ઍવરેજ ગુડ હસબન્ડનો ખુલ્લો એકરાર

12 February, 2021 01:50 PM IST  |  Mumbai | Jamnadas Majethia

ઍવરેજ ગુડ હસબન્ડનો ખુલ્લો એકરાર

સિમ્પલી સેઇંગ : બીજું તો શું કહું તને, આઇ લવ યુ

જીવનમાં સૌથી મહત્ત્વનો બર્થ-ડે કોનો હોય, ખબર છે? ચાલો, આજે તમને આ જવાબની સાથે મારા જીવનની થોડી સીક્રેટ વાતો પણ શૅર કરું છું. આજે મારો સ્પેશ્યલ દિવસ છે, ત્રણેક રીતે; એક, ‘વાગ્લે કી દુનિયા’માં આજની એટલે કે જ્યારે હું આ લખું છું ત્યારે એટલે કે ગુરુવારની રાતે હાઉસવાઇફને બિરદાવતો એપિસોડ તમે જોયો હશે. ન જોયો હોય તો પણ વાંધો નહીં, શનિ-રવિવારે એમ બે દિવસ દરમ્યાન ચૅનલ આ એપિસોડ વારંવાર દેખાડશે એટલે જોવાનું ચૂકતા નહીં, ભૂલતા નહીં. એક આડવાત પણ કહી દઉં કે લોકોને ખૂબ ગમી રહી છે સિરિયલ. બીજી રીતે મારો આજનો આ સ્પેશ્યલ દિવસ, મારી પર્સનલ લાઇફમાં આજનો એટલે કે ૧૧ ફેબ્રુઆરીનો દિવસ વાઇફને બિરદાવવાનો દિવસ છે. કારણ કે આ નીપાનો જન્મદિવસ છે. આ દિવસ વર્ષોથી ૧૧મી ફેબ્રુઆરીએ જ આવે, એ જન્મી ત્યારથી. હા... હા... હા...
તમને લાગતું હશે કે શું જેડીભાઈ આવી કૉમેડી કરે છે, પણ હજી વધારે આવી કૉમેડી કરતાં કહું તમને કે પત્નીના જન્મદિવસે બને એટલી કૉમેડી કરતા રહેવાનું અને તેને ખુશ રાખવાની. વાહિયાત અને જૂના તો જૂના, પણ જોક્સ ક્રૅક કરતાં-કરતાં તેને આખો દિવસ ખુશ રાખવી બહુ જરૂરી હોય છે. આ બધું દિલથી કરવું જરૂરી છે. જેમ-જેમ ઉંમર વધે એમ સ્ત્રીઓના જીવનમાં ઘણા પ્રકારની ચૅલેન્જિસ વધતી હોય છે. ખાસ કરીને પત્નીઓના જીવનમાં, ઉંમર વધવાનો અહેસાસ તેને બિલકુલ ગમતો નથી એટલે એક બાજુ ખુશી તો બીજી બાજુ ગમ પણ રેડી જ હોય છે અને એમાં પણ વર્કિંગ વુમનમાંથી હાઉસવાઇફ બનેલી પત્ની પોતે જીવનમાં શું કરવા માગતી હતી અને અત્યારે ક્યાં છે જેવી વાતો અપસેટ કરે તો સાથોસાથ શારીરિક બદલાવની ચૅલેન્જિસ પણ ખરી. સુડોળ શરીરથી મોંઘવારીની જેમ વધતું વજન અને બીજી બધી લાગતી-વળગતી ચિંતાઓ અને એમાં પણ તેની ચિંતાઓમાં વધારો કરતા તેમના વેરી ડિમાન્ડિંગ (સુ)વરો. દરેક વખતે આગળ ‘સુ’ અક્ષર લગાડવાથી ‘સારો’ શબ્દ નથી બનતો એ સહેજ તમારી જાણ ખાતર. આજે એટલે કે ગઈ કાલે મને થયું કે પત્નીના જન્મદિવસે તેના અને મારા વિશે કશું એવું લખું જેનાથી તમને નીપાના (સુ)વર વિશે થોડી ખબર પડે.
હું અને નીપા ૧૯૮પ-’૮૬માં નરસી મોનજી કૉલેજમાં મળ્યાં. એ ત્યારે ૧૬ વર્ષની હતી. આ લખતાં-લખતાં જ મને હસવું આવે છે. અત્યારે જો મારી દીકરી મારા જેવા કૉલેજમાં નાટકોમાં ભાગ લેતા છોકરાના પ્રેમમાં પડે તો હું શું કહું, શું સમજાવું એવા વિચારથી મન સહેજ અટવાઈ રહ્યું છે, પણ કૉલેજના એક નાટકથી લઈને અત્યાર સુધીની જર્નીમાં બહુ ઉતાર-ચડાવ અમે જોયાં છે; પ્રેમમાં, સ્વભાવમાં, મારા વર્તનમાં, કરીઅરમાં, સંબંધમાં અને બીજી ઘણી બધી બાબતોમાં. ૩૫ વર્ષનો સંગાથ જેણે પણ રાખ્યો હશે તે સમજી શકે કે એક સફળ સુખી લગ્નજીવન ટકાવી રાખવા અને સારી રીતે જીવવા માટે કેટલા વળાંકમાંથી તેણે પસાર થવું પડે છે. મેં શું કર્યું અને કેટલું કર્યું એ આજે બહુ મહત્ત્વનું નથી. નીપાએ શું કર્યું એ બહુ મહત્ત્વનું છે.
‘વાગ્લે કી દુનિયા’ના ગુરુવારના એપિસોડમાં દર્શાવ્યા પ્રમાણે માત્ર એક કુશળ પત્ની તરીકે જ નહીં, પણ માતા તરીકે પણ નીપાએ બહુ સરસ રીતે જવાબદારી નિભાવી છે. ૧૬ વર્ષની જે નીપાને હું મળ્યો હતો એને અત્યારે ૨૧ અને ૧૫ વર્ષની એમ બે દીકરીઓ છે અને આ લખતાં-લખતાં હું સંતોષકારક સ્મિત અને ખુશી અનુભવી રહ્યો છું. અમે બન્ને કદાચ, રિપીટ કરું છું, કદાચ, બેસ્ટ હસબન્ડ અને બેસ્ટ વાઇફ નહીં બની શક્યાં હોઈએ, પણ અમે બન્નેએ સંસાર સરસ રીતે મૅનેજ કર્યો છે. અમે બન્ને ઍક્વેરિયન્સ, અમારા સ્વભાવમાં ઘણું સામ્ય પણ અને વિરોધાભાસ પણ એટલો જ. અમને ઘણું સરખું ગમે અને ઘણું બિલકુલ ન ગમે. અમે જો કોઈ મુદ્દા પર લડીએ તો અમારા ઝઘડાઓને લીધે ‘બિગ બૉસ’માં ક્વોલિફાય થઈ શકીએ, પણ અમારી ઘણી ક્વૉલિટીઝ એવી પણ છે કે અમે ‘બિગ બૉસ’ જેવી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈને જીતી પણ જઈએ. મારી વાત આજે જવા દો, મારી બહાર બહુ સારી છાપ છે કે બહુ સરસ વ્યક્તિ છે, સફળ છે. એને લીધે ઘણી વાર મારી સાથેની વ્યક્તિઓને ઘણા એવા દબાણમાં જીવવું પડે જે અઘરું બની જાય. મૂળ વાત પર આવીએ, પત્ની પર, મારી પત્નીની વાત પર. નીપા હંમેશાં તેની દીકરીઓ માટે હાજર હોય. તેની તબિયતની પરવા કર્યા વગર તે બચ્ચાંઓની જે રીતે પડખે ઊભી રહે છે એ અદ્ભુત છે. નીપાએ જે સંબંધ કેળવ્યા છે એ બહુ સુંદર છે.
બધાને લાગે કે જેડીભાઈ આખી દુનિયાને કૉમેડી બતાવે છે તો એ બહુ હસમુખ હશે, ઘરે પણ હસાવતા હશે, પણ ના, એવું નથી. હું ગંભીર પ્રકારનો માણસ છું, કારણ કે મારે ત્રણ દીકરીઓનું ધ્યાન રાખવાનું હોય છે. નીપા, કેસર અને મિશ્રી. નીપા બન્ને અલગ એજ-ગ્રુપની દીકરીઓ સાથે ભળી શકે એટલે ત્રણેયની હસાહસ આખો દિવસ ચાલતી હોય. સાથે એ લોકોના ક્લાસ, એ લોકોની ટ્રેઇનિંગ એ બધાનું પણ તે ધ્યાન રાખતી હોય એટલે તેનું બોલવાનું પણ ચાલુ હોય. દોડી-દોડીને બધે ઇન્ફર્મેશન ગોતી કાઢે, દીકરીઓને પહોંચાડે. કહો કે એકદમ હૅન્ડ્સ-ઑન મધર છે. મારા ઘરેથી આવતું ટિફિન જોઈને લોકો અચરજ પામી જાય એવી સિસ્ટમ બનાવી છે તેણે. ડબ્બા ખોલતાં ૧૦ મિનિટ લાગે મને અને ખાતાં ૩૦ મિનિટ. મારી જે હેલ્થ છે એ નીપાએ બનાવેલી સિસ્ટમને આભારી છે.
બહુ જ કુશળ રીતે ચલાવવાની સાથે હોશિયારીથી જ્યારે-જ્યારે ઇન્ટીરિયર ડિઝાઇનનાં કામ આવતાં હોય ત્યારે પણ બહુ સરસ રીતે બૅલૅન્સ કરીને મૅનેજ કરી લેતી હોય છે. મિત્રોમાં પણ પૉપ્યુલર એવી નીપા બહુ ફન-લિવિંગ છે. ‘ક્રમશઃ’ જેવા નાટકથી ગુજરાતી રંગભૂમિ પર સફળ પદાર્પણ કરનારી વેરી ટૅલન્ટેડ નીપા માટે મારે એક નાટક બનાવવું છે, પણ નસીબ સાથ નથી આપી રહ્યું. એવું ઘણું સારું-સારું લખી શકું છું પત્ની માટે, પણ એવી વાતો કહેવાને બદલે મારે આજે કહેવું છે કે આપણે બધાએ પત્નીઓને જોવાનો નજરિયો થોડો બદલવાની જરૂર છે. ઘણી વાર પત્નીઓ પતિ કરતાં હોશિયાર હોય છે, ઘરની બાગડોર તેના હાથમાં આપી દેવામાં આવે તો વધારે સારી રીતે સંભાળી શકે, પણ પુરુષો આ વાતને આસાનીથી પચાવી નથી શકતા અને એમાંથી જ ભાંજગડ ઊભી થાય છે. એ બધામાંથી નીકળવાના રસ્તા છે. પત્નીને ઓળખો, તેને પ્રેયસી તરીકે જુઓ. લગ્ન પછી પત્ની અલગ અને પ્રેયસી અલગ એમ નહીં. પત્નીને જ પ્રેયસી તરીકે જુઓ, તમને ન ગમતી તેની વર્તણૂકની પાછળ તેની સ્ટ્રેંગ્થને ખોવાઈ ન જવા દો. તે તમારી વિરોધી નહીં, પણ તમારી ટીમનો હિસ્સો છે એ રીતે જોશો તો તમારા સંસારને સુખી રીતે ચલાવવાની સ્ટ્રેંગ્થ વધી જશે. આજે આવી મૅચ્યોર વાતો તમને કહું છું, પણ મારે પણ હજી ઘણું કરવાનું બાકી છે, પણ એ જ તો મજા છે જીવનની. શીખતા જવાનું, ધીમે-ધીમે સુધરતા રહેવાનું. હું ઘણો સુધર્યો છું. એક મનની વાત કહું તમને, હું નીપાનો આજીવન ઋણી રહીશ, કેસર અને મિશ્રી જેવી બે દીકરીઓ મારા જીવનમાં લાવવા બદલ.
મારે આજે કહેવું છે કે પત્નીઓને જાળવી રાખવાની, પંપાળીને રાખવાની કળા બધાને નથી આવડતી, પણ એ બહુ જરૂરી છે. કોઈના ઘરેથી કોઈની દીકરી પોતાના ઘરે લાવ્યા છો. તેણે પોતાનું આખું જીવન, પોતાની સરનેમ, પોતાના માવતર અને કહો કે પોતાનું બધું જ છોડીને એક નવી દુનિયા તમારી સાથે વસાવવાની છે. તેનામાં જેટલો સ્વીકારભાવ છે એટલો પુરુષોએ અને પુરુષોના પરિવારે પણ કેળવવાની જરૂર છે. જો એવું થશે તો જ તમારા સંસારને તમે સુખી સંસાર બનાવી શકશો. આ પત્નીઓ જે (સુ)વરો માટે કરતી હોય છે એટલું પાછું વાળવાનું કામ (સુ)વરો પત્ની માટે નથી કરતા. મારી વાત થોડી અલગ છે, હું ઘણું કરું છું.
હા... હા... હા...
પાછો માર્યોને એક વાહિયાત જોક.
બસ, આ હાસ્ય સાથે મારી પત્ની નીપાને હેપી બર્થ-ડે અને તમારા બધાની પત્નીઓને હૅપી લાઇફ ડે.
લિખિતંગ ઍવરેજ ગુડ પતિ, જેડી મજીઠિયા.

columnists JD Majethia