તમે દરરોજ કેટલી બદામ ખાઓ છો?

10 July, 2019 11:32 AM IST  |  મુંબઈ ડેસ્ક | અર્પણા શિરીષ

તમે દરરોજ કેટલી બદામ ખાઓ છો?

બદામ

જો કોઈને કંઈ યાદ ન આવે તો તરત જ તેને બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે અથવા પૂછવામાં આવે છે કે શું નાનપણમાં મમ્મીએ બદામ નથી ખવડાવી? બદામનું નામ આવે કે તરત જ તેની સાથે યાદશક્તિ અને મગજની તંદુરસ્તી જોડાઈ જાય છે. જોકે તમારી મમ્મીએ પણ તમને બાળપણમાં ફરજિયાત રોજની ચાર-પાંચ બદામ ખવડાવી હોય તો એનો તમને ફાયદો થયો છે, કારણ કે અનેક પ્રકારનાં વિટામિન્સ અને ખનીજથી ભરપૂર એવી બદામ હંમેશાં તમારા બ્રેઇનપાવરને નિયંત્રણમાં રાખે છે. એ સિવાય બદામમાં કેટલાક એવા ઍન્ટિઑક્સિડન્ટ પણ હોય છે જે ઉંમરની સાથે યાદશક્તિમાં થતા ઘટાડાને નિયંત્રિત કરે છે. ચાલો જાણીએ શું છે બદામમાં, કઈ રીતે ખાવી જોઈએ.

બ્રેઇન ટૉનિક

aવિટામિન ઈ સિવાય દરરોજના આહારમાં જરૂરી ખનીજના ક્વૉટામાંનું ૧૭ aજાય છે એવું સમજાવતાં ડૉક્ટર સૂર્યા કહે છે, ‘બદામમાં ઝિન્ક ખનીજ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને મગજના કોષોને નુકસાન પહોંચાડતા બૅક્ટેરિયલ તેમ જ વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. એ સિવાય બદામ વિટામિન બી સિક્સનો પણ ખૂબ સારો સ્રોત છે જે શરીરમાં પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે જેના લીધે મગજના કોષોમાં પ્રોટીનમાં વધારો થાય છે અને મેમરી માટે જરૂરી એવા રસાયણના ઉત્પાદનને એ ઉત્તેજન આપે છે. મગજની કોશિકાઓના સંચારમાં સુધારો થાય છે.’

ઑલ્ઝાઇમર્સ સામે પ્રોટેક્શન

ખનીજ પ્રમાણે જ બદામમાં રહેલું પ્રોટીનનું પ્રમાણ મગજના કોષોને રિપેર કરવાનું કામ કરે છે અને જ્ઞાનાત્મશક્તિને વધારી મેમરી પાવરફુલ બનાવે છે. આ વિશે વધુ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. મેઘના પારેખ કહે છે, ‘મગજને તંદુરસ્ત રાખવું હોય તો નટ્સ કૅટેગરીના ફૂડ ડાયટમાં ઉમેરવા ખૂબ જરૂરી છે અને મગજ માટે બદામ મોખરે છે. એમાં રહેલું ઓમેગા-૩ ફૅટી ઍસિડ જ્ઞાનતંતુને મજબૂત બનાવી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. એ સિવાય મગજના એકંદર વિકાસ માટે પણ બદામમાં રહેલાં બધાં જ તત્ત્વો ફાયદો કરે છે. બદામના નિયમિત સેવનથી ઑલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા જેવા મગજ સંબંધી રોગોનું રિસ્ક ઘટે છે.’

ખાવાની શરૂઆત

બદામ બાળપણમાં ખાધી હોય તો જ એની અસર જીવનભર રહે એવું જરૂરી નથી. બદામ ખાવાની કોઈ ઉંમર નથી, ગમે ત્યારે અને ગમે તે ઉંમરે બદામ ખાઈ શકાય. આ વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. મેઘના પારેખ શેઠ કહે છે, ‘બાળકો એક વર્ષનાં થાય એ પછી તેમને બદામ આપી શકાય. એટલે જે દિવસથી બદામની વૅલ્યુ સમજાય છે એ જ દિવસથી એને ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ.’

કઈ રીતે અને કેટલી ખાવી?

બદામને રાતના પલાળીને એની છાલ ઉતારીને સવારે જ ખાવી એ એક ખોટી માન્યતા છે એવું સમજાવતાં ડૉ. મેઘના કહે છે, ‘બદામ દિવસના કોઈ પણ સમયે ખાઓ તો એ ફાયદો જ કરે છે. સવારે જ ખાવાની જરૂર નથી અને એમાં એની છાલ કાઢવાની વાત તદ્દન ખોટી છે. હા, બાળકોને જો બદામ આપવાની હોય તો એ પલાળીને આપવી જોઈએ જેથી એ સારી રીતે પચી જાય. એ સિવાય બદામમાં રહેલા કૅલરીના પ્રમાણે લીધે એ પચવામાં થોડી ભારે હોય છે એટલે બાળકો માટે દિવસની બે-ત્રણ અને મોટા હોય તેણે આઠથી દસ બદામથી વધુ ન લેવી જોઈએ. આ સિવાય જો વજન વધારે હોય તો બદામ ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. ટૂંકમાં બદામ પ્રમાણમાં ખાવી. ભૂખ લાગે ત્યારે નાસ્તા તરીકે બદામ ન ખાઈ શકાય, પણ આમન્ડ મિલ્ક અથવા આમન્ડ બટર લઈ શકાય.’

કઈ બદામ સર્વોત્તમ?

આપણે ત્યાં બજારમાં મોટા ભાગે અમેરિકન આમન્ડ અને મામરો બદામ મળે છે. જાણો બન્નેમાં શું ફરક છે?

અમેરિકન અથવા કૅલિફૉર્નિયા આમન્ડ

બજારમાં ૮૫ ટકા આ પ્રકારની બદામ મળે છે. પ્રોડક્શન મોટા પ્રમાણમાં હોવાને લીધે એની કિંમત થોડી ઓછી હોય છે અને આસાનીથી મળી રહે છે. આ બદામ આપણા સુધી પહોંચે એ પહેલાં એના પર પ્રોસેસિંગ કરવામાં આવે છે અને પ્રોસેસિંગના લીધે એનામાં હીટ પણ વધી જાય છે. હીટ પ્રોસેસના લીધે એનામાં રહેલું કુદરતી તેલ ઘટી જાય છે અને ખાવામાં પણ વધુ મીઠી લાગે છે. આ બધી ડાયરેક્ટ ખાવા કરતાં મીઠાઈ તેમ જ બદામની બાયપ્રોડક્ટ બનાવવા માટે વધુ સૂટેબલ છે.

આ પણ વાંચો : વિડો હોવું એ આજે પણ આસાન નથી

મામરો

મામરો બદામ આખા વિશ્વમાં ફક્ત અફઘાનિસ્તાનમાં થાય છે. મામરો બદામની ખાસિયત એ છે કે એ ખેતરમાંથી ડાયરેક્ટ કોઈ જ પ્રકારની કેમિકલ પ્રોસેસ વિના બજારમાં પહોંચે છે. એ સિવાય એનું પ્રોડક્શન પણ કોઈ પણ જાતના કેમિકલ વિના ઑર્ગેનિક રીતે થાય છે જેના લીધે એમાં કૅલરી, શુગર અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અમેરિકન બદામ કરતાં વધુ હોય છે. મગજ માટે બદામ ખાવાની ઇચ્છા હોય તો મામરો સૌથી બેસ્ટ બદામ ગણાય.

columnists