સામાજિક મંડળો, સેવાકાર્યો અને સોશ્યલાઇઝેશન અકબંધ છે ત્યાં સુધી ભારતીયોની મેન્ટલ હેલ્થ અલમસ્ત જ રહેવાની

25 February, 2023 02:54 PM IST  |  Mumbai | Sejal Patel

સેલિબ્રિટી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીએ સેજલ પટેલ સાથે ભારતની એવી ખાસિયતોની વાતો કરી છે જે આપણી માનસિક સ્વસ્થતાનો પાયો બની રહી છે 

પ્રતીકાત્મક તસવીર અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી (ડાબે)

આપણું સામાજિક માળખું, પારિવારિક બૉન્ડ અને એકમેકને મદદ કરવાની મૂળભૂત ભાવના મેન્ટલ હેલ્થના પેન્ડેમિક સામે લડવામાં કેટલાં કારગર છે એનો કદાચ આપણને અંદાજ નથી. વિશ્વભરમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને મેન્ટલ પેન્ડેમિક પીક પર હોવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સેલિબ્રિટી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીએ સેજલ પટેલ સાથે ભારતની એવી ખાસિયતોની વાતો કરી છે જે આપણી માનસિક સ્વસ્થતાનો પાયો બની રહી છે 

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. સુસાઇડ, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, બર્નઆઉટ જેવા શબ્દો વારંવાર કાને પડી રહ્યા છે ત્યારે ભારતમાં માનસિક હેલ્થ બાબતે શું સ્થિતિ છે? 

આંકડાઓની વાત કરીએ તો યસ, એ ચિંતાજનક છે. ન્યુઝ-ચૅનલો પર ચાલતી નકારાત્મકતા સાંભળીએ તો-તો એવું જ લાગે કે દુનિયા રસાતાળ થવાની છે. પણ ના, વિશ્વની વાત જે હોય તે, ભારત એક રેઝિલિયન્ટ દેશ છે એટલે માનસિક હેલ્થની બાબતમાં ઘણું મજબૂત સ્થાન ધરાવે છે. આપણું સામાજિક માળખું અને ભારતીયોનો ઉછેર જ એ રીતે થયો છે જે આપણને કુદરતી રીતે જ એક પ્રકારનું મેન્ટલ ઇન્સ્યુલેશન આપે છે. 

કઈ બાબતો તરફ તમે અંગુલિનિર્દેશ કરો છો?

હં... (સહેજ વિચારીને), જુઓ હું સૌથી પહેલી જે વાત કહીશ એ નેગેટિવ અને પૉઝિટિવ બન્ને છે, પણ એ આપણી ઇન્ડિયન સોસાયટીની બહુ મોટી ખાસિયત છે. આપણને પંચાત કરવાની બહુ ગમે છે. મતલબ કે આપણને લોકોમાં, તેમના જીવનમાં બહુ રસ પડે છે. કોઈ ઉદાસ હોય તો તરત આપણે તેના ખબર પૂછીએ છીએ. કોઈ ચાર દિવસ ઘરમાંથી બહાર નીકળ્યું ન હોય તો પાડોશી બારણું ખખડાવીને પૂછે કે ઠીક તો છેને? ફૅમિલી અને એક્સ્ટેન્ડેડ ફૅમિલી માણસને એક હૂંફ આપવાનું કામ કરે છે. માનસિક સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી એ છે કે તમે લોકો સાથે કનેક્ટેડ રહો. કોઈને મુસીબતમાં જોઈને સહજપણે સલાહ આપવા કે મદદનો હાથ લંબાવવા ચાર માણસો જરૂર દોડી આવશે. 

પણ પંચાતના સ્વભાવને કારણે પણ ઘણી નકારાત્મક અસર થતી જ હોય છેને? 

એ વાત સાચી, પણ ભયંકર એકલતાને કારણે પેદા થાય એવી નેગેટિવ અસર નહીં. આપણાથી વિપરીત વિદેશની વાત કરીએ તો એકબીજાના ખબરઅંતર પૂછવા એને પણ એ લોકો એન્ક્રોચમેન્ટ ઑફ પર્સનલ સ્પેસ ગણે છે. એને કારણે તેઓ ખૂબ એકલા પડી જાય છે. એકબીજાથી એટલું ડિસ્ટન્સ હોય છે કે જરૂર પડ્યે દિલની વાત કોને કરવી અને કોના ખભે માથું રાખીને સહાનુભૂતિ મેળવવી એ ખબર નથી પડતી. એટલે જ ત્યાં મનોચિકિત્સકોની જરૂરિયાત વધી ગઈ છે. એની સામે આપણે ત્યાં કેટલાક લોકોના સ્વભાવને કારણે થતું ડૅમેજ ઘણું લિમિટેડ છે. 

સમાજ તરીકે હેલ્ધી રહેવા માટે એવું શું થવું જોઈએ જે દરેકને સંતુષ્ટ અને સુખની અનુભૂતિ આપે?

માણસ એક સામાજિક પ્રાણી છે એવું કદાચ ભારતીયોને જોઈને જ કહેવાયું હશે. સમાજ એટલે એવી ચીજ જે આપણને સેન્સ ઑફ બિલોન્ગિંગનેસ આપે. કશાક સાથે જોડાયેલા રહેવાનો, કશાકનું અભિન્ન અંગ હોવાનો અહેસાસ માણસને સ્થિરતા આપે છે. આ બિલોન્ગિંગનેસ મળે છે આપણાં સામાજિક મંડળો, સંસ્થાઓ, ફાઉન્ડેશન્સ, ફૉર્મલ-ઇન્ફૉર્મલ લાઇક-માઇન્ડેડ લોકોનાં ગ્રુપ્સમાંથી. આવાં મંડળો દ્વારા થતી પ્રવૃત્તિઓ વ્યક્તિને બધાથી બાંધેલી રાખે છે. ગ્લોબલાઇઝેશન અને ડિજિટાઇઝેશનના જમાનામાં આ જ સામાજિક પ્રવૃત્તિઓ લોકોને તન, મન અને ધનથી જોડાયેલા રાખે છે અને એ જ આપણી માનસિક સ્વસ્થતાનું રાઝ છે. સોશ્યલ મીડિયાના જમાનામાં આ મંડળો અને સમાજો જ માણસને માણસની નજીક રાખવાનું કામ કરી શક્યાં છે. પેન્ડેમિક કાળમાં આપણે નજરે જોયું જ છે કે લાખો લોકો મુસીબતમાં મુકાયેલા ત્યારે તેમને બનતી મદદ કરવા માટે એટલા જ લોકો આગળ પણ આવીને ઊભા રહેલા. આવાં સંગઠનો થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ પણ લેનાર અને દેનાર બન્નેને સુકૂન આપનારી છે. બીજાને મદદ કર્યાનો સંતોષ અને જ્યારે ખૂબ અણીનો સમય હતો ત્યારે મળેલી મદદથી થયેલી રાહત બન્ને પક્ષ માટે ફાયદાકારક છે. જૉય ઑફ ગિવિંગ એ એવી ફીલિંગ છે જે ભલભલી નકારાત્મકતાને ખતમ કરી દે છે. આપવું, મદદ કરવી એ આપણા સંસ્કારોમાં છે. ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાંમાં જોશો તો આ વાત આપણા ધર્મમાં પણ વણી લેવામાં આવી છે. આ ભારતની ખરી તાકાત છે. 

કહેવાય છે કે ધર્મ અને સ્પિરિચ્યુઅલિટી પણ મેન્ટલ હેલ્થનો અગત્યનો પિલર છે...

ચોક્કસ સાચું છે. હું તો કહું છું કે દરેક દવાની ગોળી અને બીમારીની વચ્ચે એક સાધુ છે. આપણા સમાજમાં ધર્મ, સત્સંગ, ભક્તિ, જપ-તપ જેવી ચીજોએ માણસને ગ્રાઉન્ડેડ રાખ્યો છે. હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકો પોતપોતાની વિચારધારાને માફક આવે એવા સાધુ-સંત, સ્પિરિચ્યુઅલ ગુરુને ફૉલો કરે છે, દિલથી અને શિદ્દતથી ચોક્કસ વિચારધારાને ફૉલો કરે છે. આ તેમના માટે લાઇફ-ફ્યુઅલ છે, જીવન-ઈંધણ છે. ભલે વિભિન્ન વિચારધારાઓ હોય, ભરપૂર શ્રદ્ધા સાથે દિલથી એને સમર્પિત થઈ જાઓ તો ભલભલી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે. મેં કેટલાય કેસ એવા જોયા છે જેમાં લાગતું હોય કે આ દરદીને માનસિક રોગની દવાઓ લીધા વિના છૂટકો જ નથી અને એવા લોકો પોતાની શ્રદ્ધાના પંથે ખૂંપી જઈને એમ જ સાજા થઈ ગયા હોય. આવા ‘ચમત્કાર’ એ ભારતની સંસ્કૃતિ છે. આ જ આપણને અન્ય સંસ્કૃતિઓથી જુદા પાડે છે. 

સંસ્કૃતિની વાત નીકળી છે તો મેન્ટલ હેલ્થમાં ધ્યાન, યોગ અને આયુર્વેદ પણ અસરકારક ખરાં?

માત્ર અસરકારક જ નહીં, અકસીર કહેવાય. રામદેવ બાબાના ભડભડિયાપણાને કારણે ભલે લોકો તેમને ગંભીરતાથી નથી લેતા, પણ તેમણે ઘર-ઘરમાં લોકોને પ્રાણાયામ કરતા કરી દીધા છે એ તો કહેવું જ પડે. ગામડાનો અભણ માણસ પણ સમજે છે આયુર્વેદના દેશી ઇલાજના મહત્ત્વને અને ભણેલા અને મૉડર્ન લોકો ચોતરફથી ભટકી-ભટકીને હવે યોગ અને આયુર્વેદ તરફ વળ્યા જ છે. હું તો કહું છું કે ભારતીય સંસ્કૃતિની આ દેણ વિશ્વભરના લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. વાત નીકળી જ છે તો હું એ પણ કહેવા માગીશ કે આપણા ભારતે કદી કોઈ દેશ પાસેથી કશું છીનવ્યું નથી, હંમેશાં આપ્યું જ છે. વિદેશી મલ્ટિનૅશનલ કંપનીઓ અહીં આવીને કમાણી કરી ગઈ છે, પણ આપણે કદી કોઈનું શોષણ નથી કર્યું. તમને થશે કે મેન્ટલ હેલ્થની વાત ચાલે છે ત્યાં ક્યાં આ અસંગત વાત થઈ રહી છે? પણ વ્યક્તિ તરીકે, સમાજ તરીકે અને દેશ તરીકે જાતે સ્વસ્થ રહેવું અને બીજાને સ્વસ્થ રાખવાની ખેવના રાખવી સમાજના સ્વાસ્થ્ય માટે બહુ મહત્ત્વનું છે. આપણા સાધુ-સંતો અને ધર્મો વિદેશોમાં જઈને પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાનો ફેલાવો કરવા મથે છે એ આપણું દેશ તરીકે વિશ્વને અનોખું કૉન્ટ્રિબ્યુશન છે. કયા દેશના લોકો આવી નિઃસ્વાર્થ પ્રવૃત્તિમાં જોડાયા છે?

પણ આપણે ત્યાંય ઘણી ડિસ્ટર્બિંગ ઘટનાઓ ઘટે જ છે ત્યારે આ બધું જસ્ટ રોમૅન્ટિસાઇઝ થતું હોય એવું નથી?

ના જરાય નહીં. હું આપણી સંસ્કૃતિની સારી વાતો કરું છું, પણ સાથે એ પણ માનું છું કે દરેક સમાજમાં ચેન્જ થવો જરૂરી છે. વિદેશો પાસેથી આપણે બીજું ઘણું શીખવાની જરૂર પણ છે. માનસિક અસ્વસ્થતાનો સહજ સ્વીકાર કરતાં શીખવાની જરૂર છે જ એની ના નથી, પણ આપણે શું ખરાબ થઈ રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સારું જે છે એને વધુ દૃઢ કરવાની કોશિશ કરીએ એ આજના સમયની માગ છે. 

દેશ અને સમાજની આપણે વાત કરી, પણ પારિવારિક યુનિટ તરીકે ઇમોશનલ અને મેન્ટલ હેલ્થની ખરી ચાવી શું છે?

પરિવારમાં બે મુખ્ય સ્તંભ છે. પુરુષ હજીયે મુખ્યત્વે ફાઇનૅન્શ્યલ કૅર ગિવર રહ્યો છે, જ્યારે સ્ત્રી ઇમોશનલ કૅર ગિવર કહેવાય છે. સ્ત્રીઓ પણ હવે સ્વતંત્ર અને આત્મવિશ્વાસથી ભરપૂર બની રહી છે એની અસર કુટુંબના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આજની સ્ત્રીઓ માત્ર ઘર સંભાળીને ‘અ’સંતુષ્ટ નથી. સ્ત્રીઓ કિટી પાર્ટીઓમાં મી ટાઇમ માણી શકે છે અને બચત સંસ્થાઓ, સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને કૉર્પોરેટ કંપનીઓ સુધી પોતાની જાતને ખીલવી શકી છે. સાથે જ સમાજમાં સ્ત્રીની સુવિધાઓને પ્રાધાન્ય અપાયું છે જે તેમને સંતુષ્ટ રાખે છે. તમે માનો કે ન માનો; પરિવારનાં બાળકો, વડીલો કે પુરુષોનો ઇમોશનલ સપોર્ટ બનવામાં સ્ત્રીઓની ભૂમિકા બહુ જ મહત્ત્વની રહી છે. ઇમોશનલી પરિવારને જોડી રાખવાની, દરેક વ્યક્તિને સ્પેશ્યલ ફીલ કરાવીને તેને ફીલગુડ કરાવવાની ક્ષમતા સ્ત્રીઓમાં હોય છે એવી પુરુષોમાં નથી હોતી. 

સક્સેસ-મંત્ર : ૨૧

આપવું અને મદદ કરવી એ આપણા સંસ્કાર છે એટલે જ જૉય ઑફ ગિવિંગનો અનુભવ માનસિક સ્વાસ્થ્યની મૅજિક પિલ બની શકે છે.

columnists sejal patel