સંબંધોથી તમે જોડાયા છો કે સંબંધો તમારી સાથે જોડાયેલા છે?

15 February, 2021 10:24 AM IST  |  Mumbai | Manoj Joshi

સંબંધોથી તમે જોડાયા છો કે સંબંધો તમારી સાથે જોડાયેલા છે?

પ્રતીકાત્મક તસવીર

સંબંધોના મૅનેજમેન્ટની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાના પક્ષે ઉધારી માંડીને બેસી જતી હોય છે. જમા-ઉધાર અને નફો-નુકસાન જ્યારે સંબંધોમાં જોવાય છે ત્યારે મોટા ભાગે ખોટ સંબંધોએ ભોગવવી પડે છે અને સંબંધોમાં જ્યારે ખોટ આવે છે ત્યારે એ સંબંધો તૂટવાની કગાર પર આવીને ઊભા રહી જાય છે. યાદ રાખવું કે સંબંધો નહીં બંધાય કે નહીં જોડાય એ ચાલી શકે, પણ સંબંધો તૂટે એ ન ચાલવું જોઈએ. એક પણ પક્ષથી અને એક પણ દિશાએથી.

ક્યારેય નહીં અને કોઈ જ દિવસ નહીં. સંબંધો માટે ઘસાવામાં અનેક લોકોને એની તકલીફ પડતી હોય છે, પણ તકલીફ પડતાં સૌકોઈએ એક વાત યાદ રાખવી જોઈએ કે જેમાં ઘસાવું પડે એનું જ નામ સંબંધો, બાકી બધા તો વ્યવહાર હોય. જેમાં આદાન-પ્રદાનનો હિસાબ થઈ જાય અને આદાન-પ્રદાનની નીતિરીતિ અપનાવી લેવામાં આવે. ફલાણાએ લગ્નમાં આટલાનું કવર કર્યું હતું તો એટલા રૂપિયાનો જ વ્યવહાર આપણે કરવાનો હોય. આ જે નીતિ છે એ નીતિવ્યવહાર છે અને ફલાણાનાં લગ્નમાં આપણે સૌથી પહેલાં જઈને ઊભા રહીશું તો તેને કામ લાગીશું. આ જે નીતિ છે એ સંબંધ છે. કોઈના સુખે સુખી થઈએ એ વ્યવહાર હોઈ શકે, પણ કોઈના દુઃખે પારાવાર પીડા થાય એ સંબંધનું પ્રતીક છે. સંબંધો જાળવવા માટે એક પણ પ્રકારના મૅનેજમેન્ટની જરૂર નથી, ક્યારેય નહીં અને કોઈ જ દિવસ નહીં. સંબંધો માટે કોઈ રિલેશનશિપ કાઉન્સિલરની પણ આવશ્યકતા હોય, એવું પણ ધારવું ગેરવાજબી છે.

કેવી રીતે જીવવું એ જો તમને દુનિયાનું કોઈ ત્રાહિત માણસ શીખવે તો માની લેવાનું કે તમે સંબંધોને લાયક નથી અને તમારી લાયકાત લાગણીઓની પણ નથી. કેવી રીતે જીવવું એ કઈ રીતે બીજું કોઈ ત્રાહિત શીખવી શકે અને એ પણ એવું ત્રાહિત જેની સાથે તમારા કોઈ વ્યવહારો નથી, તમારી સાથે એનું કોઈ જોડાણ નથી અને એક તબક્કે તમે તેને ઓળખતા પણ નહોતા. આ પ્રકારનું કાઉન્સિલિંગ એ અમેરિકન વિધિ છે, એક એવી વિધિ જે વિધિની સીધી ઉઠાંતરી કરવામાં આવી છે. બિલકુલ એવી જ રીતે જેવી રીતે આપણે સીધા બ્રિટનના ડિટેક્ટિવને ઉપાડી લાવ્યા. આપણો ડિટેક્ટિવ ઓવરકોટ પહેરે છે અને માથે ટોપી પહેરે છે. મુંબઈની આ ગરમીમાં એક વાર ઓવરકોટ અને હૅટ પહેરીને નીકળો તો ખરા ભાઈ, પ્રેસરકુકરમાં બફાઈ ગયેલા બટાટા જેવી હાલત થાય એવી હાલત થઈ જાય. જો આપણો ડિટેક્ટિવ ઓવરકોટ પહેરે તો ન ચાલે તો એવી જ રીતે, આપણા સંબંધોને સંભાળવા અને સમજવા માટે કોઈ ત્રાહિત પાસે સલાહ લેવા જવું પડે એ પણ ન ચાલે, ન ચાલી શકે. તમારા સંબંધો છે અને તમારા આ સંબંધોને તમારે જ હૅન્ડલ કરવાના છે, મૅનેજ કરવાના છે અને એ કરવા જ પડશે. એ વિના નહીં ચાલે. જો કોઈ બીજું જમે અને તમારું પેટ ભરાઈ જતું હોય તો કોઈ તમને કેવી રીતે સંબંધો સાચવવા એની સલાહ આપે એ ચાલે, પણ એવું થતું નથી એની તમને ખબર છે અને આ જ જાણકારીને અંગત સંબંધો સાચવી રાખવા માટે યાદ રાખવાની છે.

manoj joshi columnists