રામ પથને તમે કેટલો નજીકથી જોયો છે?

05 October, 2022 01:46 PM IST  |  Mumbai | Rashmin Shah

અમીષ ત્રિપાઠીએ ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ શરૂ કરતાં પહેલાં ઑલમોસ્ટ ચાર વર્ષ રિસર્ચ કર્યું અને આ રિસર્ચમાં તેણે એ આખા પથ પર ટ્રાવેલ પણ કર્યું જે રાહ પર ભગવાન રામ વનવાસ દરમ્યાન આગળ વધ્યા હતા

સાયન ઑફ ઇક્ષ્વાકુ

દિવસ વિજયાદશમીનો હોય અને રામની વાત ન થાય એ કેમ ચાલે અને વાત રામની હોય ત્યારે અમીષ ત્રિપાઠીએ ભારોભાર જહેમત ઉઠાવીને લખેલી ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ની વાત કરીએ તો કેમ ચાલે?

રામચંદ્ર સિરીઝની ત્રણ પૈકીની પહેલી બુક એવી ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ માટે અમીષ ત્રિપાઠીએ ચાર વર્ષ રિસર્ચ કર્યું હતું, જેની માટે તેમણે આખા એ પથ પર ટ્રાવેલ કર્યું જે માર્ગે ભગવાન રામ વનવાસ દરમ્યાન આગળ વધ્યા હતા. ૧૪ વર્ષનો વનવાસ મળ્યો એ પછી ભગવાન રામે માતા જાનકી અને લક્ષ્મણ સાથે અયોધ્યા છોડ્યું અને વનવાસનો આરંભ કર્યો, જે છેક લંકાના યુદ્ધ પછી ખતમ થયો અને પુષ્પક વિમાનમાં રામ-સીતા અને લક્ષ્મણ પાછાં અયોધ્યા આવ્યાં. આ આખી જર્નીને અમીષે પોતાના રિસર્ચના માધ્યમથી લખી છે. અમીષ કહે છે, ‘રામચંદ્ર સિરીઝ શરૂ કરી એ પહેલાં નૅચરલી ટેન્શન હતું. મહાદેવની સિરીઝને મળેલો રિસ્પૉન્સ એટલો સરસ હતો કે મારી જવાબદારી પણ વધી ગઈ હતી. એ સિરીઝના કારણે જ મેં રામચંદ્ર સિરીઝ શરૂ કરતાં પહેલાં જ નક્કી કરી લીધું કે હું એ બધી જગ્યાએ જઈશ જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે અને રૂબરૂ જઈને જોઈશ કે એ વાતોમાં તથ્ય કેટલું છે.’

વાત અહીં શંકાની કે અશ્રદ્ધાની નહોતી, પણ પુરાવાના દૃષ્ટિકોણ સાથેની હતી અને અમીષે એ આખા ટ્રૅક પર બેચાર નહીં પણ સેંકડો પુરાવાઓ શોધ્યા જે ભગવાન રામ અને તેમની સાથે જોડાયેલી આખી રામાયણની પુષ્ટિ કરે છે. અમીષે કહે છે, ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ એ તમામ વાત પુરવાર કરે છે કે આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવેલી એક પણ વાત કલ્પના નથી, એ સંપૂર્ણપણે સાચી વાત છે અને એના આધારે જ રામાયણનું સર્જન થયું છે.’ 

વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે પહેલી બુક ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ના નામે રિલીઝ થયા પછી બીજી બુકનું કામ અમીષે કર્યું ત્યારે તેને એ બુક માટે ‘સીતા’ સિવાય બીજું કોઈ ટાઇટલ સૂઝતું નહોતું એટલે તેણે જ્યારે ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ રીપ્રિન્ટમાં ગઈ ત્યારે એનું ટાઇટલ ચેન્જ કરીને ‘રામ’ કર્યું. ત્રણ બુકની આ સિરીઝમાં ત્રીજી બુક ‘રાવણ’ છે.

રામાયણ-રૂટ અને ડિસ્કવરી ચૅનલ |

અમીષ ત્રિપાઠી

 ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ સિરીઝ દરમ્યાન અમીષ ત્રિપાઠીએ જે ટ્રાવેલ કર્યું અને રામાયણમાં જેનો ઉલ્લેખ સ્પષ્ટતા સાથે નથી થયો એ આખો રૂટ શોધ્યો એ રૂટ પરથી તેણે ડિસ્ક્વરી ચૅનલ પર ડૉક્યુમેન્ટ્રી પણ બનાવી, જેમાં ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’માં ઉપયોગી બન્યા હતા એ તમામ ઇતહાવાસવદદ્દનો પણ સમાવેશ કર્યો છે. અયોધ્યાથી કેવી રીતે લંકા સુધીની આખી સફર થઈ હતી અને સફર દરમ્યાન ભગવાનશ્રી રામ ક્યાં-ક્યાં રહ્યા, કેવી રીતે રહ્યા, ક્યાં કઈ ઘટના ઘટી અને એ ઘટના પછી ભગવાનશ્રી રામે કયો રસ્તો વાપર્યો એ વિશે તમામ ડીટેલમાં ચર્ચા આ ડૉક્યુમેન્ટ્રીમાં કરવામાં આવી છે. આ ડૉક્યુમેન્ટ્રી સંપૂર્ણપણે તર્કસંબદ્ધ છે, જે ડગલે ને પગલે એ વાત સમજાવે છે કે રામાયણની આખી વાત કપોળકલ્પિત નહીં પણ સો ટકા સાચી છે. ઈવન અમીષ રામસેતુ સુધી પહોંચ્યો છે અને કેવી રીતે રામસેતુ બન્યો તથા એ રામસેતુના પથ્થરો કેવી રીતે દરિયામાં તરે છે એ વાતને પણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન સાથે સમજાવ્યું છે.

અમીષ જ ‘બ્રહ્માસ્ત્ર’ના મૂળમાં | 

હા, આ હકીકત છે. અમીષ ત્રિપાઠીની ‘મેલુહા’ વાંચ્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક પ્રોડ્યુસરને એ શિવા ટ્રિલજી પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઈ હતી, જેમાં એક કરણ જોહર પણ હતો. કરણ અને અમીષ વચ્ચે આ બુક માટે મીટિંગ પણ થઈ અને વાતચીત ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી પણ ખરી, પણ એ પછી અમીષની જે શરતો હતી એ શરતોમાં તે બાંધછોડ કરવા રાજી નહોતો એટલે કરણ જોહરે વાત પડતી મૂકી અને પોતાની રીતે તેણે આ જ સબ્જેક્ટને આગળ વધારવાનું નક્કી કરી ‘બ્રહ્માસ્ત્ર’ના દરવાજા ખોલ્યા. આજનું આ ‘બ્રહ્માસ્ત્ર’ જોયા પછી જો સૌથી વધારે કોઈ ખુશ હોય તો એ અમીષ ત્રિપાઠી હશે કે તેના સબ્જેક્ટથી દૂર ભાગવામાં કરણ જોહરે પોતાની ફિલ્મની કેવી ખરાબ હાલત કરી.
અમીષની આ રામચંદ્ર સિરીઝના રાઇટ્સ અક્ષયકુમારે માગ્યા છે પણ હજી સુધી એ રાઇટ્સ લૉક નથી થયા એ પણ એટલું જ સાચું છે.

સ્ટોરી શૉર્ટકટ

‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ ધારો કે તમે વાંચવાનું શરૂ કરો તો તમારે એક વાતની તૈયારી રાખવાની છે કે એમાં અનેક એવી વાતો છે જે તમે ક્યારેય નથી સાંભળી. ઉદાહરણ સાથે કહું તો તમને ખબર પણ નહીં હોય કે મંથરાને દીકરી રોશની હતી અને મંથરાને દીકરી સાથે કલેહ હતો. આ અમીષ ત્રિપાઠીની કાલ્પનિક કથા નથી. ઇતિહાસનો આધાર લઈને લખ્યું છે. તમને એ વાંચતી વખતે લાગશે કે અમીષે ઘરની ધોરાજી ચલાવી છે, પણ એવું નથી. જેમ કે રાવણનું ઇન્ટ્રોડક્શન જે રીતે દેખાડ્યું છે એ ખરા અર્થમાં આપણે નથી સાંભળ્યું અને એ જ કારણે લાગે છે કે તેણે કાલ્પનિક કથા ઊભી કરી છે, પણ એવું નથી. તમને આ જ કથામાં મહાભારત અને શિવા ટ્રિલજીનો પણ રેફરન્સ જોવા મળે છે. આ બુક વાંચતી વખતે તમને એ પણ સમજાય છે કે દશરથના વંશજની પણ વાત એમાં કરવામાં આવી છે. આ બુક ત્યાં પૂરી થાય છે જ્યાં સીતાજીનું હરણ થાય છે. સીતાજીના હરણ સાથે આ આખી વાતને રામચંદ્ર સિરીઝની બીજી બુકમાં લઈ જવામાં આવી છે, જેમાં સીતાજીના જન્મથી માંડીને તેમનું હરણ રાવણે શું કામ કર્યું એના પર વાત આવે છે અને અહીંથી ત્રીજી બુક પર વાત આગળ જાય છે.

columnists Rashmin Shah amish tripathi