અપને તો અપને હોતે હૈં

14 February, 2020 06:15 PM IST  |  Mumbai Desk | Jamnadas Majethia

અપને તો અપને હોતે હૈં

બર્થ-ડેના દિવસે ખૂબબધા કૉલ્સ, મેસેજ, વૉટ્સૅપ-મેસેજ અને સોશ્યલ મીડિયા પરની શુભેચ્છાઓ. કોઈએ ડાયરેક્ટ, તો કોઈએ ગ્રુપ મેસેજિસ મોકલ્યા, તો કોઈકે વળી મિત્રો દ્વારા પણ બર્થ-ડે વિશ મોકલી અને મેં જવાબ પણ આપ્યા. જાહેર ઉત્સવ કે સેલિબ્રેશન ડે હોય એટલે કે દિવાળી, બેસતું વર્ષ કે પછી મકર સંક્રાન્તિ જેવા તહેવારોમાં લોકો મેસેજ પણ મોકલતા હોય છે, પણ પર્સનલાઇઝ નથી હોતા એટલે એવું મન મનાવી શકીએ કે જવાબ આપું નહીં તો ચાલે, પણ જન્મદિવસના મેસેજિસના બધાને જવાબ આપવાનો પ્રયત્ન હું કરતો હોઉં છું. વહેલા-મોડા તો એમ પણ જવાબ આપવાનો પ્રયાસ તો કરું જ કરું. આપણે ગયા વીકની વાત કરતા હતા અમદાવાદની અને મારા બર્થ-ડેની.
એ દિવસે અમદાવાદથી મુંબઈ આવવા માટે જેવો ફ્લાઇટમાં બેઠો કે તરત વૉઇસ મેસેજથી કે પછી ટાઇપ કરીને કે કૉલ રિટર્ન કરીને જવાબ આપવાનું શરૂ કર્યું. આ બધાની સાથોસાથ કામકાજ પણ ચાલુ હતું. કામ એ તો સૌથી મોટી જવાબદારી છે એ કેમ ચુકાય. ફ્લાઇટમાં ફોન બંધ કરવાની સૂચનાનું પાલન પણ કર્યું. ઘણાને રિપ્લાય થઈ ગયા તો ઘણાને જવાબ આપવાનું બાકી હતું. મુંબઈ લૅન્ડ થયા પછી કામ પણ ખૂબ હતાં અને અમદાવાદના થાકનો આરામ કરવાનું પણ ફ્લાઇટમાં ગોઠવ્યું હતું. આ બધા વચ્ચે અચાનક એક રસ્તો સૂઝ્‍યો અને અંગત લોકોને વૉઇસનોટ પર જવાબ રેકૉર્ડ કરવાનું શરૂ કર્યું. ૪૦થી ૫૦ લોકોને તેમના નામનાં સંબોધન આપ્યા પછી એવું લાગ્યું કે મારા બાજુમાં બેસેલા ભાઈ આ બધું સાંભળીને કંટાળ્યા હશે એટલે એક સારા કો-પૅસેન્જર તરીકે મેં તેમને પૂછ્યું તો તેમણે કંટાળો અલગ રીતે રજૂ કરતાં કહ્યું, ‘વાંધો નહીં, જન્મદિવસ છે એટલે કન્ટિન્યુ, હેપી બર્થ-ડે.’
મેં તેમની પણ શુભેચ્છાને વધાવી લીધી અને આગળ વધ્યો. ફ્લાઇટમાં બેસતાં પહેલાં મેં સબવેની વેજિટેરિયન સૅન્ડવિચ બંધાવી હતી એ ખાધી અને પછી મને થોડું સ્વીટ ખાવાનું મન થયું. મેં ઍરહૉસ્ટેસને પૂછ્યું કે તમારી પાસે એગલેસ ચૉકલેટ, કુકી કે પછી બીજી કોઈ સ્વીટ છે, પણ ના, તેમના મેન્યૂમાં માત્ર કોલ્ડ ડ્રિન્ક જ હતાં, જે મને ફાવે એમ નહોતું.
ફોન પર આપણી આભારવિધિ ચાલતી હતી એમાં એ ઍર-હૉસ્ટેસ પાછી આવી, આવીને તેણે મને અચંબા સાથે પૂછ્યું કે ‘તમે ‘ખીચડી’ સિરિયલના હિમાંશુ જને?’
આજકાલ મેં સફેદ દાઢી અને લાંબા સફેદ વાળ સાથે પૉનીટેઇલ રાખી છે એટલે એમાં હિમાંશુને ઓળખવો એ ડાઇહાર્ડ ફૅનનું જ ગજું છે. મેં હા પાડી એટલે તેણે પાછું પૂછ્યું, ‘તમે જ જે. ડી. મજીઠિયા?’ મેં હા પાડી. તે મારી બહુ મોટી ફૅન છે. બર્થ-ડેના દિવસે આવી સુંદર છોકરીના કૉમ્પ્લીમેન્ટ્સ મળે એ નૅચરલી વધારે ગમે, મૂડ જ એવો હોય કે બધી સારી વાત-વસ્તુ વધારે સ્પેશ્યલ લાગે. ‘ગો ઍર’ની ઍરહૉસ્ટેસનું નામ ગુલનાઝ. થોડી વાર પછી અડધી ચૉકલેટ રેપરમાં પૅક કરીને લાવી, અડધી એટલે આઠમાંથી ચાર પીસ બચ્યા હોય એટલી. આવીને મને કહે કે ‘આઇ ઍમ સૉરી, મને હમણાં જ ખબર પડી કે આજે તમારો બર્થ-ડે છે. તમને મીઠું ખાવાનું મન થયું એ હું પૂરું ન કરી શકી, પણ હું આ ચૉકલેટ લાવી છું તમારે માટે.’
વ્યક્તિનો આટલો પ્રેમ એટલે તેને ના પાડવાની પણ મને ઇચ્છા ન થઈ કે એઠું ખાવાની મારી બાધા છે, હું નહીં લઉં. મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો, તેનો આભાર માનીને ચૉકલેટની બીજી બાજુએથી એક ટુકડો કાપીને એ ખાધો. પણ થોડી વાર પછી તો મારી વિશિઝની અને ઇચ્છાપૂર્તિની જાણે કે લૉટરી લાગી. એક ટ્રે અને બીજા સ્ટાફ સાથે ગુલનાઝ બ્રાઉની, એક ચોસલું મોહનથાળ અને ટ્રે પર હૅપી બર્થ-ડે લખીને આવી. બીજી ઍરહૉસ્ટેસે ટિશ્યુ પર હૅપી બર્થ-ડે લખ્યું હતું તો બીજા બે ઍર-પર્સન જૂસ સાથે હૅપી બર્થ-ડે લખીને આવ્યા અને આમ અચાનક જ આ મિડ-ઍર બર્થ-ડે સેલિબ્રેશન થયું.
મારી આસપાસના પૅસેન્જર અને ફૅન્સ પણ વિશ કરવા માંડ્યા અને અકલ્પનીય રીતે અનેરો આનંદ આપતી આ ઘટના બની, જેને સરપ્રાઇઝ પાર્ટી પણ કહી શકાય. આપણા સ્વજનો સરપ્રાઇઝ પાર્ટી કરતા હોય છે, પણ મારા કામના હેક્ટિક શેડ્યુલને કારણે એ શક્ય નહોતું, તો તમારા જેવા મિત્રો અને મારા સ્વજનોની દિલની શુભેચ્છા સાંભળી ઈશ્વરે મને ક્યારેય ન કલ્પી હોય એવી આ સરપ્રાઇઝ પાર્ટી આપી. જન્મદિવસની વાત અહીં અટકતી નથી.
ઍરપોર્ટ પર ઊતરતાંની સાથે મેં ફ્લાઇટમાં આપેલા જવાબ જવા માંડ્યા અને નવી શુભેચ્છા આવવા માંડી. ઘરે પહોંચ્યો જ્યાં વાઇફ નીપા અને દીકરી મિશ્રીનો આનંદ જોઈને સમજાયું કે ફૅમિલીમાં પત્ની અને દીકરી કોઈ પણ પિતા અને પુત્ર કરતાં વધારે સરસ રીતે લાગણીઓ વ્યક્ત કરતાં હોય છે. અમદાવાદમાં મોટાં ભાભી રંજનભાભી અને મોટા ભાઈ રસિકભાઈના ઘરે દર્શન કરવા નહીં જઈ શકવાનો અફસોસ હતો, પણ ઈશ્વરે ઘરે એવા સમયે પહોંચાડ્યો કે એ અફસોસ દૂર કરી શક્યો. ઘરે જઈને એક કલાક સેવા કરી અને પછી બા-બાપુજીને મળવા માટે નીકળ્યો. જન્મદાતાને પર્સનલી મળીને આશીર્વાદ લીધા વિનાનો જન્મદિવસ અર્થહીન છે અને નસીબજોગ બા-બાપુજી મુંબઈમાં જ હતાં. ત્યાં જતાં મારા સ્કૂલના મિત્રોનો નિયમ મુજબ કૉન્ફરન્સ કૉલ થયો, તેમની સાથે વાતો કરી અને ઘરે જઈને બાપુજીના આશીર્વાદ લીધા. તેમની તબિયત થોડી નરમ હતી, એ સાંભળીને વ્યથિત પણ થયો, પરંતુ હવે તેમની તબિયત પહેલાં કરતાં સારી છે એ જાણીને રાહત પણ થઈ.
રસ્તામાં હતો ત્યાં જ દીકરી મિશ્રીનો ફોન આવ્યો કે પાછા ક્યારે આવશો એટલે ધારણા બાંધી કે નક્કી કોઈ બર્થ-ડે સરપ્રાઇઝ પ્લાન થઈ છે. ઘરે પહોંચ્યો અને ધારણા સાચી નીકળી, મારો આનંદ ચરમસીમાએ પહોંચી ગયો.
મારી આખી રૂમ બહુ સરસ રીતે મિશ્રીએ શણગારી હતી, બહુ સરસ કાર્ડની બુકલેટ બનાવી હતી અને એમાં મસ્તીમજાક કરતી કૅપ્શન સાથે નાનપણથી લઈને અત્યાર સુધીના બહુબધા ફોટો હતા. એક મોટું પોસ્ટર હતું, જેમાં પણ ખૂબ બધા ફોટો હતા અને નાનકડી ગિફ્ટ સાથે કેક. મિશ્રી અમારી આમ પણ બહુ સેન્સિટિવ છે, બર્થ-ડે પર કંઈક ને કંઈક એવું કરે કે બધા ખુશ થઈ જાય. તેણે અને નિપાએ બધું સુદર રીતે સજાવ્યું હતું, મારી ભાવતી વાનગી બનાવી હતી. મને ગમતી ઘડિયાળ નિપાએ તેના ભત્રીજાને કહીને કૅનેડાથી મગાવી હતી અને આ બધી વાતોએ બર્થ-ડેને એક સુંદર સાંજમાં ફેરવી નાખ્યો. ભેટ-સોગાદો, વિશિઝ અને પ્રેમ, આશીર્વાદ સાથે વત્તા એક અફસોસ સાથે જન્મદિવસ પૂરો થવા આવ્યો. અફસોસ.
દીકરી કેસર ભણવા ગઈ છે અને એના વિનાનો કોઈ પણ મોટો દિવસ મને અફસોસ કરાવે જ કરાવે. બીજો એક અફસોસ એ કે અમે બધા બેસ્ટ ફ્રેન્ડ્સ રાત્રે મળવાના હતા, પણ કોઈક કારણસર મળી ન શક્યા, પણ એક વાત કહું કે થોડું બાકી રહી જાય એ સારા માટે જ હોય.
મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં ખબરો આવે, લોકોની વિશિઝ આવે, દેશ-વિદેશથી જ્યારે સંદેશ આવે ત્યારે ખબર પડે કે આટલાં વર્ષોમાં તમે સૌથી વધારે ધન કમાયું છે એ છે મિત્રોનું અને વેલ-વિશરનું અને તમારા જેવા વેલવિશર માટે બર્થ-ડેના દિવસે ખાસ નક્કી કર્યા મુજબ, તમારી સાથે વધુ સારી રીતે સંપર્ક થઈ શકે એ માટે એક ગિફ્ટ મોકલાવી રહ્યો છું. પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરીને કહી દઉં કે આ ગિફ્ટ શું કામ? આ ગિફ્ટ એટલા માટે કે આજે મારો બર્થ-ડે છે! હા, આજે. પાંચમી ફેબ્રુઆરીએ પણ હતો, પરંતુ બધી ઑફિશ્યલ જગ્યાએ, પાસપોર્ટથી માંડીને આધાર કાર્ડ અને રૅશન કાર્ડ, પૅન કાર્ડ બધી જગ્યાએ મારો બર્થ-ડે ૧૪મી ફેબ્રુઆરી છે. એ રીતે આજે મારો ઑફિશ્યલ બર્થ-ડે છે. હવે આવી જઈએ ગિફ્ટ પર.
ઘણા વાચકો મળે ત્યારે કહે છે કે તમને ‘ફેસબુક’ કે બીજા કોઈ સોશ્યલ પ્લૅટફૉર્મ પર કેવી રીતે કૉન્ટૅક્ટ કરીએ. આજે પહેલી વાર હું મારા ફેસબુક-પેજની લિન્ક મોકલું છું. તમારા વિશિઝના બદલામાં આ મારી રિટર્ન ગિફ્ટ છે. તમે તમારા સંદેશાઓ ત્યાં મોકલી શકો છો, સાથે એમાં ‘મિડ-ડે’ લખશો તો હું એને આપણી વાતમાં ઇન્કૉર્પોરેટ કરવાની કોશિશ ચોક્કસપણે કરીશ. બધાને દરેક વખતે જવાબ આપી શકાશે કે નહીં એની તો ખબર નથી, પણ હા, કંઈક કૉમ્યુનિકેટ કરવાની કોશિશ ચોક્કસ કરતો રહીશ.

JD Majethia columnists