નવરાત્રિના નૈવેદમાં તમે શું બનાવો છો?

01 October, 2019 05:43 PM IST  |  મુંબઈ | અલ્પા નિર્મલ

નવરાત્રિના નૈવેદમાં તમે શું બનાવો છો?

નૈવેધ

કોઈ કુળદેવી ફક્ત લાપસી અને શ્રીફળથી રીઝી જાય તો કોઈ કુળદેવીને નવવાની નૈવેદ ચડાવાય. કોઈને ત્યાં દીકરાનાં લગ્ન થાય ત્યારે જ ઘરમાં કુળદેવી પધરાવી શકાય તો કોઈનાં માતાજીનાં નૈવેદ સોળ શણગાર સજીને જ બનાવાય. જમાનો ભલે રોબોનો આવ્યો, પરંતુ આજે પણ દરેક કુટુંબોમાં કુળદેવીનાં નૈવેદ સંપૂર્ણ પારંપરિક રીતે અને અતૂટ શ્રદ્ધાથી થાય છે

નવરાત્રિમાં જગજનની અંબા ભવાનીનાં નવ સ્વરૂપોની આરાધના સાથે દરેક કુટુંબોમાં કુળદેવીની પૂજા-અર્ચના ખૂબ શ્રદ્ધા સાથે થાય છે. કુળદેવી કુળ-પરિવારની રક્ષણકર્તા કહેવાય છે. નોરતાના ૯ દિવસમાંથી એક ખાસ દિવસે વિશિષ્ટ પ્રકારથી તેમની પૂજા થાય છે અને પરાપૂર્વથી ચાલી આવતી ટ્રેડિશનલ રીતે તેમનાં નૈવેદ બનાવાય છે. દરેક પરિવારનાં કુળદેવી અલગ હોય છે એ પ્રમાણે દરેકનાં નૈવેદ પણ ભિન્ન હોય છે. આજે જાણીએ વિવિધ જ્ઞાતિઓમાં થતાં કુળદેવીનાં નૈવેદનાં વૈવિધ્ય વિશે.

રતન ખાઓ તો રતન જેવા દીકરા થાય
શ્રીમાળી સોની વૈષ્ણવ વાણિયા જ્ઞાતિનાં વિદ્યાબહેન સોનીનાં કુળદેવી વાઘેશ્વરી માતા છે, જેમનું મૂળ સ્થાનક વઢવાણમાં છે. સેન્ટ્રલ માટુંગામાં રહેતાં ૭૯ વર્ષનાં વિદ્યાબહેન સોની કહે છે,  ‘અમારે આસો સુદ નોમ અને કાળી ચૌદશના દિવસે કુળદેવીનાં નૈવેદ કરવાનાં હોય છે. એમાં કુલ ૯ સામગ્રી બને; ખીર, લાપસી, પોળી (બે પડની રોટલી), અડદની દાળ અને જુવારનાં વડાં, તલવટ, ખીચડી, દીવડા, રતન અને બદામ. દીવડા, રતન અને બદામ એ ઘઉંના લોટમાંથી  બનાવવાનાં અને પછી ઘીમાં તળવાનાં. આ બધી વસ્તુઓ એ જ દિવસે બનાવવાની. નૈવેદ તૈયાર થઈ જાય એટલે માતાજી સમક્ષ લોટમાંથી બનાવેલા દીવડા, રતન (ચાર ખૂણાવાળો ચોરસ દીવો)માં દીવા પ્રગટ કરવા, પછી સ્તુતિ, ગરબા, આરતી ગાઈને નૈવેદ ઝારવાનાં. નૈવેદ ઝારવાની વિધિ ઘરના પુરુષો જ કરી શકે. એ થઈ ગયા પછી નૈવેદમાં બનાવેલી બધી વસ્તુઓ પ્રસાદરૂપે અમારે ગ્રહણ કરવાની.  થોડાં વર્ષો પૂર્વે સુધી તો આ દરેક વાનગીઓ ચોક્કસ પ્રમાણમાં કરવી પડતી, પરંતુ હવે અમે જેટલી ખવાય એટલા પ્રમાણમાં જ બનાવીએ છીએ છતાં એ વધી જાય તો ગાયને ખવડાવી દઈએ. પહેલાં તો લોટમાંથી બનાવેલા દીવડા અને રતનમાં દીવા પ્રગટાવ્યા હોય એ પણ બધા ખાતા. એમાંય રતન ખાસ ઘરની વહુઓને ખાવા અપાતા અને સાથે વડીલો કહેતા રતન ખાઓ એટલે તમને રતન જેવા દીકરા થાય.’

સોળે શણગાર સજીને જ નૈવેદ થાય
ઘાટકોપરમાં રહેતી મૂળ સુરતના દેરાવાસી જૈન જ્ઞાતિની ભાવના શાહનાં કુળદેવી પદ્‍માવતી માતા  માટે નૈવેદમાં બહુ આઇટમ નથી બનાવવાની હોતી, પણ તેમને વર્ષમાં ચાર વખત નૈવેદ  ધરવાનાં હોય છે. ભાવનાબહેન કહે છે, ‘અમારે ચૈત્ર સુદ આઠમ, રક્ષાબંધન, આસો સુદ નોમ અને દિવાળીના દિવસે માતાજીની ગોત્રજ કરવાની હોય. એમાં દરેક વખતે અલગ-અલગ વસ્તુનાં નૈવેદ હોય. આસો નવરાત્રિમાં અમારે લાપસી અને ચણા બનાવવાનાં તેમ જ શ્રીફળ ધરાવવાનું હોય. અમારાં માતાજીના નૈવેદમાં વાનગીઓ કરતાં નિયમો વધુ મહત્ત્વના છે. સવારે માથાબોળ નાહીને જ રસોડામાં જવાય. નૈવેદ તૈયાર થઈ જાય એટલે સારું ચોઘડિયું જોઈને અમે ફિક્સ સાઇઝનો  અખંડ પાટલો પાથરીએ. એના પર સ્વસ્તિક કરવાનું, પછી એના પર કપડું પાથરવાનું. એની ઉપર સાથિયો કર્યા બાદ સાથિયાની વચ્ચે તાંબાનો સિક્કો અને સોપારી પધરાવવાનાં. આ થઈ માતાજીની સ્થાપના. અમારાં કુળદેવીનું કોઈ સ્થાનક નથી, પણ ‍ઘરમાં વર્ષના દરેક નૈવેદમાં  માતાજીનું આ રીતે સ્થાપન થાય. આ બધી વિધિ શરૂ કરો ત્યારથી દીવો પ્રગટાવવાનો હોય અને દીવો પ્રગટાવીએ એ પહેલાં ઘરની વહુઓએ સોળે શણગાર સહિત જરીવાળી સાડી પહેરવાની અને માથે ઓઢવાનું. માથે ઓઢેલું જરાય ઊતરવું ન જોઈએ એ જ રીતે પુરુષોએ પણ કમ્પલ્સરી લેંઘો-ઝભ્ભો અને માથે ગાંધીટોપી પહેરવાની જ. સૌપ્રથમ ઘરના વડીલ પુરુષ નૈવેદ ઝારે ત્યાર બાદ ક્રમવાઇઝ દરેક પુરુષો એ વિધિ કરે. પુરુષો બાદ એ જ રીતે વડીલ સ્ત્રી અને બાકીની સ્ત્રીઓ પણ નૈવેદ ઝારે. આ વિધિ બાદ દરેકે એકબીજાને પ્રસાદ ખવડાવવાનો. જ્યાં સુધી દીવો ચાલુ હોય ત્યાં સુધી અમારે ઊંચા આસન પર પણ ન બેસાય. હા, દરેક કુટુંબીજનો પોતપોતાના ઘરે આ રીતે બધાં નૈવેદ કરી શકે ખરા.’

લાપસી, ખીર અને જુવારનાં વડાં
કપોળ જ્ઞાતિનાં માટુંગા-સેન્ટ્રલમાં રહેતાં નીતાબહેન મહેતાના કુટુંબમાં ઘરમાં દીકરો પરણે એ પછી જ માતાજીની સ્થાપના થાય એવો રિવાજ છે અને જ્યાં માતાજી હોય ત્યાં જ નૈવેદ થાય. રાજુલા પાસે આવેલા દેડાણનાં વતની નીતાબહેનનાં કુળદેવી શંખેશ્વરી માતા છે. નીતાબહેન કહે છે, ‘અમારે નવરાત્રિમાં નવવાની નૈવેદ થાય. પડ, પૂરી, લાપસી, ખીર, જુવારનાં વડાં, જુવારના ખારા  પૂડલા, ઘઉંના ગળ્યા પૂડલા, ઘઉંના લોટમાંથી બનેલાં શંખલા અને દીવડા એમ ૯ વાની બને. ‍અમારે માતાજીની કોઈ મૂર્તિ કે છબિ નથી. શ્રીફળ એટલે અમારાં કુળદેવી. આ શ્રીફળનું સ્થાપન ઘરમાં લગ્ન વખતે જ થાય અને સીમંત વખતે જ એ શ્રીફળ બદલાય. બાકી દસકાના દસકા એ જ શ્રીફળ રહે. શ્રીફળ સમક્ષ અમે ૯ ઢગલી રૂપે નૈવેદનો ભોગ ચડાવીએ, જળથી
ધારાવાળી કરીએ, દીવો પ્રગટાવીએ. ત્યાર બાદ અમે ઘરના સૌ પ્રસાદ લઈએ.’

લાપસી, ચોખા અને ખીચડો
ભીનમાલ રાજસ્થાનમાં બિરાજમાન વીજળદેવી માતાને કુળદેવી માનતી ધાનેરા વીસા શ્રીમાળી દેરાવાસી જ્ઞાતિની નિશા સવાણીના ઘરે દશેરા અને ચૈત્ર સુદ દસમ એમ બે વખત કુળદેવીનાં નૈવેદ થાય. કાંદિવલીમાં રહેતી નિશા સવાણી કહે છે, ‘અમારે સવા પાલી ઘીની લાપસી, સવા પાલી ચોખા અને ફોતરાવાળી દાળનો ખીચડો તેમ જ ચોળાની દાળનાં વડાંનાં નૈવેદ થાય. જો કોઈ કારણસર ચૈત્ર મહિનામાં નૈવેદ ન થયાં તો આસો મહિનામાં બધી સામગ્રી ડબલ માપથી લેવાની. હા, આસો મહિનાનાં નૈવેદ તો નહીં જ ચૂકવાનાં. વિધિમાં સૌપ્રથમ પાટલા પર લાલ કપડું પાથરીને માતાજીની છબિ પધરાવી પાંચવાટનો દીવો કરીએ અને તેમની સમક્ષ શ્રીફળ રમતું મૂકીએ. પછી આરતી કરીને ભોગ ધરાવીએ. અમારા નૈવેદનો પ્રસાદ અમારા સવાણી કુટુંબીજનો  અને પરણેલી દીકરીઓ જ ખાઈ શકે, અન્ય કોઈ સગાંસંબંધી નહીં. જો પ્રસાદ વધે તો ગાયને ખવડાવી દઈએ અને શ્રીફળ જળમાં પધરાવી દઈએ.’

સવાશેર સુખડી ને સવાશેર મીઠા ભાત
મૂળ તેલીવાડાનિવાસી અને મુંબઈમાં લાલબાગ રહેતાં લલિતા પંચાલનાં કુળદેવી બ્રહ્માણી મા છે.  લલિતાબહેન કહે છે, ‘આમ તો અમારાં માતાજીનું મૂળ સ્થાનક ગુજરાતમાં સિદ્ધપુર પાસે ચાંગા ગામમાં છે, પરંતુ અમારાં કુળદેવીનાં નૈવેદ અમારા વતન તેલીવાડામાં જ થાય. કુટુંબમાંથી અમે નવરાત્રિના ૯ દિવસ ગામમાં જ રહીએ, ઉપવાસ કરીએ અને ઘરમાં અખંડ દીવો રાખીએ. આસો સુદ આઠમના દિવસે અમારે નૈવેદમાં સવાશેર સુખડી અને સવાશેર મીઠા ભાત થાય. બ્રહ્માણી માનો ફોટો, એની સામે અખંડ દીવા પાસે ધૂપ કરી, નાળિયેર વધેરી, નૈવેદનો ભોગ ધરાવીએ અને પછી અમે કુટુંબીજનો જ એ પ્રસાદ ખાઈએ. અમારે નૈવેદ ઘરની બહાર કઢાય જ નહીં. અરે મીઠા ભાત માટે જે ચોખા ધોઈએ એ પાણી પણ ઘરના કમ્પાઉન્ડની બહાર જવું ન જોઈએ. ધારો કે નૈવેદ વધ્યાં તો ગાયને કમ્પાઉન્ડમાં અંદર બોલાવીને એ જ દિવસે ખવડાવી દઈએ. નૈવેદ બનાવતી વખતે કોઈ બહારનાનો ઓછાયો પણ ન પડવો જોઈએ. પરણેલી દીકરીને પણ પ્રસાદ ન અપાય.’
આટલા  સખત નિયમ પાળવાની બાબતે લલિતાબહેન કહે છે, ‘આખું વર્ષ  આપણાં કુળદેવી આપણી રક્ષા કરતાં હોય તો આપણે આટલા નિયમો પણ ન  પાળી શકીએ?’

૨૭ પૂરી, ૮ ગોળ અને ૧ ચોરસ દીવો
કચ્છી લોહાણા જ્ઞાતિમાં નૈવેદની વિધિ‍ને અઠ્ઠાઈ પૂજી કહે. મુલુંડમાં રહેતાં વિમળાબહેન કતીરા ૫૩ વર્ષથી તેમનાં કુળદેવી આશાપુરા માનાં નૈવેદ કરે છે. મૂળ કોટડી મહાદેવપુરીનાં વતની વિમળાબહેન કહે છે, ‘અમારે ફક્ત આસો મહિનાની સુદ આઠમે ‍જ કુળદેવીમાની અઠ્ઠાઈ પૂજાય.  એમાં ઘઉંના લોટમાંથી ૨૭ ‍પૂરી, ૮ ગોળ દીવા અને એક ચોરસ દીવો બનાવવાનો.  એ દરેકને ઘીમાં તળવાનાં. સવા વાટકા જેટલા લોટનો શીરો બનાવવાનો. આઠમના દિવસે સવારે એક થાળીમાં નવ-નવ પૂરીની ત્રણ થપ્પી ગોઠવવાની. એના પર શીરો મૂકવાનો. આજુબાજુ આઠ ગોળ દીવડા અને વચ્ચે ચોરસ દીવો મૂકી બધા દીવા પ્રગટાવી માતાજીની છબિ તેમ જ ગરબા સમક્ષ એ થાળીથી આરતી ઉતારવાની.  આ દીવડા, થોડો શીરો અને બે પૂરી ગાયને ખવડાવવાની અને બાકીનો પ્રસાદ આપણે લેવાનો. આ નૈવેદ સેમ દિવસે પૂર્ણ કરવાનો. બીજા દિવસે ન રાખી શકાય.’

અમે માતાજીનાં નૈવેદ નહીં, આસો સુદ નોમના અન્નકૂટ કરીએ
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી જ્ઞાતિના મુકેશ પંડ્યાનાં કુળદેવી મા બહુચરાજી છે, પરંતુ તેઓને અંબા માતામાં એવી અસીમ શ્રદ્ધા છે કે છેલ્લાં ૩૫ વર્ષથી આસો સુદ નોમે તેઓ અંબા મા તથા કુળદેવી માને અન્નકૂટ જેવો ભોગ ધરે છે. શરબતથી લઈને જાતજાતના મુખવાસ, મીઠાઈ, ફરસાણ, વિવિધ પ્રકારના રાંધેલાં શાક, પાંચથી છ વરાઇટીના ભાત, પૂરી, રોટલી, સૂકા નાસ્તા, દરેક પ્રકારનાં ફ્રૂટ, સૂકા મેવા વગેરેની ૧૦૦થી ૧૨૫ આઇટમ માતાજીને અર્પણ કરાય છે. ૪૦ વર્ષથી નવરાત્રિના ઉપવાસ કરતા મુકેશભાઈ કહે છે, ‘આપણે આખા વર્ષમાં જે-જે વાનગીઓ વગેરે ખાઈએ એ દરેક વસ્તુ માતાજીને ધરાવીએ છીએ. આની પાછળનો ભાવ એવો છે કે માતાજીને જે ધરાવીએ છીએ એ દરેક ખોરાક પ્રસાદ થઈ જાય.’
મુકેશભાઈનાં પત્ની મીતાબહેન પણ નવરાત્રિના ઉપવાસ કરે છે અને મોટા ભાગની ભોગની વસ્તુઓ ઘરે જ બનાવે છે.

columnists Gujarati food