‘અરે આ તો આપણી ઇન્દુ...’

04 October, 2022 05:44 PM IST  |  Mumbai | Sarita Joshi

અદી મર્ઝબાન અને નામદેવ લહુટે મળવા માટે ઘરે આવ્યા ત્યારે મને જોઈને તરત જ ઓળખી ગયા હતા. તેમણે મારા નાનપણનાં નાટકો જોયાં હતાં અને તેમને મારું કામ બહુ ગમ્યું હતું

આવી અનેક જ્વેલરી જરૂરિયાતના સમયમાં વેચી, જેનો અફસોસ મને ત્યારેય નહોતો અને આજેય નથી.

એક દિવસ અદી મર્ઝબાન મને મળવા આવ્યા. ભારતીય રંગભૂમિનું બહુ મોટું નામ, દિગ્ગજ વ્યક્તિત્વ. તમને કહ્યું એમ પદ્‍મા બહુ બિઝી હતી અને રોલની ઑફર થઈ પદ્‍માને એટલે તેણે કહ્યું, ‘હું તો ફ્રી નથી. તમે મારી નાની બહેનને પૂછો. કદાચ તે રોલ કરવા તૈયાર થઈ જાય.’

આવતી કાલે વિજયાદશમી છે, દશેરો આપણો. એયને મસ્ત રીતે નાસ્તા-પાણી સાથે દિવસ શરૂ થશે અને રજાનો આનંદ માણવામાં આવશે, પણ હું તમનું શું કહું છું, આ વિજયાદશમીએ નક્કી કરજો કે અસુરનો વધ થાય અને સુરનો વિજય થાય. વિજય પણ થાય અને સુર જ આ સંસારમાં ટકી રહે એને માટે પ્રયાસ કરજો. જો તમને ક્યાંય પણ અસત્ય દેખાય તો જરા પણ એનાથી ગભરાટ નહીં અનુભવતા. એનો સામનો કરજો, વિરોધ કરજો અને એ વિરોધ વચ્ચે પણ યાદ રાખજો કે સત્ય પરીક્ષા બહુ લે, પણ એ પરીક્ષા માત્ર છે. હા, પરીક્ષા માત્ર. કારણ કે સત્ય ક્યારેય હારતું નથી, ક્યારેય નાપાસ થતું નથી. એ સદાય અકબંધ રહે છે, માટે આજના આ વિજયાદશમીના દિવસે તમારે બસ, એક વાત યાદ રાખવાની છે કે તમે ક્યારેય સત્યનો સાથ છોડશો નહીં અને સત્યની આંગળીએ જ આગળ વધશો. સત્ય વિજય છે અને વિજય સંસારનું પરમ સત્ય છે.
અસ્તુ.
lll
‘પરિવાર’, ‘શંકર સીતા અનસૂયા’, ‘બીસ સાલ પહલે’ અને ‘કન્યાદાન’ જેવી ફિલ્મો મેં કરી. એ ફિલ્મોમાં મારા નામની ક્રેડિટ પણ છે... સરિતા ખટાઉ.

સ્ક્રીન પર એ નામ વાંચીને હું ખરેખર બહુ પોરસાતી હતી. આ ફિલ્મો કરવાનો મારો મુખ્ય હેતુ મેં તમને ગયા અઠવાડિયે કહ્યો હતો. મારે શીખવું હતું, જાણવું હતું કે આ બધું કામ થાય કઈ રીતે અને એ સમયે તો ફિલ્મમેકિંગની એવી કોઈ સ્કૂલ હતી નહીં જેમાં જઈને તમે સિનેમા-રિલેટેડ કંઈક શીખી શકો તો મારી પાસે એવા પૈસા પણ નહોતા કે જો સ્કૂલ હોય તો હું એની ફી ભરી શકું. મૅરેજ પહેલાંની લાઇફ તો બહુ સ્ટ્રગલવાળી હતી અને મૅરેજ પછીની લાઇફમાં હવે સ્ટ્રગલ શરૂ થઈ ગઈ હતી. ઘરમાં આર્થિક સંકડામણ દેખાવા લાગી હતી અને દેખાતી એ સંકડામણની સામે બાથ ભીડવા માટે હું મારી રીતે બરાબર જહેમત ઉઠાવતી હતી. એ જહેમતની વાત કરતાં પહેલાં મારે એક વાતની યાદ દેવડાવવી છે. રાજકુમારને પણ ફિલ્મોનો બહુ શોખ હતો, ઍક્ટિંગ પણ તેમને ખૂબ ગમે એટલે જ તેઓ ફિલ્મ-પ્રોડ્યુસરોને મળતા રહે. 

તમને અગાઉ કહ્યું હતું કે તેમણે પોતાને જ લૉન્ચ કરવા માટે એક ફિલ્મ બનાવી હતી, જેમાં પોતે હીરો હતા અને એ સમયની બહુ ખ્યાતનામ ઍક્ટ્રેસ શ્યામા હતી, પણ એ ફિલ્મ ફ્લૉપ ગઈ અને એમાં રાજકુમારને બહુ નુકસાની ગઈ હતી. જોકે એ પછી પણ તેમણે ઍક્ટિંગનો સંઘર્ષ છોડ્યો નહીં અને કામ ચાલુ રાખ્યું. ઘણી ફિલ્મોમાં તેમને કેમિયો અને ગેસ્ટ અપીરન્સ કે પછી નાના રોલ મળ્યા અને તેમણે માત્ર શોખ ખાતર એ રોલ પણ કર્યા. એ જે ફિલ્મો હતી એ ફિલ્મોમાં ‘રંગા ઔર રાજા’, ‘જિની ઔર જૉની’, ‘દો ફૂલ’ અને ‘સંજોગ’ જેવી ફિલ્મો હતી. તેમણે મેહમૂદ સાથે આ સિવાયની ફિલ્મોમાં પણ કામ કર્યું. કામ કર્યાનો અહીં અર્થ એવો નથી કે તેમણે ઍક્ટિંગ કરી, તે ખુશી-ખુશી ફિલ્મમેકિંગના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં જૉઇન થતા અને પોતે પણ શીખતા અને ફિલ્મને પણ પોતાના કૌવતનો લાભ આપતા. 

રાજકુમારે આ સિવાયની પણ અનેક ફિલ્મો કરી, પણ મારે એ ફિલ્મોનાં નામ અત્યારે અહીં જાહેર નથી કરવાં, કારણ કે એ નામ સાથે તેમની સાથે જોડાયેલા તેમના પિતરાઈ અને તેમની ફૅમિલીના અન્ય સભ્યો પણ જાહેરમાં આવશે અને જ્યારે વાત મારી કે તમારી હોય ત્યારે ત્રાહિતને એનાથી કોઈ નિસબત નથી. રાજકુમારે ક્રીએટિવ સાઇડ પર પણ ૮૦ અને ૯૦ના દસકામાં અનેક ફિલ્મોમાં ભાગ લીધો અને એ ફિલ્મો સુપરહિટ રહી. આજે પણ એ ફિલ્મોનાં ગીતો આપણે ત્યાં ધૂમ મચાવે છે, પણ સાહેબ, રાજકુમારે કરી હોય અને મને બહુ ગમી હોય એવી જો કોઈ ફિલ્મ હોય તો એ ‘જિની ઔર જૉની.’ મેહમૂદની આ ફિલ્મ જો ક્યાંયથી જોવા મળે તો એક વાર જોજો તમે, બહુ મજા આવશે. એકદમ ઇમોશનલ ફિલ્મ છે અને એમાં તમને રાજકુમાર પણ જોવા મળશે, જો ઓળખી શકશો તો.
lll
પૈસાની તકલીફો વચ્ચે પણ મેં નક્કી કરી રાખ્યું હતું કે હું કામ નહીં કરું. ફિલ્મોમાં કામ કરતી, પણ એ કામ કંઈ નિયમિત નહોતું અને મને એ કામ પણ શીખવાના હેતુથી જ કરવું હતું એટલે હું મોટા ભાગનો સમય ઘરમાં જ રહેતી અને બાળકોને મોટાં કરવામાં વ્યસ્ત થઈ ગઈ. આર્થિક આવશ્યકતા વચ્ચે ઘરની સંકડામણ વચ્ચે મારા હીરા, રૂબી, પન્ના ધીમે-ધીમે વેચાવા લાગ્યા, પણ ઠીક છેને?

મને કોઈ તકલીફ નહોતી પડી. ક્યાં હું કંઈ લઈને આવી હતી અને ક્યાં મારે કંઈ સાથે લેતા જવાનું હતું. મને બધું રાજકુમારે જ આપ્યું હતું અને હજી પણ એ બધું તેનું જ હતું. મારી તો એક જ ચીજ હતી, નાનપણમાં પૈસા બચાવીને કલકત્તાથી લીધેલી એક રિંગ, જે મેં ખરીદી ત્યારે ૧૨પ રૂપિયાની આવી હતી. એ મારી પાસે હતી અને એનો મને સંતોષ હતો. હા, જો જરૂર પડે તો એ પણ આપી દેવાની મારી તૈયારી હતી, પણ મને જે આપવામાં આવ્યું હતું એ બધું તો એનાથી ક્યાંય કીમતી હતું.
lll
બસ, ઘરમાં આમ જ દિવસો પસાર થતા હતા અને પદ્‍મા કામમાં બહુ બિઝી હતી. આ એ સમયની વાત છે જે સમયે નાટકો ખૂબ ચાલવા માંડ્યાં હતાં. તારાબાઈ હૉલ, પાટકર, તેજપાલમાં પણ નાટકો થવા માંડ્યાં હતાં. 

એક દિવસ અદી મર્ઝબાન મને મળવા આવ્યા. ભારતીય રંગભૂમિનું બહુ મોટું નામ, દિગ્ગજ વ્યક્તિત્વ. તમને કહ્યું એમ, પદ્‍મા બહુ બિઝી હતી અને રોલની ઑફર થઈ પદ્‍માને એટલે તેણે કહ્યું, ‘હું તો ફ્રી નથી, તમે મારી નાની બહેનને પૂછો. કદાચ તે રોલ કરવા તૈયાર થઈ જાય.’ નામદેવ લહુટે, હું જેમને આ ક્ષણે અંતઃકરણથી યાદ કરું છું. નામદેવજી ભવાઈમાં એક્સપર્ટ. એ નાટક હતું ‘બળવંતની બેબી.’ મારું કલાકેન્દ્રનું પહેલું નાટક, જેમાં પડદો નહોતો, પણ સેટ હતો. પહેલાંનાં નાટકોમાં એવું બનતું કે સ્ટેજ પર મોટો પડદો લાગી ગયો હોય અને એ પડદામાં ઘર કે પછી સોસાયટી કે પછી જે લોકેશન હોય એ ચીતરેલું હોય. સેટવાળાં નાટકો ઓછાં બનતાં અને જે સેટવાળાં નાટક હોય એની તો જાહેરખબરમાં પણ લખાય, ‘સેટવાળું નાટક.’ 
નામદેવ લહુટે, અદી મર્ઝબાન, લાલુભાઈ શાહ, ચંદ્રકાંત શાહ. કેવાં-કેવાં નામ, કેવું કેવું વ્યક્તિત્વ. કેટકેટલું ટૅલન્ટ. 

પદ્‍માએ કહ્યું એટલે તેઓ મને મળવા ઘરે આવ્યા અને ઘરે આવતાની સાથે જ મને ઓળખી ગયા, ‘અરે, આ તો સરિતા, ઇન્દુ છે.’ 

નામદેવ લહુટેનું કુટુંબ બહુ મોટું, બહુ જાણીતું નામ, રાજદરબારના માણસો. મરાઠા પરિવાર સાથે જોડાયેલા. નામદેવજી મને કહે કે ‘તું તો નાનપણમાં કેટલું સરસ કામ કરતી અને પછી તો સાવ જ દેખાતી બંધ થઈ ગઈ.’ મેં તેમને મારી બધી વાત કરી અને એ પણ કહ્યું કે મને કૉમેડી નાટકો નથી કરવાં. ત્યારે તેમણે મને સમજાવ્યું અને કહ્યું કે ‘તું બહુ સારી ઍક્ટ્રેસ છે. તું આ નાટક કર, ખરેખર તને મજા આવશે.’ ‘મારા પર વિશ્વાસ રાખીને તું હા પાડી દે ઇન્દુ, બહુ મજા આવશે...’

sarita joshi columnists