શું તમને પણ છે પર્ફેક્ટ બૉડીનું પ્રેશર?

27 July, 2021 07:30 PM IST  |  Mumbai | Jigisha Jain

જાડી હોય કે પાતળી, ગ્લૅમર વર્લ્ડની હોય કે સામાન્ય; પર્ફેક્ટ બૉડીના માપદંડમાં સમાજ સ્ત્રીને તોલતો જ રહે છે. સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલતું રહેશે?

શું તમને પણ છે પર્ફેક્ટ બૉડીનું પ્રેશર?

થોડા સમય પહેલાં ટીવી ઍક્ટ્રેસ છવી મિત્તલના વિડિયો પર કોઈકે તેને હાડપિંજર જેવી પતલી છે એવી કમેન્ટ કરીને બૉડી શેમિંગનો મધપૂડો છંછેડ્યો ને ઍક્ટ્રેસે પણ બોલતી બંધ કરી દેતો જવાબ આપ્યો. આ કોઈ નવી વાત નથી. જાડી હોય કે પાતળી, ગ્લૅમર વર્લ્ડની હોય કે સામાન્ય; પર્ફેક્ટ બૉડીના માપદંડમાં સમાજ સ્ત્રીને તોલતો જ રહે છે. સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલતું રહેશે?

જિગીષા જૈન 
feedbackgmd@mid-day.com
અરે! કંઈક ખાતી જા. દિવાસળી જેવું શરીર છે. કોઈ ફૂંક મારશે તો ઊડી જશે. 
તું તો ભારે જાડી દેખાય છે! કાળા રંગનાં કપડાં જ પહેરતી જા. થોડું શરીર વ્યવસ્થિત લાગે.
સ્લીવલેસ કપડાં પહેરવાનો શોખ હોય તો પહેલાં દૂબળી થા. 
તારા ગાલના ગટ્ટા ખૂબ વધેલા છે એટલે હસવાનું થોડું ઓછું કર નહીંતર બધા લાફિંગ બુદ્ધા કહીને ચીડવશે. 
આવી કેટલીય કમેન્ટ છોકરીઓ તેમના રોજિંદા જીવનમાં સહન કરતી હોય છે. છોકરી પાતળી હોય કે જાડી, તેણે કંઈક ને કંઈક તો સાંભળવું જ પડે છે. અમુક લોકો કહે છે કે ગ્લૅમર ઇન્ડસ્ટ્રીને કારણે છોકરીઓ સહન કરે છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મૉડલ્સ અને ઍક્ટર્સને એટલી બધી પર્ફેક્ટ બૉડી સાથે દર્શાવવામાં આવે છે કે એના પ્રતાપે સામાન્ય છોકરીઓ પર પણ પર્ફેક્ટ શરીર રાખવાનું પ્રેશર સમાજ ઊભું કરે છે. પરંતુ દરેક શરીર અલગ છે અને એમાં પર્ફેક્ટ જેવું કશું હોતું નથી એ દરેક વ્યક્તિ સમજી શકતી નથી. જોકે અત્યારે હાલ એવા છે કે ગ્લૅમર વર્લ્ડની છોકરીઓ પણ આ બૉડી શેમિંગની તકલીફ સામે પોતાની નારાજગી જતાવી રહી છે. હાલમાં ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે કામ કરતી ઍક્ટ્રેસ છવી મિત્તલને સોશ્યલ મીડિયા પર તેના વધુપડતા પાતળા હોવા પર કમેન્ટ મળી હતી. તેના હાથ હાડપિંજર જેવા દેખાય છે એવી વાત કોઈએ લખી હતી અને તેને સલાહ આપી હતી કે ખોટા ડાયટના ચક્કરમાં ન પડ. જેના પર છવીએ કહ્યું હતું કે તે વીસેક વર્ષની હતી ત્યારથી લોકો તેને તેના હાથ વિશે કમેન્ટ કરીને કહે છે કે તારા હાથ રફ છે. આ કમેન્ટ તેને એટલા માટે અસર કરી ગઈ, કારણ કે વર્ષોથી કોઈને કોઈ તેને તેના હાથ વિશે કહેતું આવ્યું છે. એ કહે છે કે હું જેવી પણ છું એવી જ ખુદને પ્રેમ કરું છુ. 
ગ્લૅમર વર્લ્ડની જરૂરિયાત 
ગ્લૅમર વર્લ્ડમાં અમુક પ્રકારના દેખાવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ‘અનુપમા’ સિરિયલમાં કિંજલનું પાત્ર ભજવતી ઍક્ટ્રેસ નિધિ શાહ કહે છે, ‘કૅમેરા સામે જો તમારે કામ કરવું હોય તો જરૂરી છે કે તમે જેટલા સારા દેખાઈ શકતા હો એટલા સારા દેખાઓ. એ કામની જરૂરિયાત છે એવું સમજી શકાય. એટલે અમારી ઇન્ડસ્ટ્રીમાં પર્ફેક્ટ બૉડી હોવી જરૂરી છે. પણ આ પર્ફેક્ટની વ્યાખ્યા બધા માટે પોતપોતાની હોઈ શકે. એટલે એમ તો કહી જ શકાય કે તમારું શ્રેષ્ઠ રૂપ તમારે કૅમેરા સામે ખડું કરવાનું હોય છે. પરંતુ એનો અર્થ જરાય એવો નથી કે દરેક છોકરીએ એ જ રીતે જીવવું. દરેક પ્રોફેશનની જરૂરિયાત જુદી હોય છે. સારા જ દેખાવાનું અને શેપમાં રહેવાનું પ્રેશર દરેક છોકરી કે સ્ત્રીના માથે ન હોવું જોઈએ.’ 
નેગેટિવ કમેન્ટ્સ 
બૉડી શેમિંગ બાબતે પોતાના અનુભવ વિશે વાત કરતાં નિધિ કહે છે, ‘મારું વજન હંમેશાં વધ-ઘટ થતું. હું કૉલેજમાં હતી ત્યારે મારું વજન ખૂબ વધી ગયેલું. હું અમારા ગ્રુપમાં સૌથી બટકી અને જાડી હતી એટલે લોકો મને ખૂબ કહેતા. એવું નથી કે તમને એ અસર ન કરતું હોય પણ મેં એ સમયે ખુદને મજબૂત કરવા માટે વિચારેલું કે જે પણ છે, મારા જેવું કોઈ નથી. હું બેસ્ટ છું. અને હું ઇચ્છું તો હું આનાથી પણ સારી બની શકું છું. નેગેટિવ કમેન્ટ્સની અસર મેં બને એટલી ઓછી થવા દીધી. ૪-૫ વર્ષમાં મેં મારા બેસ્ટ વર્ઝનને અચીવ કર્યું.’
ટીનએજથી આવતું દબાણ 
એક છોકરી તરીકે સારા દેખાવાનો ભાર સાવ ૧૨-૧૩ વર્ષની નાની ઉંમરથી જ છોકરીઓના ખભા પર નાખી દેવામાં આવતો હોય છે. એ ઉંમરથી આ ભારને કારણે તેમની માનસિકતા પર એનો શું પ્રભાવ પડે છે, તેમનો આત્મવિશ્વાસ કેટલી હદે ડગમગે છે, તેઓ કેટલી વાર આહત થતી હોય છે એનો તાગ લગાવવો મુશ્કેલ છે. પોતાની આપવીતી જણાવતાં ૪૭ વર્ષનાં વિલે પાર્લેનાં એક ઇવેન્ટ મૅનેજર વૈશાલી શાહ કહે છે, ‘સાતમા-આઠમામાં ભણતી હોઈશ જ્યારે સ્કૂલના કોઈ તોફાની છોકરાઓએ મારી મસ્તી કરી હશે. એ સમયથી મારા ઘણાબધા હિતેચ્છુઓ, સગાંસંબંધી બધાએ મને વજન ઉતારવાની કોઈને કોઈ સલાહ આપવાનું શરૂ કર્યું જેમાં સૌથી પહેલાં આ ખવાય અને આ ન ખવાય એ હતી. આખી દુનિયા મારી આ ખવાય અને આ ન ખવાયમાં વહેંચાઈ ગઈ. એ ઉંમરથી જ મારા પર વજનનું એટલું દબાણ નાખી દેવામાં આવેલું કે હું એ રીતે ક્યારેય જીવનને માણી જ ન શકી.’
સમાજનું મોં બંધ કરો 
ટીનએજમાં કે યુવાન વયે જે સહન કર્યું હોય એ પછી છોકરીઓની ઉંમર વધતાં તેમની અંદર મૅચ્યોરિટી આવે, સમાજ સામે લડવાની હિંમત આવે, લોકોને જવાબ આપતાં આવડે. આ બધું જ ખરેખર તો આવડે નહીં, શીખવું પડે. સૌથી પહેલાં તો ખુદને પ્રેમ કરતાં શીખવું પડે. વૈશાલી શાહે તેમની ૧૮ વર્ષની દીકરીને શીખવ્યું છે કે લોકોનાં મંતવ્યોને કારણે તારે ફુટબૉલ બનવું નહીં. એ પોતે તો લોકોની કમેન્ટ્સથી બચી ન શક્યાં પરંતુ આજની છોકરીઓ માટે તેઓ લડે છે. એ વિશે વાત કરતાં વૈશાલી કહે છે, ‘મારી સામે ૧૬-૧૮ વર્ષની છોકરીઓને સમાજના લોકો જ્યારે કહે છે કે અરે, તું તો જાડી થઈ ગઈ કે તારા ગાલ તો એકદમ ટેડી બેર જેવા ભરાઈ ગયા છે ત્યારે તરત જ હું એ કમેન્ટકર્તાઓને સંભળાવી દઉં છું કે અંકલ તમારી ટાલ તો જબરદસ્ત ચમકે છે કે તમારું પેટ તો ભારે ફૂલી ગયું છે. આ કમેન્ટથી તેઓ છોભીલા પડે છે અને બીજી વાર ક્યારેય કોઈ છોકરી કે સ્ત્રી પર આવી કમેન્ટ કરતા નથી. સમાજે છોકરીઓને બક્ષી દેવી જોઈએ.’

જાડી છોકરીઓને સમાજ શાંતિથી જીવવા નથી દેતો

લોકોની કમેન્ટને કારણે મન પર કેવી અસરો પડે છે એની અંગત વાત શૅર કરતાં ઇવેન્ટ મૅનેજર વૈશાલી શાહ કહે છે, ‘દરેક વ્યક્તિને એવું હશે કે ક્યારેક ઓછું ખાધું અને ક્યારેક દબાવીને ખાધું. પરંતુ મને યાદ નથી કે મારા સમગ્ર જીવનમાં મેં ક્યારેય બે રોટલીથી વધારે ખાધું હશે. શું મારી થાળીમાં કોઈ દિવસ ત્રીજી રોટલી પીરસાઈ નહીં હોય? શું મને કોઈએ આગ્રહ કરીને કહ્યું નહીં હોય કે લેને થોડું વધારે? શું કોઈ દિવસ મને કકડીને એવી ભૂખ નહીં લાગી હોય કે બેની જગ્યાએ ચાર રોટલી જતી રહે તો પણ ખબર ન પડે? મારી ભૂખ, મારું મન કે મને શોખથી કંઈ પણ ખાવાની ઇચ્છા એટલી સ્ટ્રૉન્ગ ન સાબિત થઈ જેટલું સ્ટ્રૉન્ગલી મારા મનમાં એ ઘર કરી ગયું છે કે ઝાઝું ખાવાથી જાડા થઈ જવાય. જાડી છોકરીઓને સમાજ શાંતિથી જીવવા દેતો નથી એ હકીકત છે. દરેક જગ્યાએ તેના અચીવમેન્ટ્સ, તેની ટૅલન્ટ, તેની આવડત બધું જ સાઈડ પર રહી જાય છે અને લોકોને દેખાય છે તો બસ તેનું વજન.’

 ઘણીબધી છોકરીઓ ઍનોરેક્સિયા જેવા રોગની ભોગ બને છે જેમાં તે કંઈ પણ ખાય તો ખોરાક ઊલટી થઈ જતો હોય છે. ટીનએજ કે યુવાન વયે છોકરીઓને સંભાળવાના કામમાં માતા-પિતાનો રોલ ઘણો મોટો છે. હેલ્થ માટે વજન ઓછું કરવું જરૂરી તો છે પરંતુ પ્રેશરમાં આવીને એ કરવું યોગ્ય નથી.      
કિંજલ પંડ્યા, સાઇકોલૉજિસ્ટ

columnists Jigisha Jain