Janmashtami 2023: કચ્છના આહીરો : અનેરો ઇતિહાસ, અનોખી જન્માષ્ટમીની ઉજવણી ને ભાતીગળ પરંપરા

06 September, 2023 11:56 AM IST  |  Mumbai | Sunil Mankad

કચ્છના આહીરો : અનેરો ઇતિહાસ, અનોખી જન્માષ્ટમીની ઉજવણી ને ભાતીગળ પરંપરા

આહીરાણીઓ અને આહીરો બન્ને અલગ-અલગ રાસ રમે છે.

સમાની વ આકૃતિ: સમાના હૃદયાનિવા:
સમાન મસ્તુ વો મન: યથાવ: સુસહાસતિ

જે સહુના વિચારો, નિશ્ચયો, મન, લાગણી, ભાવનાઓ, હૃદયો, સાહિત્ય એકસમાન હોય એવો સાંસ્કૃતિક સમાનતા ધરાવતા લોકોનો સમૂહ જ સફળ અને સબળ રાષ્ટ્ર બની શકે. એક જ માળાના મણકાની જેમ આવી સમાન જાતિઓ એકતાંતણે ગોઠવાય એનાથી રાષ્ટ્ર બને છે.

આહીરાત જેમની ઓળખ છે તેવા આહીરો ભગવાન કૃષ્ણના વંશજ યાદવ કુળના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. યાદવ કુળનો અને હાલમાં કચ્છમાં જેમની સંખ્યા નોંધપાત્ર છે તેવા આહીરોનો ઇતિહાસ જાજરમાન અને અનેરો છે. આહીર એક પ્રાચીન અને લડાયક જાતિ છે. આહીરો પહેલાં અભીરા અથવા અભીર તરીકે ઓળખાતા. અપભ્રંશ થયા પછી સંભવત: તે આહીર થયું છે.
ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાલના ભિન્ન-ભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નીડર થાય છે. શાકયો, હૂણો અને સાયથિઅન્સ (ઈ.સ. પૂર્વે ૬૦૦૦)ના સમયમાં આહીરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડૂતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક-ગોવાળો છે. ભગવાન કૃષ્ણના સમયથી ગૌપાલક હતો યાદવ કુળ.

કચ્છમાં આહીરોની વસતિ ઘણી છે. પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાલમાં પણ જોવા મળે છે. આહીરો ભારતની ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે.

આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે. ભારતમાં આશરે ચાર કરોડ આહીરો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં આહીર જ્ઞાતિ મુખ્ય જ્ઞાતિઓ પૈકીની એક છે. આહીરોની ચાર પેટા જ્ઞાતિ છે. મચ્છુ નદીને કાંઠે વસ્યા તે મચ્છોયા આહીર કહેવાયા. સોરઠમાં રહેવા લાગ્યા તે સોરઠિયા કહેવાયા. કચ્છના વાગડિયા વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથારિયા કહેવાયા. પાંચાળ પ્રદેશમાં વસ્યા તે પંચોળી આહીરો તરીકે ઓળખાયા.

આહીરો પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલન અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયા. હરિયાણા રાજ્યનું નામ અભિરાયણ (આ પ્રદેશના મૂળ વાસીઓ) પરથી ઊતરી આવ્યું હોવાનું મનાય છે. અભિરાયણ શબ્દનું મૂળ અભીર એટલે કે નીડર શબ્દમાં રહ્યું હોય એમ પણ શક્ય છે. ગુજરાતમાં મળી આવેલા શિલાલેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદિશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું.

મહાભારતના સભા પર્વ અને ભિષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે, જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલું હતું. પ્રાચીન લિપિઓમાં શૂરા અને અભીરાઓને સંયુકત રીતે શૂરભીરા કહેવાતા. પાછળથી એ બે શબ્દોનો અલગ અર્થ ન રહ્યો. ઘણા વિદ્વાનો ભારતના અભીરા અને શૂરભીરા શબ્દોને બાયબલના સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધિત માને છે.

કચ્છના આહીરોની વાત કરીએ તો કચ્છમાં પણ મુખ્ય પાંચ જાતિઓ પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે, જે એક સમયે દૂધ અને ઘી વેંચતા હતા. કચ્છમાં વરસાદની અનિયમિતતાને કારણે હવે તેમણે ટ્રાન્સપોર્ટ અને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. કચ્છના આહીરોની માતૃભાષા ગુજરાતી છે.

પરથારિયા આહીરો પૂર્વ કચ્છમાં રહે છે. તેમણે વ્રજવાણી નામે ગામ સ્થાપ્યું હતું. મચ્છોયા અને બોરીચા આહીરો ચોરડ વિસ્તાર (સાંતલપુર)માં રહેતા. પરથારિયા આહીરો ચોબારી, રાણાવાવ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઈ, ધ્રંગ, ધોરી, સુમેરસર, વાંગ, દાદોર, કુનેરિયા, નોખાણિયા, લાખાપર અને સતલપરમાં રહે છે. મચ્છોયા આહીર અલિયાબાડા, વાવડી, નેસડા, રાજપર, પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડમાં રહે છે. સોરઠિયા આહીર અંજાર, નાગોર અને શિયાણીમાં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બીરીચી, મીઠીરોહર, ભારાપર, વીરા, મોડસર, ખોખરા, કનૈયાબે, જુમખા, બળદિયા અને કેરામાં રહે છે. આહીરો એકસમાન આચાર, વિચાર, રિવાજ અને માન્યતા ધરાવતો એક હિન્દુ જનસમૂહ છે.

આહીરોની ભાતીગળ જન્માષ્ટમી
ભાતીગળ સંસ્કૃતિ તો વિશ્વના અનેક દેશો-પ્રદેશોમાં જોવા મળશે, પણ કચ્છના આહીરોની સંસ્કૃતિ એ બધામાંથી સાવ અલગ જ ભાત પાડે છે. કચ્છના આહીરોની ભાતીગળ સંસ્કૃતિનાં દર્શન કરવા હોય તો તમારે જન્માષ્ટમીના દિવસે કચ્છના આહીરોના ગામે પહોંચી જવું.

ભુજથી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું આહીરોની વસતિ ધરાવતું રતનાલ ગામ પચ્ચીસેક હજારની વસ્તી ધરાવતું નાનકડું ગામ છે, પરંતુ કચ્છની ભાતીગળતાથી એ છલકાય છે. કચ્છમાં પહેરવેશ, આભૂષણ, બોલવાની શૈલીથી કચ્છના આહિરોમાં વિશિષ્ટ સંસ્કૃતિની છાંટ જોવા મળે જ છે, પણ આપણે તો વાત કરવી છે જન્માષ્ટમી અને રતનાલ ગામના આહીરોના નંદોત્સવની.
આહીરો યાદવ કુળના, કૃષ્ણના વંશજો તરીકેની તેમની ઓળખ ખરી અને એટલે જ રતનાલની જન્માષ્ટમી એવી તો વિશિષ્ટ રીતે ઊજવાય છે કે કચ્છના જ નહીં, ગુજરાતના ખૂણે-ખૂણેથી અને ક્યારેક તો વિદેશથી કચ્છ આવેલા પ્રવાસીઓ પણ જન્માષ્ટમીની ઉજવણી જોવા રતનાલ અચૂક પહોંચી જાય છે.


રતનાલમાં જન્માષ્ટમીની માત્ર ઉજવણી જ નથી થતી, નંદોત્સવ નામ સાથે સંસ્કૃતિ પણ ઉજાગર થાય છે. શ્રાવણ વદ આઠમના દિવસે ગામલોકો એકઠા મળી કોઈ એક પરિવાર નિશ્ચિત કરે છે. તે પરિવારને ત્યાં એ દિવસે ગામના તળાવમાંથી માટી લઈ આવી માટીનો કાનુડો બનાવાય છે. એના પર સુંદર રંગો અને આંખો ચોડી તેને કાનુડાનું સૌમ્ય રૂપ આપવામાં આવે છે. બપોરે ગામનાં તમામ મહિલા-પુરુષો, અબાલ-વૃદ્ધ સૌ વાજતે-ગાજતે કાનુડા સાથે શોભાયાત્રા કાઢે છે. આહીરોનાં વસ્ત્રપરિધાન અને ગીતોથી શોભતી એ રવાડીને જોવી એક લહાવો છે.
શોભાયાત્રાને વિરામ આપવા સાથે નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે. આહીરાણીઓ અને આહીરો બન્ને અલગ-અલગ રાસ રમે છે. ગામના ચોકમાં આખો દિવસ અને મોડી સાંજ સુધી રાસ રમાય છે, મેળો ભરાય છે અને એ ભાતીગળતા જોવા, એને કૅમેરામાં ક્લિક કરવા દોઢસોથી વધુ ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો ઊમટી પડે છે. જન્માષ્ટમીની ઉજવણી તો કદાચ ગુજરાતનાં દરેક ગામોમાં જોવા મળશે, પણ રતનાલ એમાં વિશિષ્ટ ભાત પાડે છે. સંભવત: કચ્છની આવી ભાતીગળ સંસ્કૃતિ અજોડ છે.

આહીરોમાંની પ્રચલિત અટકો

આહીર જ્ઞાતિમાં અનેક અટકો જોવા મળે છે, જેમાં આંબલિયા, આગરિયા, ઉદિરયા, કંડોરિયા, કછોટ, કનારા, કરંગિયા, કરમુર, કલસારિયા, કાંબલિયા, કાછડ, કાતરિયા, કાનગડ, કાપદી, કામળિયા, કારેથા, કુવાડ, કુવાડિયા, કોઠીવાળ, ખમળ, ખાદા (બોરીચા), ખિમાણિયા, ગંભીર, ગરચર (બોરીચા), ગરાણિયા, ગાગલ, ગુર્જર, ગોગરા, ગોજિયા, ઘોયલ, ચંદેરા, ચંદ્રવાડિયા, ચાવડા, ચેતરિયા, ચોચા, ચોટારા, છાંગા, છાત્રોડિયા, છૈયા, છોટાળા, જલુ, જાટિયા, જાદવ, જાલંધ્રા, જાળોંધરા, જીંજાળા, જોગલ, જાટવા, ઝાલા, ડવ, ડાંગર, ડેર, ડોડિયા, ડોલર, ઢોલા, ધ્રેવાડા, નંદાણિયા, નકુમ, નાગેચા, નાઘેરા, પંપાણિયા, પટાટ, પરડવા, પાંપણિયા, પાનેરા, પિંડોરિયા, પિઠિયા, બંધિયા, બડાય, બલદાણિયા, બાંભણિયા, બામરોટિયા, બારડ, બારિયા, બાલાસરા, બેરા, બેલા, બોદર, બોરખતરિયા, બોરીચા, ભડક, ભમ્મર, ભાટુ, ભાદરકા, ભારવાડિયા, ભેટારિયા, ભેડા, મંઢ, મકવાણા, મણવર, મરંડ, માતા, માડમ, માલશતર, મિયાત્રા, મેતા, મેશુરાની, મૈયડ, મોર, રામ, રાવલિયા, લાખણોત્રા, લાડુમોર, લાવડિયા, લોખીલ, વછરા, વણઝર, વરચંદ, વરુ, વાઘ (નાઘેરા), વાઘમશી, વાઢિયા, વાણિયા, વારોતરિયા, શિયાર, શ્યારા, સિંધવ, સિસોદિયા, સુવા, સોરઠિયા, સોલંકી, હડિયા, હુંબલ વગેરેનો સમાવેશ થાય છે.

kutch columnists janmashtami