એક સમયે આૅડિયન્સ મહત્ત્વનું હોય તો એક સમયે તમે પણ મહત્ત્વના બની જાઓ

24 February, 2023 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂરલ ફિલ્મોમાં સુપરસ્ટારપદે બે દશક રહેનારા હિતેનકુમારનું અત્યારે વર્ઝન ૨.૦ જોવા મળી રહ્યું છે. ‘રાડો’, ‘વશ’ અને ‘આગંતુક’ જેવી ફિલ્મો સાથે હિતેનકુમારે જે કમબૅક કર્યું છે એ કાબિલે તારિફ તો છે જ, પણ ફરી એક વાર હિતેનકુમાર ડિમાન્ડમાં આવી ગયા છે

હિતેન કુમાર

નવેસરથી ઊભી થયેલી આ ડિમાન્ડ પાછળનું સીક્રેટ શું છે એની વાતો જાણવા અને માણવા જેવી છે

રૂરલ હિતેનકુમારમાંથી અર્બન હિતેનકુમારે જબરદસ્ત ટર્ન લીધો છે...
આવું મને ઘણા લોકો કહે છે અને એમાં ખોટું પણ નથી, પણ આ આખી પ્રોસેસ 
માટે હું જરા ફ્લૅશબૅકમાં જઉં તો વધારે મજા આવશે.

મૂળ તો મારે વિલન બનવું હતું અને એનાં કારણો પણ હતાં. વિલન બનવામાં ઍક્ટિંગના ઘણા સ્કોપ હોય. મને જરા પણ એવું નહોતું કે ઍક્ટિંગ કરીને હું ટિપિકલ કે બીબાઢાળ રોલ કરું અને મને એ માટે કોઈ ઇનસિક્યૉરિટી પણ નહોતી. મારી તો સીધી વાત હતી કે જે કામ મળે એ કરવું અને મને જો પૂછવામાં આવે તો વિલનનું કૅરૅક્ટર જ માગવું, પણ ડેસ્ટિની. મારી પહેલી જ ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’માં લોકોએ મને નેક્સ્ટ-ડોર મૅન તરીકે ઍક્સેપ્ટ કર્યો અને એ પછી જે થયું એ હિસ્ટરી રહી. મેં સતત કામ કર્યું અને એની વચ્ચે ક્યારેય વિચાર્યું સુધ્ધાં નહીં કે હું ક્યારેય બ્રેક લઈશ. એનું પણ કારણ છે. મેં હીરો તરીકે જે ફિલ્મો કરી એ બધામાં એક જ કૅરૅક્ટરને અલગ-અલગ રીતે રીપ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી. તે હીરો આમ જ રહે, આમ જ કરે એવું કશું નહીં. કૅરૅક્ટર પકડવાની હું કોશિશ કરતો રહું. એમાં મને રંગભૂમિ બહુ કામ લાગી એ પણ મારે કહેવું જ પડે. અલગ-અલગ સ્વભાવ, લાક્ષણિકતાઓ, મૅનરિઝમ સાથે એ બધાં કૅરૅક્ટર્સ મેં કર્યાં. જોકે એમ છતાં મનમાં રહ્યા કરે કે કંઈક અલગ કરવું છે અને જે સતત કર્યું છે એના કરતાં હવે જુદું કરવું છે. જેવી મને જુદું કરવાની ઑફર આવી કે મેં તરત જ એ તક ઝડપવાની શરૂ કરી દીધી. એ ઑફર નહોતી આવી એ દરમ્યાન મેં બ્રેક લીધો.

બ્રેક શું કામ એની વાત કહું.

કોઈ પણ ઍક્ટરની લાઇફમાં કદાચ એ ફેઝ આવતો જ હશે એવું હું ધારું છું. જરા વિસ્તારપૂર્વક કહું. મેં જે ફિલ્મો કરી એ સમય જ આખો અલગ હતો. એ સમયે જે મેકર્સ અને પ્રોડ્યુસર્સ મારી પાસે લઈને આવતા એ તદ્દન જુદી વાર્તાઓ હતી. એ સ્ટોરી એ સમયને રેલેવન્ટ હતી. લોકો જોતા કે હીરો છે, હિરોઇન છે, વિલન છે, ફૅમિલી છે, ગીતો છે, ફાઇટ છે અને છેલ્લે ખાધું, પીધું ને રાજ કર્યું છે. એ બધું મેં ખૂબ કર્યું. ૨૦૧પમાં ‘પ્રેમરંગ’ આવી અને એ ફિલ્મે મને ફાઇનલ ડિસિઝન માટે પ્રેર્યો કે મારે હવે થોડો સમય બ્રેક લેવો જોઈએ. મને મારી ઉંમર મુજબના રોલ જોઈતા હતા જેમાં હું દીકરી કે દીકરાના બાપનો રોલ કરતો હોઉં. એ વખતે જો મેં એ રોલ ઍક્સેપ્ટ કરી લીધા હોત તો મને એમાં પણ લોકો પ્રેમથી આવકારત, પણ પછી મને થયું કે એવું કરીને પણ હું કામને ખેંચવા સિવાય કશું નહીં કરું. એટલે મેં નિર્ણય કર્યો કે ના, મારે બ્રેક લેવો છે. લેટ મી એક્સપ્લોર માયસેલ્ફ. પાંચ વર્ષનો એ બ્રેક હતો. એ બ્રેક દરમ્યાન મેં એક નાટક કર્યું જેના ૧૮૬ શો થયા. ગુજરાતી ​સિરિયલ ‘અભિલાષા’ કરી, એક હિન્દી ફિલ્મ કરી; પણ ગુજરાતી ફિલ્મ ન જ કરી. બ્રેક દરમ્યાન ત્રણ વર્ષ તો મેં કોઈ કામ લીધું જ નહીં. એ સમયમાં પચાસથી વધુ સ્ક્રિપ્ટ ઑફર થઈ. જે રોલ ઑફર થતા હતા એ જોતાં મને લાગતું કે હું મારા કામને જસ્ટિફાય નહીં કરી શકું અને એટલે મેં કામ લીધું નહીં અને સંપૂર્ણપણે બ્રેક રાખ્યો. બ્રેક પછી જે રિઝલ્ટ આવ્યું એ સાવ જ જુદું આવ્યું.

હિતેનકુમાર વર્ઝન ૨.૦ એ બ્રેક પછીનું રિઝલ્ટ.

ફ્લૅશબૅકમાંથી બહાર આવવાનો સમય આવી ગયો હતો અને આખી ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી હતી. ફિલ્મનું માળખું બદલાતું હતું, વાર્તા પણ બદલાઈ હતી, મેકર્સ પણ બદલાઈ ગયા હતા અને ડિરેક્ટર્સ પણ નવા આવી ગયા હતા એટલે વાર્તા કહેવાની રીત પણ બદલાઈ હતી. એ જ સમયે મને ‘ધુઆંધાર’ની ઑફર થઈ, જેમાં મલ્હાર ઠાકર હતો. મારે જે કરવું હતું એવું જ કૅરૅક્ટર હતું. આ ફિલ્મ પછી મને લાગ્યું કે હવે મને ગમતું કામ મળશે, મારે જે કરવું હતું એ મળશે. ‘ધુઆંધાર’ કરતી વખતે પણ મનમાં ગડમથલ હતી કે લોકો નવા રંગરૂપમાં મને જોશે અને ઍક્સેપ્ટ નહીં કરે તો? જોકે અહીં મને રંગભૂમિનો બેનિફિટ થયો. નવું કરતા જવાનું, બહુ ચિંતા નહીં કરવાની, આગળ વધતા જવાનું અને હું આગળ વધી ગયો.

મારી આ જ જર્ની દરમ્યાન ‘રાડો’, ‘વશ’, ‘આંગતુક’ આવતી ગઈ.

હું કહીશ કે નવું કરતા જવાનું અને નવા માટેની તમારી તૈયારી પણ તમારે સૌકોઈને દેખાડતા જવાનું. ‘ધુઆંધાર’માં પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો તો ‘રાડો’માં જક્કી પૉલિટિશ્યન બન્યો અને લોકોને પણ એમાં મજા આવવી શરૂ થઈ. હા, એક વાત નક્કી હતી કે હું ભૂલથી પણ એવું કામ ન કરું જેનાથી સોસાયટીને ખોટો મેસેજ આપી બેસું અને એની સાથોસાથ મારે એ પણ જોવાનું હતું કે મારું ડેવલપમેન્ટ અટકે નહીં. ભૂતકાળમાં રહેનારો માણસ ક્યારેય વર્તમાનમાં આવી શકતો નથી અને મારા માટે આ વાત મહત્ત્વની હતી, કારણ કે આજે જે ફિલ્મો બને છે એ ફિલ્મો હું કરતો એનાથી તદ્દન અલગ હતી.

ઘણાને થાય પણ ખરું કે ગમતા કામ માટે મેં આટલો સમય કેમ લીધો?
જુઓ, મેં બ્રેક લીધો એ સમયે પણ મને એટલી જ ફિલ્મોની ઑફર આવતી હતી જેટલી પહેલાં આવતી હતી. એમાંથી અડધી ફિલ્મો પણ મેં સ્વીકારી હોત તો આજે પણ મારું કામ ચાલતું જ હોત. જોકે મને મારી લાઇફ માટે પણ એક ટ્રાન્ઝિશન પિરિયડ જોઈતો હતો જે મને બ્રેકને કારણે મળ્યો. બ્રેક પછી મને સમજાયું કે મેં ઑડિયન્સ માટે એટલું ભાગી લીધું કે મારામાં રહેલા ઍક્ટરને પાછળ મૂકી દીધો. હવે મને એ કરવા મળે છે જે મારે કરવું છે અને એ હું કરું છું. બીજી એક વાત કહું. સમય આવે એ રીતે ચેન્જ થવું જોઈએ. એક સમય હતો જે સમયે તમે ફ્રેમની સેન્ટરમાં હતા. હવે સેન્ટરમાંથી હટવાનું છે અને ત્યાં તમારા સાથીને મૂકવાના છે.

તમે કહી એ તમામ ફિલ્મો મારા આનંદનું પરિણામ છે અને એટલે જ ઑડિયન્સને પણ એમાં એટલી જ મજા આવી છે. 
આજે ‘વશ’ જોઈને લોકો બે મોઢે મારાં વખાણ કરે છે જેની મેં કલ્પના સુધ્ધાં નહોતી કરી. તમને ‘વશ’ની એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. એ ફિલ્મ મને ઑફર થઈ ત્યારે મેં જવાબ આપવા માટે એક વીકનો સમય લીધો હતો. આ એક વીક દરમ્યાન મારા મનમાં એક જ વાત ચાલતી હતી કે હું આ કૅરૅક્ટર કેવી રીતે કરીશ, એમાં શું મારું લાવીશ અને કેવી રીતે એને બેટર બનાવીશ? આ કૅરૅક્ટરની એક ખાસિયત કહું. એ જેટલું સિમ્પલ છે એટલું જ કૉમ્પ્લિકેટેડ છે. જો થોડું પણ આગળ-પાછળ થાય તો આખું કૅરૅક્ટરાઇઝેશન બદલાઈ જાય. તમે માનશો નહીં, એ કૅરૅક્ટર સાથે હું એક મહિનો સતત રહ્યો છું. શૂટ પૂરું થયા પછી એમાંથી બહાર આવવાનું કામ બહુ અઘરું હતું.

મુદ્દો એ છે કે મને જે કિક જોઈતી હતી, જે સૅટિસ્ફૅક્શન જોઈતું હતું એ હવે મળવાનું શરૂ થયું છે અને એવું બનતું જ હોય છે. એક ચોક્કસ સમય માટે તમારે ઑડિયન્સ માટે કામ કરવાનું હોય અને એ પછી એક સમય એવો આવે જેમાં તમે તમારા માટે કામ કરતા થઈ જાઓ. દિલીપકુમારથી લઈને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજોની લાઇફમાં પણ એવું બન્યું જ છે તો હું કઈ મોટી તોપ છું... પણ હા, હવે નવાં-નવાં કૅરૅક્ટર્સ સાથેની તોપ ફોડવાની મજા અદ્ભુત આવે છે.

સક્સેસ-મંત્ર : ૬

ભૂતકાળમાં રહેનારો માણસ ક્યારેય વર્તમાનમાં આવી શકતો નથી. આ વાત મેં અપનાવી છે. નવું કરતા જવાનું, બહુ ચિંતા નહીં કરવાની, આગળ વધતા જવાનું. સમય આવે એ રીતે ચેન્જ થવું જોઈએ અને તો જ તમે જાતને ન્યાય આપી શકો.

વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com

columnists gujarati mid-day