે પછી તમે તમારું જેટલું પોટેન્શિયલ છે એટલું કામ જ નથી કરી શકતા? આ સ્થિતિને બર્ન આઉટ કહે છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક આવતી આ પરિસ્થિતિમાં શું કરવું એ જાણીએ

શું તમે અતિશય થાકી જાઓ છો? જો એનો જવાબ હા હોય તો પહેલાં વિચારો કે આ શારીરિક છે કે માનસિક? થાક ફક્ત શારીરિક નથી હોતો, માનસિક પણ હોય છે. શારીરિક રીતે જ્યારે માણસ થાકે ત્યારે એક સારી ઊંઘ તેને ફ્રેશ કરવા માટે પૂરતી થઈ જાય છે પરંતુ માનસિક રીતે જ્યારે માણસ થાકે છે ત્યારે એ થાક ઉતારવા માટે અલગ પ્રકારના રિલૅક્સેશનની જરૂર રહે છે. જો તમે શારીરિક જ નહીં, માનસિક રીતે પણ અત્યંત થાકી ગયા છો તો...
દરરોજ સવારે જ્યારે ઊઠવાનું અલાર્મ વાગે છે ત્યારે તમે ખુશ થઈને ઊઠો છો કે એક એનર્જી સાથે ઊઠો છો? આજનાં જેટલાં પણ કામ તમે વિચાર્યાં છે એ કામ માટે કે તમારા કામની જગ્યાએ જવા માટે તમે કેટલા ઉત્સાહી છો? જો તમને એ ઉત્સાહમાં ખોટ લાગી રહી છે અથવા તો કામ પર જવાનું તમારું મન જ નથી થતું છતાં તમે તમારી જાતને ઢસડી રહ્યા છો તો...
પહેલાં જેવું હવે તમારાથી કામ નથી થતું અને એનું કોઈ દેખીતું કારણ તમારી સામે પણ નથી. તમને મેમો પર મેમો મળી રહ્યા છે અથવા તો ભલે તમને તમારા બૉસ કોઈ ફરિયાદ નથી કરી રહ્યા પણ તમારો આત્મા જાણે છે કે તમે તમારી જેટલી આવડત છે એટલું પર્ફોર્મ નથી કરી રહ્યા તો...
શું તમને તમારા કામથી ફ્રસ્ટ્રેશન આવી રહ્યું છે? કામ બાબતે અને સાથે કામ કરતા લોકો પર તમે અવારનવાર ગુસ્સે થઈ જાઓ છો? તમારા ગુસ્સા પાછળ તમારી પાસે કોઈ લૉજિકલ એક્સપ્લેનેશન નથી? કામ પર આવેલા સામાન્ય પ્રૉબ્લેમ્સ પણ તમને ખૂબ મોટા પહાડ જેવા લાગે છે અને તમે એને લીધે અતિ ડિસ્ટર્બ થઈ જાઓ છો, જેને લીધે તમારી પર્સનલ લાઇફ પણ ખરાબ થઈ રહી છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા હોય તો...
તો સમજી શકાય કે તમે બર્ન આઉટના શિકાર થયા છો. આ ટર્મ આમ તો સાઇકોલૉજીમાં ઘણી જૂની છે પણ આજકાલના વર્ક કલ્ચરમાં એ ઘણી સહજ રીતે સાંભળવા મળે છે. પહેલાં એવું મનાતું હતું કે આ સ્થિતિ માત્ર પુરુષોના જીવનમાં જ આવે છે, પણ હવે સ્ત્રીઓમાં પણ નોકરી અને ઍન્ટ્રપ્રિન્યૉરશિપનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સ્ત્રીઓ બર્નઆઉટ ફીલ કરી રહી છે. આ કોઈ મેડિકલ કન્ડિશન નથી જેનું નિદાન કોઈ ટેસ્ટ થકી કરી શકાય. પરંતુ ખુદ પર થોડું ધ્યાન આપીને, ખુદને થોડું ઊંડાણથી સમજીને વ્યક્તિ ખુદ જ કહી શકે છે કે એ બર્ન આઉટનો શિકાર બની છે. આજે જાણીએ આ પરિસ્થિતિ વિશે ઊંડાણમાં અને સમજીએ એનાં સોલ્યુશન્સ સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા અને સક્સેસ કોચ અમિત કાપડિયા પાસેથી. 
ખુદ ઓળખો 
આજનો સમય એવો છે કે કામ જ જીવન બની ગયું છે એને ધ્યાનમાં રાખતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘વ્યક્તિ નોકરી કરે કે બિઝનેસ, દિવસમાં દસ-બાર કલાક એમાં જ જતા રહે અને સાથે ઘરના કામને પહોંચી વળવા માટેની ઉતાવળ હોય ત્યારે કેટલુંય ગમતું કામ કેમ ન હોય પરંતુ એમાં પણ થાક તો લાગે જ છે, કારણ કે અતિની ગતિ નથી હોતી. જ્યારે અઢળક કામ તમે તમારા માથે લઈ લો છો ત્યારે એ જવાબદારીઓ નીચે તમે દબાઈ જાઓ છો અને એ દબાણ બર્ન આઉટ થઈને બહાર આવે છે. એને લીધે કામ, વ્યક્તિની પર્સનલ લાઇફ, તેનું માનસિક સંતુલન, તેનું વર્ક-લાઇફ બૅલૅન્સ, તેના જીવનનો આનંદ બધું જ ખોરવાઈ જાય છે. આને લીધે ઘણા લોકો નિરાશ થઈને કામ છોડી દે છે. ઘણી વાર બર્ન આઉટનો ઉપાય ન થાય તો એ કોઈ પણ પ્રકારની સાઇકોલૉજિકલ ઇલનેસમાં પરિણમી શકે છે. આવું ન થાય એટલે સમય રહેતાં ચેતવું જરૂરી છે. ઘણા લોકો છે જે તેમના બર્ન આઉટને ઓળખી જ નથી શકતા. પહેલાં જરૂરી છે કે એને ઓળખો. ચિહ્નોને નૉર્મલ સ્ટ્રેસ કે ટેન્શન સાથે સરખાવીને ઘણા એને અવગણતા હોય છે. સરળ શબ્દોમાં જો તમે તમારા કામથી એટલા થાકી ગયા છો કે હવે એ કામ યોગ્ય રીતે થતું નથી તો તમને બર્ન આઉટ છે અને એના ઉપાયની તમને જરૂર છે.’
થવાનું કારણ શું?
ઘણી વાર એવું હોય છે કે વ્યક્તિએ કોઈ એવું કામ પસંદ કરી લીધું હોય છે જે તેને ગમતું હોતું નથી. મનગમતાં કામને છોડીને જ્યારે તે બીજા કામમાં પોતાનું જીવન ઇન્વેસ્ટ કરે છે ત્યારે બર્ન આઉટ જલદી આવે છે. કામ મનગમતું પણ હોય પરંતુ ઘણું વધારે હોય, પર્સનલ લાઇફ માટે સમય ન કાઢી શકતો હોય અથવા શ્વાસ લેવાનો પણ સમય ન હોય એવી પરિસ્થિતિમાં ભલે કામમાં મજા આવતી હોય પણ વધુ કામ અને જવાબદારીઓને લીધે પણ બર્ન આઉટ થઈ શકે છે. આ સિવાય કામમાં જો તમારી કદર ન થતી હોય, તમને નવું શીખવા ન મળતું હોય, કલીગ્સ તમને ટાર્ગેટ કરીને આગળ ન વધવા દેતા હોય, અંદરના પૉલિટિક્સ સાથે તમે દરરોજ ડીલ કરવું પડતું હોય, તમારી જૉબમાં કોઈ ચૅલેન્જ ન હોય જેથી રૂટીનમાં રહીને તમે કંટાળી ગયા હો અને એ કંટાળો વધીને ફુગાવા સુધી પહોંચી ગયો હોય તો પણ બર્ન આઉટ આવી શકે છે. 
શું કરવું? 
બર્ન આઉટ હંમેશાં અચાનક નથી આવતું, એ વર્ષોથી ધીમે-ધીમે બિલ્ડ-અપ થાય છે એટલે એનો ઉપાય પણ ઝટકામાં કામ નહીં કરે એમ સમજાવતાં સક્સેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘ધીમે-ધીમે એક પછી એક તકલીફને તમે સૉલ્વ કરતા જઈને આ કામ કરી શકો છો. જ્યારે એક વખત તમે ઓળખી લીધું કે આ બર્ન આઉટ છે પછી એના સોલ્યુશન માટે ખુદ પ્રયાસ કરી શકો છો અથવા પ્રોફેશનલ્સની મદદ લઈ શકો છો. ઘણી વાર પ્રોફેશનલ સપોર્ટ ઘણો સરળ અને અસરકારક બને છે, કારણ કે જો વ્યક્તિ ખુદ એટલી સજાગ હોય કે એ જાતે પ્રયાસ કરીને બહાર આવી શકતી હોય તો બર્ન આઉટ જેવી અવસ્થા આવે જ નહીં. પ્રોફેશનલ સાથે વાત કરો અને તેની મદદથી પર્ફેક્ટ સોલ્યુશન મેળવો.’

રજા જ એકમાત્ર ઉપાય નથી
એ હકીકત છે કે તમે થાકી ગયા છો, પણ એનું સોલ્યુશન એક નાનકડો હૉલિડે નથી હોતો એમ સમજાવતાં અમિત કાપડિયા કહે છે, ‘તમે જ્યારે ૪ દિવસના બ્રેક પછી ફ્રેશ થઈને પાછા આવો છો ત્યારે સ્ટ્રેસ દૂર થઈ શકે છે, બર્ન આઉટ નહીં. આ બ્રેક્સ જરૂરી જ છે, પણ પૂરતા નથી. બર્ન આઉટ માટે પહેલાં તો કામ તમારું મનગમતું હોવું જરૂરી છે, કારણ કે એવું ન હોય તો વારંવાર બર્ન આઉટ આવશે. કામ જ્યારે વધુ છે ત્યારે એ વિશે તમારે કાર્યરત થવું પડશે. સિનિયર્સને ના પાડતાં શીખો, તમારા હાથ નીચે કામ કરતા લોકોને સારી રીતે ટ્રેઇન કરીને કામની વહેંચણી કરી લો. બધું મારે જ કરવું એવા દુરાગ્રહો ન રાખો. સમયે-સમયે જરૂરી બ્રેક લો. ઑફિસના પૉલિટિક્સમાં ન ફસાઓ એનું પૂરતું ધ્યાન આપો. નવી વસ્તુઓ શીખવાની અને કરવાની હિંમત અને ઉત્સાહ તમારી અંદર જળવાઈ રહે એનું ધ્યાન રાખો. આ સિવાય પૂરતી ઊંઘ, સમય પર હેલ્ધી ખોરાક અને દરરોજની અડધાથી એક કલાકની એક્સરસાઇઝ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે કારગર નીવડશે.’

columnists Jigisha Jain