તમારી પાસેથી બધું જ લઈ લીધા પછી બાકી રહે એ મૂલ્ય

17 January, 2021 08:05 AM IST  |  Mumbai | Kana Bantwa

તમારી પાસેથી બધું જ લઈ લીધા પછી બાકી રહે એ મૂલ્ય

પ્રતીકાત્મક તસવીર

એક શિક્ષકે ક્લાસમાં આવીને પોતાના ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયાની નોટ કાઢી. હાથમાં પકડીને ક્લાસના બધા વિદ્યાર્થીઓને બતાવીને પૂછ્યું, ‘આ ૫૦૦ રૂપિયાની નોટ કોને જોઈએ છે?’ મોટા ભાગના વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. શિક્ષકે એ નોટને હાથમાં મસળી નાખી. બરાબર મસળીને ડૂચો વાળી દીધી. પછી પૂછ્યું કે ‘આ નોટ કોણ લેવા ઇચ્છે છે?’ ફરીથી અગાઉ જેટલા જ હાથ ઊંચા થયા. શિક્ષકે ડૂચો વાળેલી ૫૦૦ રૂપિયાની નોટને જમીન પર નાખીને પોતાના બૂટ વડે કચડી. ધૂળથી ખરડાયેલી એ નોટ બતાવીને ફરીથી પૂછ્યું, ‘હવે આ નોટ લેવા માટે કોણ તૈયાર છે?’ અગાઉ જેટલા જ હાથ હવામાં લહેરાયા. એટલા જ વિદ્યાર્થીઓ હજી પણ ૫૦૦ રૂપિયાની એ નોટ મેળવવા માટે ઉત્સુક હતા. શિક્ષકે ડૂચો વળેલી, કચડાયેલી નોટ પોતાના ગજવામાં મૂકીને વિદ્યાર્થીઓને કહ્યું કે ‘આ ૫૦૦ રૂપિયાની નોટ કરતાં ઘણો વધુ કીમતી પદાર્થપાઠ તમે આજે શીખ્યા છો. મસળાવા, કચડાવા, ખરડાવા છતાં આ નોટ મેળવવાની તમારી ઉત્સુકતા એટલી જ તીવ્ર કેમ રહી? કારણ કે મસળાવા, કચડાવા, ખરડાવા છતાં ૫૦૦ની નોટનું મૂલ્ય જરાય ઘટ્યું નહોતું. હાથમાં મસળી નાખવાથી એ ૪૦૦ રૂપિયાની ન થઈ કે બૂટ નીચે કચડાવાથી ૪૫૦ની ન થઈ, ૫૦૦ના જ મૂલ્યની રહી. એનો અર્થ એ થયો કે તમે તમારું મૂલ્ય જાળવી રાખો એ સૌથી મહત્ત્વનું છે.

પણ, ૧૦૦ મણનો સવાલ એ છે કે આ મૂલ્ય એટલે શું? વાર્તાઓ કહેનાર મૂલ્ય સુધી પહોંચ્યા પછી આગળ વિચારી શકતા નથી. સૌથી મહત્ત્વની બાબત તો મૂલ્યને સમજવાની છે. થોડું ઝીણું કાંતીને સમજવું પડશે. થોડાં ઉદાહરણ જોઈએ પછી મૂળ મુદ્દાને વધુ ઉઘાડીશું. સુંદર પિચાઈને સીઈઓ તરીકે ગૂગલ આટલો અઢળક પગાર શા માટે આપે છે? ટેસ્લા કંપનીના સ્થાપક અને સ્પેસ એક્સના સીઈઓ ઇલોન મસ્કની બ્રૅન્ડ-વૅલ્યુ અત્યારે વિશ્વમાં સૌથી વધુ કેમ છે? બે વર્ષ પહેલાં તેની કંપની ૫૦ બિલ્યન ડૉલરની નેટવર્થ ધરાવતી હતી, આજે ૧૦૦ બિલ્યનની નેટવર્થ ધરાવે છે. આઇઆઇએમ કે આઇઆઇટી કે કોઈ પણ યુનિવર્સિટીમાં કૅમ્પસ ઇન્ટરવ્યુ યોજાય ત્યારે અમુક વિદ્યાર્થીને અન્ય કરતાં બે કે ત્રણ ગણા પૅકેજ શા માટે મળે છે? સમાન જ ભણતર, સમાન જ ડિગ્રી અને ગ્રેડ પણ લગભગ સરખો હોવા છતાં અમુકને વધુ અને અમુકને ઓછા પૅકેજ કેમ મળે છે? ધંધામાં અમુક કર્મચારીઓ આપણા માટે વધુ મૂલ્યવાન હોય છે અને અમુક નથી હોતા. મૂલ્યવાન કર્મચારીને સાચવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બીજા છોડીને જતા હોય તો તરત જ બાય બાય કહી દઈએ છીએ, દરવાજા સુધી વળાવી આવીએ છીએ જેથી પાછો ન આવે. શા માટે આવું થાય છે?

મૂલ્ય શાનાથી આંકવામાં આવે છે? અનુભવ, ડિગ્રી, મેડલ, સર્ટિફિકેટ, કુશળતા? શેનાથી મૂલ્ય આંકી શકાય? આ બધાં મૂલ્ય આંકવા માટેના પેરામીટર નથી. મૂલ્ય એટલે તમારી પાસેથી બધું જ લઈ લીધા પછી બાકી રહે એ. તમારી પ્રતિષ્ઠા, તમારો અનુભવ, તમારી ડિગ્રીઓ, તમારી કાર્યકુશળતા એ બધું જ ઉતારી નાખ્યા પછી જે બચે એમાં જો ખરેખર કંઈ બચ્યું હોય તો એ બચેલું છે એ મૂલ્ય છે. મોટા ભાગનામાં તો આ બધું બાદ કરવામાં આવે એટલે કશું બચતું નથી. બચે છે માત્ર મોટું મીંડું. જેમનામાં આ બધું હટાવ્યા પછી કશું નથી બચતું એ વાસ્તવમાં મૂલ્યહીન છે. તેઓ પોતાની ડિગ્રીઓ, અનુભવ, પોતે જ્યાં કામ કર્યું હોય એ સંસ્થાની ગુડવિલ વગેરેના આધારે બજારમાં ટકેલા રહે છે. ધંધામાં પણ આવા લોકો ‘અમારી દુકાન ૫૦ વર્ષ જૂની છે’ એમ કહીને જ ઊભા રહી શકે છે. તેમની પાસે વટાવવા માટે ભૂતકાળ સિવાય કશું હોતું નથી. સ્ટીવ જૉબ્સે સ્ટીવ વોઝનિયાક સાથે મળીને ઍપલ કંપનીની સ્થાપના કરી. વર્ષો પછી સંજોગ એવા આવ્યા કે સ્ટીવ જૉબ્સને જ તેમની પોતાની કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. સ્ટીવને તેમના ભાગનાં નાણાં આપી દેવામાં આવ્યાં. એવું માની લેવામાં આવ્યું કે સ્ટીવ જૉબ્સ ખતમ થઈ ગયો. સ્ટીવની જગ્યાએ કોઈ પણ હોય તો ખતમ થઈ જ જાય. નિરાશ થઈને બેસી જાય, કારણ કે ઍપલ સિવાય તેણે જીવનમાં બીજું કશું કર્યું નહોતું, વિચાર્યું નહોતું. કોઈ પણ માણસ ઝીરો થઈ જાય. સ્ટીવને પણ ઝીરો થઈ ગયાનો અનુભવ થયો, પણ પછી તેને સમજાયું કે બધું જતું રહેવા છતાં હજી પોતાની અંદર તો ઘણું બચ્યું છે. વાસ્તવમાં તો અંદર જે શક્તિ હતી એ તો કોઈ લઈ શક્યું જ નહોતું. કંપની પડાવી લઈ શક્યા હતા. સ્ટીવ જૉબ્સે એક નવા જ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. પિકસર નામની કંપની સ્થાપી. સ્થાપી એમ તો ન કહી શકાય, જ્યૉર્જ લુકાસ પ્રોડક્શનના ગ્રાફિક ડિઝાઇન ડિવિઝનને ખરીદી લીધું, જે ઍનિમેશન ફિલ્મો બનાવતું હતું. સ્ટીવને અને ઍનિમેશનને ભલે કાંઈ લાગતુંવળગતું ન હોય, તેમની ક્રીએટિવિટી ગમે તે ક્ષેત્રમાં ખીલી ઊઠે એવી હતી. પિકસરે ફિલ્મ ઍનિમેશનની દુનિયા પલટી નાખી. ઍનિમેશન ઇન્ડસ્ટ્રીઝમાં ધરમૂળથી પરિવર્તન માટે પિકસરનું નામ લેવામાં આવે છે. ઍપલને પછીથી ભૂલ સમજાઈ અને સ્ટીવને ફરી ઍપલમાં લેવામાં આવ્યા.

શું બચ્યું હતું સ્ટીવ પાસે? નાણાં અને પોતાનું સ્વત્વ. માત્ર ક્રીએટિવિટી નહોતી બચી. વિઝન બચ્યું હતું અને નવું કરી બતાવવાની ધગશ બચી હતી. નહીં હારવાની બુલંદ હિંમત બચી હતી. ઍપલમાંથી છૂટા કરાયા પછી જે બચ્યો હતો એ જ ખરો સ્ટીવ જૉબ્સ હતો.

આપણે ક્યારેય આપણા ખરા સ્વને જોતા નથી. કદાચ ડરીએ છીએ ખરા પોતને જોવાથી. સાવ ખોખું જ હશે તો? કશું જ નહીં હોય અંદર તો? મોટા ભાગનાને તો પોતાની અંદર કશું જ નથી એની ખબર હોય છે એટલે અભિમાન ઓઢીને, બુદ્ધિનો દેખાડો કરીને, આવડતનાં ગાણાં ગાઈને, ક્રીએટિવિટીનો દંભ કરીને, આવડતનું આડંબર રચીને અંદરના છળાવી દે એવા ભયાનક શૂન્યાવકાશને ઢાંકતા રહે છે. દેખાડા અને દમામના મોટા ઝભ્ભા નીચે તેમણે બિહામણી વાસ્તવિકતા છુપાવી રાખી હોય છે, પણ જેને એ જાણ હોય છે કે પોતાનામાં પોત છે, સત્ત્વ છે તે બિન્દાસ હોય છે. તેને ડર નથી લાગતો દુનિયાનો કે કોઈ વ્યક્તિનો, તેને ડર નથી લાગતો પછડાટ ખાવાનો કે પરાજય પામવાનો કે ધૂળમાં મળી જવાનો કે ધંધામાંથી દૂર કરી દેવાનો કે નોકરીમાંથી કાઢી મુકાવાનો કે ક્ષેત્ર બદલવાનો કે સ્થળ બદલવાનો. જેની અંદર સ્વત્વ છે તેની અંદર સત્ત્વ છે, તાકાત છે. એ જ તેનું મૂલ્ય છે. એ જ તેની સાચી કિંમત છે. એ મૂલ્ય જ અંતે તો જોવામાં આવે છે. માત્ર ભૌતિક બાબતોમાં જ નહીં, વ્યક્તિગત અને સામાજિક બાબતોમાં પણ એ મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ખોખાંઓની પ્રતિષ્ઠા એના પદની સાથે ગાયબ થઈ જાય છે એટલે જ રાજકારણીઓને ખુરસી જવાનો બહુ ડર લાગે છે. ખુરસી જતાં જ તે ઝીરો થઈ જાય છે, પણ કોઈ ડૉક્ટર નિવૃત્ત થાય તો ઝીરો થતો નથી. શિક્ષક નિવૃત્તિ પછી ઝીરો થઈ જતો નથી. ડૉ. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિપદ છોડ્યા  પછી પણ એટલા જ લોકપ્રિય રહ્યા હતા. રાષ્ટ્રપતિના પદ કરતાં કલામની પ્રતિષ્ઠા ઊંચી હતી.

તમને જેકાંઈ બહારની દુનિયાએ આપ્યું છે એ તમારા સ્વત્વનો હિસ્સો નથી. નામ તમને દુનિયાએ આપ્યું છે. કુળ તેણે આપ્યું છે. શિક્ષણ, ડિગ્રી, મેડલ્સ, અનુભવ, પ્રતિષ્ઠા, પદ, ઓળખ એ બધું જ બહારથી મળેલું છે. એ સિવાયનું જે કશું છે એ તમારું પોતાનું છે. તમારું પોતાનું છે એના ભંડારને વિસ્તૃત કરવાની કોશિશ કરશો તો તમને હરાવી શકવા કોઈ સમર્થ નહીં બને. તમારું મૂલ્ય તમે જ વધારી શકો છો, યાદ રાખજો.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists kana bantwa