જ્યારે સાઉન્ડ સ્લીપરની ઊંઘ ઊડી ગઈ ત્યારે ‘નીંદ’ ઍપનો જન્મ થયો

25 February, 2023 03:42 PM IST  |  Mumbai | Laxmi Vanita

મુંબઈ પહોંચી અને શરૂઆતનાં આઠ વર્ષ નોકરીમાં વિતાવ્યા બાદ પોતાનું વેન્ચર શરૂ કર્યું. ઍપની જર્ની, ઓછા સમયમાં  મેળવેલી સફળતા અને સુરભિના વિઝન વિશે જાણ્યા પછી તમે તેના પર ઓવારી જવાના

સુરભિ જૈન

રાજસ્થાનના નાનકડા શહેર લાવામાં ઊછરેલી સુરભિ જૈન સમાજની માનસિકતાને તોડીને આઇઆઇટી - મુંબઈ પહોંચી અને શરૂઆતનાં આઠ વર્ષ નોકરીમાં વિતાવ્યા બાદ પોતાનું વેન્ચર શરૂ કર્યું. ઍપની જર્ની, ઓછા સમયમાં  મેળવેલી સફળતા અને સુરભિના વિઝન વિશે જાણ્યા પછી તમે તેના પર ઓવારી જવાના

રાજસ્થાનના એક નાના શહેર લાવામાં દીકરીઓ લગભગ પંદર વર્ષની થાય ત્યારે જ તેમની સગાઈ અને લગ્ન નક્કી કરી દેવામાં આવે છે. પાંચમા ધોરણ પછી લગભગ દીકરીઓ સ્કૂલમાં પણ જતી નથી એવી જગ્યાએ કન્ઝર્વેટિવ મારવાડી પરિવારમાં જન્મેલી અને મોટી થયેલી સુરભિ જૈને માત્ર ભણવામાં ધ્યાન આપીને પોતાને આઇઆઇટી - મુંબઈ સુધી પહોંચાડી. આજે ‘નીંદ’ ઍપને સફળ બનાવીને તે હજારો લોકોની ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરી રહી છે.

અસામાન્ય બાળપણ

પાંચમા ધોરણથી પપ્પાને બિઝનેસમાં મદદ કરતી સુરભિ કહે છે, ‘હું રાજસ્થાનના એવા નાના શહેરમાં ઊછરી છું જ્યાંની વસ્તી લગભગ પાંચ હજાર જેટલી જ હશે. મારા પપ્પાની સાડીની શૉપ હતી અને મમ્મી પણ એમાં મદદ કરતી. એ શહેરમાં પ્રાઇવેટ સ્કૂલ પણ પાંચમા ધોરણ સુધી હતી અને ગવર્નમેન્ટ સ્કૂલ દસમા ધોરણ સુધી હતી. એમાં પાંચમા ધોરણ પછી છોકરીઓની સંખ્યા ક્લાસમાં ઓછી થઈ જાય. હું ગવર્નમેન્ટ સ્કૂલમાં જ ભણતી હતી. ટેન્થમાં આવી ત્યારે મારા ક્લાસમાં માત્ર દસ ટકા જ છોકરીઓ હતી. દસમું ધોરણ મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ રહ્યો. હું બધું જ સેલ્ફ-સ્ટડી કરતી. જ્યાં મને ડાઉટ લાગતો ત્યાં હું મારો એલ્ડર બ્રધર જે પાંચમા ધોરણ પછી બહાર જ ભણતો હતો અને જી (કૉમ્પિટિટિવ એક્ઝામ)ની તૈયારી પણ કરતો હતો તેને ફોન પર પૂછીને સૉલ્વ કરતી. બોર્ડની એક્ઝામમાં હું સ્ટેટમાં ટૉપ ૫૦માં આવી ત્યારે મારા પેરન્ટ્સ વિચાર્યું કે આટલી બધી જવાબદારીઓ હોવા છતાં કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ ટ્યુશન વિના, સ્કૂલમાં શિક્ષકનો જ અભાવ હોવા છતાં આવું પરિણામ આવ્યું તો મારા એજ્યુકેશન પર જો ધ્યાન આપવામાં આવે તો કેવું પરિણામ આવે! ગવર્નમેન્ટ સ્કૂલમાં જે સમસ્યાઓ હોય છે એ ઇલેક્ટ્રિસિટી કે બેન્ચ કે ફૅસિલિટીની તો છે જ; પરંતુ ત્યાં વિષયો ભણાવવા માટે શિક્ષકો જ નથી. આ બધાં ફૅક્ટર્સને ધ્યાનમાં રાખીને મારા પેરન્ટ્સે મને પણ કોટા જીની પ્રિપરેશન માટે મોકલી. મારા પેરન્ટ્સની ભણવાની બહુ જ ઇચ્છા હતી, પરંતુ તેમના સંજોગો નહોતા. મમ્મી આઠ ધોરણ સુધી અને પપ્પા અગિયાર ધોરણ સુધી જ ભણી શક્યાં.’

અન્ડરપ્રેશર સ્ટડી

એક દીકરીને ભણવા માટે કોટા મોકલી અને એમાં પણ લોન લઈને ભણવા મોકલી એ વાત લોકોને ડાયજેસ્ટ જ ન થાય. એ અનુભવો વિશે સુરભિ કહે છે, ‘સંબંધીઓ, પાડોશીઓ અને આસપાસના લોકોમાં જે છોકરા-છોકરીનો ભેદ હતો એ ઉગ્ર હતો અને આ બધી વાત તો મારા પેરન્ટ્સે સહન કરી જ હશે. હું તો બહાર હતી એટલે મને આમાંથી કેટલીયે વાતોની ખબર નહીં હોય. મમ્મી અને પપ્પા બંનેની આંખોમાં કદાચ આંસુ પણ આવ્યાં હશે તોય તેમનો દૃઢ નિશ્ચય હતો કે તેઓ ભણી ન શક્યાં, પરંતુ અમને તો ભણાવશે જ. મારા પપ્પા સવારે છ વાગ્યે પોતાનો બિઝનેસ શરૂ કરી દેતા, મમ્મી પણ સ્ટિચિંગનું નાનું-મોટું કામ લઈ લેતી અને રાત્રે અગિયાર વાગ્યા સુધી તેઓ કામ કરતાં. મારા પર માત્ર સ્ટડીમાં બેસ્ટ રિઝલ્ટ લાવવાનું પ્રેશર હતું. ધારો કે આટલો બધો ખર્ચ કરીને કોટા ગઈ, પપ્પાએ લોન લીધી અને જો પરિણામ ન આવે તો કોઈ છોકરીને પેરન્ટ્સે ભણાવવી હોય તો પણ રિસ્ક ન લે. એટલે મારી પાસે બેસ્ટ રિઝલ્ટ લાવવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. આવી રીતે હું આઇઆઇટી - મુંબઈ પહોંચી. પેરન્ટ્સ માટે તો એ ગર્વની વાત જ હતી, પરંતુ એમ છતાં લોકોની માનસિકતા બદલાઈ નહોતી. મારા શહેરમાં કોઈ છોકરી તો શું, કોઈ છોકરો પણ આજ સુધી આઇઆઇટી સુધી નહોતો પહોંચ્યો. ભણવાનું પૂરું થયું એટલે મેં સૌથી પહેલાં તો બહુ જ સારી કંપનીમાં જૉબ કરી. અફકોર્સ, મારા પેરન્ટ્સની સમાજ સાથેની સ્ટ્રગલ ચાલુ હતી. જે આવે તે દીકરીનાં લગ્ન વિશે જ વાત કરે. સમાજની માનસિકતા એવી કે જો દીકરી કમાતી હોય અને જલદી લગ્ન ન કરાવે એટલે પેરન્ટ્સને તેના પૈસામાં રસ હોય. મારા પેરન્ટ્સે ક્યારેય છોકરા-છોકરીનો ભેદ નથી રાખ્યો. મારી મમ્મીએ મને અને મારા ભાઈને ઘરનાં કામ અને રસોઈ સાથે જ શીખવ્યાં, અમને ભણાવ્યાં; પરંતુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે માત્ર દીકરાના જ પૈસા લઈ શકાય અને દીકરીના નહીં. સમાજની વાતથી મારા પેરન્ટ્સ થોડા અફેક્ટ થયા હતા, પરંતુ મારે તેમને સમજાવવા પડ્યા. મારી જૉબ શરૂ થઈ અને શરૂઆતના સમયમાં જ મેં પપ્પાની લોનના પૈસા ચૂકવી દીધા. એટલે છોકરીઓના જીવનનો એ બહુ જ મહત્ત્વનો નિર્ણય સમાજથી દબાઈને ન લીધો અને મારા પેરન્ટ્સે પણ દબાણ ન કર્યું. હા, એ વખતે પણ થોડી ઘણી સ્ટ્રગલ હતી.’ 

બિઝનેસવુમન તરીકે ટ્રાન્ઝિશન

નાનપણથી જ બિઝનેસવુમન થવાનું સપનું સેવતી સુરભિ કહે છે, ‘હું એવા વાતાવરણમાં મોટી થઈ જ્યાં બિઝનેસની જ વાતો થતી. જમતી વખતે પણ બિઝનેસની વાતો થતી એટલે બૅક ઑફ ધ માઇન્ડ હતું કે કંઈક કરવું છે. હું આઇઆઇટી પછી બહુ જ સારી-સારી કંપનીઓમાં જૉબ કરતી. એટલે મારો સાતેક વર્ષનો પ્રોફેશનલ એક્સ્પીરિયન્સ મને આ સ્ટેજ માટે જ તૈયાર કરી રહ્યો હતો. નીંદ ઍપના આઇડિયાની શરૂઆત ઍક્ચ્યુઅલી કોવિડમાં થઈ જ્યારે મારા ફૅમિલી મેમ્બરો એનાથી અફેક્ટ થયા અને મને લગભગ ત્રણ મહિના સુધી ઊંઘ જ નહોતી આવી. હું મારા ફ્રેન્ડસર્કલમાં ગમે એ જગ્યાએ ગમે એ પરિસ્થિતમાં ઊંઘવા માટે પ્રખ્યાત હતી. ત્યારે મને અહેસાસ થયો કે જો ઊંઘ ન આવે તો કેવું થાય. જોકે એનું કોઈ સૉલ્યુશન કે હેલ્પ નહોતી. લોકો ઊંઘ ન આવે તો દવા કે આલ્કોહૉલનો ઉપયોગ કરે છે, પરંતુ એનું બેટર સૉલ્યુશન હોઈ શકે છે. મને યાદ છે કે હું મારી દાદી વાર્તા કહેતી હોય એ સાંભળતાં-સાંભળતાં સૂઈ જતી હતી. એટલે મેં એક એવું પ્લૅટફૉર્મ તૈયાર કર્યું જ્યાં એકદમ લાઇટ કન્ટેન્ટ, મ્યુઝિક અને ટૂલ્સ હોય જે સૂવામાં મદદ કરે. મેં પાંચ લાખ રૂપિયાના રોકાણથી આ વેન્ચર શરૂ કર્યું અને આજે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. હું બહુ જ કૉન્ફિડન્ટ હતી અને મારામાં પહેલેથી જ ફિયર નથી. થૅન્ક્સ ટુ માય પેરન્ટ્સ હું અહીં સુધી પહોંચી શકી. ગયા વર્ષે જ મેં મારી લાઇફનો બહુ ઇમ્પોર્ટન્ટ નિર્ણય લીધો અને મૅરેજ કર્યાં. ૩૧ વર્ષે મૅરેજ કરવાં, પરંતુ ત્યાં સુધી સાથે-સાથે કરીઅર પણ સાચવવી છોકરીઓ માટે બહુ જ મુશ્કેલ હોય છે અને હું માનું છું કે એમાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.’ 

નીંદ ઍપનો ગ્રોથ 

પોતાના આ વેન્ચરને એક્સપાન્ડ કરવાની દિશાની વાત કરતાં સુરભિ કહે છે, ‘બિઝનેસમાં હાઈ અને લો હોય છે. એવી પરિસ્થિતિમાં હું એ યાદ કરું છું કે સૌથી ખરાબ ક્ષણ કઈ હતી જેમાંથી હું બહાર આવી છું ત્યારે આ બધી સમસ્યાઓ બહુ નાની લાગે છે. મારા માટે તો કોઈ પણ સમસ્યાનો ઇલાજ ઊંઘ છે. હું સૂઈ જાઉં છું અને જ્યારે ઊઠું ત્યારે સમસ્યાનું સૉલ્યુશન જાતે જ આવી ગયું હોય છે. ઊંઘની માર્કેટ બહુ જ મોટી છે. મારી ઍપને કારણે ૯૦ ટકા લોકો બેડ-ટાઇમ સ્ટોરી સાંભળીને ૧૫ મિનિટની અંદર ઊંઘી જાય છે. આ સ્ટોરીઓ ત્રણ કરોડ વખત પ્લે થઈ છે અને ઍપના કન્ટેન્ટમાં ૬૭ વર્ષના સમય જેટલો વપરાશ થયો છે. નો ડાઉટ, ફૉલોઅર્સ વધતા જાય છે. જોકે હું પોતાને સફળ ત્યારે માનીશ જ્યારે હું ૧૦૦ મિલ્યન લોકો સુધી પહોંચીને તેમની ઊંઘ ન આવવાની સમસ્યાને સૉલ્વ કરી શકું. આ માટે મારા કૉમ્પિટિટર્સ ગ્લોબલ લેવલના છે. જોકે તેમના કરતાં વધારે મહત્ત્વના મારા યુઝર્સ છે. મારા કસ્ટમર્સ તેમનો સૅટિસ્ફૅક્ટરી ફીડબૅક આપે છે એ મને ખૂબ જ મોટિવેટ કરે છે. અત્યારે ઍપ પરની બધી જ કન્ટેન્ટ ફ્રી છે. બહુ જ જલદી અમે પર્સનલ ટૂલ્સ માટે પેઇડ સબસ્ક્રિપ્શન પણ વિચારી રહ્યા છીએ. મારી કંપનીમાં અત્યારે અમે નવ મેમ્બર છીએ, પરંતુ ફ્યુચરમાં એ ટીમ પણ વધશે. કામ સિવાય બાકીના સમયમાં મને વાંચવાનો શોખ છે એટલે લગભગ દરરોજ કંઈક તો વાંચું જ છું.’

મારા કૉમ્પિટિટર્સ ગ્લોબલ લેવલના છે. જોકે તેમના કરતાં વધારે મહત્ત્વના મારા યુઝર્સ છે. મારા કસ્ટમર્સ તેમનો સૅટિસ્ફૅક્ટરી ફીડબૅક આપે છે એ મને ખૂબ જ મોટિવેટ કરે છે 

સક્સેસ-મંત્ર : ૨૬

તમને પ્રૉબ્લેમ દેખાય ત્યારે એના પરંપરાગત રસ્તાઓ યાદ કરીને એનું સૉલ્યુશન વિચારો અને પછી એ દિશામાં કામ કરો. આઇડિયા સાથેનું એક્ઝિક્યુશન એટલું જ મહત્ત્વનું છે.

columnists gujarati mid-day