સોમ-મંગળ બે દિવસ એવા જેમાં કોઈ પણ સીએમને મળી શકે

12 May, 2022 02:19 PM IST  |  Mumbai | JD Majethia

હા, ગુજરાતમાં આ જ નિયમ છે અને આ નિયમ મુજબ ગુજરાતની કોઈ પણ વ્યક્તિ આ બે દિવસ દરમ્યાન ચીફ મિનિસ્ટરથી માંડીને કોઈ પણ નેતા કે પ્રધાનને મળી શકે છે અને ફરિયાદ કરી શકે છે

સોમવાર અને મંગળવાર. આ બે એવા દિવસો છે જે દિવસોમાં ગુજરાતમાં રહેતી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રૉબ્લેમ, પોતાની કોઈ પણ તકલીફ લઈને કેવી રીતે ચીફ મિનિસ્ટર સાહેબ કે પછી અન્ય નેતાઓને મળી શકે એ માટે એક આખી સિસ્ટમ બનાવી છે અને એ સિસ્ટમને કારણે જ સોમ-મંગળ આ બે દિવસો એવા હોય છે જેમાં ચીફ મિનિસ્ટર પોતે ખૂબ બિઝી હોય.

આપણે વાત કરીએ છીએ ‘વાગલે કી દુનિયા’ને એક વર્ષ પૂરું થવા પર અમે જે પ્રમોશન ટૂર કરી એની અને એ ટૂર દરમ્યાન ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલને મળ્યા એની. અમદાવાદ પહોંચીને બીજી સવારે અમે ટીવી અને રેડિયોના ઇન્ટરવ્યુ અને કૉન્ફરન્સ અને એ બધું પતાવ્યું અને એ પછી અમે પહોંચ્યા ગાંધીનગર. આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર બિઝી હતા. નૅચરલી તેમને ખૂબબધું કામ હતું. તેઓ ફ્રી થાય ત્યાં સુધી અમે નિરાંતે બેઠા.

બપોરના અઢી વાગ્યાનો અમારી મુલાકાતનો સમય હતો.

એ અમારી મુલાકાતનો સમય હતો અને પોણાત્રણ થયા ત્યાં તો અમારી મીટિંગ શરૂ થઈ ગઈ. અમે મળ્યા અને અમારી વાતો શરૂ થઈ ત્યાં જ મારો પહેલો પ્રશ્ન તેમને હતો કે કદાચ તમને થતું હશે કે ‘વાગલે કી દુનિયા’ની ટીમ, એક ટીવી-સિરિયલની ટીમ તમને મળવા શું કામ આવે? તેમના ચહેરા પર સ્માઇલ આવી ગયું. હું તમને એક વાત કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ સરળ અને સહજ વ્યક્તિ છે. તેમને મળવા ગયા ત્યારે અમે એવા-એવા લોકો તેમને મળવા આવતા જોયા જેમના પ્રશ્ન સાવ નાના હતા, પણ એમ છતાં ભૂપેન્દ્રભાઈ તેમને પ્રેમપૂર્વક મળતા હતા. આ જ સરળતા અને સહજતા છે જે મોટા પદ પર પહોંચ્યા પછી ટકાવી રાખવી અઘરી હોય છે, પણ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમના તમામ મોટા નેતાઓએ એ જાળવી રાખી છે.
ફરી આવી જઉં તેમને સામેથી મેં કહેલા પ્રશ્ન પર. મેં તેમને ‘વાગલે કી દુનિયા’ની ટીમ તેમને શું કામ મળવા આવી એ વિશે વાત કરતાં કહ્યું કે એક તો તમારા આશીર્વાદ અને બેસ્ટ વિશીઝ લેવા આવ્યા છીએ અને બીજું, તમારા દ્વારા જે કામ થઈ રહ્યું છે એ માટે તમારું અભિવાદન પણ કરવા આવ્યા છીએ. આજે જે કામ મોદીસાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલસાહેબ, તમે નેશન બિલ્ડ થાય એ માટે કરો છો, સ્ટેટ બિલ્ડ થાય એ માટે કરો છો એમાં તમને અનેક લોકોનો સથવારો હોવો જોઈએ. અમે એવું માનીએ છીએ કે આ જવાબદારી ફક્ત તમારા એક પર કે તમારી ટીમ પર ન છોડવી જોઈએ, પણ આ જવાબદારીને સૌકોઈએ પોતપોતાની રીતે સંભાળી લેવી જોઈએ. આ જ વાતને સમજીને, આ જવાબદારીને અમારી પણ માનીને પૂરી નિષ્ઠા અને ફરજ સાથે અમે ‘વાગલે કી દુનિયા’ બનાવી છીએ. આ શોની જે વાર્તાઓ પસંદ કરવામાં આવે છે એ સોસાયટીમાં કશુંક કૉન્ટ્રિબ્યુટ કરે છે. આ શો મિડલ ક્લાસની લાઇફમાં બદલાવ લાવે છે તો જીવન જીવવાની રીતને થોડી બેટર બનાવે છે. ‘વાગલે કી દુનિયા’ માણસમાં આશા ભરે છે અને સાથોસાથ સમાજને પણ સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. અમે એવા મુદ્દાઓ લાવીએ છીએ જે કદાચ એકલા હાથે સિસ્ટમ પણ ન કરી શકે.

એ પછી તો અમે સીએમ સાથે અમુક વિષયની વાત કરી, જેને શોમાં અમે આવરી લીધી છે. તમને પણ એ વિષયો યાદ હશે, કારણ કે અઢળક લોકોએ એ વિષયોની તારીફ કરી છે. જેમ કે અન્નનું અપમાન કરવા પર એક ટૉપિક કર્યો હતો, જેમાં ખાવાનું વેસ્ટ કરવાથી શું ઇમ્પૅક્ટ પડે છે એની વાત કહેવામાં આવી હતી. પેલા ગુડ ટચ અને બૅડ ટચની વાત પણ કરી. એ સબ્જેક્ટ તો ખૂબ જ વખણાયો હતો. બાળકો સાથે શું-શું થયું હોય અને તેઓ કેમ બોલી નથી શકતાં એ વિશે આ ટૉપિકમાં વાત કરવામાં આવી હતી. અમે તેમને કહ્યું કે મિડલ ક્લાસના મનની, તેમના હૃદયની વાત આ શો દ્વારા કરવામાં આવે છે. આ શો મિડલ ક્લાસને પ્લૅટફૉર્મ આપે છે. હાઉસવાઇફની લાઇફમાં જરૂરી એવા અપ-લિફ્ટમેન્ટની વાતો પણ શોમાં થાય છે તો યંગ છોકરીઓ કેવી રીતે હિંમતવાન થઈને સમાજમાં ચાલતા ટીઝિંગનો સામનો કરે એ પણ આ જ શોમાં કવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોએ રોજબરોજની લાઇફમાં શું-શું ભૂલો ન કરવી એવા ખૂબ અગત્યના કહેવાય એવા મુદ્દાઓ પણ શોમાં સમાવવામાં આવ્યા છે એ પણ અમે કહ્યું અને એ બધી વાત પછી અમે કહ્યું કે અમે કેવી રીતે નેશન બિલ્ડિંગમાં મદદરૂપ થઈએ છીએ.

આ જ મીટિંગમાં અમે કહ્યું કે તમારી સાથેનો આજનો વાર્તાલાપ પણ અમને ઉપયોગી બનશે અને હવે અમે શું નવું કરી શકીએ એ વિશે વધારે જાગૃત થઈશું. અમે તેમને ખુલ્લા મને કહ્યું કે અમે ગુજરાતમાં આવીને ખૂબબધું શૂટ કરવા માગીએ છીએ અને શું કામ નહીં સાહેબ, અત્યારની ગવર્નમેન્ટ ખૂબ જ મદદરૂપ થઈ રહી છે.
ગુજરાતમાં ટૂરિઝમ પ્રમોશન સાથે-સાથે ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રીને ખૂબ જ એન્કરેજમેન્ટ આપવામાં આવે છે અને એને હજી પણ વધારવા માટે આખું એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત થઈ રહી છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.

અમારી આ બધી વાતો અને વિચારો સાંભળીને ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના વિચારો કહ્યા. તેમના એ વિચારો સાંભળતાં-સાંભળતાં થયું કે કેટલી સરસ તેઓ અત્યારે ગુજરાતની સેવા કરે છે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું.

સોમવાર અને મંગળવાર. આ બે એવા દિવસો છે જે દિવસોમાં ગુજરાતમાં રહેતી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રૉબ્લેમ, પોતાની કોઈ પણ તકલીફ લઈને કેવી રીતે ચીફ મિનિસ્ટર સાહેબ કે પછી અન્ય નેતાઓને મળી શકે એના માટે એક આખી સિસ્ટમ બનાવી છે અને એ સિસ્ટમને કારણે જ સોમ-મંગળ આ બે દિવસો એવા હોય છે જેમાં ચીફ મિનિસ્ટર પોતે ખૂબ બિઝી હોય છે. નાનામાં નાનો માણસ તેમના સુધી પહોંચી શકે, તેમને  પ્રૉબ્લેમ કહી શકે એ જે સિસ્ટમ છે એના વિશે તેમણે વિસ્તૃતમાં વાત કરી, જેની ચર્ચા આપણે પણ આવતા સમયમાં કરીશું. જોકે એ આખી સિસ્ટમ જાણીને ખરેખર ખૂબ આનંદ થયો. થયું કે સાચે જ આપણો દેશ બદલાઈ રહ્યો છે.

મેં જોયું છે કે એક સમય હતો કે કોઈ નેતાને મળવું હોય એટલે એ જાગતી આંખે સપનું જોવા જેવું ગણાતું, પણ મોદીસાહેબના આવ્યા પછી મોદીસાહેબથી લઈને જ્યારે પણ કોઈને મળવાની વાત થઈ છે; ગુજરાતમાં કે પછી દિલ્હીમાં પણ મળવા વિશે વાત થઈ છે ત્યારે એ બહુ સરળતાથી થાય છે અને આ વાત દરેકેદરેક કૉમન મૅન કહી શકશે. આ જ વાત હું સોની સબટીવીના હેડ અને મારા મિત્ર નીરજ વ્યાસને કરતો હતો કે નરેન્દ્ર મોદી આવ્યા પછી સાચા અર્થમાં પ્રજાના સેવકો પ્રજા વચ્ચે આવ્યા છે.

અમે મુંબઈથી રવાના થયા ત્યારે જ મારે આ વાત થઈ હતી અને અમદાવાદમાં એ જ વાત ફરી વાર પુરવાર થઈ. ભૂપેન્દ્રભાઈએ સાવ જ સરળતાથી વાત કરી કે મોટા માણસો તો કૉન્ટૅક્ટ કાઢીને કે કોઈ પણ પરિચયથી કે ધંધાકીય રીતે અમારા સુધી પહોંચી જાય; પણ નાનો માણસ, આપણે કદાચ ફાઇનૅન્સની દૃષ્ટિએ નાના કહી શકીએ બાકી તો બધા સરખા જ છે, પણ એ રીતે જે નાનો કહેવાય એવો માણસ કઈ રીતે તેમના સુધી પહોંચી શકવાનો. એ લોકોના પ્રૉબ્લેમ સૉલ્વ ન થતા હોય તો તે આવીને કેવી રીતે રાવ કરી શકવાનો? ભૂપેન્દ્રભાઈએ સરસ સમજાવ્યું અને કહ્યું કે આપણે જો નાના માણસોને મળતા રહીએ તો અડધોઅડધ કામ તો નીચેના લેવલ પરથી જ પૂરાં થઈ જાય, કારણ કે તેમને ખબર છે કે સાહેબ બધાને મળે છે. નાના માણસોની સાથે સંપર્કમાં રહેવાને લીધે થતા લાભોની વાત પણ તેમણે કરી અને કહ્યું કે જ્યારે પણ એ બ્રિજ તૂટી જાય છે ત્યારે સાચી પરિસ્થિતિનો ક્યાસ તમે કાઢી નથી શકતા. આ વાતનો વિચાર પણ ભાગ્યે જ કોઈને આવે અને જેમને આવે એ ખરા અર્થમાં પ્રજાના સેવક હોય. આ વાત સમજવા માટે બહુ જરૂરી છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists