અલગ વિચારની મોકળાશ અને મુંબઈ

13 September, 2020 06:00 PM IST  |  Mumbai | Kana Bantwa

અલગ વિચારની મોકળાશ અને મુંબઈ

ફાઈલ તસવીર

ભૂંડ સાથે કાદવમાં કુસ્તી લડવાનો અર્થ એ છે કે થોડી વાર પછી સમજાય છે કે તમને નુકસાન થઈ રહ્યું છે અને પેલાને તો મજા પડી રહી છે. આવું જ કંગના રનોટ અને શિવસેના વચ્ચેની લડાઈમાં બની રહ્યું છે. મુંબઈમાં એક સવાલ હંમેશાં ઊભો થતો રહે છે કે પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે કે નહીં? આ મહાનગર વિરોધાભાસોથી ભરપૂર છે. અહીં તમને એકબીજાથી તદન વિપરીત બાબતોનું સહઅસ્તિત્વ સદા જોવા મળે છે. અહીં ગરીબી અને અમીરી એક દીવાલ પર રહે છે. અહીં પ્રેમ અને ધિક્કાર એક જ પલંગ પર પોઢે છે. અહીં તોડનારા અને જોડનારા એક જ કરંડિયામાં બેસે છે. આ શહેર વૈચારિક સ્વતંત્રતાને અને મુક્ત અભિવ્યક્તિને પૂરતી મોકળાશ આપે છે અને એને દબાવનારાઓને પણ એટલી જ છૂટ આપે છે. આ શહેરને કોઈ મારું નથી અને કોઈ તારું નથી. કોઈના પ્રત્યે રાગ નથી કે કોઈના પ્રત્યે દ્વેષ નથી. એને માટે કશું સત કે અસત નથી. આ શહેર બધાને પૂરતી છૂટ આપે છે અને પોતે સાક્ષીભાવે બધું જ જોયા કરે છે. આ શહેર બધાને આશરો આપે છે અને એ જ બધાની સંયુક્ત મહેનતથી વિસ્તરે છે, વિકસે છે, વિખેરાય છે, ફરી જોડાય છે, ક્ષત-વિક્ષત થાય છે, ફરી ઊભું થાય છે, દોડે છે, દોડતું રહે છે. સતત લય અને પ્રલયનું ચક્ર ફરતું રહે છે અહીં. આ શહેર અલ્ટિમેટ છે. અહીં બધું જ એક્સ્ટ્રીમ છે. અહીં એક્સ્ટ્રીમ સૌંદર્ય છે અને એટલી જ આત્યંતિક કુરૂપતા પણ અહીં છે. અહીં છેલ્લી કક્ષાની ગુંડાગીરી, ટપોરીગીરી છે અને અહીં જ ઉત્કૃષ્ટ ઉદાત્તતા પણ છે.

આ મુંબઈ શહેરમાં વિચારો વવાય છે, એના છોડ ઊગે છે, સંવર્ધિત થાય છે, એનાં ફળ આવે છે. નવા વિચારોનું પારણું અહીં બંધાય છે. જેને કશુંક નવું, કશુંક ક્રેઝી, કશુંક પરંપરા બહારનું કરવું છે તે બધા જ, આખા ભારતમાંથી મુંબઈ તરફ ખેંચાઈ આવે છે. જેને થોડાથી સંતોષ નથી, જેને અઢળક જોઈએ છે, જેની મહત્ત્વાકાંક્ષા હિમાલય જેવડી છે, જેને દુનિયા પોતાની મુઠ્ઠીમાં કેદ કરવી છે તેને મુંબઈ પોતાના તરફ આકર્ષે છે. આ શહેર મુક્ત મને ઊડતાં પંખીઓનું શહેર છે. આ સ્વતંત્રતાનું શહેર છે. દેશની સ્વાતંત્રતાની લડાઈમાં પણ આ જ શહેર મુખ્ય હતું અને, અને, આ જ શહેર છે જ્યાં મુક્ત વિચારોનું ગળું ઘોંટનારાઓ પણ આવતા રહ્યા છે. જ્યાં મુક્તિ છે ત્યાં જ બંધન પણ છે. જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જ એ ઇન્ડિપેન્ડન્સને સ્થાને ગુલામીની બેડીઓ પહેરાવવાનો પ્રયાસ કરનારાઓ પણ છે. મુંબઈમાં આ બન્ને વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો રહ્યો છે, ચાલતો રહેશે. કંગના રનોટનો કેસ લેટેસ્ટ છે, પણ છેલ્લો નથી. આ લડાઈ આ સ્તરે પહોંચવી જ જોઈતી નહોતી. કંગનાને દબાવવાની કોશિશમાં મહારાષ્ટ્ર સરકાર એક્સપોઝ થઈ ગઈ છે. કંગનાને આર્થિક નુકસાન થયું હશે, પણ સહાનુભૂતિનો ફાયદો થયો છે. મહારાષ્ટ્રમાં કેટલાક લોકો કંગનાની વિરુદ્ધમાં વિચારવા માંડ્યા હશે, પણ દેશના બાકીના હિસ્સામાં તેની તરફ લોકોમાં દિલસોજી, અનુકંપા, સમભાવ, અનુમોદનનો મહાસાગર હિલોળા લેવા માંડ્યો છે. જ્યારે પણ ડેવિડ અને ગોલિયાથની લડાઈ થાય છે, બળશાળી અને નિર્બળ વચ્ચે જંગ જામે છે ત્યારે નિર્બળ તરફ સહાનુભૂતિ ઊભી થાય અને તેની હિંમત પ્રત્યે આદર પણ જનતામાં જાગે. જેની પાસે અસીમ તાકાત છે, અમર્યાદ સત્તા છે તેને પડકારવાની હિંમત કરનારના વિજયની સંભાવના હંમેશાં નહીંવત્ જ હોય છે. તેણે પીડા ભોગવવાનું નક્કી જ હોય છે. તેણે પરેશાન થવું જ પડશે એ પણ નિશ્ચિત જ હોય છે. તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવશે એ પણ એટલું જ ખાતરીબદ્ધ હોય છે. તેના સ્વજનોએ પણ અપાર વેદના વેઠવી પડશે એ ચોક્કસ હોય છે. તેને ભયંકર ફટકો પડશે એ નિયત હોય છે. તેણે વારંવાર જમીનદોસ્ત થવું પડશે એ પાકું હોય છે. દરેક વખતે ધૂળ ખંખેરીને ઊભા થતાં જ નવો પ્રહાર આવશે અને ફરી ધૂળભેગા થવું પડશે એ નિ:સંશય હોય છે છતાં જે સામે પડે તેનામાં એકમાત્ર તાકાત હોય છે પોતાની જાત પર અને પોતાના સત્ય પર વિશ્વાસ. પોતાની વાત પર વિશ્વાસ અને એ માટે ફના થઈ જવાની હિંમત જ મહાબળશાળીને પડકારનારની મૂડી હોય છે.

કંગના રનોટ પોતાની વાત નહીં છોડવા માટે પંકાયેલી છે. આ મણિકર્ણિકા ખરેખર જ ઝાંસીની રાણી છે. તેણે લીધેલો તંત મૂકી દેતી નથી, નુકસાન ભોગવી લે છે. બૉલીવુડની ખામીઓ સામે તે સતત બોલતી રહી છે. બૉલીવુડની ટોળકીઓને તેણે હિંમતપૂર્વક ઉઘાડી પાડી છે. લડાઈ જાણે તેના લોહીમાં છે. આક્રોશ તેનો સ્થાયી ભાવ છે. સાંખી નહીં જ લેવાનો તેનો સ્વભાવ છે. જતું કરવાને બદલે વટક વાળી લેવાનું તે પસંદ કરે છે. તે સતત તલવાર વીંઝતી રહે છે. કંગના બધાની સામે લડી શકે છે એનું કારણ તેની પોતાની કામ પ્રત્યેની નિષ્ઠા અને સર્વોત્કૃષ્ટ કામ કરવાની લગન છે. કંગનાના અભિનયમાં કોઈ કસર ન બતાવી શકે. અભિનય પ્રત્યેના તેના ડેડિકેશનમાં કોઈ અધૂરપ ક્યારેય ન રહે એટલે જ તે બેબાક અને બેફામ બોલી શકે છે. તે પોતાના પગે ચાલનારી છે. તે પોતાની મેળે ઊભી થયેલી વ્યક્તિ છે. કોઈના ટેકાથી, કોઈની દયાથી, કોઈની ચાપલૂસી કરીને, કશુંક બાર્ટર કરીને તે આ મુકામે પહોંચી નથી. કોઈનો અહેસાન લઈને તેણે સફળતા મેળવી નથી એટલે કોઈના બાપની તેને સાડીબાર નથી. કોઈની પડી નથી તેને.

મુંબઈ શહેરમાં દરરોજ હજારો લોકો આવે છે. લગભગ બધાને તેની યોગ્યતા પ્રમાણેનું વળતર આ શહેરમાં મળી રહે છે, પણ ભવ્ય સફળતા બહ જ ઓછા લોકોને મળે છે. કોઈ આંગળી પકડનાર કે હાથ પકડનાર ન હોય તો અહીં સફળ થવું મુશ્કેલ છે. અહીં ગૉડફાધરની દુનિયા છે. અહીં કશાકના બદલામાં સફળતા અપાવનારાઓની ટોળકીઓ છે. અહીં સફળતા વેચાય છે, સોદા પૈસામાં નથી થતા. સોદા બહુ મોંઘી જણસના થાય છે. પોતાની અંગત સ્વતંત્રતાના સોદા થાય છે. અસ્મતના સોદા થાય છે, આત્માના સોદા થાય છે. જે આ બધું વેચી શકે છે તેને સફળતા અપાવવામાં આવે છે. જોકે આ શહેર ગ્રેટ બૅલૅન્સર છે. એ એવા લોકોને પણ સફળ બનાવે છે જેઓ સોદા નથી કરતા. જેઓ નથી ઝૂકતા. જેઓ મહેનત કરે છે. જેઓ ભૂખ્યા સૂઈ જાય છે, પણ પોતાનું પૅશન નથી છોડતા. આવા એકલવીરોને આ મુંબઈનગરી સફળતાનો તાજ પોતે પહેરાવે છે. સુશાંતસિંહ રાજપૂત અને કંગના રનોટ આવી વ્યક્તિઓ છે. તેમને આ મુંબઈએ પોતે સફળતા બક્ષી છે. તેને મુમ્બાદેવીએ નવાજ્યાં છે, સ્વીકાર્યાં છે, પોતાની ગોદમાં બેસાડ્યાં છે.

કંગનાની ઑફિસ તોડી પાડ્યા પછી મહારાષ્ટ્ર સરકાર એવું કહે છે કે આ ડિમોલિશન તો બીએમસીએ કર્યું છે, અમારે કશું લાગતુંવળગતું નથી. સત્તાવાર રીતે એને જરાય લાગતુંવળગતું નથી જ, પણ આવો ખુલાસો કરવામાં આવે એ જ બતાવે છે કે કેટલું લાગેવળગે છે. સામાન્ય માનવી બહુ જ સ્પષ્ટપણે સમજ્યા છે કે વિરુદ્ધમાં બોલવાને કારણે કંગનાની ઑફિસ તોડી પાડવામાં આવી. પૃથકજન સમજે છે કે આ વેરવૃત્તિથી કરવામાં આવેલી કાર્યવાહી છે. સરકાર કે સેનાના પ્રવક્તા ગમે તે કહે, જનતાના મનમાં જે છાપ પડી છે એ આ છે અને શિવસેના આ જ છાપ પાડવા માગતી હતી. નિવેદનો અલગ બાબત છે અને કરણી અલગ બાબત છે. સેના પોતાનો કડપ દેખાડવા માગતી હતી. એ બતાવી દેવા માગતી હતી કે હજી એ એ જ જૂની શિવસેના છે જે મુંબઈની રફતાર અટકાવી દેવાની ક્ષમતા ધરાવતી હતી. એ મેસેજ પહોંચી ગયો છે, પણ એની કિંમત બહુ મોટી ચૂકવવી પડી છે.

એક ક્ષુલ્લક ઇશ્યુને જ્યારે વધુપડતું મહત્ત્વ આપી દેવામાં આવે, એને વધુપડતો લાંબો ખેંચવામાં આવે ત્યારે એનાં પરિણામ સાવ જ ઊલટાં આવી શકે એ કંગના-શિવસેનાના ઝઘડામાં સમજાયું છે. અહીં બન્ને સરખેસરખાં ભટકાયાં છે. એકબીજાનાં માથાં અથડાવે તો પણ ફૂટ ન થાય એવા છે બન્ને. કોઈ જરાપણ ઢીલું મૂકે એમ નથી. કંગનાનો સ્વભાવ જ નમતું મૂકવાનો નથી. સામા પક્ષે શિવસેના જો જરા પણ મોળી પડે તો એની આબરૂનું ધોવાણ થઈ જાય એમ છે. એણે તો હવે ટંગડી ઊંચી રાખ્યે જ છૂટકો છે. કંગનાને ડરાવવાના પ્રયાસોનિષ્ફળ નીવડ્યા પછી હવે સેનાએ કોઈ નવો રસ્તો અખત્યાર કરવો પડશે અને સેના નવો નહીં, એનો જૂનો અને જાણીતો રસ્તો જ અખત્યાર કરશે, કારણ કે એ ટાઇમ ટેસ્ટેડ છે. જંગ હજી પૂરો નથી થયો. કોઠી ધોવાઈ રહી છે અને કાદવ જ નીકળી રહ્યો છે. બન્ને પક્ષે ગંદાં લૂગડાં જાહેરમાં ધોઈ રહ્યાં છે અને આબરૂનું લિલામ કરી રહ્યાં છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળ મુદ્દો બાજુએ રહી ગયો છે. વાત હવે અહમ્ પર આવી ગઈ છે. રાજહઠ અને સ્ત્રીહઠ સામસામે છે અને એમાં વળી બાળહઠ ભળી છે. ખટસવાદિયાઓને મજા પડી ગઈ છે અને લાભ લેનારાઓ કાખલી કૂટવા માંડ્યા છે. બેની લડાઈમાં ત્રીજો ફાવી રહ્યો છે. દેશઆખાને મનોરંજન પૂરું પાડનાર નાટકનો બીજો અંક પૂરો થયો છે, નાટક હજી બાકી છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists kana bantwa