અક્ષયકુમાર જેવી ફિટનેસ માટે રોજ પીઓ ગોમૂત્ર

14 September, 2020 01:03 PM IST  |  Mumbai | Varsha Chitalia

અક્ષયકુમાર જેવી ફિટનેસ માટે રોજ પીઓ ગોમૂત્ર

અભિનેતાના આ ખુલાસા બાદ તેના ચાહકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા ધરાવતા અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી

ફિટનેસમાં અવ્વલ બૉલીવુડ સ્ટાર અક્ષયકુમારે ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયામાં લાઇવ ચૅટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે રોજ ગોમૂત્ર પીએ છે. હેલ્ધી રહેવા માટે મારી પાસે ગોમૂત્ર નામની શ્રેષ્ઠ આયુર્વેદિક દવા છે એવું તેણે કહેલું. અભિનેતાના આ ખુલાસા બાદ તેના ચાહકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા ધરાવતા અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અનેક લોકોએ કોરોનાકાળમાં શુદ્ધિકરણ માટે ગોમૂત્ર અને ગાયનાં છાણાંનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. જોકે આમ કરવાથી વાઇરસ નાશ પામશે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવ્યા નથી, પરંતુ આયુર્વેદના ગ્રંથોમાં ગોમૂત્રના આરોગ્યવર્ધક ફાયદાઓનો ઉલ્લેખ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા જેવો વિકસિત અને પાવરફુલ દેશ પણ ગોમૂત્રને મહત્ત્વ આપી રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષમાં અમેરિકાએ ગોમૂત્ર ભેળવી બનાવવામાં આવેલી દવાઓની ઘણી પેટન્ટ ખરીદી છે. ત્યાંની સરકાર દર વર્ષે ભારતમાંથી ગોમૂત્ર આયાત કરે છે. આજે વિશ્વના અનેક દેશોના સંશોધનકારો ગોમૂત્ર પર રિસર્ચ કરી રહ્યા છે ત્યારે ભારતની પ્રાચીન શાસ્ત્રોક્ત પરંપરા અને કરોડો હિન્દુઓની શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે એ ગોમૂત્રના હેલ્થ બેનિફિટ્સ વિશે દાદરસ્થિત વેદિક્યૉર વેલનેસ હૉસ્પિટલનાં ડૉ. વૈશાલી સાવંત સાથે વાત કરીએ.


આરોગ્યવર્ધક ફાયદા
ગાયના મૂત્રમાં આયુર્વેદનો ખજાનો છે. મગજ અને હૃદયને બળ આપનારું હોવાથી આયુર્વેદમાં એને મેઘ્યા અને હૃદયા કહે છે. પીવામાં કડચું, કડક અને ઉષ્ણ હોવાની સાથે વિષનાશક, જીવાણુનાશક, ત્રિદોષનાશક છે. એની અંદર કાર્બોલિક ઍસિડ હોય છે જે કીટાણુજન્ય રોગોનો નાશ કરે છે. ડૉ. વૈશાલી કહે છે, ‘ગોમૂ્ત્રમાં પોટૅશિયમ સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઇડ, યુરિયા, યુરિક ઍસિડ, સોડિયમ જેવાં મિનરલ્સ જુદી-જુદી માત્રામાં મળી આવે છે. વેદિક્યૉરની પ્રૅક્ટિસમાં ગોમૂત્ર મુખ્ય ઔષધિ છે. શરીરમાં એક્સ્ટ્રા ફ્યુઅલ જમા થાય એને ફ્લૅશઆઉટ કરવામાં ગોમૂત્ર સહાયક બને છે. રક્ત સંબંધિત તમામ વિકારોને દૂર કરવાની એમાં શક્તિ છે. પેટના રોગોમાં ગોમૂત્ર રામબાણ ઇલાજ છે. કમળો થયો હોય કે પેટમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ધરાવતા દરદી ગોમૂત્ર પીવે તો ફાયદો થાય છે. સાંધાના દુખાવાના દરદીઓના બૉડી ક્લેન્ઝિંગ માટે ગોમૂત્ર અકસીર દવાનું કામ કરે છે. આ દરદીઓ ગોમૂત્રને સહેજ ગરમ કરી એમાં અડધી ચમચી સૂંઠ પાઉડર નાખી ખાલી પેટે લઈ શકે છે. ગૅસની તકલીફ રહેતી હોય એવા દરદીએ પાણીમાં ગોમૂત્ર, લીંબુ અને મીઠું ઉમેરી પીવું જોઈએ.’
આજકાલ ઓબેસિટીનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ગોમૂત્ર વજન ઘટાડવામાં ઉપયોગી છે. ત્રણથી છ મહિના રોજ વીસ મિલીલિટર ગોમૂત્રમાં લીંબુનો રસ અને મધ નાખીને પીવાથી વજન ઝડપથી ઘટે છે. ત્વચાની સુંદરતા માટે પણ ફાયદેમંદ છે. લોહીના વિકારો શુ્દ્ધ થતાં સ્કિન ગ્લો કરે છે. મૉડર્ન સાયન્સનાં કેટલાંક રિસર્ચ અનુસાર ગોમૂત્રમાં ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છે. એમાં એવાં રસાયણો છે જે ઘડપણને અટકાવી શરીરને તંદુરસ્ત અને નીરોગી રાખે છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં સિદ્ધ થયું છે કે ગાયના
મૂત્રમાં વિટામિન બી કાયમ રહે છે. આ સતોગુણી રસ છે જે તમારા વિચારોમાં સાત્ત્વિકતા લાવે છે.
લેવાની સાચી રીત
આપણે ત્યાં સેલિબ્રિટી ટ્રેન્ડને લોકો જલદીથી અપનાવી લે છે. ગોમૂત્ર પીવાના કેટલાક ચોક્કસ નિયમો છે. એમાં આંધળું અનુકરણ ન કરવું એવી ભલામણ કરતાં ડૉ. વૈશાલી કહે છે, ‘ગોમૂત્ર દેશી ગાયનું જ પીવું. ઉપલબ્ધ થઈ શકે એમ હોય તો ફ્રેશ લેવું જોઈએ. જો રોજ મેળવવું શક્ય ન હોય તો એને માટી, સ્ટીલ અથવા કાચની બૉટલમાં ભરીને રાખી શકાય છે. અનેક જગ્યાએ પ્લાસ્ટિકની બૉટલમાં ગોમૂત્ર મળે છે. એનો ઉપયોગ પીવામાં ન કરવો. આ પ્રકારની બૉટલોમાં પૅક ગોમૂત્ર ધાર્મિક કાર્યોમાં વપરાય છે. એની શુદ્ધતા વિશે પણ કહી ન શકાય. હેલ્થ માટે ઉપયોગમાં લેવામાં આવતું ગોમૂત્ર આઠ વાર ગાળેલું હોવું જોઈએ. શુદ્ધિકરણ માટે કૉટનના વસ્ત્રને આઠ વાર ફોલ્ડ કરી એમાંથી ગોમૂત્ર ગાળી બૉટલમાં ભરી લેવું. બજારમાં રેડી અર્ક પણ મળે છે. જો અર્ક લેતાં હો તો ગાળવાની જરૂર નથી.’
ગાયના મૂત્રની પ્રકૃતિ ઉષ્ણ હોવાથી જુદા-જુદા રોગના દરદીઓ માટેની માત્રા અને પ્રેપરેશન ફિક્સ કરેલાં છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ગોમૂત્રને શરીરની પ્રકૃતિ અને ઋતુ મુજબ લેવામાં આવે છે. ગરમીની સીઝનમાં ઓછું અથવા ન લેવાય અને ઠંડીમાં ખાસ પીવું જોઈએ. નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ ઉષ્ણ વસ્તુને સહેલાઈથી પચાવી શકતી નથી. વાત-પિત્તની સમસ્યા હોય એવા દરદીઓએ ખાસ સંભાળવું. કોઈ પણ રોગના દરદીએ ગોમૂત્રનું સેવન કરતાં પહેલાં નિષ્ણાત પાસે કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં અત્યંત જરૂરી છે. જોકે શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ રોજ સવારે પંદરથી વીસ મિલીલિટર જેટલું ગોમૂત્ર પાણી સાથે લઈ શકે છે. ગોમૂત્રમાં વાસ આવતી હોવાથી લોકો એનાથી દૂર ભાગે છે. પાણી અને અન્ય વસ્તુ ભેળવવાથી વાસ ઓછી થઈ જાય છે, ભાવે છે અને ફાયદા પણ મળી રહે છે. ગોમૂત્ર લેવાનો ઉત્તમ સમય સવારનો છે. ખાલી પેટે ગોમૂત્રનું સેવન અમૃત સમાન છે.’
મેડિકલ યુઝ
સફેદ દેશી ગાયનું મૂત્ર આરોગ્યવર્ધક હોવાનું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. ગોમૂત્રમાં સ્વર્ણ સાર (સોનાની રજ) હોવાના કેટલાક સાયન્ટિફિક પુરાવાઓ પણ સામે આવ્યા છે. મેડિકલની દૃષ્ટિએ એના ઘણા ફાયદા હોવાથી અનેક પ્રકારની દવાઓમાં એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સ્વેલિંગ થતું હોય એવા તમામ રોગોની ટૅબ્લેટ્સમાં ગોમૂત્રનો અર્ક ભેળવવામાં આવે છે. આ ઉપરાંત પંચકર્મની ક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે. સાંધાના દુખાવા માટે લગાવવામાં આવતા લેપમાં ગાયનું મૂત્ર ભેળવવાથી રાહત થાય છે. આયુર્વેદમાં ગોમૂત્રને નેત્ર ધાવણની ઉપમા આપવામાં આવી છે. નેત્ર વિકારના ઉપચારમાં ગોમૂત્રથી આંખોને ધોઈ સ્વચ્છ કરવામાં આવે છે. પાઇલ્સ (બવાસીર) ના દરદીઓને આપવામાં આવતા સીટ્ઝ બાથમાં ગોમૂત્ર નાખવામાં આવે છે.
ગાયના મૂત્રમાં નૈસર્ગિક યુરિયા હોવાથી ખેતીવાડીના ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. ગાયનાં છાણાં અને મૂત્ર ભેગાં કરી ખાતર બનાવવામાં આવે છે. દેશી ગાયના એક લિટર મૂત્રને આઠ લિટર પાણીમાં ભેળવી ખેતરમાં છંટકાવ કરવાથી કીટાણુનો ઉપદ્રવ ઓછો થાય છે. છાણાં અને મૂત્રના મિશ્રણથી ઇથિલીન ઑક્સાઇડ ગૅસ નીકળે છે જે ઑપરેશન થિયેટરમાં કામ આવે છે. મેડિકલ વર્લ્ડમાં કાઉ યુરિન થેરપી ખાસ્સી લોકપ્રિય છે અને એને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં આવી રહી છે.

ડિસઇન્ફેક્ટન્ટ પ્રોડક્ટ

આપણે ત્યાં ગોમૂત્રનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાના કારણે ગોમૂત્રને પવિત્ર માનવામાં આવે છે. ઘરની અંદર પૂજાપાઠ કે હવન કરાવતી વખતે વાતાવરણને શુદ્ધ કરવા એનો છંટકાવ કરવામાં આવે છે. ઘણા લોકો દરરોજ છાંટે છે. આ સંદર્ભે વાત કરતાં વૈશાલી કહે છે, ‘આપણી પાસે એવી ઘણી મેડિસિન છે જેને ધર્મ સાથે જોડવામાં આવી છે. વાસ્તવમાં ગોમૂત્ર ડિસઇન્ફેક્શનનું કામ કરે છે. ગોમૂત્રમાં ઍન્ટિ-બૅક્ટેરિયલનો ગુણધર્મ સમાયેલો હોવાથી વાતાવરણમાં પ્રસરેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે. નિયમિતપણે છંટકાવ કરવાથી આપણી આસપાસની હવા શુ્દ્ધ થાય છે. પરિણામે રોગનું જોખમ ટળે છે. પ્રાચીન સમયમાં મેડિકલ સાયન્સ વિશે અવેરનેસ નહોતી તેથી જ એને આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યું છે. ઈશ્વરના ડરથી લોકો ઉપયોગ કરવા લાગ્યા અને પછી પ્રથા બની ગઈ. હવે જોકે આ બાબત લોકોમાં જાગરૂકતા આવી છે. હેલ્થ માટે જેમ ગોમૂત્ર પીવાનો ટ્રેન્ડ વધ્યો છે એવી જ રીતે વર્તમાન સમયમાં બૅક્ટેરિયા અને વાઇરસના ચેપને અટકાવવા ઘરમાં ગોમૂત્રનો છંટકાવ કરી શકાય. અન્ય મોંઘી પ્રોડક્ટ્સની તુલનામાં આ સસ્તી અને સુરક્ષિત પ્રોડક્ટ છે.’

શરીરમાં એક્સ્ટ્રા ફ્યુઅલ જમા થાય એને ફ્લૅશઆઉટ કરવામાં ગોમૂત્ર સહાયક બને છે. રક્ત સંબંધિત તમામ વિકારો, પેટના રોગો, કમળો સાંધાનો દુખાવો, નેત્રવિકાર, બવાસીર જેવા અનેક રોગોમાં ગોમૂત્ર રામબાણ ઇલાજ છે. ગોમૂત્રની પ્રકૃતિ ઉષ્ણ હોવાથી દરેક રોગના દરદીઓ માટેનું પ્રેપરેશન જુદું હોય છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિ નિયમિતપણે લઈ શકે છે. મેડિકલ વર્લ્ડમાં પણ કાઉ થેરપી લોકપ્રિય છે અને અનેક પ્રકારના રોગોની દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. વર્તમાન માહોલમાં વાઇરસ અને બૅક્ટેરિયાથી તમારા ઘરને સુરક્ષિત રાખવા ગોમૂત્રનો છંટકાવ કરવો જોઈએ
- ડૉ. વૈશાલી સાવંત, વેદિક્યૉર પ્રૅક્ટિસ

Varsha Chitaliya columnists