પત્નીના ગયા પછી એકલા જ જીવવાનું નક્કી કરેલું, પણ હવે અઘરું લાગે છે

28 July, 2020 09:40 AM IST  |  Mumbai | Sejal Patel

પત્નીના ગયા પછી એકલા જ જીવવાનું નક્કી કરેલું, પણ હવે અઘરું લાગે છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી જિંદગીમાં ખૂબ ઉતારચઢાવ રહ્યા છે. લવમૅરેજ કરેલાં, પણ વાઇફને બહુ યંગ એજમાં કૅન્સર થયું અને તે સાથ છોડીને જતી રહી. તેની તબિયત નબળી રહેતી હોવાથી અમે કોઈ બાળક પણ નહોતું કર્યું. જોકે તેના ગયા પછી મેં નક્કી કરેલું કે હવે જીવનમાં કોઇનેય પત્નીનું સ્થાન આપવું નથી, પણ મારા પેરન્ટ્સ અને મારા મિત્રો મને ફરીથી લગ્ન કરવાનો ખૂબ આગ્રહ કરતા. આ બધાને મેં ઘસીને ના પાડી દીધેલી અને મને એકલા જ રહેવાની આદત પડી ગઈ છે એવું લાગેલું. જોકે તેને ગયાને હજી તો પાંચ જ વર્ષ થયાં છે અને હું બહુ વિચિત્ર દ્વિધામાં મુકાયો છું. આ પાંચ વર્ષમાં કારણ કે પત્ની નથી એટલે દોસ્તો સાથે ઘૂમવા-ફરવાનું પણ ઘટી ગયું. મોટા ભાગે બધા કપલમાં જ ફરવા જતા હોય અને હું એકલો હોઉં એટલે તેમની સાથે જવાનું ટાળું. ધારો કે જાઉં તો બધા ફરીથી લગ્ન કરવા દબાણ કરે. હું ખૂબ ઇન્ટ્રોવર્ટ છું એટલે મને લાગતું કે મને હવે જીવનસાથીની જરૂર નથી. મારી ઉંમર ૩૯ વર્ષ છે અને કામકાજની દૃષ્ટિએ સેટલ છું. જોકે છેલ્લા થોડાક મહિનાઓમાં હું એકલો રહીને ખૂબ જ ઉબાઈ ગયો. મને લાગતું હતું કે હું એકલો જીવી જઈશ, પણ એક વાત મને સમજાય છે કે કદાચ અત્યારે તો કામમાં વ્યસ્ત છું એટલે સમય નીકળી જાય છે, પણ રિટાયર થઈશ પછી શું? ગયા વર્ષે જ પપ્પાને ગુમાવ્યા છે અને હવે મમ્મીને એકલી જિંદગી કાઢતાં જોઉં છું ત્યારે લાગે છે કે પાછલી જિંદગીમાં બહુ અઘરું પડશે. આ ત્રણ-ચાર મહિનામાં મને સમજાયું કે ભલે હું ઇન્ટ્રોવર્ટ છું, પણ મનેય સતત કોઈક હ્યુમન કૉન્ટેક્ટની ઇચ્છા રહે છે. સાવ જ કોટડીમાં રહેતો હોઉં એવી એકલવાયી જિંદગી જીવવાનું મને નહીં ફાવે. એમ છતાં લગ્ન કરીને પત્નીના સ્થાને કોઈને બેસાડવા માટે મન નથી માનતું. યસ, એ બાબતે હું હજી ઇમોશનલ છું. એકલાવાયાપણું દૂર કરવું છે, પણ હવે દોસ્તો સાથે પણ થોડીક દૂરી બની ગઈ છે. નવેસરથી બધું ગૂંથવું પડશે એવું લાગે છે જે ક્યારેક હતાશા જન્માવે છે.

જવાબ: ઇન્ટ્રોવર્ટ હોવું એનો મતલબ એ ક્યારેય નથી કે માણસને બીજા માણસની હૂંફની જરૂર નથી હોતી. જેને ભરપૂર પ્રેમ કરેલો એવી પત્નીનો સાથ છૂટ્યા પછી પણ તેની યાદ સાથે એકલા જીવી લેવાનો તમે નિર્ણય કર્યો હતો એ દર્શાવે છે કે તમે ખૂબ ભાવનાપ્રધાન વ્યક્તિ છો.  ઇન્ટ્રોવર્ટ વ્ય‌ક્તિ જો પોતાની ભાવનાઓ અને લાગણીઓને મનમાં ને મનમાં જ ધરબી રાખે તો એ ક્યારેક સ્પ્રિન્ગની જેમ ઊછળે છે. લાગણીઓ વહેતી રાખવામાં જ મજા છે. ભલું થજો કે હાલના લૉકડાઉનના પિરિયડે તમારી આંખ ખોલવાનું કામ કર્યું છે. આ લૉકડાઉને તમને કલ્પના કરાવી છે કે ઘડપણમાં જ્યારે તમે પ્રવૃત્તિ વિના ઘરમાં રહેશો ત્યારે આ જ ઘર એકલતાને કારણે ખાવા ધાશે. આ સમયગાળાએ તમને રિયલાઇઝ કરાવ્યું છે કે તમે પોતે પણ જીવનમાં કોઈક સાથી-સંગી હોય તો સારું એવું ઇચ્છી રહ્યા છો.

કદાચ તમને એવું લાગી રહ્યું છે કે જો તમે બીજાં લગ્ન કરશો કે બીજી વ્યક્તિને જીવનમાં સ્થાન આપશો તો પહેલા પ્રેમને અન્યાય કરી બેસશો. આ ગિલ્ટને કારણે તમે નવા સંબંધમાં પ્રવેશતાં અચકાઈ રહ્યા છો. યાદ રાખજો, દરેક વ્યક્તિનું આપણા જીવનમાં અનોખું સ્થાન છે. પહેલી પત્નીનું સ્થાન કોઈ જ લઈ શકવાનું નથી. બીજી પત્નીનું પણ તમારા જીવનમાં યુનિક સ્થાન જ હશે. નવો સંબંધ નહીં બાંધવાની મનમાં કરેલી ગાંઠને છોડવાનો આ સમય છે. કોઈ પણ ગિલ્ટ વિના, પહેલી પત્ની માટેના પૂરા પ્રેમ અને આદર સાથે તમે જીવનમાં આગળ વધો એનો આ સંકેત છે એમ સમજી લો.

columnists sejal patel