અને આમ દુનિયા સામે પહેલી વાર મંદિર આવ્યું

18 September, 2022 04:06 PM IST  |  Mumbai | Chandrakant Sompura

દર બાર વર્ષે થતા કુંભમાં આવતો સાધુ સમાજ મંદિરનું મૉડલ જોઈ શકે એવા ભાવથી વિશ્વ હિન્દુ પરિષદે એનું મૉડલ કુંભના મેળામાં મૂક્યું, જેને સમગ્ર સાધુ સમાજ દ્વારા મૂક અનુમતિ મળી

પ્રતીકાત્મક તસવીર

લાકડાનું મૉડલ તૈયાર થયું, જેને ત્યાર પછી પ્રયાગરાજમાં દર બાર વર્ષે થતા કુંભના મેળામાં સાધુ સમાજને જોવા માટે મૂક્યું, જે સંત સમાજની અનુમતિ માટે પણ હતું. સૌ સંતોએ મંદિરનું મૉડલ જોઈને અનુમતિ આપી અને કામ આગળ વધ્યું.

આપણે વાત કરતા હતા ૧૯૯૦ની, બ‌િરલા ફૅમિલીના કહેવાથી વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલજીનો ફોન આવ્યો અને તેમણે અયોધ્યામાં રામલલ્લા મંદિર બનાવવાની વાત કરી એ જગ્યા જોવા આવવા માટે કહ્યું. તમને ગયા રવિવારે કહ્યું એમ, એ સમયે બાબરીનો ઢાંચો હજી ઊભો હતો અને એ જગ્યાએ જબરદસ્ત પોલીસપહેરો હતો. માથાદીઠ ત્રણચાર પોલીસવાળા કહેવાય એવો કડક બંદોબસ્ત. મંદિર બનાવવા માટે જગ્યા કેટલી છે એ જાણવું જરૂરી તો સાથોસાથ એની લંબાઈ-પહોળાઈ, એનું મોઢું કેવડું છે એ બધું જોવું પણ જરૂરી હોય. એ વિના ડિઝાઇન તૈયાર જ ન થાય અને જગ્યાનાં માપ-સાઇઝ ત્યાં કોઈ પાસે નહીં. વર્ષોજૂની ઇમારત એટલે કાં તો તમારે જગ્યાનાં માપ-સાઇઝ સરકાર પાસેથી લેવાં પડે અને આ આખી વિવાદિત જગ્યા એટલે સરકાર એ માપ-સાઇઝ કંઈ આપે નહીં. અમારે જગ્યા માપવાની હતી અને ફોટોગ્રાફ પણ લેવા હતા, પણ પોલીસે અમને ના પાડી દીધી કે બેમાંથી કશું કરવા નહીં મળે.

માપ લીધા વિના તો છૂટકો નહોતો એટલે અમે દેશી પદ્ધતિથી માપ લેવાનું નક્કી કર્યું, પગલાંથી માપ લેવાનું. સામાન્ય રીતે એક ડગલાનું માપ દોઢ ફુટ હોય. આ જે હિસાબ છે એ હિસાબ મુજબ આગળ વધવાનું નક્કી કરી જગ્યાનું માપ લીધું. ૧૦૦ પગલાં એટલે દોઢસો ફુટ, આ જે અંદાજ હતો એ મુજબ ફરી માપ-સાઇઝની નોંધ કરી અને એના આધારે નક્કી કર્યું કે આખી જગ્યા છે કેટલી. અંદાજિત જગ્યામાં સહેજ વધારો કે ઘટાડો થાય એવી ધારણાને આંખ સામે રાખીને હવે ડિઝાઇન કરવાની હતી. 

એક વાત કહેવી પડે કે મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં એ સમયે પણ કોઈ જાતની દખલ કે ચંચુપાત કરવામાં નહોતાં આવ્યાં, કોઈ પ્રકારનાં નહીં. હા, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર અને જગ્યાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હતું જે સ્વાભાવ‌િક હતું.

આજે હવે જગ્યા વિશાળ થઈ ગઈ છે, પણ એ સમયે જગ્યા લિમિટેડ હતી એટલે શરૂઆતમાં એમાં એક જ મંદિરનું પ્લાનિંગ થયું હતું. ડિઝાઇનનું કામ ચાલતું હતું એ દરમ્યાન ઇચ્છા વ્યક્ત કરવામાં આવી કે આપણે ભરત મંદિર બનાવીએ અને એ પછી વાત આવી કે સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી અને ગણપત‌િજીનાં મંદિર પણ બનાવીએ અને આમ મુખ્ય મંદિર સાથે પાંચ મંદિરની વાત આવી.

લોકો મોટા અને વિશાળ મંદિરની વાતો કરે છે, પણ અત્યારના સમયમાં સો-સવાસો કે દોઢસો ફુટથી વધારે હાઇટનાં મંદિર હોતાં નથી અને એનો કોઈ ફાયદો પણ નથી. સામાન્ય ભાવિકો માટે તો એનો કોઈ અર્થ સરતો નથી એટલે રામલલ્લાના મંદિરને પણ એવી કોઈ ઊંચાઈ આપવા વિશે વધારે વિચાર્યું નહોતું, પણ હા, એ સમયે પણ મંદિરની ભવ્યતાને ધ્યાનમાં રાખવામાં આવી હતી અને હવે જ્યારે વિશાળ જગ્યા સાંપડી છે ત્યારે મંદિરની આજુબાજુનો કૅમ્પસ એની ભવ્યતામાં ખૂબ ઉમેરો કરશે.

રામલલ્લાના મંદિર માટે ત્રણ દસકાથી મહેનત ચાલતી હતી. અમુક વર્ગને તો એવું પણ હતું કે રામલલ્લા મંદિર નહીં બને, પણ અમારા સૌની અથાક મહેનત એકધારી ચાલુ હતી અને અમને કોઈ એવી આશંકા નહોતી. જોકે એ પછી તો સૌ ખુશ થાય એવો ચુકાદો આવ્યો એટલે બધાની મહેનત ફળી એવું કહેવાય. 

રામલલ્લા મંદિરની જે ડિઝાઇન બની એ સૌકોઈને ગમી. કોઈ જાતના કરેક્શન વિના જ તેમણે એને અપ્રૂવ કરી અને મૉડલ બનાવવાનું કહ્યું. મંદિરમાં કોઈ વાત એમ જ મૂકવામાં નહોતી આવી. દરેકેદરેક વાત સાથે શાસ્ત્ર જોડાયેલું હતું. 

લાકડાનું મૉડલ તૈયાર થયું, જેને ત્યાર પછી પ્રયાગરાજમાં દર ૧૨ વર્ષે થતા કુંભના મેળામાં સાધુ સમાજને જોવા માટે મૂક્યું, જે સંત સમાજની અનુમતિ માટે પણ હતું. સૌ સંતોએ મંદિરનું મૉડલ જોઈને અનુમતિ આપી અને કામ આગળ વધ્યું. કામ કેવી રીતે આગળ વધ્યું એ વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.

columnists