કિડ્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ નાનાં બાળકો માટે ખરેખર સુરક્ષિત છે?

13 May, 2022 10:56 AM IST  |  Mumbai | Bhavini Lodaya

જો તમારાં બાળકો પણ આ કિડ્સ સોશ્યલ મીડિયા વાપરતાં હોય તો ખરેખર સાવધાન થવાની જરૂર છે. સુરક્ષિત માનવામાં આવતી આ ઍપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરતી નથી.

પ્રતીકાત્મક તસવીર

હવે બધાને સોશ્યલ મીડિયાનું ઘેલું લાગ્યું છે અને હજી તો મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એવાં બાળકો પણ એ રેસમાં પાછળ નથી. નાનાં બાળકો માટે કિડ્સ સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન જેમ કે યુટ્યુબ કિડ્સ, કિડ્સ ઇન્સ્ટાગ્રામ, કિડ્સ સ્નૅપચૅટ વગેરેની ભરમાર છે. જો તમારાં બાળકો પણ આ કિડ્સ સોશ્યલ મીડિયા વાપરતાં હોય તો ખરેખર સાવધાન થવાની જરૂર છે. સુરક્ષિત માનવામાં આવતી આ ઍપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરતી નથી.
૧૨ વર્ષ સુધીનાં બાળકો માટે ખાસ બનેલી આ ઍપ્લિકેશનોમાં ડ્રગ્સ, હિંસા,  પૉર્નોગ્રાફી વગેરે વયસ્ક કન્ટેન્ટ પર પ્રતિબંધ છે. છતાં આ બધી ઍપ્લિકેશન પર આ પ્રકારના વિડિયો પણ આવે છે; જેમ કે કે ડ્રગ્સનાં ગીતનો વિડિયો જેના શબ્દો છે - ‘ઇફ યુ ગૉટ બૅડ ન્યુઝ ઍન્ડ વૉન્ટ ટુ કિક ધેમ બ્લુ, કોકેન.’ આ સિવાય સ્કિન બ્લિચ, વેઇટ લૉસ જેવા વિડિયો જેમાં વેઇટ લૉસને લગતી કવિતાઓ પણ ભરપૂર પ્રમાણમાં આવે છે. જેને કારણે પ્રી-સ્કૂલનાં બાળકો પણ કૅલરી બર્ન કરવાની જીદ પર ઊતરે છે જેનાથી તેઓ બૉડી શેમિંગને લીધે ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીના શિકાર બને છે. થોડા સમય ૧૨ વર્ષની છોકરી સાથે સ્નૅપચૅટ પર એક માણસ ફેક આઇડીથી ન્યુડ ફોટો ચૅટ-બૉક્સ પરથી મગાવતો હતો. શરૂઆતમાં બાળકીએ અવગણના કરી, પરંતુ એ માણસ સતત તેને બીજી ઍપ્લિકેશન દ્વારા સંપર્કમાં આવતો ગયો અને આખરે એ બાળકીએ ન્યુડ ફોટો શૅર કર્યા અને એ તમામ ફોટો એ માણસે ઇન્ટરનેટ પર વાઇરલ કર્યા હતા. ઍપ્લિકેશનોના ડિઝાઇનર પ્લૅટફૉર્મ દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષા ફાળવવામાં આવતી નથી. 
આવાં ઉદાહરણ પરથી આપણે જાગવાની જરૂર છે. કિડ્સ ઍપ્લિકેશન ઉપર આંધળો વિશ્વાસ કરીને બાળકોને આ પ્રકારની ઍપ્લિકેશન વાપરવા માટે એકલા મૂકવાની છૂટ ન આપો. એક અઠવાડિયામાં યુટ્યુબનો વપરાશ કરનાર બાળકોની સંખ્યા ૩૫ મિલ્યન અને સ્નૅપચૅટના વપરાશની સંખ્યા ૩૦૦ મિલ્યન સુધી પહોંચી ગઈ છે. ગેમિંગ અને કાર્ટૂનના નામે આવતા ગેરકાયદે કન્ટેન્ટ તરફ લક્ષ્ય કેળવો. તમારાં બાળકો શું કરે છે એના પર ચોક્કસ ધ્યાન રાખો. અયોગ્ય વિડિયો સામે ચૅનલને રિપોર્ટ કરો. ઍપ્લિકેશન કંપનીને મેઇલ કરી ફરિયાદ કરો. સરકારે પણ આ પ્રકારના ગેરકાયદે વલણ સામે પગલાં લેવાં જોઈએ. બાળકો પરિપક્વ થાય એ પહેલાં જ તેમને કેટલીક ખોટી માહિતી ન મળે એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. 

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

columnists