કચ્છના લોકસાહિત્યનો અર્ક એટલે કારાણી

10 December, 2019 11:46 AM IST  |  Kutch | Sunil Mankad

કચ્છના લોકસાહિત્યનો અર્ક એટલે કારાણી

દુલેરાય કારાણી

કચ્છ પ્રદેશ આજે વિશ્વમાં એવો ખ્યાતિ પામેલો છે, કચ્છીઓ પણ વિશ્વના અનેક દેશોમાં આજે ફેલાઈ ગયા છે કે જ્યાં પણ એક કચ્છી વસી જાય એ જગ્યાએ કચ્છિયત બહાર આવે જ છે. કંઈક આવા જ ભાવાર્થ સાથેની એક-એક કચ્છીના હૃદયમાં સ્થિર થઈ ગયેલી આ પંક્તિ જાણે વણાઈને લોકોકિત બની ગઈ છે. આ પંક્તિઓ જેમણે રચી છે અને એ દ્વારા લોકહૃદયમાં સ્થાન મેળવનાર કવિ એટલે કચ્છના સાહિત્ય ઇતિહાસમાં પ્રથમ પંક્તિમાં જેમની ગણના થાય તેવા શ્રી દુલેરાય કારાણી. દુલેરાય કારાણીએ વિપુલ વૈવિધ્યસભર બળકટ્ટ સર્જન દ્વારા સાહિત્યાકાશને જાણે દીર્ઘકાલીન પ્રકાશિત કર્યું છે.

માંડવીસ્થિત વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના વિવેકગ્રામ પ્રકાશનના રજતજયંતી વર્ષ નિમિત્તે કચ્છના સાહિત્યના ભીષ્મ પિતામહ કહી શકાય તેવા દુલેરાય કારાણીના સમગ્ર સાહિત્ય વિશે આખા દિવસનો સેમિનાર યોજાયો ત્યારે કચ્છના સાહિત્યપ્રેમીઓનાં હૃદયમાં કારાણી ફરી જીવંત થયા હતા. મૂળ ચૌહાણ વંશના અને પરિવાર સાથે ત્રણ-ચાર સદીથી કચ્છમાં આવેલા વંશના ૧૮૯૬ની ર૬ ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં જન્મેલા દુલેરાય કારાણીના અંતરમાં સાહિત્ય અને લોકસાહિત્યની સેવાનાં શમણાં સમજણા થયા ત્યારથી જ સળવળાટ કરવા લાગ્યાં હતાં.

પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષપણે જ્યાં પણ કચ્છી ભાષાની વાત થાય કે અધ્યયન થાય છે ત્યાં શ્રી કારાણીનું નામ અચૂકપણે અને સર્વપ્રથમ લેવાય છે. કચ્છી સાહિત્યના સંદર્ભમાં લગભગ પાંચ કે છ દાયકાને ‘કારાણી યુગ’ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. દસ ધોરણના અભ્યાસ બાદ મુન્દ્રાની દરબારી શાળામાં ૧૫ કોરી (કચ્છી નાણું)ના પગારથી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કારકિર્દી આરંભ્યા બાદ કચ્છની સંસ્કૃતિ સાથે એવા તો વણાઈ ગયા કે તેમણે અઢળક સર્જન કચ્છી ભાષામાં કર્યું. ઇ.સ. ૧૯ર૮માં પ્રકાશિત ‘કચ્છનાં રસઝરણાં’ તેમની સર્જનયાત્રાનું પ્રથમ પગરણ. એ સાથે ચાલુ થયેલી તેમની સર્જનયાત્રા, સાહિત્યસેવા ૧૯૮૮ સુધી અવિરત રહી. ૬૦ પ્રગટ અને ૧૦-૧ર અપ્રગટ પુસ્તકો તેમનાં સર્જનભાથાંમાં નોંધાયેલાં છે જેમાં કાવ્યો, નાટકો, નવલકથા, જીવનચરિત્રો, બાળગીતો, બાળવાર્તા, બાળરમતો, બાળજોડકણાં સાથેનું બાળસાહિત્ય, કોશ સાહિત્ય, કચ્છી કહેવતો અંગેનાં ત્રણ પુસ્તકો જેવાં સંશોધન, સંપાદન અને ભાષા શીખતાં-શીખતાં જ વર્ણમાળા શીખવી દેવાય એવી રીતે કચ્છી ભાષા શીખવવા બે ભાગમાં કચ્છી ભાષાની પ્રથમ પોથીનો પણ સમાવેશ થાય છે.

કારાણીજીનું મોટા ભાગનું સર્જન કચ્છી ભાષામાં. ‘સૌરાષ્ટ્રનો રસધાર’ જેવી ગુજરાતી લોકસાહિત્યની ધીંગી રચનાના સર્જક ઝવેરચંદ મેઘાણીના તેઓ સમકાલીન. આ બન્ને લોકસાહિત્યની ઘેરી અસર જેમના સર્જનમાં ભારોભાર જોવા મળે છે તેવા આજના ગુજરાતના શિરોમણી લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ કહે છે કે બન્ને સમકાલીન ખરા, પણ મેઘાણી મૃત્યુ પામ્યા ત્યારે હું માત્ર સાત વર્ષનો હતો, પણ એ પછી મેં લોકસાહિત્યનું સર્જન શરૂ કર્યું ત્યારે દુલેરાય કારાણીનો સિતારો ચમકતો હતો અને એ અર્થમાં હું તેમનો સમકાલીન કહેવાઇશ એનું મને ગૌરવ છે. પદ્મશ્રી સહિત કુલ ૫૦ અવૉર્ડ મેળવી ચૂકેલા અને ૯૩ જેટલા ગ્રંથોના રચયિતા જોરાવરસિંહ જાદવ કારાણીને યાદ કરતાં કહે છે કે કચ્છ એ તો કલા અને સંસ્કૃતિનું તીર્થસ્થાન છે. મારી લોકસાહિત્ય પ્રત્યેની રુચિ માટે ઝવેરચંદ મેઘાણી અને દુલેરાય કારાણી પ્રેરણારૂપ હતા. મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભણ્યા પછી મેં તેમના જ પગલે ચાલવાનું નક્કી કર્યું અને કારાણીની વિશ્વભરની લોકકથાઓમાં સમાવિષ્ટ થઈ શકે એવી ‘વ્રજવાણીનો ઢોલી’ વાંચ્યા પછી તો હું રીતસરનો સાહિત્યના રવાડે ચઢી ગયો. કચ્છમાં કારાણી ન થયા હોત તો ગુજરાતમાં જોરાવરસિંહ ન થયા હોત. જીવનભર તપ કરીએ ત્યારે કારાણી જેવા સાહિત્યકાર બની શકાય એવું માનતા શ્રી જોરાવરસિંહ જાદવ કહે છે કે શ્રી દુલેરાય કારાણી પોતાના જન્મદિવસે જ ૧૯૯૦ની ર૬ ફેબ્રુઆરીએ ૯૪ વર્ષે અવસાન પામ્યા ત્યારે જ ગુર્જરગિર પર લહેરાતી લોકસાહિત્યની લીલીછમ્મ વાડીયુંમાં ટહુકતા કચ્છી કળાયેલ મોરના મધુર ટહુકા સદાને માટે સંભળાતા બંધ થઈ ગયા. કચ્છના લોકસાહિત્ય સંશોધનનો જાણે કે આખો એક યુગ જ આથમી ગયો.

દુલેરાય કારાણીના પરિવારના વડીલોમાં કોઈ શિક્ષક, વાર્તાકાર તો કોઈ જાદુગર પણ ખરા. કારાણીને પણ આ વારસો મળ્યો હતો. તે જાદુગર ખરા, પણ શબ્દોના... ભાષા અને વાણીના... કચ્છમાં શિક્ષણ ખાતામાં ઉચ્ચ અધિકારી બન્યા ત્યારે કચ્છના ખૂણે-ખૂણે ફરવાનું થયું અને કચ્છના પત્થરો, નદીઓ, કોતરો અને પાળિયાઓના રીતસરના પ્રેમમાં પડી ગયા અને એના પરિપાકરૂપે જ સાહિત્યનું શ્રેષ્ઠ સર્જન થયું. પાળિયાઓ સાથે તો જાણે તેઓ વાતો કરતા. શાળાના સમયે રાત્રિ શાળાઓમાં જઈ ઉર્દૂ, અંગ્રેજી, સિંધી, વ્રજ ભાષા અને ફારસી જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો. આ પછી દુલેરાય કારાણીના અંતરમાંથી કાવ્યઝરણું કલકલ નાદે વહેતું થયું. કારાણી લોકસાહિત્યમાં વણખેડાયેલું સર્જન કરતા હતા એથી તેમની કીર્તિ ચોમેર અગરબત્તીની સુવાસની જેમ ઊડતી-ઊડતી કચ્છના મહારાવશ્રી મદનસિંહજીના કાને પહોંચી. સાહિત્યપ્રેમી કચ્છના મહારાવશ્રીએ લોકસાહિત્યના રંગે રંગાયેલા કારાણીજીને મુન્દ્રાની દરબારી શાળાના ‘માસ્તર’માંથી ઉપાડીને કચ્છ રાજયના કેળવણી ખાતામાં મદદનીશ શિક્ષણ અધિકારી તરીકે મૂકી કારાણીજીનું પ્રથમ સન્માન કર્યું એમ કહી શકાય.

કારાણીની કાવ્યસંપદા વિપુલ હતી. કચ્છી નાટકો અને હિન્દી અને ગુજરાતી કાવ્યોમાં પણ તેમનું ખેડાણ ઊંડાણપૂર્વકનું હતું. કારાણીજીનાં અનેકવિધ સાહિત્યમાંથી સૌથી વધુ ધ્યાન ખેંચતું હોય તો એ છે તેમનું સંશોધનાત્મક ઐતિહાસિક સાહિત્ય. એ તેમણે વિપુલ માત્રામાં સર્જ્યું છે. કચ્છના કલાધરો ૧-ર, કચ્છની રસધાર ૧-૪, જામ ચનેસર, જામ રાવળ, જામ લક્ષરાજ, જાડેજા વીર ખેંગાર, જગડુ દાતાર, જામ અબડો અડભંગ, ઝારે જો યુદ્ધ, કચ્છના સંત કવિ મેકરણ દાદા, કારો ડુંગર કચ્છજો જેવા અનેક ગ્રંથો સહિત તેમનાં અન્ય સર્જનોનું લિસ્ટ બનાવીએ તો ખૂબ લાંબું થાય. એ પૈકી કેટલાંક ગ્રંથો-પુસ્તકો લભ્ય છે તો કેટલાંક અલભ્ય છે.

આ પણ વાંચો : કચ્છી લોકગીતોની પશ્ચાદભૂ

આવાં અને આટલાં પોતાનાં સર્જનકાર્ય માટે કારાણીજી કહે છે કે કોઈ વાર પ્રબળ ભાવનાથી દ્રવી ઊઠેલા હૃદયમાંથી ટપકી પડેલાં ફોરાં ભલે મોતી ન હોય, તો પણ તેમને એકત્ર કરી લેવાનો મારો નમ્ર પ્રયાસ છે. આવા વિનમ્ર છતાં વિદ્વાન લોકસાહિત્યકાર થકી જ કચ્છ એ કલાનું તીર્થસ્થાન બની શક્યું છે.

columnists