એક જગ્યાએ જપીને બેસી ન શકો એવો સ્વભાવ છે તમારો?

06 February, 2019 12:16 PM IST  |  | રુચિતા શાહ

એક જગ્યાએ જપીને બેસી ન શકો એવો સ્વભાવ છે તમારો?

પ્રતીકાત્મક તસવીર

આનો અર્થ તમારામાં વાયુ તત્વ વધારે હોઈ શકે છે અને તમે ચંચળ અને ક્રીએટિવ હશો. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે એમ આપણે માનીએ છીએ. એ જ રીતે ચાઇનીઝ લોકો માને છે કે દરેક વ્યક્તિની પર્સનાલિટી પણ મુખ્ય પાંચ તત્વોની બનેલી છે. મોટા ભાગે લોકોમાં એક યા બે તત્વોનું આધિપત્ય હોય. દરેક તત્વના વિશેષ ગુણધર્મનો પ્રભાવ વ્યક્તિ પર પણ પડે. પાંચ તત્વમાંથી કયું તત્વ વધારે હોય ત્યારે વ્યક્તિ કેવી હોય એ વિશે ચીનાઓ શું માને છે એના પર થોડીક વાત કરીએ

વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોથી આપણે અને આખું બ્રહ્માંડ બનેલું છે. ભારતીય સંસ્કૃતિમાં આ મૂળભૂત સિદ્ધાંત છે બરાબર? જોકે ચીનાઓનાં શાસ્ત્રો અને વિવિધ ઉપચાર પદ્ધતિઓમાં પાંચ એલિમેન્ટની ચર્ચા કરવામાં આવી છે જેને ચાઇનીઝમાં ‘વુ ઝિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. ચાઇનીઝ સારવાર પદ્ધતિમાં પાંચ એલિમેન્ટના આધારે ઇલાજની દિશા પણ નક્કી કરવામાં આવતી હોય છે. પાંચ તત્વોની પાંચ પ્રકારની એનર્જી છે. ચાઇનીઝ સિસ્ટમના ખેરખાંઓનું કહેવું છે કે આ પાંચ એનર્જી ઓછાવત્તા પ્રમાણમાં દરેક વ્યક્તિમાં હોય છે. જોકે પાંચમાંથી એક યા બે એનર્જીનું પ્રમાણ વધારે હોય અને જેનું પ્રમાણ વધુ હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ એ એનર્જીના ગુણધર્મ સાથે ઘડાતું હોય છે. પાંચ એલિમેન્ટ્સમાં પહેલા સ્થાને વુડ એટલે કે લાકડું આવે, જેની એનર્જી ગણાય વિન્ડ એટલે કે વાયુ. બીજા નંબરે ફાયર એટલે કે અગ્નિ આવે, જેની એનર્જી ગણાય હીટ (ઉષ્ણતા). ત્રીજા નંબર પર આવે અર્થ એટલે કે પૃથ્વી, જેની એનર્જી આવે હ્યુમિડિટી (ભેજ). ચોથા નંબરનું એલિમેન્ટ છે મેટલ અને એની એનર્જી છે ડ્રાયનેસ. છેલ્લું અને પાંચમું એલિમેન્ટ છે વૉટર, જેની એનર્જી છે કોલ્ડનેસ.

ચાઇનીઝ ઑલ્ટરનેટિવ મેડિસિન્સના જાણકાર ડૉ. કેતન દુબલ કહે છે, ‘જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરમાં પાંચ તત્વો છે. આપણા પ્રત્યેક વ્યવહાર અને વર્તનમાંથી પણ આ પાંચ તત્વો છલકાય છે. આ પાંચ એનર્જીને ઓળખીને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે એનો અંદાજ લગાવી શકાય. ટ્રીટમેન્ટમાં પણ અમારી પાસે આવેલા દરદીમાં કયા પ્રકારની એનર્જી વધુ છે અથવા કયું એલિમેન્ટ વધી ગયંક છે એ જાણવું મહત્વનું હોય છે. જે એલિમેન્ટ વધ્યું હોય એ એલિમેન્ટને લગતા રોગો થઈ શકે છે. જો કોઈક તત્વ વધ્યું હોય તો એની વિરુદ્ધનું તત્વ વધારીને બૅલૅન્સ કરવામાં આવતું હોય છે. બિલકુલ આયુર્વેદના સિદ્ધાંતની જેમ. વાત, પિત્ત અને કફનું સંતુલન શરીરમાં ખોરવાય તો રોગ થાય. ચાઇનીઝ ફિલોસૉફીની દૃષ્ટિએ આ પાંચ એલિમેન્ટના પ્રમાણમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે શારીરિક અને માનસિક રોગો થતા હોય છે. એવા સમયે જે એનર્જી વધી હોય એને ઘટાડવી અને જે એનર્જી જરૂરિયાત કરતાં ઘટી હોય એને ટોનિફાય કરવી એટલે કે વધારવી. એટલું જ કરીને રોગોની સારવાર કરવામાં આવતી હોય છે.’

પર્સનાલિટીને ઓળખવામાં આ પાંચ તત્વો કઈ રીતે ઉપયોગી છે એના પર ડૉ. કેતન દુબલે આપેલી માહિતીને વિગતવાર વાત કરીએ.

વિન્ડ

વિન્ડ એટલે કે વાયુ અથવા પવનનો સ્વભાવ છે ચંચળતા. મોટા ભાગે બાર વર્ષ સુધીના બાળકમાં આ તત્વનું પ્રમાણ વધુ હોય. બાળકોની ચંચળતા પાછળનું કારણ પણ આ વાયુ તત્વ જ છે. વાયુનો બીજો સ્વભાવ ગ્રોથ ગણાય છે. અતિ મૂવમેન્ટ હોય, ચંચળતા હોય, અનપ્રિડિક્ટેબલ હોય, અસંતોષ જેનો સ્વભાવ હોય, ખૂબ જલદી બોર થઈ જવાની માનસિકતા હોય આ બધા વધુપડતું વાયુ તત્વ હોવાના ગુણો થયા. જોકે આ તત્વ વધુ હોય એ લોકો ક્રીએટિવિટીની બાબતમાં ચડિયાતા હોય. જેને જપ ન પડે અને એક જગ્યાએ શાંતિ રાખીને ટકી ન શકે અને સતત કંઈક ને કંઈક કરવા જોઈએ, શાંતિથી બેસાડ્યા હોય તો પગ હલાવે, પેનથી રમતા હોય, વાળની લટથી રમતા હોય. ટૂંકમાં જે કરવા કહ્યું છે એની સાથે એક્સ્ટ્રામાં કોઈ પણ મૂવમેન્ટ કરતા હોય એ લોકોમાં વાયુ તત્વ વધારે હોઈ શકે છે. વાયુ તત્વ વધુ હોય તેમની પર્સનાલિટીની ખૂબી એટલે રચનાત્મક સ્વભાવ. નિશ્ચિંત થઈને પોતાની મસ્તીમાં રહેનારા, સ્વતંત્ર વિચારધારા ધરાવનારા, ફ્લેક્સિબલ અપ્રોચ રાખનારા, મજાકિયા સ્વભાવના હોય. તેમની મર્યાદા એટલે સાતત્યતાનો અભાવ, જિદ્દી, સહેજ ઇન્સેન્સિટિવ, મૂડી અને અનપ્રિડિક્ટેબલ.

હીટ

તેરથી છવ્વીસ વર્ષની ઉંમરના લોકોમાં મોટા ભાગે હીટ એનર્જીનું પ્રમાણ વધુ હોય છે. અગ્નિ તત્વની એનર્જી હીટ છે, જે પ્રકાશ આપવાનું કામ કરે. આ એનર્જી વધુ હોય એ લોકો ખૂબ પૅશનેટ, હૂંફાળા અને જ્યાં જાય ત્યાં અજવાળું પાથરવાના ગુણો ધરાવતા હોય છે. આ એનર્જી વધુ હોય એ લોકો બૉર્ન લીડર પણ ગણાય છે. આ એનર્જી હોય એ લોકોની ઇન્સ્ટિંક્ટ ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય છે અને તેઓ પોતે પોતાની અંત:સ્ફુરણાને મહત્વ પણ આપે છે અને એને સંપૂર્ણ કમિટેડ પણ હોય છે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને હકારાત્મકમાં કન્વર્ટ કરવાની ક્ષમતા આ એનર્જીના લોકોમાં હોય છે. આ એનર્જીની નકારાત્મક બાજુ એટલે આ એનર્જીના લોકોમાં ગુસ્સો વધુ હોય છે. પૅશન અને ઍન્ગરને કારણે ઘણી વાર હકારાત્મક પરિસ્થિતિને નેગેટિવ બનાવતાં પણ તેમને સમય નથી લાગતો. બાકી ચાર તત્વોની તુલનાએ અગ્નિ તત્વની પ્રધાનતા ધરાવતા લોકો હંમેશાં અન્ય પર અવલંબિત હોય છે. તેમને મોટિવેશન માટે, સ્ટેબિલિટી માટે અને ગ્રોથ માટે પોતાના પ્રિયજનની આવશ્યકતા સતત રહે છે. બુદ્ધિ કરતાં હૃદયનો ઉપયોગ વધુ કરનારા આ એનર્જીના લોકો સાહસિક, નર્ણિયાત્મક, ફોકસ્ડ, પૅશનેટ અને પ્રભાવશાળી હોય છે. જોકે ગુસ્સાવાળા, સહેજ ઑબ્સેસિવ, ઈર્ષાળુ અને વાતે-વાતે ચીડાઈ જનારા પણ હોય છે.

હ્યુમિડિટી

હ્યુમિડિટી એટલે ભેજ. ચાઇનીઝ ફિલોસૉફી મુજબ આ એનર્જી પૃથ્વી તત્વ વધુ ધરાવનારા લોકોમાં હોય છે. એટલે મોટા ભાગે આ પ્રકૃતિના લોકો ઓવરવેઇટ હોય. સ્વભાવે સહેજ આળસુ અને હલનચલનથી દૂર રહેવાની માનસિકતા આ એનર્જી ધરાવતા લોકોમાં હોય છે. તેમની પૉઝિટિવ સાઇડ હોય છે તેમની કલાકારિતા. સંગીતના શોખીન હોય અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ પણ તેમના મુખ્ય ગુણોમાં આવે. પચીસથી છત્રીસના વયજૂથમાં આ એનર્જી વધુ હોવાનું ચીનાઓ માને છે. આ એનર્જી વધુ પ્રમાણમાં ધરાવનારા લોકો સ્ટેબલ, ભરોસાપાત્ર, પ્રામાણિક, દયાળુ અને કરુણાભાવ ધરાવનારા હોય છે. મિત્રતા અને તમામ સંબંધો નિભાવવામાં આ એનર્જી ધરાવનારા લોકોનો જોટો ન જડે. અધ્યાત્મભાવ પણ આ એનર્જી ધરાવનારા લોકોમાં વધુ હોય. આ એનર્જી ધરાવનારા લોકોના કપાળમાં કૂવો હોય એવું કહેવાય, કારણ કે કોઈક સાવ નાની અમસ્તી વાતમાં પણ તેઓ રડી પડે એટલા ભાવુક હોઈ શકે.

ડ્રાયનેસ

ચાઇનીઝ ફિલોસૉફીની દૃષ્ટિએ ચોથા મેટલ એલિમેન્ટની એનર્જી ડ્રાયનેસ છે. આપણી સાદી ભાષામાં ડ્રાયનેસને તમે મિ. પર્ફેક્શનિસ્ટ તરીકે ગણી શકો. ફરક માત્ર એટલો કે પર્ફેક્શનનું પણ ઑબ્સેશન હોય. આ એનર્જી વધુ હોય એ પ્રકારના લોકોને બધું જ શિસ્તબદ્ધ જોઈએ. આ લોકો એકદમ સિસ્ટમૅટિક જીવન જીવવાના આગ્રહી હોય. નિયમો બરાબર પાળવાના. સવારે આટલા વાગ્યે ઊઠી જ જવાનું, આ જ ખાવાનું, આ નહીં જ ખાવાનું, આવું જ પહેરવાનું. આમ ખૂબ જ નિયમબદ્ધતા સાથેના આગ્રહો તેઓ ધરાવતા હોય છે. રિજિડનેસ તેમનો સ્વભાવ ગણી શકાય. તેમની ખાસિયત એ કે તેમને સોંપેલા કામમાં ઓગણીસ-વીસ થવાના ચાન્સ ઓછા હોય. ૩૭ વર્ષથી લઈને ૪૮ વર્ષના વયજૂથમાં આ એનર્જીનું પ્રમાણ પ્રબળ હોય છે.

કોલ્ડનેસ

પાંચમા એલિમેન્ટ પાણીની એનર્જી છે કોલ્ડનેસ. નામમાં જ આવે છે એમ સહેજ ઠંડા. દરેક બાબતમાં ઠંડું વલણ. ૪૯ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોલ્ડનેસ એનર્જીનું પ્રમાણ વધુ હોય છે. આ લોકો સહેજ સેલ્ફ-સેન્ટર્ડ પ્રકૃતિ ધરાવતા હોય. આ એનર્જી ધરાવતા લોકો થોડાક ડિપ્લોમૅટિક પણ હોય. ખૂબ સારા નિરીક્ષક હોય. બોલવામાં સૉફ્ટ સ્પોકન હોય, સ્ટ્રૉન્ગ અભિપ્રાયવાળા અને મક્કમ મનોબળના પણ હોય. શાંત અને પોતાના કામથી કામ રાખનારા પણ સ્વાર્થી વલણ અધિક ધરાવતા હોય. જોકે પોતાની સમજણશક્તિ અને બીજાની પરિસ્થિતિ સમજી શકવાની ક્ષમતાને કારણે દરેકનાં દિલ જીતી લેનારા પણ હોય.

આ પણ વાંચો : તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની-3

અહીં ઉલ્લેખનીય છે કે આ પાંચ એનર્જીના જે સંભવિત ગુણો જણાવવામાં આવ્યા છે એ શક્યતા અને સંભાવનાના આધાર પર છે, એને સોએ સો ટકા સાચી માનીને જજમેન્ટ પર ઊતરી જવાનું યોગ્ય ન ગણાય.

columnists