રિજેક્શન જ મારું સૌથી મોટું મોટિવેશન બન્યું હતું

25 February, 2023 04:14 PM IST  |  Mumbai | Laxmi Vanita

બિઝનેસને સમજવા માટે આઠ મહિના રેસ્ટોરાંમાં નોકરી કરી ત્યારે તેને સમજાયું કે રેસ્ટોરાંને જોઈતો પુરવઠો પૂરો પાડવામાં ગ્રોથનો સ્કોપ વધારે છે અને એમ તેણે પોતાના ફૂડ પ્રો‌સેસિંગ સ્ટાર્ટઅપ ‘જિની ફૂડ ગ્રુપ’ની શરૂઆત કરી

જિયા રાજવંશી

રાજકોટમાં જન્મેલી અને અમદાવાદમાં મોટી થયેલી જિયા રાજવંશીને પહેલાં રેસ્ટોરાં શરૂ કરવી હતી, પરંતુ એ બિઝનેસને સમજવા માટે આઠ મહિના રેસ્ટોરાંમાં નોકરી કરી ત્યારે તેને સમજાયું કે રેસ્ટોરાંને જોઈતો પુરવઠો પૂરો પાડવામાં ગ્રોથનો સ્કોપ વધારે છે અને એમ તેણે પોતાના ફૂડ પ્રો‌સેસિંગ સ્ટાર્ટઅપ ‘જિની ફૂડ ગ્રુપ’ની શરૂઆત કરી

નાના શહેરમાં મિડલ ક્લાસ પરિવારમાં ઊછરેલી દીકરી સફળતા મેળવે ત્યારે તેની સ્ટ્રગલ સાંભળીને લાગે કે સમાજ આજે પણ હજી કીડી વેગે જ બદલી રહ્યો છે. ગવર્નમેન્ટ ઑફિસરોની દીકરી જેની પાસેથી એક સારી ગવર્નમેન્ટ જૉબ મેળવીને સેટલ થવાની અપેક્ષા રાખવામાં આવતી હતી એવી જિયા રાજવંશીએ બહુ જ નાની ઉંમરે નક્કી કરી લીધું હતું કે પોતે જ પોતાની બૉસ બનશે અને પોતાની અલગ ઓળખ બનાવશે. આજે ૨૯ વર્ષની જિયા રાજવંશીએ ફૂડ પ્રોસેસિંગ પ્રોડક્ટ્સ બનાવતી ‘જિની ફૂડ ગ્રુપ’ નામની કંપની શરૂ કરી છે. એમાં તે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ રૉ પ્રોડક્ટ્સ લઈને એને સીધું કન્ઝ્યુમ કરી શકાય એ રીતે કોઈ પણ જાતનાં પ્રિઝર્વેટિવ્સ વિના પ્રોસેસ કરે છે. 

કેવી રીતે ક્લિક થયો?

હું બહુ જ ટ્રેડિશનલ પરિવારમાંથી આવું છું અને મારા પેરન્ટ્સ ગવર્નમેન્ટ ઑફિસર છે એમ વાતની શરૂઆત કરતી જિયા રાજવંશી કહે છે, ‘નાનપણથી જ હું મારા પેરન્ટ્સને વર્કિંગ જોતી આવી છું. તો એવું થતું કે કોઈ ઓકેઝન હોય કે ફેસ્ટિવલ હોય પણ જો ફોન આવે તો તેમને જવું પડતું. એટલે મને થતું કે મારા પર કોઈ બૉસ ન હોવો જોઈએ, હું પોતે જ પોતાની બૉસ હોવી જોઈએ. હું પંદર વર્ષની હતી ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે હું બિઝનેસ કરીશ. જોકે મારી પાસે બિઝનેસ માટે કોઈ જ બૅકગ્રાઉન્ડ નહોતું. મેં બેસ્ટ કૉલેજમાંથી બીબીએ કર્યું, એલએલબી કર્યું અને ગુજરાતની બેસ્ટ કૉલેજમાંથી એમબીએ કર્યું. પછી કઈ દિશામાં આગળ વધવું એ જ વિચારતી હતી. એ સમયે ટેક્નૉલૉજીમાં જ મોટા ભાગનાં સ્ટાર્ટઅપ થતાં હતાં અને મને એમાં વધારે સમજ નહોતી પડતી. મેં પોતાની રેસ્ટોરાં ખોલવાનું વિચાર્યું. મેં રિસર્ચ કર્યું તો એ બહુ જ ચૅલેન્જિંગ લાગ્યું એટલે વધારે અનુભવ મેળવવા માટે મેં એક જાણીતી રેસ્ટોરાંમાં આઠ મહિના જૉબ કરી. ત્યારે મને કિચન બૅક-એન્ડ (રેસ્ટોરાંનો એ ભાગ જે પબ્લિકની સામે નથી હોતો અને જ્યાં બધી જ સામગ્રીની ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે)માં વધારે રસ પર પડ્યો. એટલે કે રેસ્ટોરાંમાં જે ડેઇલી પ્રોડ્યુસ આવે એ ચોક્કસ સમયમાં પૂરો થવો જોઈએ, નહીંતર એ બધું જ સડી જાય અને વેસ્ટ જાય. રેસ્ટોરાંમાં વસ્તુઓને બગડતી અટકાવવામાં અને સમયસર વપરાશ થાય એમાં મેનપાવર અને ઘણો સમય લાગે છે. તો એ સમયને પણ મેં પ્રોડક્ટ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખ્યો. આજની જનતા ફૂડ અને હેલ્થ બાબતમાં જાગૃત છે. લોકો પ્રિઝર્વેટિવ-ફ્રી ફૂડનો આગ્રહ રાખે છે ત્યારે મેં વિચાર્યું કે રેસ્ટોરાંમાં જે બૅક-એન્ડ છે એ દિશામાં સ્ટાર્ટઅપ કરું.’ 

એક્ઝિક્યુશનનો સંઘર્ષ

ટ્રાયલ અને એરરની પ્રક્રિયાને ફૉલો કરીને સફળ ઑન્ટ્રપ્રનર બનેલી જિયા કહે છે, ‘ફૂડ એવી વસ્તુ છે કે તમે દુનિયાના ગમે એ ખૂણામાં હો, તમને મમ્મીની કે દાદીની યાદ અપાવે એટલે કે એ એક મૅજિક છે. આ જ કારણે મારી બ્રૅન્ડનું નામ જિની છે. એનો અર્થ જ એ થાય કે ક્રીએટિંગ મૅજિક; યૉર વિશિઝ માય કમાન્ડ. મેં સૌથી પહેલાં ૧૦૦ ટકા નૅચરલ ફ્રાઇડ અન્યનથી શરૂ કર્યું. ખેડૂતો પાસેથી જ ડાયરેક્ટ પ્રોડ્યુસ લેવાનો અને એને જ પ્રોસેસ કરીને પૅકેજિંગ કરવાનું. જે પણ પ્રોડક્ટ બને એમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ ન હોવાં જોઈએ. ૨૦૧૮માં જ્યારે આ શરૂ કર્યું ત્યારે મારું રોકાણ ૩૫,૦૦૦ રૂપિયાનું હતું. જોકે મને તરત જ પ્રૉફિટ મળવો જોઈએ એવું પ્રેશર નહોતું. આજે મારી કંપની ૭૫ લાખ સુધી પહોંચી છે અને આ સફળતામાં હું ગવર્નમેન્ટ દ્વારા સ્ટાર્ટઅપ માટે શરૂ કરેલા પ્રોગ્રામ્સને ધન્યવાદ આપું છું. ગુજરાત ગવર્નમેન્ટની જે સ્ટાર્ટઅપ સ્કીમ છે એનાથી બહુ જ મોટિવેશન મળ્યું. હું ત્યાં જ ઑફિસમાં બેસી રહેતી. શરૂઆતમાં લોકો કહેતા કે આવું કંઈ ચાલે નહીં, સીધી રીતે નોકરી જ શોધી લેવાય વગેરે. મને આસપાસના લોકો પાસેથી જેટલું રિજેક્શન અને ક્રિટિસિઝમ મળતું હતું એટલું જ મારું મોટિવેશન વધતું હતું. એટલે મારી પ્રોડક્ટ્સ ઍક્ચ્યુઅલમાં લોકોને નહોતી ગમી રહી તો હું દર વખતે રિસર્ચ કરીને એના પ્રૉબ્લેમનું સૉલ્યુશન લાવતી. મેં મારી પ્રોડક્ટ્સની ગુણવત્તા અને પૅકેજિંગ પર બહુ જ કામ કર્યું. એટલે મારો લૉસ પણ નહોતો અને પ્રૉફિટ પણ નહોતો. માર્કેટમાં ઑલરેડી આ પ્રકારની પ્રોડક્ટ્સ હતી, પણ લોકો એનાથી વાકેફ નહોતા. માર્કેટમાં કૉમ્પિટિશન તો હોય જ છે. પ્લસ મારી પાસે એવું કોઈ ગાઇડન્સ પણ નહોતું. મારી પ્રોડક્ટ્સ કેવી રીતે બેસ્ટ બને એના માટે મારે ખાસ કામ કરવું પડ્યું છે. શરૂઆતનો સમય બહુ જ સ્ટ્રેસફુલ અને અનસર્ટનિટીવાળો હોય છે. હું પોતાને બહુ જ ફૉર્ચ્યુનેટ માનું છું કે મારી પાસે ક્યાંક ને ક્યાંકથી ફન્ડ આવી જતું હતું. કોઈક ને કોઈક ઑર્ડર કે ઇન્કવાયરી આવતી અને મારી ગાડી ધીમે-ધીમે ચાલ્યા કરતી.’

મેડિટેશન અને વિપશ્યના પ્રૅક્ટિશનર જિયા જીવનના નિરાશાભર્યા દિવસોની વાત કરતાં કહે છે, ‘દરેક બાજુથી ડેડ-એન્ડ લાગે ત્યારે ચોવીસ કલાકનો બ્રેક લેતી અને એ દરમિયાન હું નવા લોકોને મળતી, ડ્રાઇવ પર જતી અને જાતે જ પોતાને મોટિવેટ કરતી. હું એક વાતમાં બહુ જ પર્સિસ્ટન્ટ હતી કે આ કામ થશે જ. હું ૧૦૦ ટકા કહીશ કે મેં બહુ જ મગજ લગાવ્યું છે અને પોતાનામાં કૉન્ફિડન્સ આગળ વધવામાં મદદરૂપ થાય છે. એવી ઘણી પરિસ્થિતિ આવી જ્યાં સ્ટ્રેસનું લેવલ એકદમ હાઈ થઈ જતું, પરંતુ મને ગિવ-અપનો વિચાર નહોતો આવ્યો. પ્રોડક્ટ પર્ફેક્ટ બની જાય પછી સફળતા મળશે જ એવું ન કહી શકાય; કારણ કે પછી માર્કેટિંગ, નેટવર્કિંગ, કમ્યુનિકેશન જેવાં પાસાં હોય છે જે હું સમય સાથે શીખી.’

માર્કેટમાં સંઘર્ષ

અવારનવાર યંગ ઑન્ટ્રપ્રનર્સ અને સ્ટુડન્ટ્સ માટે મેન્ટરશિપ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરતી જિયા કહે છે, ‘પ્રોડક્ટ્સને માર્કેટમાં સફળ બનાવવી હોય તો તમારી પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે સામેની વ્યક્તિ કન્વિન્સ થાય. મારી પચ્ચીસ પ્રોડક્ટ્સનું પૅકેજિંગ એકદમ લોકોના ધ્યાનમાં આવે એવું કર્યું. પ્રોડક્ટ્સની અપીલિંગ લોકો સુધી પહોંચાડવા તમારે પણ અપીલિંગ બનવું પડે. મેં પોતાની સ્પીકિંગ-સ્કિલ, ડ્રેસિંગ-સેન્સ, એટિકેટ પર પણ કામ કર્યું. માર્કેટમાં સૌથી મોટી ચૅલેન્જ એ આવે કે તમે યંગ હો એટલે લોકો તમને સિરિયસલી ન લે અને એમાં પણ વુમન છો એટલે એ સ્ટ્રગલ તો જ્યાં સુધી ઘણી બધી વુમન ઑન્ટ્રપ્રનર માર્કેટમાં નહીં હોય ત્યાં સુધી રહેવાની. અમુક ક્લાયન્ટ્સ મીટિંગનો સમય બહુ જ ઑડ હોય છે એટલે તમને ઘરેથી જ પરમિશન ન મળે. માનો કે સમય ઑડ છે તો તમારે બહુ જ અલર્ટ રહીને પ્રોફેશનલ રહીને કામ કરવું પડે. તો આ બધાં બૅરિયર્સ તૂટવામાં સમય લાગે. હું મેન્ટરશિપ પ્રોગ્રામમાં જ્યારે જાઉં છું તો છોકરીઓની સંખ્યા જોઈને મને બહુ જ શૉક લાગે છે. હું પોતે ટ્રેડિશનલ પરિવારમાં ઊછરેલી છું એટલે મને તેમની સમસ્યાઓ વિશે સારી રીતે ખબર છે. મેં પણ સમાજ તરફથી બહુ ટીકાઓનો સામનો કર્યો છે, પરંતુ આજે એ જ ટીકા પ્રશંસામાં બદલાઈ ગઈ છે. મારી સફળતાએ મારી આસપાસના લોકોનાં પર્સેપ્શન બદલી નાખ્યાં છે. જોકે કોઈ ડ્રામેટિક ચેન્જ તો નહીં કહું; પરંતુ તમારી ટર્મ્સ અને કન્ડિશન આગળ વધવા માટે પૂરતાં છે, કારણ કે અમુક વિચારધારાને તમે બદલી ન જ શકો. આજે મારી કંપનીમાં અમે ત્રણ મેમ્બર છીએ. બાકી મેનપાવર કૉન્ટ્રૅક્ટ પર હોય છે. મારી પોતાની નાની ઑફિસ છે અને હું કામ કરું છું. તમે જ્યારે તમારા બૉસ હો ત્યારે બહુ જ એમ્પાવર્ડ ફીલિંગ્સ આવે છે.’

અભી મંઝિલ દૂર હૈ

ગયા વર્ષે વડા પ્રધાનને મળીને પોતાના સ્ટાર્ટઅપનો ડેમો આપવાની તકને અદભુત મોમેન્ટ માનતી જિયા કહે છે, ‘મારી પ્રોડક્ટ્સ રેસ્ટોરાંનો ૪૦ ટકા સમય બચાવે છે. મારી કંપની આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા જેવી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. પ્રાઇમ‌ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સામે મારી પાસે પ્રોડક્ટ્સનો ડેમો આપ્ય. એ જોયા પછી તેમણે અપ્રિશિએટ પણ કર્યું અને 
ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાવાનું પ્રોત્સાહન પણ આપ્યું. અત્યારે મારી પ્રોડક્ટ્સ મિડ-ડે મિલ માટે જાય એના પર કામ કરી રહી છું. હું માનું છું કે દરેક વુમન માટે 
વીસથી ત્રીસ વર્ષ વચ્ચેનો સમય બહુ જ ચૅલેન્જિંગ હોય છે, કારણ કે એ જ પ્રાઇમ ટાઇમે તમારે સમાજને ધ્યાનમાં રાખીને જાતને પ્રૂવ કરવાની હોય છે.’

૨૦૧૮માં ૩૫,૦૦૦ રૂપિયાના રોકાણથી શરૂ કર્યું હતું. આજે મારી કંપની ૭૫ લાખ સુધી પહોંચી છે અને આ સફળતામાં હું ગવર્નમેન્ટ દ્વારા સ્ટાર્ટઅપ માટે શરૂ કરેલા પ્રોગ્રામ્સને ધન્યવાદ આપું છું.

મારી પ્રોડક્ટ્સ રેસ્ટોરાંનો ૪૦ ટકા સમય બચાવે છે. મારી કંપની આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા જેવી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. મિડ-ડે મિલ માટે એ જાય એના પર કામ કરી રહી છું.

સક્સેસ-મંત્ર : ૨૭

દરેક બાજુથી જ્યારે ડેડ-એન્ડ લાગે ત્યારે ચોવીસ કલાકનો બ્રેક લઈને ફરી મંડી પડો. અટકવાનું નથી એવા નિર્ધાર સાથે મચ્યા રહેશો તો તમને કોઈ હરાવી નહીં શકે.

 તસવીર : જનક પટેલ

columnists