આ ગુજ્જુભાઈએ તો લંડન ગજાવ્યું

18 September, 2022 01:29 PM IST  |  Mumbai | Sejal Patel

ક્વીન એલિઝાબેથ-ટૂનું બે માળ ઊંચું મ્યુરલ બનાવીને અનોખો ટ્રિબ્યુટ આપનારા જિજ્ઞેશ પટેલ અને યશ પટેલનું આર્ટવર્ક જોવા લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. મૂળ અમદાવાદના આ પટેલભાઈનાં ઑલરેડી પાંચ આર્ટવર્કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં પણ સ્થાન મેળવેલું છે

જિજ્ઞેશ પટેલ અને તેમના આર્ટિસ્ટ મિત્રોએ ૨૦૨૧માં બબલ રૅપ પેઇન્ટિંગનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો, જિજ્ઞેશ પટેલ

વેસ્ટ લંડનના હૉન્સ્લો ટાઉનના કિંગ્સ્લી રોડ પર ગયા અઠવાડિયે જબરી ચહલપહલ મચી ગઈ. યુકેનાં મહારાણી એલિઝાબેથ-ટૂનું ૯૬ વર્ષે અવસાન થયું અને અનેક બ્રિટનવાસીઓ દુખમાં સરી પડેલા ત્યારે બે ગુજ્જુભાઈઓ તેમના પરિવાર અને દોસ્તોની મદદથી મહારાણીને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે કમર કસી રહ્યા હતા. લગાતાર ૬૦ કલાકની મહેનતને અંતે તેમણે ૩૦ ફીટ બાય ૨૮ ફીટનું જાયન્ટ મ્યુરલ બનાવી કાઢ્યું અને એ જોવા માટે લોકો દૂર-દૂરથી આવવા લાગ્યા. આ ગુજ્જુભાઈ એટલે મૂળ અમદાવાદના ૪૯ વર્ષના જિજ્ઞેશ પટેલ અને ૧૯ વર્ષનો યશ પટેલ. કિન્સ્લી રોડ પર જ આર્ટ સ્ટુડિયો ધરાવતા આ પટેલવીરોએ કઈ રીતે આ કામ પાર પાડ્યું એની મજાની વાત કરતાં જિજ્ઞેશભાઈ કહે છે, ‘આમ તો ક્વીનની પ્લૅટિનમ જ્યુબિલી વખતે જ ટ્રિબ્યુટ આપવાનું નક્કી કરેલું. અમારો જ્યાં આર્ટ સ્ટુડિયો છે એ જ ગલીમાં અમારે કંઈક કરવું હતું. એ જ ગલીમાં એક પાકિસ્તાની ભાઈનું ઘર છે. તેમને અમારું આર્ટવર્ક બહુ ગમતું અને તેમને વિશ્વાસ હતો કે હું કંઈક સરસ કામ જ કરીશ એટલે તેમણે અમને પરમિશન આપી દીધી, પણ કાઉન્સિલમાંથી કેટલીક પરવાનગીઓ મેળવતાં વાર લાગી. પરમિશન પછી થોડોક ફન્ડનો ઇશ્યુ હતો. જોકે એવામાં જ ક્વીનના ડેથના સમાચાર આવ્યા એટલે અમને થયું કે આ જ રાઇટ ટાઇમ છે ઇંગ્લૅન્ડનાં લૉન્ગેસ્ટ સર્વિંગ મહારાણીને ટ્રિબ્યુટ આપવાનો. એટલે જે સંસાધનો હતાં એમાં જ અમે લાગી પડ્યા. એક મિત્ર પાસેથી પેઇન્ટ લીધો અને મંડી પડ્યા. ૩૦ ફીટ ઊંચું પેઇન્ટિંગ કરવા માટે આમ તો પ્રૉપર સ્કેફોલ્ડિંગ જોઈએ, પણ એ મોંઘું પડે એટલે અમે નાની-મોટી સીડીઓ લાવીને કામ ચલાવી લીધું.’

સતત ૬૦ કલાકની મહેનત પછી તૈયાર થયેલું આ ભીંતચિત્ર સોશ્યલ મીડિયાના જમાનામાં જબરું વાઇરલ થઈ ગયું છે. એમાં ઇન્ડિયાથી પણ ઘણો સપોર્ટ મળ્યો એની વાત કરતાં જિજ્ઞેશભાઈ કહે છે, ‘મારો પેઇન્ટિંગ બડી યશ અમદાવાદના આર્ટિસ્ટ રોહિત પટેલનો દીકરો છે. રોહિતભાઈ ખૂબ અનુભવી આ બધામાં. તેમણે અમને ત્યાં બેઠા-બેઠા વિડિયો કૉલથી પેઇન્ટિંગના પ્લાનિંગની બાબતમાં ખૂબ ગાઇડન્સ આપ્યું. ગયા રવિવારે સવારે કામ શરૂ કરેલું અને લગભગ નૉન-સ્ટોપ કામ કરતાં મંગળવારે સાંજે કામ પત્યું.’

અમદાવાદમાં જ મોટા થયેલા જિજ્ઞેશ પટેલે સી. જી. રોડ પર અને કાંકરિયા તળાવ પરના લગભગ ૨.૨ કિલોમીટર લાંબી દીવાલો પર પણ ભીંતચિત્રો દોર્યાં છે. ૨૦૦૫માં સારી ઑપોર્ચ્યુનિટી માટે થઈને લંડન શિફ્ટ થયેલા જિજ્ઞેશભાઈ કહે છે, ‘ઇન્ડિયામાં આર્ટ થકી બે પૈસા કમાવા હોય તો અઘરું છે, જ્યારે અહીં કળાને સમજનારા લોકો મળી રહે છે. શરૂઆતમાં હું અહીં ટેસ્કોમાં મૅનેજરની જૉબ પણ કરતો હતો અને પાર્ટટાઇમ આર્ટિસ્ટ તરીકેનું પૅશન ફૉલો કરતો, પણ હવે ફુલ ટાઇમ આર્ટિસ્ટ છું. અહીં સ્વામીનારાયણ મંદિરમાં પેઇન્ટિંગનું ઘણું કામ કરવાનો મોકો મળ્યો. લંડનમાં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું કામ કરવા મળે ત્યારે બહુ ખુશી થાય. એક રેસ્ટોરાંની અંદર મેં આખો બનારસ ઘાટ તૈયાર કર્યો હતો. આવું કામ મળે ત્યારે બહુ સારું લાગે.’

રેકૉર્ડબ્રેક ક્રીએશન્સ 
ક્વીનનું મ્યુરલ બનાવવું જિજ્ઞેશ અને યશ પટેલ માટે ડાબા હાથનો ખેલ હતો કેમ કે આ પહેલાં તેમણે આનાથી પણ અઘરાં કહી શકાય એવાં અનેક કામો કર્યાં છે જે રેકૉર્ડબ્રેક બન્યાં છે. ૨૦૦૩માં જિજ્ઞેશભાઈએ કૅનેડામાં વર્લ્ડ પીસ માટે એક વર્ક તૈયાર કરેલું જે લાર્જેસ્ટ ફિન્ગર પેઇન્ટિંગનો રેકૉર્ડ હતું. તેમણે પોતાના જ એ રેકૉર્ડને ૨૦૦૭માં તોડ્યો. ફિન્ગર પ્રિન્ટિંગ પછી તેમણે ૨૦૧૧માં લાર્જેસ્ટ ફુટ પેઇન્ટિંગ કર્યું અને ૨૦૧૩માં માઉથ પેઇન્ટિંગ, જેમાં જાયન્ટ કૅન્વસ પર બધું જ પેઇન્ટિંગ મોંમાં પીંછી લઈને કરેલું. 

હજી ગયા વર્ષે તેમણે એક અનોખી આર્ટનો રેકૉર્ડ બનાવ્યો છે એ છે બબલરૅપ આર્ટ. નાનાં-નાનાં બબલ્સની અંદર સિરિન્જથી ચોક્કસ શેડના રંગો ભરીને એ બબલ્સની ગોઠવણી દ્વારા એક જાયન્ટ ચિત્ર તૈયાર કરવાનું. આ ચિત્રમાં તેમણે નરેન્દ્ર મોદી, બિલ ગેટ્સ, રતન તાતા અને જે. કે. રોલિંગ જેવા મહાનુભાવોનાં પોર્ટ્રેટ્સનું કોલાજ હતું. આ આર્ટની ખાસિયત વિશે જિજ્ઞેશભાઈ કહે છે, ‘બબલરૅપ પેઇન્ટિંગ અત્યાર સુધી ન્યુ યૉર્કમાં એક જ આર્ટિસ્ટ છે એ કરતો હતો. આ કામ એટલી ધીરજ અને પ્લાનિંગ માગી લે એવું છે કે એમાં અમે બીજા પણ ઘણા આર્ટિસ્ટોની સાથે મળીને કરેલું. ’

ઇન્ડિયામાં રેકૉર્ડ સફળ ન થયો
પાંચ વર્લ્ડ રેકૉર્ડ બનાવી ચૂકેલા જિજ્ઞેશભાઈની દિલની ખ્વાહિશ છે ઇન્ડિયામાં અને ખાસ કરીને પોતાના મૂળ વતન અમદાવાદમાં કોઈ રેકૉર્ડ બનાવવો. એ માટેનો પ્રયત્ન પણ કરેલો જેની વાત કરતાં તેઓ કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં મેં અમદાવાદમાં વેજિટેબલ અને નૅચરલ રંગોથી  લાર્જેસ્ટ કૅન્વસ પેઇન્ટિંગનો રેકૉર્ડ બનાવવાની કોશિશ કરેલી. બીટરૂટ, લોખંડના કાટ અને એમ કુદરતી રીતે જે રંગો બને છે એ બનાવીને પેઇન્ટિંગ કર્યું પણ ખરું. જોકે એમાં મેં કૅન્વસ પર વારલી પેઇન્ટિંગ પસંદ કરેલું, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડવાળાએ ટેક્નિકલી આર્ટવર્ક તરીકે કન્સિડર ન કર્યું અને એ પ્રયત્ન નિષ્ફળ ગયો. પણ બહુ જલદીથી મારે ઇન્ડિયામાં આવીને એક વર્લ્ડ રેકૉર્ડ તો બનાવવો જ છે. એ આર્ટવર્કમાં ફોકસ હશે નૅચરલ રંગોથી થતી આર્ટ, જે આપણા ઇન્ડિયાની ખાસિયત છે.’

columnists sejal patel