મૉડલ બનશે મન્ક

11 November, 2022 02:09 PM IST  |  Mumbai | Alpa Nirmal

૨૦ નવેમ્બરે દીક્ષા લેનારા પ્રવીણ કાંકરિયાના પેરન્ટ્સે દીકરાના સંયમ ગ્રહણ કરવાના ભાવ કેટલા મજબૂત છે એ ચકાસવા બે વર્ષ સુધી મહારાજસાહેબને ન મળવાનું, કોઈ પત્રવ્યવહાર કે કોઈ કૉન્ટૅક્ટ ન રાખવાનું કાનૂની ઍગ્રીમેન્ટ કર્યું હતું

પ્રવીણ કાંકરિયા

બે વર્ષના ટેસ્ટિંગ પિરિયડમાં પ્રવીણ ખૂબ હર્યો-ફર્યો, અનેક ફન અને ઍડવેન્ચર ઍક્ટિવિટી, પાર્ટીઓ કરી, પણ મનમાં તો ‌દીક્ષાની વાત મક્કમ જ હતી

જિમ ઍન્થ્યુસિઍસ્ટ, ઇન્ટરનૅશનલ-દેશી ફાસ્ટ મ્યુઝિકનો દીવાનો, બાઇકિંગ, લૉન્ગ ડ્રાઇવ, ટ્રેકિંગ, ડાન્સિંગ, ઍડ્વેન્ચરનો શોખીન, લેટ નાઇટ પાર્ટીનો શોખીન સુપર ફૅશનેબલ પ્રવીણ કાંકરિયાની અત્યાર સુધીની લાઇફ એટલે બિન્દાસ, બેફિકર, જલસાથી ભરેલી લાઇફ. દરેક પળને એન્જૉય કરનારો, દરેક સ્પેશ્યલ ક્ષણની ઇન્સ્ટા રીલ બનાવનારો, ટ્રેન્ડી હેરસ્ટાઇલ અને ડિઝાઈનર કપડાં પહેરનારો, રૅમ્પ-વૉક સહિત ઘણું ફોટોગ્રાફિક મૉડલિંગ કરનારો યુવાન આજથી ૯ દિવસ પછી ચારિત્ર ધર્મ અંગીકાર કરી જૈન સાધુ બનશે. 

અનેક યંગસ્ટર્સની ડ્રીમ સમી હૉટ ઍન્ડ હૅપનિંગ લાઇફસ્ટાઇલ ધરાવતો, ડૅશિંગ પર્સનાલિટી, ફોર-પૅક્સ ઍબ, સક્સેસફુલ ઑન્ટ્રપ્રનર, બહોળું સોશ્યલ સર્કલ ધરાવતો પ્રવીણ આ મજા, મોહ અને માયા છોડી શા માટે ત્યાગના પથ પર જઈ રહ્યો છે? એના જવાબમાં ચેન્નઈના મયલાપોર વિસ્તારમાં રહેતો જૈન મારવાડી સમાજનો પ્રવીણ કહે છે, ‘અત્યાર સુધી જે મોજમજા, જલસા કર્યા એ ભૌતિક હતાં. શરીરને આનંદ આપનારાં હતાં. હવે હું આત્માના આનંદ માટે, ઉન્નતિ માટે, ઇનર હૅપીનેસ માટે સાધુ થવા જઈ રહ્યો છું. શુભ પુણ્યના ઉદયે મને દેવ મળ્યા, ગુરુ અને ધર્મ મળ્યા છે તો હવે એ ચાન્સ ગુમાવવા નથી માગતો. અનેક જન્મો પછી મળેલો મનુષ્ય ભવ  ખરા અર્થમાં સાર્થક કરવા માગું છું.’

બીકૉમ થયેલા પ્રવીણ કાંકરિયાના ઘરમાં પહેલેથી ધાર્મિક વાતાવરણ. બાળપણ અને ટીનેજથી તે ઘરની નજીક આવેલા દેરાસરમાં રોજ ભગવાનની પૂજા કરતો, ધાર્મિક પાઠશાળામાં ભણતો અને મોટા દિવસોમાં વ્યાખ્યાન, પ્રતિક્રમણ, તપસ્યા પણ કરતો. જૈનોનું શ્રદ્ધેય તીર્થ પાલિતાણા તેને બહુ ગમે. ખાસ ત્યાંના આદેશ્વર પ્રભુ પ્રત્યે ખૂબ લગાવ. કૉલેજના સેકન્ડ યરમાં હતો ત્યારે શત્રુંજયની ૯૯ યાત્રા પણ કરનાર પ્રવીણ આગળ કહે છે, ‘આ બધા સાથે પાર્ટીઝ, પિકનિક, આઉટિંગ પણ ચાલતું હતું. કૉલેજ પૂરી થઈ ને મેં મારો ગ્રાફિકલ ગાર્મેન્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો. એ સાથે ફ્રેન્ડ્સ સાથે એક દિવસ ક્લબનો પ્રોગ્રામ બને, બીજા દિવસે લૉન્ગ ડ્રાઇવ, ત્રીજા દિવસે સૅલોં, ચોથા દિવસે ફિલ્મ અને વીક-એન્ડમાં ફરવા ઊપડી જવાનું. યંગ છોકરાની લાઇફ જેવી હોય એવી જ ફાસ્ટ અને ફ્યુરિયસ લાઇફ હતી મારી. કસરત અને મ્યુઝિકનો એટલો જબરો ક્રેઝ કે એવરી ડે જિમિંગ કરવાનું જ સાથે રૉક, હિપ-હોપ, ઇન્ડિયન ફાસ્ટ મ્યુઝિક સતત કાનમાં ચાલુ જ હોય. મેં કાનની બૂટ પર મ્યુઝિકના સિમ્બલનું  ટૅટૂ પણ કરાવ્યું છે. એ જ રીતે નવી હેરસ્ટાઇલ, નવી સ્ટાઇલનાં કપડાં અને ઇન્સ્ટા રીલ બનાવવાનો પણ સૉલિડ ક્રેઝ. જુવાનીના તોરમાં આ બધી મસ્તી કરતો. નાનપણથી ધાર્મિક જ્ઞાન હોવાને કારણે પાપ-પુણ્ય, કર્મના સિદ્ધાંતની થિયરીનો ખ્યાલ હતો એટલે આ ફિઝિકલ ધમાલ વ્યર્થ છે, સુપર ફિશ્યલ છે એ પૂરી જાગૃતિ ખરી; પણ બંદાના કાર્યક્રમોનું લિસ્ટ તૈયાર જ હોય.’

મોજભરેલી આવી જિંદગી ચાલી રહી હતી ત્યાં એક દિવસ પ્રવીણ અને તેનો બાળપણનો મિત્ર; સ્કૂલ-કૉલેજ જેની સાથે કરી હતી, ૯૯ યાત્રા અને પાર્ટીઓ પણ સાથે કરી હતી; તેની સાથે વાતોએ વળગ્યો. વાતો હતી કે તેઓ શું કરી રહ્યા છે? દિવસો કેવા જઈ રહ્યા છે? ૩૨ વર્ષનો પ્રવીણ કહે છે, ‘એ દિવસે મને થયું કે હું મારી લાઇફને વેસ્ટ કરી રહ્યો છું, ખોટા માર્ગે ચડી ગયો છું. મને એટલુંબધું ગિલ્ટ ફીલ થઈ રહ્યું હતું કે એ રાતે હું સૂઈ જ ન શક્યો. બીજા દિવસે જ મેં તેને ફોન કર્યો કે મારે મારા આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે, હું શું કરું? મેં કરેલાં પાપો, ભૂલો, દુષ્કૃત્યોની મને જે આલોચના મળે એ કરવા તૈયાર છું; પણ મને આ પાપોથી મુક્તિ જોઈએ છે. ત્યારે મારા મિત્રએ મને ઉપદ્યાન કરવાનું સજેસ્ટ કર્યું.’ 

૨૦૧૭નું એ વર્ષ, કરીઅરનો પીક ટાઇમ. ૨૭ વર્ષની ઉંમરે પ્રવીણ ધંધામાં વિરામ લઈ ૫૦ દિવસના તપમાં જોડાયો. મમ્મી-પપ્પા તો ખુશ હતાં, કારણ કે ઉપદ્યાન અતિ પવિત્ર તપ છે જે તેમનો જુવાન દીકરો કરવા જઈ રહ્યો હતો.

જોકે એ પછી જીવને જબરદસ્ત વળાંક લઈ લીધો. પોણાબે મહિનાના એ ગાળામાં થયેલા સાક્ષાત્કાર વિશે પ્રવીણ કહે છે, ‘એ દિવસો દરમિયાન તમે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હિંસાથી મુક્ત હો છો અને ફક્ત પોતાનામાં રમમાણ હો છો. જાણે હું હળવો થઈ આસમાનમાં ઊડતો હોઉં. ઉપદ્યાનમાં બહુ બધી ક્રિયાઓ હોય, તપ પણ આકરું હોય છતાં મનમાં ખૂબ પ્રસન્નતા હતી. આખો વખત આનંદની અનુભૂતિ હતી. આ દરમિયાન જે સાધુ ભગવંત હતા તેમને હું સતત મારા મનમાં ઊઠતા પ્રશ્નો પૂછતો, શંકાઓ રજૂ કરતો. એ ગુરુ ભગવંતો મને દરેક વાત, નિયમો, શાંતિથી સમજાવતા અને જેમ-જેમ હું જૈનિઝમમાં ઊંડો ઊતરતો ગયો તેમ-તેમ મન પાકું થતું ગયું કે હવે મને સંસારના કિચડમાં ફરીથી નથી જવું.’

 પરત આવીને પ્રવીણભાઈએ ઘરે ડિક્લેર કરી દીધું કે મારે દીક્ષા લેવી છે. પપ્પા ગુલાબચંદ ભાઈ અને માતા જયશ્રીબહેનને થયું કે પ્રવીણને ટેમ્પરરી ક્રેઝ ચડ્યો છે, જે ધીરે-ધીરે ઓછો થઈ જશે. પણ પ્રવીણની ‘દીક્ષા લેવી છે’ની રટ લાગેલી જ હતી. ઘરવાળાઓ દીક્ષા આપવા તૈયાર નહોતા. સંપન્ન પરિવારનો એકનો એક દીકરો જલસામાં ઊછરેલો, કયાં મમ્મી-પપ્પા પોતાના જિગરના ટુકડાને ત્યાગના એ કઠિન રસ્તે જવાની અનુમતિ આપે? એ દરમિયાન લગ્ન કરવાની ઉંમર પણ હતી. મમ્મી-પપ્પા છોકરીઓ બતાવતા, જોતા. પ્રવીણભાઈ કહે છે, ‘હું છોકરીઓને કહી દેતો, મારે દીક્ષા લેવી છે પણ પરિવારજનો માનતા નથી અને વાત ત્યાં જ સ્ટૉપ થઈ જતી. પેરન્ટ્સને એમ જ હતું કે આને જેમ જાત-જાતના ફિતૂર ઊપડે છે એવું જ આ એક ફિતૂર છે, જે વખત જતાં ઠંડું પડી જશે.’

૨૦૨૦માં તેમના સંઘમાં મુનિ પદ્મસાગર મહારાજસાહેબનું ચોમાસું હતું. તેમનો પરિચય થયો અને પ્રવીણને ગુરુ મળ્યા. પ્રવીણ કહે છે, ‘દીક્ષા લેવી જ છે અને હવે તો ગુરુ પણ મળી ગયા છે એટલે એક વખત તો એવો વિચાર આવ્યો કે ફૅમિલી, પેરન્ટ્સ માનતા નથી તો ભાગીને દીક્ષા લઈ લઉં. પરંતુ પછી મા-બાપને બહુ દુઃખ થશે એનું શું? મારી આ અવઢવ મેં મારા કઝિન બ્રધરને કહી. તેમણે મારા પિતાજીને સમજાવ્યા અને નક્કી થયું કે મારે બે વર્ષ સુધી કોઈ સાધુ મહારાજનો કોઈ પણ માધ્યમે કૉન્ટૅક્ટ રાખવો નહીં, મળવા જવું નહીં. પત્ર કે ફોન કે સંદેશા કશું જ નહીં. એ પછી પણ જો મારામાં દીક્ષાના ભાવ ટકી રહેશે તો પેરન્ટ્સ મને એ માર્ગે આગળ જવાની અનુમતિ આપશે. બાકાયદા આવું ઍગ્રીમેન્ટ થયું. ઍક્ચ્યુઅલી એ મારો ટેસ્ટિંગ પિરિયડ હતો. મારા ડિસિઝન પ્રત્યે, મારા ધ્યેય માટે હું કેટલો ડેડિકેટેડ છું એની પણ કસોટી હતી. સાથે જ પપ્પાને પણ મારા મનોબળની ખાતરી કરવી હતી.’ 

આ ગાળામાં પ્રવીણ ખૂબ હર્યો-ફર્યો, અનેક ઍડ્વેન્ચર ઍક્ટિવિટી, ફન ઍક્ટિવિટી, પાર્ટીઓ કરી. પરિવારે તેને કામકાજ અર્થે લાંબા સમયગાળા માટે જયપુર મોકલ્યો. પરિવારને એમ હતું કે માહોલ બદલાશે. દેશ-વિદેશ ફરશે તો પ્રવીણનો માઇન્ડસેટ પણ બદલાશે. પણ પ્રવીણની મક્કમતા વધુ ને વધુ સ્ટ્રૉન્ગ થઈ રહી હતી. પ્રવીણ કહે છે, ‘કોઈ પણ આકર્ષણો મને લોભાવી શક્યાં નહીં. મારી મંઝિલ સેટ હતી અને મને ત્યાં પહોંચવું જ હતું. એટલે ફુલ ટુ એન્જૉય કરતો હોઉં છતાં સતત એક અવેરનેસ હતી કે આ દુન્યવી છે, મારે અહીં રહેવું નથી.’ 
વેલ, આખરે માતા-પિતા માની ગયાં અને બે વર્ષ પૂરાં થાય એ પહેલાં જ પ્રવીણને દીક્ષા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું. પ્રવીણ કહે છે, ‘મારી નાની સિસ્ટર વર્ષાએ પેરન્ટ્સને બહુ કન્વિન્સ કર્યા. એ નાની હોવા છતાં હંમેશાં મારા માટે બૅક બોન રહી છે. પ્રવીણકુમારની દીક્ષા ૨૦ નવેમ્બરે બૅન્ગલોરના સુશીલધામમાં થશે અને તે બુદ્ધિસાગરસુરિ મ.સા.ના સમુદાયના પૂજ્ય અરવિંદસાગરસુરિ મ.સા.ના પ્રશિષ્ય મુનિ પદ્મસાગર મહારાજ સાહેબનો શિષ્ય થશે.

યુ ઓન્લી લિવ વન્સ - ‘YOLO’

દીક્ષાનું મુરત નીકળ્યા પછી ભારતનાં ૧૦ શહેરોમાં અને દુબઈ-બાહરિનમાં જૈન યુથને પોતાની સ્ટોરી, લાઇફ એક્સ્પીરિયન્સનો પરિચય આપવા જનારો પ્રવીણ કહે છે, ‘આજનો બુદ્ધિશાળી યુવાન ભોળો અને ભદ્રિક છે. જો તેને સાચો માર્ગ બતાવનાર મળે તો તે પણ ભટકવાથી બચે. જો મારામાં પરિવર્તન આવે તો તેમનામાં કેમ નહીં? હું રેકમન્ડ કરું છું કે તમારા જીવનનું ધ્યેય શું છે એ જાણવા જૈનિઝમનો અભ્યાસ કરો. જીવવિચાર, નવતત્ત્વ, વૈરાગ્યશતક, જૈન સાગા જેવાં પુસ્તકોનું વાંચન કરો. દરરોજ પોતાની જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરો. આજે મેં શું કર્યું? ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ કેટલી વખત કર્યા? જેટલું રિયલાઇઝેશન કરતા રહેશો એટલી ઇન્ટરનલ પીસ વધતી જશે. ઇનર હૅપીનેસનો ઇન્ડેક્સ ઊંચો ચડતો જશે. જો તમે ‘યોલો’ યુ ઓન્લી લિવ વન્સ’ને ફૉલો કરી શરીર અને મનને મજા કરાવતા દુનિયાના બધા જલસા કરવા માગો છો તો આત્માને મોજ કરાવતો આ જલસો કેમ ટ્રાય નથી કરતા? આખરે યુ ઓન્લી લિવ વન્સ.’

કોઈ પણ આકર્ષણો મને લોભાવી શક્યાં નહીં. મારી મંઝિલ સેટ હતી અને મને ત્યાં પહોંચવું જ હતું. એટલે ફુલ ટુ એન્જૉય કરતો હોઉં છતાં સતત અવેરનેસ હતી કે આ દુન્યવી છે, મારે અહીં રહેવું નથી  : પ્રવીણ કાંકરિયા 

columnists alpa nirmal