શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદિક આહાર પ્રણાલી

30 November, 2020 03:10 PM IST  |  Mumbai | Varsha Chitaliya

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદિક આહાર પ્રણાલી

પ્રતીકાત્મક તસવીર

ઠંડીનો ચમકારો વર્તાય એટલે મુંબઈગરાઓને અડદિયા યાદ આવે. બારેમાસ બહારનો કચરો ખાવા ટેવાયેલી આ શહેરની અડધોઅડધ પ્રજા દુકાનદારના ભરોસે અડદિયા, ખજૂરપાક, ગુંદરપાક, મેથીના લાડુ ખાધાનો સંતોષ માની લેતી હોય છે. જોકે કોરોના સંક્રમણે આપણા કિચનને રીઇન્વેન્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક કાઢા અને હળદરવાળું દૂધ પીવું કેટલું જરૂરી છે એ નાનાં બાળકોને પણ સમજાય છે. શરીર અને પેટને બગાડતા જન્ક ફૂડને જાકારો આપી ગૃહિણીઓ હવે ઘરમાં જ સાત્ત્વિક વાનગીઓ બનાવવા લાગી છે. વર્તમાન ઋતુમાં કોરોના સંક્રમણના કેસ વધવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલો આહાર તમારા શરીરને નીરોગી રાખશે. વસાણાં તો તમે ખાવાના જ છો, પરંતુ દૈનિક આહારમાં શું ખાશો? રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક આહાર પ્રણાલી અપનાવવાનો સમય પાકી ગયો છે ત્યારે સવારના નાસ્તાથી લઈ રાતના ડિઝર્ટ સુધી શું ખાવું જોઈએ એ જાણી લો.

રસોઈમાં મૉડિફિકેશન

પહેલાંના સમયમાં શીતકાળમાં શરીરને ઉષ્ણ રાખવા વિવિધ જડીબુટ્ટીઓ નાખીને ગૃહિણીઓના હાથે બનાવેલાં વસાણાં ખાવાનું ચલણ હતું. આજે પણ દાદીની ઉંમરની મહિલાઓ શિયાળુ પાકમાં કયાં ઓસડિયાં નાખવાનાં છે અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ જાતે નક્કી કરે છે. વાતની શરૂઆત કરતાં આયુર્વેદ મેડિસિન નિષ્ણાત ડૉ. નિખિતા શેરે કહે છે, ‘છેલ્લા દાયકામાં પરંપરાગત વાનગીઓથી આપણે વિમુખ થઈ ગયા હતા. કોરોનાએ ફરીથી ભારતની પ્રાચીન વૈદિક પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવેલા આહાર તરફ સૌને વાળ્યા છે. આ વર્ષે તહેવારની મોસમમાં સૂંઠ, હળદર, ગિલોઇ, રાગી, મગજતરી, અળસી, ગુંદર, ગાયનું ઘી, ગોળ, અશ્વગંધા, ડ્રાયફ્રૂટ્સ વગેરે દેશી ઓસડિયાંમાંથી બનાવેલા વૈદિક લાડુનું વેચાણ ટૉપ પર રહ્યું હતું એ દર્શાવે છે કે ભારતીયો હેલ્થ પ્રત્યે સભાન થયા છે. શિયાળો છે એટલે લાડુ અને અડદિયા પાક ઉપરાંત ઇમ્યુનિટી બૂસ્ટર માટે નીચે પ્રમાણે રસોઈમાં ફેરફારો કરવાથી મહામારી સામે લડવા શરીરને બળ મળશે.’

સવારનો નાસ્તો : તમારો દિવસ આયુર્વેદ સાથે શરૂ કરશો તો રોગ નજીક ફરકશે નહીં. એક પ્રકારનો નાસ્તો રોજ ન ભાવે એટલે મૉર્નિંગ બ્રેકફાસ્ટ માટે ફ્રૂટ અને પૉરિજ એમ બે ઑપ્શન રાખવા. પહેલાં વાત કરીએ સ્ટીમ ફ્રૂટ્સ ડિશની. આ ઋતુમાં શરીરને સ્ફૂર્તિલું રાખવા આમળાં ખાસ ખાવાં જોઈએ. સફરજન, આમળાં અને પાઇનૅપલ અથવા કોઈ પણ સીઝનલ ફ્રૂટને સ્લાઇસની જેમ સમારી શુદ્ધ ઘી લગાવેલી થાળીમાં ગોઠવી દો. એના પર તજ-લવિંગના ત્રણ-ચાર ટુકડા અને ગોળનો ગાંગડો મૂકો. ઢોકળાંની થાળી મૂકો છો એવી રીતે ફ્રૂટ્સને પાંચ મિનિટ સ્ટીમ આપો. આયુર્વેદ પદ્ધતિમાં ફળને બાષ્પ એટલે કે વરાળમાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવી છે. ફ્રૂટ્સની સાથે પાથરવામાં આવેલા

તેજ મસાલા અને ગોળનો ટેસ્ટ બેસી જવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સેકન્ડ ચૉઇસ છે પૉરિજ. કડાઈમાં ગાયનું ઘી લઈ એક ચમચી નાચણીના લોટને રવાની જેમ શેકી લો. શેકાઈ ગયા બાદ દૂધ નાખો. વીગન હોય એવા લોકો કોકોનટ મિલ્ક નાખી શકે છે. ગળપણ માટે ગોળ અથવા મિસરી ઉમેરો. ઊકળે પછી વાટકામાં કાઢી ઉપરથી કાજુ-બદામની કાતરી ભભરાવી ગરમાગરમ પીઓ. શિયાળાની ઋતુ માટેની આ શ્રેષ્ઠ રાબ છે.

આયુર્વેદિક થાળી : થાળી એટલે

દાળ-ભાત, શાક-રોટલી, દહીં-છાશ સહિતનું સંપૂર્ણ ભોજન. આયુર્વેદિક થાળીમાં મધુર (ગળપણ), આમ્લ (ખટાશ) અને લવણ (નમક) ત્રણેય રસ હોવા જોઈએ. સૌથી પહેલાં ઘઉંમાંથી બનાવેલી રોટલીને સાઇડ પર મૂકી દો. દરેક ગૃહિણીએ ઘઉં ઉપરાંત બાજરી, જુવાર, નાચણી, ચોખાનો લોટ પણ ઘરમાં રાખવો જોઈએ. જુદા-જુદા લોટને ચાળ્યા વગર મિક્સ કરી ભાખરી અથવા સહેજ જાડી રોટલી બનાવીને પીરસો. દાળ-શાકને તમારા ટેસ્ટ પ્રમાણે બનાવતી વખતે ઉપર જણાવેલા ત્રણેય રસ આવી જવા જોઈએ. આ સાથે શ્રીખંડ, ખીર, દહીં, પનીર જેવી કોઈ પણ એક ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરવો. શિયાળામાં શિંગદાણાનું પ્રમાણ વધુ હોય એવી ચટણી ખાવી. તમને થશે રોજ આવી ભારે થાળી જમવાની? ઠંડીની મોસમમાં ભારે ખોરાક સહેલાઈથી પચી જાય છે તેમ જ શરીરમાં શક્તિનો સંચાર થાય છે. દેશી પદ્ધતિથી બનાવવામાં આવેલા આહારથી વજન નિયંત્રણમાં રહે છે તેથી ભય રાખ્યા વગર પેટ ભરીને સાત્ત્વિક અને પૌષ્ટિક થાળી જમવાનો આનંદ લો.

સાંજનો નાસ્તો : સવારે સરસ નાસ્તો અને બપોરે વ્યવસ્થિત જમ્યા બાદ સાંજના નાસ્તાની જરૂર રહેતી નથી તેમ છતાં ભૂખ લાગે તો આ સમયે સક્કરપારા, ચેવડો, ફરસી પૂરી જેવો ઘરમાં બનાવેલો સૂકો નાસ્તો કરી શકો છો. સાંજના સમયે નાનાં બાળકોને વેફર્સ અને ચિપ્સ જેવા ચટપટા સ્નૅક્સ જોઈએ છે. તેમને બટેટાની કાતરી કરીને આપો. ખજૂર રોલ, કોકોનટ વિથ ડ્રાયફ્ટૂ્સ ચૉકલેટ્સ જેવા ઑપ્શન પણ આપી શકાય. શિયાળામાં બૉડીને નરિશમેન્ટની જરૂર પડે છે. આ ઋતુમાં તલનું તેલ, શિંગતેલ અથવા ઘીમાં બનાવેલો નાસ્તો પચી જાય છે.

ડિનરમાં શું? : આટલું વાંચ્યા પછી તમને થશે કે ડિનરમાં ફરી ભાખરી, ખીચડી-કઢી જેવી દેશી થાળી જમવાની સલાહ મળશે. ના રે ના, આખો દિવસ કંઈ રોટલા ને ભાખરી આપણને થોડા ભાવે? ડિનરમાં બનાવીશું દેશી સ્ટાઇલના ઢોસા. સામાન્ય રીતે ગૃહિણીઓ ચોખા-અડદની દાળને પલાળીને ઢોસાનું ખીરું તૈયાર કરે છે. પીત્ઝા અને પાસ્તા કરતાં ઢોસા સો ટકા પૌષ્ટિક છે, પરંતુ રાતના સમયે આથાવાળી વાનગીઓ પચવામાં ભારે પડે છે એટલે એમાં ચેન્જિસ લાવો. અડદની દાળની જગ્યાએ મગની ફોતરાવાળી દાળ વાપરવી. ત્રણ-ચાર કલાક પલાળી વાટી લો અને એકાદ કલાકમાં ઢોસા ઉતારો. વધુ આથો આપવાની જરૂર નથી. ખીરામાં મરી પાઉડર નાખો. ઢોસા ઉતારતી વખતે તવી પર માખણ અથવા ઘી લગાવો. નાળિયેરની ચટણી સાથે પીરસો. ખીરામાં જુદા-જુદા શાકભાજી નાખી પૂડલા (ઉત્તપમ) બનાવી શકાય. મરી, તજ, લવિંગ, એલચી જેવા મસાલા ઉમેરી પરિવારના સભ્યોની પસંદગી પ્રમાણે જન્ક ફૂડને દેશી સ્ટાઇલમાં કન્વર્ટ કરો. જોકે પેટ ભરીને ન જમવું, કારણ કે ડિઝર્ટ બાકી છે.

ડિઝર્ટ : આયુર્વેદમાં દૂધ-દહીંના સેવન પર ભાર મૂકવામાં આવ્યો છે. દહીં દિવસે ખાવું જોઈએ ને રાત્રે દૂધ પીવું. ઠંડીમાં શરીરને ઉષ્ણ રાખવા સૂતા પહેલાં મસાલા મિલ્ક પીવું જોઈએ. કેસર, એલચી પાઉડર, જાયફળ, મિસરી નાખી દૂધને સરખી રીતે ઉકાળી ગરમાગરમ પીવાથી ઊંઘ સારી આવે છે. નાનાં બાળકોને હૉટ કોકો મિલ્ક બનાવીને આપી શકાય. કોકોનો ટેસ્ટ બિટર હોવાથી એમાં સહેજ દેશી મસાલા ઉમેરી દેશો તો ખબર નહીં પડે અને ફાયદો પણ કરશે. રોગ અને ઋતુને ધ્યાનમાં રાખી સાત્ત્વિક આહાર લેવાથી પરિવારના દરેક સભ્યની તબિયત સારી રહેશે.

શિયાળાની મોસમમાં શરીરને નરિશમેન્ટની જરૂર હોવાથી તેલ-ઘીવાળો ભારે ખોરાક સહેલાઈથી પચી જાય છે. સવારના નાસ્તાથી લઈ રાતના ડિઝર્ટ સુધી મધુર, આમ્લ અને લવણ રસના સંયોજન સાથે બનાવેલી વાનગીઓ આરોગવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે વજન વધવાનો ભય રાખ્યા વગર પેટ ભરીને સાત્ત્વિક અને પૌષ્ટિક વાનગીઓના રસથાળનો આનંદ લેવો જોઈએ

- ડૉ. નિખિતા શેરે, આયુર્વેદ મેડિસિન એક્સપર્ટ

ગૃહિણીઓ માટે આયુર્વેદિક કિચન ટિપ્સ

પૉલિશ્ડ ખાંડના ડબ્બાને રવાના કરી મિસરી અથવા ખડી સાકરને મિક્સરમાં પીસીને ડબ્બો ભરી રાખો. રસોઈમાં ગોળ વાપરો એ બેસ્ટ છે, પરંતુ સાકરની જરૂર છે ત્યાં આ બુરું વાપરવું.

રસોઈમાં તેજ મસાલા વાપરવાની ટેવ કેળવાય એ માટે મસાલાના ડબ્બાને મૉડિફાય કરો. એમાં તજ, લવિંગ, એલચી, મેથી, મરીની વાટકી હશે તો આપોઆપ રસોઈમાં પડવા લાગશે.

દાળ-શાકના વઘારમાં તલનું તેલ અથવા ગાયનું ઘી વાપરવાની ટેવ પાડવી.

શરીરને ઑઇલિંગની જરૂર પડે છે. એ માટે ડ્રાયફ્રૂટ્સનો મહત્તમ ઉપયોગ કરવો. ખિસ્સાને પરવડે એમ ન હોય તો શિંગદાણા, તલ અથવા નાળિયેર વાપરી શકાય.

આર્ટિફિશ્યલ કલરના બદલે હળદર અને કેસરનો ઉપયોગ કરવાથી વાનગીનું ટેક્સ્ચર

સારું આવશે અને શરીરને પણ ફાયદો થશે.

કોથમીરની ચટણી બનાવતી વખતે ફુદીનો, મીઠો લીમડો અને બે-ત્રણ તુલસી પત્ર

ઉમેરી શકાય.

રોટલી-ભાખરીનો લોટ બાંધતી વખતે ચપટી મરી પાઉડર ઉમેરવાથી ભારે ખોરાક સહેલાઈથી પચી જશે.

ફ્રિજમાં ચૉકલેટ્સની જગ્યાએ આંવલા કૅન્ડી રાખો અને મુખવાસની ટ્રેમાં અજમો તેમ જ ડ્રાય સીડ્સ રાખવાં.

આ નોંધી લો

શિયાળુ પાકમાં ઘીનું પ્રમાણ વધુ હોવાથી હેલ્થ કૉન્શિયસ અને ડાયટને ફૉલો કરતા લોકો અડદિયાની અવેજીમાં મેથીના લાડુ પ્રિફર કરે છે. ડૉ. નિખિતાના મતે આ સીઝન મેથીના લાડુ ખાવાની નથી. મેથીની પ્રકૃતિ કટુ છે જ્યારે શિયાળામાં મધુર રસને સર્વાધિક પ્રાધાન્ય આપવું જોઈએ. બીજું એ કે મેથીમાં ડ્રાયનેસ હોવાથી મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો તો પણ લાડવા સૂકા લાગે છે. શિયાળામાં આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. શુષ્ક ત્વચાને જીવંત રાખવા ઘીથી લસબસતાં વસાણાં જ ખાવાં જોઈએ.

columnists Varsha Chitaliya