ટીઆરપી સ્કૅમ સાથે સંકળાયેલા સૌકોઈ સામે શિક્ષાત્મક પગલાં

20 October, 2020 03:47 PM IST  |  Mumbai | Manoj Joshi

ટીઆરપી સ્કૅમ સાથે સંકળાયેલા સૌકોઈ સામે શિક્ષાત્મક પગલાં

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ દેશની ન્યુઝ-ચૅનલની ટીઆરપી માટે થયેલા સ્કૅમની અને આ વાતમાં એક મુદ્દો બહુ અસરકારક રીતે સ્પષ્ટ છે કે એમાં શિક્ષાત્મક પગલાં લેવાય એ બહુ આવશ્યક છે. કેટલીક વખતે કોને સજા આપવામાં આવે છે અને કોણ ભૂલ બદલ શિક્ષા પામે છે એની બહુ મોટી અસર થતી હોય છે. શાળાના સમયમાં તમે જોયું હશે કે હોશિયાર વિદ્યાર્થીને પણ અમુક વખત સજા કરવામાં આવતી, જેની અસર એ પડતી કે કોઈ એવું ધારતું નહીં કે પોતે હોશિયાર હશે તો તેને માફ કરવામાં આવશે.
ટીઆરપી-કાંડ પણ એ જ પ્રકારનો કાંડ છે જેમાં શિક્ષાત્મક પગલાંની આવશ્યકતા રહેલી છે. પહેલી શિક્ષા આવી ગઈ છે જે અત્યારે બધી જ ન્યુઝ-ચૅનલને લાગુ પડે છે. ત્રણ મહિના સુધી એક પણ ન્યુઝ-ચૅનલની ટીઆરપી જાહેર કરવામાં નહીં આવે. તમે ગમે એટલું જોર કરી લો, ગમે એટલી તાકાત વાપરી લો અને ચૅનલને સર્વોચ્ચ સ્થાને બેસાડી દો તો પણ એની ટીઆરપી જાહેર નહીં થાય એટલે આ સમય દરમ્યાન મહેનત પણ કરવાની છે અને આ મહેનત પછી તમને માર્ક્સ પણ નથી મળવાના. હવે એવો દોર શરૂ થવાનો છે કે બે-ચાર લોકો પોતાની જાતને નંબર-વનના લિસ્ટ પર મૂકશે અને એવો દાવો કરશે કે આ સમયમાં તો અમે જ નંબર-વન છીએ.
નંબર-વનની આ જે રેસ હતી એમાં બન્યું છે પેલી કહેવત જેવું. ‘પાડાના વાંકે પખાલીને પણ ડામ.’ નૅશનલ ન્યુઝ-ચૅનલની આ લડાઈ હતી, એ લડાઈમાં અત્યારે રીજનલ ચૅનલને પણ હવે ટીઆરપી નથી મળવાની, જેને લીધે બનવાનું છે એવું કે એ લોકોએ પણ હવે કોઈ એવો દાવો નથી કરવાનો કે રીજનલ લેવલ પર અમે નંબર-વન છીએ. કાં તો દાવો નથી કરવાનો અને કાં તો સૌકોઈએ સાથે મળીને દાવો કરવાનો છે કે અમે બધા નંબર-વન છીએ.
નંબર-વનની આ જે રેસ છે એ રેસ હકીકતમાં તો ઍડ રેવન્યુ માટેની રેસ છે. નંબર-વનની આ જે રેસ છે એ રેસ હકીકતમાં તો અહમ્ સંતોષવાની રેસ છે અને આ અહમ્ સંતોષવાની રેસમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે જેમાં અહમ્ વધારે બળવત્તર બનશે અને એ બળવત્તર બનેલા અહમમાં પૈસા અને પાવરનું કેરોસીન પડશે, જે આગને ભડકાવશે. શિક્ષા થવી જોઈએ, સૌકોઈ દોષીને શિક્ષા થવી જોઈએ. ભલે નાની માછલી તો નાની માછલી, પણ એ હાથમાં આવવી જોઈએ, જેથી સત્તાના મદમસ્ત માહોલમાં જીવનારા આ સૌ શક્તિશાળીઓને પણ ખબર પડે કે તેઓ જેકોઈ છેતરપિંડી કરે છે એ અવામ સાથે કરે છે, જનતા સાથે કરે છે અને જનતાને આવી છેતરપિંડી કોઈ કાળે નહીં ચાલે. સાહેબ, જનતા માય-બાપ છે. માવતર છે જનતા. તેની સાથે આવી રમત શી રીતે થઈ શકે અને થવી પણ શું કામ જોઈએ! આંખ બંધ કરીને વિશ્વાસ કરનારા ઑડિયન્સની બંધ આંખોને જોઈને વિશ્વાસઘાત કરવાની ભૂલ કોઈએ કરવી ન જોઈએ અને ધારો કે એ ભૂલ થઈ છે તો વિશ્વાસઘાત બદલ શિક્ષા પણ મળવી જ જોઈએ.જરૂરી છે, અનિવાર્ય છે અને આવશ્યક પણ છે.

manoj joshi columnists