વિડો હોવું એ આજે પણ આસાન નથી

23 June, 2019 01:48 PM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

વિડો હોવું એ આજે પણ આસાન નથી

પ્રતીકાત્મક તસવીર

એક સ્ત્રી જ્યારે વિધવા થાય છે ત્યારે તે પોતાનો પતિ જ નથી ગુમાવતી, એની સાથે પોતાનું સોશ્યલ સ્ટેટસ અને કેટલીક વાર ઘર, પ્રૉપર્ટી, સોશ્યલ સિક્યૉરિટી, માન-સન્માન અને વધુમાં બાળકો પણ ગુમાવે છે. બીજી બાજુ પુરુષ વિધુર થાય ત્યારે સમાજ તેને જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે સપોર્ટ કરે છે. વિધવાઓ પ્રત્યે થતો આ જ ભેદભાવ અને ખરાબ વર્તણૂક તેમને સમાજથી અને પોતાનાં સગાંથી વિખૂટી પાડે છે. અને માટે જ દુનિયાભરના ગરીબોમાં વિધવાઓ તેમ જ તેમનાં બાળકોનું પ્રમાણ સૌથી વધુ છે. વિધવા સ્ત્રીને સમાજમાં એક જુદી જ નજરે જોવાની પ્રથા ભલે ખૂબ જૂની હોય, પણ આજે ૨૧મી સદીમાં પણ એ ખાસ બદલાઈ નથી અને ફક્ત ભારતમાં જ નહીં, વિધવાઓને લઈને કેટલાક એવા રિવાજ અને વિચારો છે જે જાણીને ખરેખર પ્રશ્ન પડે કે શું સમય બદલાયો છે?

૨૦૧૧ના વસ્તી ગણતરીના રિપોર્ટ પ્રમાણે ભારતભરમાં સાડાપાંચ કરોડ જેટલી વિધવાઓ છે. એટલે કે ભારતની કુલ સ્ત્રીવસ્તીના ૭.૩૭ ટકા, જે દુનિયામાં સૌથી વધુ છે. દુનિયાભરની ૧૧૫ મિલ્યન ગરીબ વિધવાઓમાંથી ૧૦ ટકા ફક્ત ભારતમાં છે. મુખ્ય કારણ એ કે આમ તો ભારતમાં વિધવા પુનર્લગ્ન કે વિધવાને પતિની પ્રોપર્ટીમાં હિસ્સો ન મળે એવી કોઈ કાનૂની રોકટોક નથી, પરંતુ ફૅમિલી તેમ જ સમાજના પ્રેશરના કારણે કેટલીયે સ્ત્રીઓ પોતાનો હક જતો કરે છે, જેને લીધે તેઓ ગરીબીની રેખા હેઠળ જીવવા માટે મજબૂર થાય છે. રિપોર્ટ પ્રમાણે સરકાર તરફથી મળતા વિધવા પેન્શનનો ફાયદો પણ માત્ર ૧૦ ટકા વિધવાઓ જ લઈ શકે છે. સૌથી વધુ ખરાબ હાલત તો વિધવાઓનું શહેર ગણાતા વૃંદાવનની વિધવાઓનું છે જ્યાં માત્ર ૨૫ ટકા જ વિધવાઓ કે જેમના ઘરમાં સરકારી કામ માટે ભાગદોડ કરી શકે એવી વ્યક્તિ હોય, તેમને જ આવી સરકારી યોજનાઓનો ફાયદો લેવા મળ્યો હતો. આશ્રમમાં કે એકલી રહેતી વિધવાઓને ઘણી વાર યોગ્ય ઓળખપત્ર ન હોવાને કારણે પણ ગવર્નમેન્ટની પેન્શન સ્કીમ તેમ જ હેલ્થકેર ફૅસિલિટી નથી મળી શકતી અને આ સ્થિતિ ફક્ત ભારતમાં જ નથી, દુનિયાભરની દર દસમાંથી એક વિધવા સ્ત્રી ગરીબીની રેખા હેઠળ છે. યુનાઇટેડ નેશને આ વિષયને ગંભીરતાથી લઈને સમાજની હંમેશાં અવગણાયેલી સ્ત્રીઓના હક માટે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું છે.

વિધવાઓને લગતી અંધશ્રદ્ધા અને વિચારો ફક્ત ભારતમાં જ હોય એવું માનતા હો તો એવું નથી, દુનિયાના અનેક દેશોમાં વિધવાઓને લઈને લોકોની વિચારધારા જુદી-જુદી છે જેમાં મોટા ભાગે તેમનું શોષણ જ થાય છે. આફ્રિકાની વિધવાઓની હાલત દુનિયામાં સૌથી વધુ ખરાબ છે એવું કહી શકાય. ઈસ્ટ આફ્રિકાના મલાવીમાં જ્યારે કોઈ સ્ત્રી વિધવા થાય ત્યારે તેને સોશ્યલી ડેડ એટલે કે સામાજિક રીતે મૃત માની લેવામાં આવે છે. આફ્રિકામાં ૧૪ વર્ષની ઉપરની વયની દર દસમાંથી એક સ્ત્રી વિધવા છે. અહીં એક સ્ત્રી જ્યારે ડિવૉર્સ લઈને છૂટી પડે અથવા જ્યારે તે વિધવા થાય ત્યારે તેની પાસેથી તેનું ઘર અને પ્રૉપર્ટી બન્ને છીનવી લેવામાં આવે છે. આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં યુવાન વિધવા સ્ત્રીને પુનર્લગ્ન માટે પણ મજબૂર કરવામાં આવે છે અને ત્યાં રિવાજ પ્રમાણે તેનાં લગ્ન મરનાર પતિના પરિવારના કોઈ પુરુષ સાથે જ કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં ગરીબ વિધવાનું પ્રમાણ સૌથી વધુ છે.

ભારતની જેમ નેપાલમાં પણ વિધવાઓ પર અનેક સામાજિક બંધનો હોય છે. અપશુકનિયાળ માનવાની સાથે જ નેપાલમાં તો તેમને ઘણી વાર ડાકણ સાબિત કરી દેવામાં આવે છે, જેના લીધે વિધવાઓને શારીરિક-માનસિક તેમ જ કેટલીક વાર જાતીય શોષણનો પણ શિકાર બનવું પડે છે. અફઘાનિસ્તાનના પશ્તૂન કમ્યુનિટીના રિવાજ પ્રમાણે સ્ત્રી જ્યારે તેના પતિને ગુમાવે એ પછી તેણે એક વર્ષ સુધી શોક કરવાનો હોય છે. એના પછી પતિનો નાનો અથવા મોટો ભાઈ તેને પોતાની બીજી પત્ની તરીકે અપનાવે છે. અહીં જો તેના નામ પર કોઈ પણ પ્રૉપર્ટી કે પૈસા હોય તો એ પછી તેના નવા પતિને મળી જાય છે. અમાં તેનો કોઈ હક નથી રહેતો.

આ તો વાત થઈ પછાત તેમ જ વિકસી રહેલા દેશોની, જોકે યુરોપ અને અમેરિકા જેવા પૂર્ણ રીતે વિકસિત દેશોની વિધવાઓનાં નસીબ કંઈ વધુ સારાં નથી. ભલે ત્યાં શુકન-અપશુકનની કે રંગો છોડીને સફેદ વસ્ત્ર ધારણ કરવાની પ્રથા ન હોય, પણ રિસર્ચ કહે છે કે યુરોપના વિવિધ ભાગોમાં વિધવાઓ અનેક રીતે આર્થિક તકલીફોનો ભોગ બની રહી છે. ગ્રીસ અને પોર્ટુગલમાં વિધવા સ્ત્રીઓની ઇન્કમ સામાન્ય સ્થિતિ તેમ જ પુરુષોની ઇન્કમના પ્રમાણમાં સૌથી ઓછી છે. અમેરિકામાં એવું માનવામાં આવે છે કે પતિના મૃત્યુ બાદ પરિવારમાં ગરીબી આવી જાય છે. એટલે કે જ્યારે સ્ત્રી વિધવા થાય એ પછી એક જ વર્ષની અંદર તે ગરીબીની રેખા હેઠળ આવી જાય છે. કેટલીક વાર આ બધી જ તકલીફોથી છૂટવા માટે વિધવાઓ ગરીબીનું તેમ જ સમાજના દબાણ હેઠળનું જીવન જીવવા કરતાં મોતનો રસ્તો પસંદ કરે છે, જે ખરેખર દયનીય છે. અહીં જ બદલાવ જોઈતો હોય તો સમાજે ખરેખર બદલાવું પડશે.

રાજા રામમોહન રાયે સતીપ્રથા બંધ કરાવ્યા બાદ ૧૮૫૬માં લૉર્ડ ડેલહાઉસીએ હિન્દુ વિધવા પુનર્વિવાહનો કાનૂન લાગુ પડ્યો હતો. જોકે હજીયે વિધવા પુનર્લગ્નને લઈને આપણા સમાજના વિચારો ખાસ બદલાયા નથી. સ્ત્રીની પોતાની ઇચ્છા હોય તો પણ સમાજના દબાણ હેઠળ પોતાની અનેક ઇચ્છાઓને મારીને એકલવાયું જીવન વ્યતીત કરે છે. અહીં લોકોની વિચારધારા સૌથી વધુ જવાબદાર છે. સ્ત્રી જ્યારે વિધવા થાય ત્યારે તેને સાદું જીવન જીવવા પર મજબૂર કરવામાં આવે છે, જ્યારે પુરુષ વિધુર બને ત્યારે તેની લાઇફ-સ્ટાઇલમાં કોઈ બદલાવ નથી આવતા. સમાજમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે આવી વિચારધારાઓ જડમૂળથી નાબૂદ થાય.

આ પણ વાંચો : તમારું સંતાન કેટલું સજ્જ છે અણધાર્યા સંકટ માટે?

વિધવા દિવસની શરૂઆત

યુનાઇટેડ નેશને ૨૩ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ડિક્લેર કર્યો હતો. વિધવાઓના હક માટે લડતી સંસ્થા લુમ્બા ફાઉન્ડેશનના સ્થાપક મૂળ પંજાબના રાજ લુમ્બાએ તેમની વિધવા માને જીવનના વિવિધ તબક્કે સમાજના ભેદભાવનો ભોગ બનતી જોઈ હતી. અને માટે જ તેમણે મોટા થઈને ભારતમાં તેમ જ લંડનમાં ખાસ વિધવાઓ માટે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને યુકેના એ સમયના ના પ્રેસિડન્ટ ટોની બ્લેરનાં પત્ની શેરીનો સાથ મળ્યો. તેમણે લુમ્બા ફાઉન્ડેશનના કામથી પ્રભાવિત થઈને ૨૦૦૫માં ૨૩ જૂનના દિવસને વિધવા દિવસ તરીકે માન્યતા આપી. ૨૩ જૂન એ માટે કે આ જ દિવસે ૧૯૫૪માં રાજ લુમ્બાનાં માતા શ્રીમતી પુષ્પાવતી લુમ્બા વિધવા થયાં હતાં અને તેમના નામથી ચાલી રહેલી આ સંસ્થા વિધવાઓને તેમના હક તેમ જ સન્માન આપવા માટે કાર્યરત રહી છે. વિધવા અને તેમના હકની જાણ કરાવવા માટે દુનિયાભરમાં આ દિવસે ખાસ કાર્યક્રમો યોજાય છે. પોતાની માને પોતાનાં જ લગ્નમાં જ્યારે પંડિતે તે વિધવા હોવાને કારણે સ્ટેજ પર આવવાની મનાઈ કરી ત્યારે દીકરાએ પ્રશ્ન કર્યો કે જે માએ તેને નવ મહિના પેટમાં રાખ્યો છે તે તેના માટે અપશુકનિયાળ કઈ રીતે બની શકે. ત્યારથી તેણે ધારી લીધું કે હવે તે કોઈ પણ વિધવાને ક્યારેય આવો સામનો ન કરવો પડે એના માટે કામ કરશે. યુનાઇટેડ નેશને પણ રાજ લુમ્બાના આ કામને બિરદાવ્યું અને વિધવા પ્રત્યેના દુર્વ્યવહાર અને તેમની વૈશ્વિક સ્તરે દયનીય સ્થિતિ પ્રત્યે ગંભીરતાથી કામ કરવા માટે ૨૩ જૂનના દિવસને ૨૦૧૧માં આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે માન્યતા આપી.

columnists weekend guide