ઔર જીને કો ક્યા ચાહિએ

21 August, 2022 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ વર્ષની ઉંમરે પહેલાં સફળ કરીઅર મળી જાય, પોતાની ફિલ્મ-કંપની હોય, બીજો ફૅશન-બિઝનેસ લાઇન-અપ થયેલો હોય, લગ્ન થઈ જાય અને બાળક આવવામાં હોય... આટલી સંતુષ્ટ જિંદગી આલિયા ભટ્ટ પાસે છે ત્યારે તેણે ‘મિડ-ડે’ના મયંક શેખર સાથે કરેલી એક્સક્લુઝિવ દિલખોલ વાતોના અંશ

ઔર જીને કો ક્યા ચાહિએ

૩૦ વર્ષની ઉંમરે પહેલાં સફળ કરીઅર મળી જાય, પોતાની ફિલ્મ-કંપની હોય, બીજો ફૅશન-બિઝનેસ લાઇન-અપ થયેલો હોય, લગ્ન થઈ જાય અને બાળક આવવામાં હોય... આટલી સંતુષ્ટ જિંદગી આલિયા ભટ્ટ પાસે છે ત્યારે તેણે ‘મિડ-ડે’ના મયંક શેખર સાથે કરેલી એક્સક્લુઝિવ દિલખોલ વાતોના અંશ

પંકજ ત્રિપાઠી ઓટીટીનો સ્ટાર બન્યો એ પહેલાં તેણે રિયલ લાઇફમાં આલિયા ભટ્ટના એક ખાસ ટ્યુટર તરીકેની ભૂમિકા ભજવી હતી, એક મહિના સુધી. ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની કુમારી પિન્કીની ભૂમિકા માટે આલિયા ત્યારે તૈયારી કરી રહી હતી. ખૂબ જ શોષણ તથા અન્યાય સહન કરી ચૂકેલી એક ગરીબ યુવતીના પાત્રને સમજવા માટે આલિયા દરરોજ પંકજ ત્રિપાઠી પાસે બૉડી-લૅન્ગ્વેજ સમજતી હતી તથા ઝારખંડની સ્થાનિક બોલી શીખવાના પાઠ ભણતી હતી. આલિયા કહે છે, ‘એ શીખવામાં હું એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે આસપાસની દુનિયાને એટલા સમય માટે લગભગ ભૂલી જ ગઈ હતી. મોબાઇલ બાજુ પર, ટીવી તથા મનોરંજનનાં અન્ય સાધનોને તિલાંજલિ અને ફક્ત પોતાના પાત્રમાં જ ડૂબેલા રહેવું.’ આમ કરવાનું કારણ જણાવતાં આલિયા કહે છે કે હું મારી જાત સમક્ષ એ પુરવાર કરવા માગતી હતી કે એક ઍક્ટર તરીકે હું કાચિંડા જેવી છું જે પાત્રની જરૂરિયાત અનુસાર સતત બદલાઈ શકે છે. 
હકીકતમાં આ રોલ માટે શરૂઆતમાં તેને પસંદ કરવામાં નહોતી આવી. એ સમયે શાહિદ કપૂર સાથે આલિયા ફિલ્મ ‘શાનદાર’ (૨૦૧૫) કરી રહી હતી અને એના થકી આ ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે તેને જાણકારી મળી હતી. રોલ તેને ગમી ગયો એટલે તે ડિરેક્ટર અભિષેક ચૌબેની પાસે પહોંચી ગઈ અને રોલની માગણી કરી. પ્રારંભિક ટેસ્ટમાં આલિયા આ ભૂમિકામાં ફિટ ન બેઠી, છતાં તે પાછળ પડી ગઈ અને છેવટે રોલ મેળવીને જંપી. 
આલિયા કહે છે, ‘આ ફિલ્મ કર્યા પછી અંદરથી મને એવું લાગ્યું કે આવી ભૂમિકા હવે હું ક્યારેય નહીં કરું, કારણ કે વીસ દિવસના શૂટિંગમાં તો હું સાવ શોષાઈ ગઈ હતી. જો શૂટિંગ ૬૦ દિવસ ચાલ્યું હોત તો શું થયું હોત એની કલ્પના પણ હું નથી કરી શકતી.’
એવું નથી કે આલિયાએ પોતાની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ પછી કોઈ અલગ-અલગ પ્રકારના રોલ નથી કર્યા. ‘હાઇવે’ની વીરા ત્રિપાઠીનો રોલ પણ તેણે આ જ રીતે ઇમ્તિયાઝ અલીની પાછળ પડીને મેળવ્યો હતો. ગમતી ભૂમિકાઓ માટે પાછળ પડી જવું એ આલિયાની વિશેષ આવડત છે. સારી ભૂમિકાઓ મેળવવા માટે પોતે પૈસા ચૂકવતી હોવાની વાતને નકારી કાઢતાં તે કહે છે, ‘કામ માટેની નિષ્ઠા જ સૌથી વધુ ઉપયોગી નીવડે છે. કઠોર પરિશ્રમ સૌથી વધુ મહત્ત્વનો છે. ટૅલન્ટનો ક્રમ ત્યાર પછી આવે છે.’ જોકે તે કબૂલે છે કે આખરે તો ફિલ્મની સફળતા જ સૌથી વધુ મહત્ત્વની પુરવાર થાય છે. છેલ્લા એક દાયકાની ગણતરી કરો તો આલિયાની ફક્ત બે ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખાસ નથી ચાલી - ‘શાનદાર’ અને ‘કલંક’. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ કોવિડની સમસ્યા પછી થિયેટરમાં રિલીઝ થયેલી એકમાત્ર સફળ ફિલ્મ હતી. આલિયાએ આ ઉપરાંત રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં સારીએવી ભૂમિકા ભજવી છે અને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ પણ લોકોને ગમી છે. 
૧૯૯૯માં રિલીઝ થયેલી પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સંઘર્ષ’માં પ્રીતિ ઝિન્ટાના બાળઅવતાર તરીકે આલિયાએ ફિલ્મ-કરીઅરની શરૂઆત કરી. ત્યારે તેની ઉંમર છ વર્ષની હતી. એ ફિલ્મને પગલે ઘણી ઑફરો આવવા લાગી, પરંતુ માતા સોની રાઝદાન એ બાબતે મક્કમ હતી કે આલિયાને તેઓ એક બાળકલાકાર તો બનાવવા નથી જ માંગતા. તેમણે કહ્યું કે એના કરતાં ભલે આલિયા ભણતર પૂરું કરે અને નૉર્મલ લાઇફ જીવે.
એક ઍક્ટર તરીકે આલિયાએ જે અલગ-અલગ ભૂમિકાઓ નિભાવી છે એ તેની ઍક્ટિંગની ગહનતા દર્શાવે છે. આમ તો તેનો ઉછેર જુહુમાં થયો અને એની આસપાસના વિસ્તારથી બહારનો તેને ખાસ કોઈ અનુભવ નથી. આમ છતાં તેણે વિવિધ ભૂમિકાઓ કુશળતાપૂર્વક નિભાવી છે. જેમ કે ફિલ્મ ‘રાઝી’ની કાશ્મીરી જાસૂસ, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ની ક્યુટ છોકરી વગેરે. જોકે આલિયાને લાગે છે કે પોતાની રિયલ લાઇફની નજીકની કોઈ ભૂમિકા તેણે ભજવી હતી તો એ હતી ‘ડિયર ઝિંદગી’. 
ફિલ્મ-કરીઅરને કારણે શું તે અંગત જિંદગી માણવાનું ચૂકી ગઈ છે? આ પ્રશ્નના ઉત્તરમાં આલિયા બહુ ગંભીરતાપૂર્વક કહે છે, ‘હું નમ્રપણે એવું માનું છું કે મારે મારા ભાગનાં કામ કરવાનાં છે અને એ સારી રીતે કરવાનાં છે. વીસથી ત્રીસ વર્ષની ઉંમરમાં જે મોજમજા સામાન્ય યુવાનો કરતા હોય છે એ મેં કરી નથી. હકીકતમાં મને થોડા સમય પહેલાં જ વિચાર આવ્યો કે હું જ્યાં ભણી હતી એ જમનાબાઈ સ્કૂલમાં મારે નવ ફ્રેન્ડ્સ હતા અને આજે પણ એટલા જ છે. આ દોસ્તી ટકી રહી એનું કારણ પણ આ ફ્રેન્ડ્સની સમજણ જ છે, કારણ કે તેઓ સમજતા હતા કે હું એક ધ્યેયની પાછળ પડી છું અને તેમણે મને દરેક રીતે સહકાર આપ્યો.’
એક સામાન્ય માણસ નોકરી કે ધંધામાં લગભગ આખી જિંદગી વિતાવી દે છે અને જ્યારે તેની પાસે પૂરતા પૈસા ભેગા થાય ત્યારે એ માણવા માટે તેની પાસે જુવાની અને એનર્જી નથી હોતી. ફિલ્મ કે સ્પોર્ટ્સમાં નાની ઉંમરે સફળતા મેળવનારાની જિંદગીમાં આનાથી ઊલટું બને છે. નાની જ ઉંમરમાં ખૂબ પૈસા કમાઈ લીધા પછી શું કરવાનું? 
આલિયાએ પોતાની કમાણીમાંથી સૌથી પહેલી કાર ક્યારે ખરીદી? ૧૯-૨૦ વર્ષની ઉંમરે આઉડી ક્યુ95.
સૌથી પહેલું ઘર ક્યારે ખરીદ્યું? ૨૧ વર્ષની ઉંમરે.
જોકે અઢળક કમાણી બાબતે આલિયા થોડું ગિલ્ટ અનુભવે છે અને કહે છે કે મારી કમાણીનો એક હિસ્સો હું ચૅરિટીમાં વાપરું છું. હું ઍનિમલ વેલ્ફેર માટે દર વર્ષે એક ખાસ રકમ વાપરું છું. 
પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે કેટલા પૈસા મળ્યા હતા? આલિયા કહે છે કે પંદર લાખ રૂપિયા. એનો ચેક મેં સીધો જ મારાં મધર પાસે જમા કરાવી દીધો અને કહ્યું કે મમ્મા, મારું ફાઇનૅન્સ હવે તમે જ સંભાળજો. અને ખરેખર, આજ સુધી મારા પૈસાનો બધો હિસાબ-કિતાબ મારાં મમ્મા જ રાખી રહ્યાં છે. 
આટલી નાની ઉંમરમાં આટલી મોટી કમાણી કરતી વ્યક્તિ પૈસાનું આખરે કરતી શું હોય છે? આલિયા કહે છે કે મારો સીએ પણ ક્યારેક મૂંઝવણ અનુભવે છે, કારણ કે હું કોઈ ખર્ચા કરતી નથી કે પૈસા ક્યાંય ઇન્વેસ્ટ નથી કરતી. જોકે પોતાનામાં વેપારી બુદ્ધિ હોવાનું કબૂલતાં આલિયા કહે છે, ‘ઇતના તો મુઝે પતા હૈ. બાળકોનાં કપડાંની મેં મારી પોતાની એક બ્રૅન્ડ ડેવલપ કરી છે જેનું નામ છે એડામમ્મા.’ આલિયાની પ્રિય બિલાડીનું નામ એડવર્ડ છે અને એના પરથી આ બ્રૅન્ડનું નામ આપવામાં આવ્યું છે. આલિયાએ પોતાની એક ફિલ્મ-કંપની પણ શરૂ કરી છે જેનું નામ છે ઇટર્નલ સનશાઇન. 
આલિયાએ નાની ઉંમરમાં ઘણુંબધું સિદ્ધ કરી લીધું છે. વીસ વર્ષની ઉંમરમાં પોતાની કાર ખરીદી, ઘર ખરીદ્યું, ફિલ્મોમાં કામ કર્યું, પ્રતિષ્ઠા મેળવી, લગ્ન કરી લીધાં અને હવે માતા પણ બનવાની છે. શું આ બધું પરફેક્ટ પ્લાનિંગ મુજબ ચાલી રહ્યું છે? આલિયા કહે છે, બિલકુલ નહીં, હકીકતમાં મેં તો એવું નક્કી કર્યું હતું કે હું બહુ મોડાં લગ્ન કરીશ. જોકે હાલની સ્થિતિમાં આલિયા ખુશ છે. તે કહે છે કે ફિલ્મોમાં હું કામ તો કરતી જ રહીશ.
રણબીર સાથે લગ્ન થયાં ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે આ બંને કલાકારોનાં નામ રોમૅન્ટિકલી ક્યારેય એકબીજા સાથે સંકળાયેલાં નહોતાં. હકીકતમાં બંને અન્ય વ્યક્તિઓને જ ડેટ કરી રહ્યાં હતાં. આલિયા કહે છે, ‘છેલ્લા એક દાયકાના મારા ઇન્ટરવ્યુ અથવા રૅપિડ ફાયર સવાલોના જવાબ તપાસી લો. જ્યારે પણ મને મારા ક્રશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં હંમેશાં રણબીરનું નામ જ આપ્યું છે. એ ખરું કે હું ક્યારેય રણબીરની પાછળ નહોતી પડી. તેને મેળવવા માટેનું મેં કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. જ્યારે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ માટે સાથે કામ કરવાનું નક્કી થયું ત્યારે અમે એકબીજાની નજીક આવ્યાં. એ વખતે અમે બંને કંઈ એવા ઘનિષ્ઠ મિત્રો પણ નહોતાં. છતાં એક ઘટના એવી બની જેને પગલે બંનેની જિંદગી બદલાઈ ગઈ. અમે તેલ અવિવની ફ્લાઇટમાં એકસાથે મુસાફરી કરી રહ્યાં હતાં. એ સમયે અમે બંને સિંગલ હતાં અને કોઈને ડેટ કરી નહોતાં રહ્યાં. વાત-વાતમાં બંનેના મનમાં અચાનક સ્ફુરણા થઈ કે અરે, આટલાં વર્ષોથી આપણે શું કરી રહ્યાં હતાં? આપણે એકબીજાની સાથે કેમ નથી જીવી રહ્યાં? હકીકતમાં આ પ્રશ્ન રણબીરે મને પૂછ્યો હતો અને મેં કહેલું કે ખબર નહીં કેમ? બસ, તો આ રીતે બધું બની ગયું. આવી બાબતોનું પ્લાનિંગ નથી થતું હોતું.’
આલિયા પર નેપોટિઝમ એટલે કે સગાંવાદનો આરોપ સૌથી વધુ લાગે છે, કારણ કે તેના દાદા નાનુભાઈ ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે. આ પ્રશ્નના જવાબમાં આલિયા બે અલગ-અલગ વલણ દાખવે છે. એક છે સંયમિત, જેમાં તે કહે છે, ‘લોકો તો ગમે એવી વાત કરતા રહેશે, પણ હું તેમને મારા કામથી અને મારી ફિલ્મોથી જવાબ આપીશ. હું જે સ્થાન ભોગવું છું એ માટે હું લાયક છું એ મારી ફિલ્મો પુરવાર કરે છે.’ 
હા, આ બાબતે થોડી આક્રમકતા પણ ક્યારેક તેનામાં આવી જાય છે અને તે કહે છે, ‘શબ્દો દ્વારા હું ક્યાં સુધી મારો બચાવ કરતી રહું? તમને હું ન ગમતી હોઉં તો મારી ફિલ્મો ન જુઓ. આમાં હું બીજું કંઈ ન કરી શકું.’ 
આલિયા કહે છે, ‘નેપોટિઝમ દરેક ક્ષેત્રમાં છે. કનેક્શન દ્વારા તમને કોઈ કામ મળી શકે, પરંતુ જો તમે કામ બરાબર ન કરો તો આગળ ન વધી શકો. બીજી વાત એ છે કે તમે કયા પરિવારમાં જન્મ લેશો એ તમારા હાથમાં નથી. આવતી કાલે જો મારું બાળક ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા રાખશે તો સફળતા મેળવવા માટે તેણે પણ સંઘર્ષ કરવો જ પડશે.’ 

columnists alia bhatt