અત્યારની જનરેશન ધાર્મિક બાબતોથી વિમુખ થાય છે એ કોણ કહેશે આમને જોઈને?

05 February, 2021 11:07 AM IST  |  Mumbai | Darshini Vashi

અત્યારની જનરેશન ધાર્મિક બાબતોથી વિમુખ થાય છે એ કોણ કહેશે આમને જોઈને?

અત્યારની જનરેશન ધાર્મિક બાબતોથી વિમુખ થાય છે એ કોણ કહેશે આમને જોઈને?

તાજેતરમાં એક પબ્લિકેશન હાઉસ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મુંબઈ જ નહીં પરંતુ મોટાં-મોટાં મેટ્રો શહેરોમાં આવેલા બુક સ્ટોર્સમાં પૌરાણિક રહસ્યો તેમ જ ધાર્મિક બાબતોને સાંકળી લેતી બુક્સ બેસ્ટ સેલિંગ લિસ્ટમાં આવે છે. ગુજરાતી જ નહીં પરંતુ અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાનાં પુસ્તકો માટે પણ આવો જ ક્રેઝ જોવા મળ્યો છે, જે જોતાં લાગે છે કે આજની યુવા પેઢી પૌરાણિક અને ધાર્મિક વિષય તરફ આકર્ષાઈ રહી છે. આ જ વિષય પર જ્યારે અમે યુવા જનરેશન સાથે વાત કરી ત્યારે વધુ રોચક જાણકારી જાણવા મળી હતી. તેઓ માત્ર બુક્સ વાંચવામાં જ નહીં પરંતુ ધાર્મિક સિરિયલ્સ અને ફિલ્મ જોવામાં પણ એટલો જ રસ ધરાવે છે. તો ચાલો, જાણીએ તેમની જ પાસેથી તેમના વિવિધ રસ વિશે.

કોઈ પૌરાણિક સિરિયલ જોવાની બાકી રહી નથી : ધ્રુવ બોરીચા, મલાડ
કૉલેજમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષનો ધ્રુવ બોરીચા કહે છે, ‘મારો નાનો ભાઈ ટીવી પર આવતી પૌરાણિક સિરિયલો જુએ છે. તેને જોઈને પણ મને પણ એમાં રસ પડવા લાગ્યો અને તેની સાથે હું પણ જોવા લાગ્યો. પછી તો મને એ વિષયોમાં વધુને વધુ જાણકારી મેળવવાનું મન થવા માંડ્યું એટલે હું બધી જ પૌરાણિક સિરિયલ જોવા લાગ્યો. અહીં સુધી કે હું એના વિશે ગૂગલ પર પણ સર્ચ કરતો રહું છું, જેમ કે એક દિવસે મહાભારતમાં અશ્વત્થામાનું પાત્ર જોયું. મને તેના વિશે વધુ જાણકારી મેળવવાની તાલાવેલી થઈ એટલે મેં ગૂગલ પર સર્ચ કર્યું અને બધી માહિતી વાંચી લીધી. અમારા ઘરમાં મને અને મારા ભાઈને અમુક કલાક જ ટીવી જોવાની પરમિશન છે, પરંતુ ધાર્મિક સિરિયલ જોતા હોઈએ ત્યારે પેરન્ટ્સ પણ ખુશ થઈને અમને ટીવી જોવાના કલાકમાં છૂટછાટ આપે છે.’

 ઘણા શ્ળોક જોવા વિના કડકડાટ બોલી શકું છું : ધ્યાના શાસ્ત્રી, બોરીવલી
બોરીવલીમાં રહેતી બાર વર્ષની ધ્યાના શાસ્ત્રી કહે છે, ‘મને ધાર્મિક વિષયોમાં રસ છે એટલે હું એનો અભ્યાસ કરતી રહું છું. લૉકડાઉને મને એમાં વધુ ઓતપ્રોત થવાની તક આપી એમ કહું તો ચાલે. લૉકડાઉન દરમિયાન હું મારા ટીચર અને ફ્રેન્ડ્સ સાથે મળીને ઇસ્કૉનમાં વધુ ઊંડી ઊતરી. રામાયણ, ભગવદ્ ગીતાના અનેક શ્લોક હું કડકડાટ બોલી શકું છું. ભગવાન કૃષ્ણની જીવનયાત્રા અને તેમની લીલાઓ વિશે પણ જાણકારી ધરાવું છું. આપણાં શાસ્ત્રો તો મહાસાગર જેવાં છે. હજી તો મેં એમાં ડૂબકી મારી છે, મારે એમાં હજી ઘણું શીખવાનું બાકી છે.’

મને મારી બર્થ-ડે ગિફ્ટમાં પણ માઇથોલૉજિકલ બુક્સ જ મળે છે : જીત ધોળકિયા, મલાડ
સૉફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતાં ૨૯ વર્ષના જીત ધોળકિયા કહે છે, ‘કોઈને ફિક્શન સ્ટોરી વાંચવી ગમતી હોય છે તો કોઈને કૉમિક ગમતી હોય તો કોઈને હૉરર. પરંતુ મને તો હંમેશાંથી માઇથોલૉજિકલ સ્ટોરીમાં જ રસ રહ્યો છે. એમાં પણ મહાભારત મારો ફેવરિટ ટૉપિક રહ્યું છે. એના પર લખાયેલી કોઈ પણ બુક હું છોડવા માગતો નથી. અત્યારે હું મહાભારતના પાત્ર કર્ણ ઉપર ફેમસ લેખક મૃત્યુંજયે લખેલી એક બુક વાંચી રહ્યો છું. આ અગાઉ હું અમિશની બધી બુક્સ વાંચી ચૂક્યો છું. દેવદત્ત પટનાઈકની મહાભારત પરની બુક પણ હું વાંચી ચૂક્યો છું. આ બધી બુક્સ તમને તમારી રોજિંદી લાઇફમાં પણ ઘણી મદદરૂપ થાય છે. તમને દરેક પરિસ્થિતિમાં જીવતાં અને મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. જેમ કે ભગવદ્ ગીતા, જે તમને ડગલે ને પગલે કંઈક ને કંઈક શીખ આપે છે.’

જૈન ધર્મની પુષ્કળ બુક્સ વાંચી નાખી છે : અર્હમ અને આદિત્ય શાહ, કાંદિવલી
કાંદિવલીમાં રહેતાં દસ વર્ષનાં ટ્વિન્સ બાળકો અર્હમ અને આદિત્ય શાહ પોતાના વાંચનના શોખ વિશે કહે છે, ‘અમને બન્નેને ધર્મની બુક વાંચવાનો ખૂબ જ શોખ છે. અમારા મહારાજસાહેબની અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલી મોટા ભાગની બુક્સ અમે વાંચી ચૂક્યા છીએ. તેમ જ જૈન ધર્મને ઊંડાણપૂર્વક સમજવા માટે અમે ધાર્મિક વિડિયો પણ જોઈએ છીએ. જૈન ધર્મ જ નહીં, પરંતુ હિન્દુ ધર્મની બુક અને સિરિયલ પણ જોવાનું ગમે છે. મહાભારત, રામાયણ, કૃષ્ણ, ગણેશ જેવી સિરિયલ અમે જોઈએ છીએ. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. ઘરના તમામ સભ્યો ધાર્મિક બાબતોની સાથે જોડાયેલા છે એટલે અમને પણ એમાં રસ વધ્યો છે. અમારો વાંચનનો શોખ ઘણી વખત અમારી મમ્મી માટે માથાનો દુખાવો પણ બને છે, કેમ કે જમવાના સમયે અને હોમવર્ક કરવાના સમયે પણ અમે જ્યારે બુક લઈને બેસી જઈએ છીએ ત્યારે મમ્મી ચિડાય છે.’

સીએની એક્ઝામ આપી રહી છું પરંતુ ઍસ્ટ્રોલૉજીનો અભ્યાસ વધારે કરું છું : વિધિ દેસાઈ, ગ્રાન્ટ રોડ
મને ઍસ્ટ્રોલૉજી જાણવાનો શોખ છે. હું અત્યારે સીએ કરી રહી છું છતાં જેવો સમય મળે કે તરત ઍસ્ટ્રૉલૉજીની બુક લઈને બેસી જાઉં છું એમ જણાવતાં ૨૭ વર્ષની વિધિ દેસાઈ કહે છે, ‘મને પહેલાંથી માઇથોલૉજીમાં ઘણો રસ રહ્યો છે. ન્યુઝપેપરમાં આવતા બધા માઇથોલૉજીના આર્ટિકલ્સ વાંચું છું. એને સંબંધિત બુક્સ પણ વાંચતી રહું છું. પરંતુ ઍસ્ટ્રૉલૉજી પ્રત્યે મને વધુ ખેંચાણ છે. મારે જ્યોતિષી નથી બનવું, પરંતુ મને શીખવું છે. ગ્રહોને સમજવાની કોશિશ કરું છું. એમાંથી કંઈક નવું શોધવાના અને જાણવાના પ્રયત્નો કરતી રહું છું. મારા ફ્રેન્ડ્સ હંમેશાં કહેતા રહે છે કે શું આખો દિવસ ઍસ્ટ્રૉલૉજીની બુકમાં માથું નાખીને બેસી રહે છે, અમને પણ સમય આપ.’

columnists darshini vashi