એના ઇલાજરૂપે બસ પુસ્તકો પીધાં છે

21 April, 2024 02:03 PM IST  |  Mumbai | Hiten Anandpara

૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી

પ્રતીકાત્મક તસવીર

૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ૧૯૯૫માં યુનેસ્કો દ્વારા એની શરૂઆત થઈ હતી. એની ઉજવણી માટે દર વર્ષે વિશ્વમાંથી એક શહેરની પસંદગી થાય છે જ્યાં પુસ્તક સંદર્ભિત વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ૨૦૨૪ માટે ફ્રાન્સના સ્ટ્રાસબોર્ગ શહેરની પસંદગી થઈ છે. ૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી. પુસ્તક મિત્ર પણ બની શકે અને માર્ગદર્શક પણ બની શકે. કમલેશ શુક્લ મહત્તાનું પ્રતિપાદન કરે છે...

પુસ્તકોને રાખવાનો એક ખૂણો રાખજો
નીંદમાંથી જાગવાનો એક ખૂણો રાખજો
ભૂલથી ભટકો તમે જો ચાલતા રાહે અગર
જિંદગીને જાણવાનો એક ખૂણો રાખજો

પત્રકાર કા​ન્તિ ભટ્ટના ઘરમાં રાચરચીલા કરતાં વધારે મહત્ત્વ પુસ્તકોનું હતું. એક સમયે જન્મભૂમિની અતિસમૃદ્ધ લાઇબ્રેરીનો લાભ અનેકભાષી લેખકો લેતા હતા. મુંબઈ જેવા શહેરમાં હવે લાઇબ્રેરી-કલ્ચર મૃતપ્રાય થઈ ગયું છે. લોકો પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી અને ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા નથી. પુસ્તક જો ગાઈ શકતું હોત તો ટૅક્સી-ડ્રાઇવર ફિલ્મનું આ ગીત જરૂર પીડાભર્યા સ્વરે વહેતું કરત : જાએ તો જાએ કહાં, સમઝેગા કૌન યહાં. યુવા કવિ મહિમ્ન પંચાલ આ ગમમાં શરીક થાય છે...

આપમેળે કોઈ પુસ્તકનું વજન થોડી વધે?
ક્યાંક ખૂણે એકલામાં ધૂળ ચોક્કસ ખાય છે
દળદાર પુસ્તક વાંચવાની ધીરજ હવે આપણે ગુમાવી બેઠા છીએ. એક સમય એવો હતો કે રસપ્રદ પુસ્તકનાં સો પાનાં એક દિવસમાં વાંચી જતા. હવે સો પાનાંનું એક પુસ્તક સો દિવસમાંય વંચાતું નથી. મનોરંજનના વિપુલ પર્યાયો સામે સ્પર્ધાને કારણે પુસ્તકોનો સોનેરી અધ્યાય જાણે પૂરો થઈ ગયો હોય એમ લાગે છે. આજના સમયમાં પણ જેના માટે પુસ્તક પરિવારના એક સભ્ય જેવું હોય તે વાચક રક્ષા શાહની વાત સાથે સંમત થશે...
મેં પુસ્તકને જગ્યા આપી
એણે આખી દુનિયા આપી

એક સારું પુસ્તક આપણને જાત કે જગત સાથે જોડી આપે છે. ટીવી અને સિનેમાનું માધ્યમ એવું છે જેમાં તમે દૃશ્યો જોઈ શકો છો. પુસ્તકનું માધ્યમ એવું છે જેમાં તમે દૃશ્યો કલ્પી શકો છો. કોઈ નવલકથા કે વાર્તા વાંચતા હોઈએ ત્યારે એક નાનકડી સૃષ્ટિ આંખ સામે રચાતી જાય. વાંચવાની આદત છૂટી જવાને કારણે આપણી વિચારશક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અસર પડે છે. રશ્મિ જાગીરદાર પુસ્તક સાથે મૈત્રી રાખવાનું સૂચવે છે...
અભણ તો એને વાંચીયે શકે નહીં અને વળી
ભણેલા જો મૂકી જ રાખે તો ભણી શકે નહીં
જો એ હશે તો આપણોય હાથ ઝાલી ચાલશે
કદીયે એકલા તો તમને એ તજી શકે નહીં

ઘણાં પ્રેરણાદાયી પુસ્તકો નિરાશાના સમયમાં વાચકને સાચવવામાં મદદરૂપ થાય છે. સતત પ્રવૃત્તિમય રહેનાર અને અસ્ખલિત બોલી શકનાર કવિ સુરેશ દલાલ જબરદસ્ત ડિપ્રેશનમાં સરી પડેલા ત્યારે એક શબ્દ પણ બોલી શકતા નહોતા. એ કપરા સમયમાંથી જે. કૃષ્ણમૂર્તિના એક પુસ્તકે તેમને બહાર કાઢ્યા હતા. દ્વારકાના કવિ જય સુરેશ દાવડાનો શેર જાણે આવી જ કોઈ ઘટના સંદર્ભે લખાયો હોય એવું પ્રતીત થાય છે...

કીધું’તું દાક્તરે કે ખાલી પ્રવાહી લેજો
એના ઇલાજરૂપે બસ પુસ્તકો પીધાં છે

પુસ્તક પાસે હાથ નથી કે એ આપણા ખભા પર મૂકી શકે કે આપણો વાંસો પસવારી શકે, પણ પુસ્તક પાસે હેત જરૂર છે. આ હેત વરસાવવામાં જરાય કચાશ એ રાખતું નથી. કચાશ આપણા ઝીલવામાં છે. ડૂબકી લગાવો તો મોતી મળી શકે એ વાત ખરી હોવા છતાં નજરઅંદાજ કરીએ છીએ. મૃદુલ શુક્લ ‘મન’ ગહનતાની વાત કરે છે...

બે પૂઠાંમાં ભેદ રાખે પુસ્તકો
શબ્દને આ કેદ રાખે પુસ્તકો
મનના જોને મેલ ધોવે પુસ્તકો
પાનાં પર આ વેદ રાખે પુસ્તકો

લાસ્ટ લાઇન
એટલું નક્કી કહું છાનું કશું રાખ્યું નથી
જિંદગી પુસ્તક સમી ખુલ્લી જ રાખી છે અમે
- અતુલ દવે

હું જ પુસ્તક, હું જ પાનું, હું જ મારી વાર્તા
ચોપડી કે ગ્રંથ! એ તો વાંચનારા ધારતા
- ભૂમિ પંડ્યા ભટ્ટ ‘શ્રી’

ડાયરીનું મને એક પાનું મળ્યું
પ્રકરણ જ્યાં પ્રણયની કથાનું મળ્યું
આત્મસંતોષ છે ના કશી રાવ છે
જે મળ્યું, તે બધુંય મજાનું મળ્યું
- ભારતી ગડા

પુસ્તક નથી કે પાનું તમે ફેરવી શકો
આ જિંદગી છે દોસ્ત, અધૂરી મુકાય નહીં
- દીપક ઝાલા ‘અદ્વૈત’

columnists gujarati mid-day hiten anandpara