પૅરૅલિસિસ બાદ હવે સંભોગ થઈ શકે?

23 June, 2020 08:09 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પૅરૅલિસિસ બાદ હવે સંભોગ થઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૪૩ વર્ષ છે અને મને બે વર્ષ પહેલાં સ્ટ્રોક આવેલો. એને કારણે ડાબા હાથમાં પૅરૅલિસિસની થોડીક અસર રહી ગઈ હતી. દવાઓ, ફિઝિયોથેરપી, એક્સરસાઇઝ અને માલિશ કરવાથી ધીમે-ધીમે ફરક પડતો ગયો. હવે પ્રમાણમાં લગભગ નૉર્મલ કહી શકાય એવી સ્થિતિ છે. જોકે મારી દવાઓ હજીયે ચાલુ જ છે. સમસ્યા બીજી કોઈ જ નથી અને હું જાતીય જીવન ફરીથી શરૂ કરવા માગું છું. જ્યારે પૅરૅલિસિસ જેવું લાગતું હતું ત્યારે ડૉક્ટરે મને કોઈ જ ઉત્તેજના જન્માવે એવી સ્થિતિમાં ન મુકાવાની આડકતરી સલાહ આપેલી. હવે આ બાબતે ડૉક્ટર સાથે ચોખવટ કરવા જતાં શરમ આવે છે. હવે મારી જાતને ફિટ મહેસૂસ કરું છું એ પછીયે પત્ની સમજતી નથી. હું મૅસ્ટરબેશન કરું છું અને મને એમાં કદી તકલીફ નથી આવી. સ્ખલન પછીયે કોઈ નબળાઈ નથી આવી. તો શું હવે સંભોગ થઈ શકે?

જવાબ: સામાન્ય રીતે બ્લડમાં ક્યાંક ક્લૉટ પેદા થયો હોય જે કોઈ વાઇટલ નળીમાં ફસાઈ જાય અને લોહીનો પ્રવાહ અવરોધાઈ જાય ત્યારે સ્ટ્રોક આવે. જ્યારે તમને સ્ટ્રોક આવ્યો અને પૅરૅલિસિસ જેવાં લક્ષણો પેદા થયાં એ વખતે સેક્સ્યુઅલ ઍૅક્ટિવિટીની ના પાડવાનાં કારણો જુદાં હતાં. વીર્યના નાશથી નબળાઈ આવી જશે એટલા માટે નહીં, પણ શરીરની સામાન્ય ક્રિયાઓ પર પણ તમારો કાબૂ નહોતો. હવે જો તમારું અસરગ્રસ્ત અંગ પાછું નૉર્મલ જેવી કામગીરી કરતું થઈ ગયું હોય તો સંભોગ કરવામાં કોઈ જ વાંધો નથી. આમેય તમે મૅસ્ટરબેશન કરીને વીર્યસ્ખબન કરો જ છો. વીર્ય વહી જવાથી નબળાઈ આવે એ ખોટી માન્યતા છે. એક ચમચી વીર્યમાં એક ગ્લાસ લીંબુપાણી જેટલી એનર્જી હોય છે.

બીજી બહુ જ મહત્ત્વની વાત એ કે તમારે ફરી સ્ટ્રોક ન આવે એ માટે બૉડીમાં ક્યાંય પણ બ્લૉકેજ ન હોય એ બાબતે કાળજી રાખવી જરૂરી છે. ડૉક્ટરની દવા, યોગ્ય ડાયટ અને નિયમિત એક્સરસાઇઝ ચાલુ રાખવી મસ્ટ છે. વીર્ય રોકી રાખવાથી તાકાત વધશે એવું શક્ય નથી. ઊલટાનું કુદરતી આવેગ રોકવાને કારણે માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. હા, જાતીય ઉત્તેજના માટેની કોઈ પણ પ્રકારની દવા જાતે લેવાનું દુઃસાહસ ન કરવું.

columnists dr ravi kothari sex and relationships