પછી ખીચડી સૂપની જેમ બોલમાં ભરીને પીધી

14 October, 2020 03:35 PM IST  |  Mumbai | Rashmin Shah

પછી ખીચડી સૂપની જેમ બોલમાં ભરીને પીધી

ચેતન ધનાની

 સ્ટેજ પર ‘ડિયર ફાધર’માં પરેશ રાવલની સામે ટક્કર લઈને કરીઅરની શરૂઆત કરનાર ચેતન ધાનાણીએ ધ્રુવ ભટ્ટની ઉત્કૃષ્ટ નવલકથા ‘તત્ત્વમસિ’ના નાયક કરણને ‘રેવા’માં તાદૃશ્ય કર્યો, એટલું જ નહીં, સ્ક્રીન-રાઇટર તરીકે નવલકથાના આત્માને અકબંધ રાખીને એને કાગળ પર ઉતારવાનું કામ પણ કર્યું હતું. ચેતન અત્યારે બે ગુજરાતી ફિલ્મ અને એક વેબ-સિરીઝ કરે છે. ખાવાનો શોખીન એવો ચેતન મિડ-ડેના રશ્મિન શાહ પાસે પોતાના ખાવાના અનુભવોની વાત કરતાં કહે છે, ‘દરેક પુરુષને ચા અને ખીચડી બનાવતાં આવડવી જ જોઈએ અને તેણે મહિનામાં એક વાર ફૅમિલીને બનાવીને એ ખવડાવવી પણ જોઈએ’

હું બેઝિકલી ફૂડી ખરો, પણ ફૂડમાં મૉનોટોની મને ન ગમે. આને માટે મને એક કારણ જવાબદાર લાગે છે. મૂળ અમે કચ્છના, નાનપણ પસાર થયું વડોદરામાં અને ઍક્ટિંગના ફીલ્ડને કારણે ગુજરાતભરમાં ફરવાનું બન્યું એટલે મને લાગે છે કે બીજા લોકોની કમ્પેરિઝનમાં મારા ફૂડ-બડ્સ વધારે ઍક્ટિવ થયાં. ફૂડની બાબતમાં મારો ડ્રીમ-ડે તમને કહું. સવારે જાગતાંની સાથે જ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ મળે, બપોરે સરસમજાની આપણી ગુજરાતી થાળી મળી જાય, સાંજે કૉન્ટિનેન્ટલ બ્રન્ચ હોય અને રાતે મસ્તમજાનું ચટાકેદાર પંજાબી મળી જાય. આવું બને ત્યારે મને એમ થાય કે આજનો આખો દિવસ મારો ડ્રીમ-ડે હતો. જોકે આવું ભાગ્યે જ બન્યું છે એટલે હું એટલો સુખી પણ નથી એવું કહું તો પણ ચાલે. કોઈક વાર સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ મળે તો કોઈક વાર ગુજરાતી થાળી મળી હોય. ક્યારેક રાતે પંજાબી ફૂડ મળ્યું હોય તો કોઈક વાર કૉન્ટિનેન્ટલ બ્રન્ચ મળી ગયું હોય, પણ બધું મળે, હું બોલ્યો એ ક્રમમાં બધું મળે એવું બન્યું નથી.


ગુજરાતમાં ફૂડ માટે જો કોઈ શહેર મને બેસ્ટ લાગ્યું હોય તો એ વડોદરા છે. હા, સુરત પણ નહીં અને અમદાવાદ પણ નહીં, વડોદરા. જો તમે ફૂડના શોખીન હો તો તમને વડોદરામાં જેવી મજા આવે એવી ગુજરાતમાં બીજે ક્યાંય મજા ન આવે. પોલો ગ્રાઉન્ડ પાસે મળતાં બંધ સમોસાં મારાં ફેવરિટ તો મહાકાલનું
સેવ-ઉસળ તમને જલસો કરાવી દે. આંખમાંથી પાણી નીકળતું જાય અને જીભ સતત સેવ-ઉસળ માગ્યા કરે. કૅનેરા કૅફે પાસે મળતું પુણેરી મિસળ એટલે માસાલ્લાહ સાહેબ. પુણેની સ્ટાઇલથી ત્યાં મિસળ બનાવવામાં આવે છે, પણ સાચું કહું તો પુણેમાં પણ આવું મિસળ નથી મળતું. વિશાલની ગ્રિલ્ડ સૅન્ડવિચ ખાઉં એટલે તમારું પેટ ભરાઈ જાય. મનમોહનનાં સમોસાં, પ્યારેલાલની કચોરી, રાત્રિબજારની બિરયાની. તમારે પ્લાનિંગ કરીને ત્યાં જવાનું, કારણ કે એક વખત એ પેટમાં જવાનું શરૂ થયું એટલે તમારો હાથ રોકાશે નહીં. વહેલી સવારે મૉર્નિંગ-વૉક માટે નીકળ્યા પછી પાછા ફરતી વખતે અલ્કાપુરીમાં પંડિતનાં પરાઠાં ખાવાનાં એટલે ખાવાનાં જ. ઍક્ચ્યુઅલમાં એ પરાઠાં ખાવાનાં નથી, બસ મોઢામાં મૂકવાનાં છે. ઓગળી આપોઆપ જશે, તમારે ચાવવા પણ નહીં પડે. પંડિતનાં પરાઠાં અને ગરમાગરમ ચા મળે એટલે તમારી સવાર ખુશનુમા થઈ જાય.
હું ૨૦૦૮માં મુંબઈ શિફ્ટ થયો. અમે કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહીએ. અમે એટલે હું અને મારા ફ્રેન્ડ્સ. મારા ફ્રેન્ડ્સમાં મલ્હાર ઠાકર, ‘રેવા’ ફિલ્મનો ડિરેક્ટર રાહુલ ભોળે, વૈભવ બિનીવાલે, પુલકિત સોલંકી અને નીલેશ પંચાલ. નાનો ફ્લૅટ અને અમે બધા સાથે. જબરદસ્ત ધિંગામસ્તી થતી. સવારે જેણે જેમ નીકળવાનું હોય એમ નાસ્તો કરીને પોતપોતાની રીતે નીકળી જાય. બપોરનું કંઈ નક્કી ન હોય અને મોટા ભાગના કોઈ બપોરે ઘરે પાછા આવે નહીં, પણ રાતનું નક્કી. ઘરે બધા સાથે મળીને ફૂડ બનાવે અને કોઈક વાર બહારથી મગાવવું પડે, પણ આ બધું સાથે જ કરવાનું. સાચું કહું તો મારા આ બધા ફ્રેન્ડ્સ કોઈ ને કોઈ રીતે ફૂડ-મેકિંગમાં ઍક્ટિવ એટલે મને બહુ વાંધો ન આવે, મારા ભાગે ચિલ્લર કામ જ આવે. મલ્હાર બહુ સરસ કૉફી બનાવે, ખીચડી પણ એટલી જ સરસ બનાવે, પણ કૉફી એના કામમાં ફિક્સ, બધા માટે કૉફી મલ્હારે જ બનાવવાની. વૈભવ અને
રાહુલ તો ટિપિકલ ફૂડ-મેકર્સ એટલે એ પણ બધું કામ જુએ અને હું કામમાંથી સહેલાઈથી સરકી જાઉં. મારા ભાગે બધાને વાતો કરાવવાનું આવે અને હું એમાં આમ પણ એક્સપર્ટ.
‘રેવા’ના શૂટિંગ સમયની વાત મને યાદ આવે છે. ૮૦ ટકા ફિલ્મ અમે ગામડામાં શૂટ કરી છે. શૂટિંગમાં બધા માટે ફૂડની વ્યવસ્થા હોય, પણ એકનું એક ખાઈને અમે કંટાળ્યા હોઈએ એટલે એક વખત મેં કહ્યું કે આજે કંઈક નવું ટ્રાય કરીએ. અમારી ટીમમાં નીલેશ નામનો એક મેમ્બર હતો. આખો દિવસ તેની પાસે ફૂડની જ વાત હોય અને તેને બધું બનાવતાં આવડે એવું પણ તેણે કહ્યું હતું. અમે નીલેશને પકડ્યો અને કહ્યું કે આજે તું કર અમારે માટે ફૂડની વ્યવસ્થા. નીલેશ નીકળી ગયો વ્યવસ્થા કરવા અને ગામના કોઈ ઘરમાં જઈને રિકવેસ્ટ કરી આવ્યો કે થોડી વાર માટે અમને તમારું કિચન વાપરવા આપોને. પરમિશન મળી એટલે તે અમને બધાને લઈને એ ઘરે પહોંચ્યો અને ગરમાગરમ રસોઈ બનાવીને જમાડી. પછી તો અમે નીલેશની પાછળ પડી ગયા હતા. આઠ-દસ દિવસે નીલેશને કહીએ અને નીલેશ લોકેશન મુજબ નજીકના ગામમાં જઈને કિચન વાપરવાની પરમિશન લે, પરમિશન ન મળે તો પૈસા આપીને અડધો કલાક કિચન ભાડે લે અને અમારા બધા માટે ફૂડ બનાવે. બહુ મજા આવતી એ ફૂડ ખાવાની. જમીન પર બેસવાનું. પેલાં ગારમાટીનાં ઘર હોય અને એવાં જ વાસણ હોય. કોઈ-કોઈ વાર તો ચૂલા પર ફૂડ બન્યું હોય એટલે ફૂડમાં માટીની મહેક ભળી ગઈ હોય. વાહ, શું મજા હતી એ.


ફૂડ-મેકિંગના મારા અનુભવનું કહું એ પહેલાં મારે કહેવું છે કે ફૂડની બાબતમાં હું બહુ લક્કી છું. મારી આસપાસ હંમેશાં એવા લોકો રહ્યા છે તેઓ ફૂડ-મેકિંગમાં એક્સપર્ટ હોય. આ લિસ્ટમાં હું મારાં મમ્મી ગીતાબહેનનું નામ સૌથી પહેલાં લઈશ. મને જે બેચાર વરાઇટી આવડે છે એ પણ તેમણે જ બનાવતાં મને શીખવી છે. જ્યારે મુંબઈ શિફ્ટ થવાની વાત આવી ત્યારે મમ્મીને ખબર હતી કે શરૂઆતમાં સ્ટ્રગલ રહેવાની જ છે. મમ્મીએ મને ખીચડી અને ચા બનાવતાં શીખવ્યું હતું. ખીચડીમાં કશું કરવાનું નથી હોતું. કુકરમાં મગ, ચોખા અને સ્વાદ અનુસાર મીઠું અને જો મસાલા ખીચડી બનાવવી હોય તો મસાલા ઉમેરવાના. ખીચડી તૈયાર. મને ખીચડી બનાવતાં આવડે છે અને હવે તો ખીચડીમાં હું ભાતભાતનાં એક્સપરિમેન્ટ પણ કરી લઉં છું, પણ શરૂઆતમાં એવું નહોતું. શરૂઆતમાં તો મેં બરાબર લોચા માર્યા છે. પાણી ઓછું પડે અને ખીચડી સાવ સુક્કી બની જાય અને કાં તો પાણી એટલું નાખી દીધું હોય કે ખીચડી સૂપ જેવી ઢીલી થઈ જાય. એવી ખીચડી મેં રીતસર પીધી છે. હા, બોલમાં ભરીને સીધી મોઢે માંડીને, પણ સાચું કહું, એની મજા પણ જુદી છે. ઢીલી થઈ ગયેલી ખીચડીમાં ઘી ઉમેરીને પીવાનો જે આનંદ છે એ અદ્ભુત છે. એકાદ-બે વાર આવી ભૂલ થયા પછી મેં તો એ ભૂલને ઘણી વાર કન્ટિન્યુ પણ કરીછે. ખીચડીમાં એક્સપરિમેન્ટ્સનું મેં તમને કહ્યું. મેં સોયાબીન ખીચડી પણ બનાવી છે, તો જીરા ખીચડી પણ બનાવી છે. વેજિટેબલ્સ ખીચડી પણ બનાવી છે અને બાસમતી ચોખા વાપરીને એમાંથી પણ ખીચડી બનાવવાની કોશિશ કરી છે. મને દરેક વખતે મજા આવી છે અને એનું એક કારણ પણ છે, એ મેં બનાવી હતી. જાતે મહેનત કરો એટલે સ્વાભાવિક રીતે તમને એમાં મજા જ આવે.
ખીચડી ઉપરાંત ચા પણ મારા હાથે સરસ બને. ચા પણ અખતરાઓમાંથી જ પર્ફેક્શન પર પહોંચી છે. ક્યારેક દૂધ ઓછું હોય, ક્યારેક પાણી ઓછું પડે. ક્યારેક એવું બને કે ચા બનાવવા મૂકી હોય અને ચાને ભૂલી જ ગયો હોઉં, જેને લીધે બે કપ ચા બળીને એક રકાબી જેટલી થઈ જાય. એ ચા રીતસર કાઠિયાવાડી ચા જેવી લાગતી. એકદમ ઘટ્ટ અને જાણે લાલ રંગની ચા ફ્લેવરની રબડી હોય એવી. અલગ-અલગ ચાની પત્તી ખરીદવી મને બહુ ગમે છે એટલે હું એનાં પણ અઢળક એક્સપરિમેન્ટ્સ કરું પણ હા, એ પણ એટલું જ સાચું કે મને પ્રી-મિક્સ મસાલા ટીના પાઉચથી ભારોભાર ચીડ છે. બે અઠવાડિયા પહેલાં બનેલી ચાને ગરમ કરીને તમે પીતા હો એવો ટેસ્ટ એનો આવતો હોય છે.
બે વાત આજે મારે કહેવી છે. દરેકેદરેક પુરુષને ચા અને ખીચડી બનાવતાં આવડવી જ જોઈએ અને બીજી વાત, મહિનામાં એક વાર તેણે પોતે એ બનાવીને ફૅમિલીને ટેસ્ટ કરાવવી જોઈએ. પ્રેમ વધશે અને પ્રેમ નહીં વધે તો ઍટ લીસ્ટ સારી રસોઈની કદર કરતાં તો આવડી જ જશે.

મુંબઈ, દિલ્હી અને કલકત્તાની વરાયટી બેસ્ટ

વડોદરાની જેમ જ જો વરાઇટી ફૂડની વાત દેશઆખાની કરવાની હોય તો હું એ લિસ્ટમાં મુંબઈ, દિલ્હી અને કલકત્તાને મૂકીશ. આ શહેરો પણ એવાં છે કે ફૂડ-લવર્સને જલસો પાડી દે. મુંબઈની વાત કરું તો મને બોરીવલીમાં પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ પાસે આવેલા ગિરગાંવ કટ્ટાનું ફૂડ બહુ ભાવે. અહીંનાં કાંદાભજી, મસાલા ભાત, ઉસળ, મિસળ અને કાંદા-પૌંઆ રિયલ મરાઠી ટેસ્ટનાં હોય છે. ભાઈદાસની સામે મળતાં વડાપાઉં અને સૅન્ડવિચ તો વર્લ્ડ્સ બેસ્ટ છે જ છે, તો જયહિન્દનું મિસળ પણ લાજવાબ છે. મુંબઈની મને કોઈ બેસ્ટ વાત લાગતી હોય તો એ કે તમારા ખિસ્સામાં ૩૦ રૂપિયા હોય તો પણ તમે પેટ ભરી શકો અને તમારા પૉકેટમાં ૩૦,૦૦૦ રૂપિયા હોય તોય ભૂખ્યા રહો એવું મોંઘુંદાટ પણ ફૂડ મળે. ૩૦ રૂપિયા હોય તો એક મસ્ત જમ્બો સાઇઝ વડાપાઉં સાથે મિર્ચી અને ૧૫ રૂપિયાનો એક મોટો ગ્લાસ શેરડીનો રસ. બસ, તમારું પેટ ભરાઈ જાય અને ખાવાની મજા પણ આવે.

મને ખીચડી બનાવતાં આવડે છે અને હવે તો ખીચડીમાં હું ભાતભાતનાં એક્સપરિમેન્ટ પણ કરી લઉં છું, પણ શરૂઆતમાં એવું નહોતું. ક્યારેક પાણી ઓછું પડે અને ખીચડી સાવ સુક્કી બની જાય અને કાં તો પાણી એટલું નાખી દીધું હોય કે ખીચડી સૂપ જેવી ઢીલી થઈ જાય. એવી ખીચડી મેં રીતસર પીધી છે. હા, બોલમાં ભરીને સીધી મોઢે માંડીને, પણ સાચું કહું, એની મજા પણ જુદી છે. ઢીલી થઈ ગયેલી ખીચડીમાં ઘી ઉમેરીને પીવાનો જે આનંદ છે એ અદ્ભુત છે.

Gujarati food Rashmin Shah columnists