હા, સાચે, મને ભાખરી બનાવતાં નથી આવડતું

06 January, 2021 05:44 PM IST  |  Mumbai | Rashmin Shah

હા, સાચે, મને ભાખરી બનાવતાં નથી આવડતું

અલ્પના બુચ

૯૯.૯૯ ટકા ગુજરાતી ઘરોમાં ભાખરી વિના ચાલે નહીં અને એટલે જ ૧૦૦ ટકા સ્ત્રીઓને ભાખરી બનાવતાં આવડતું જ હોય, પણ સ્ટાર પ્લસની નંબર-વન સિરિયલ અનુપમાની અનુપમાનાં સાસુ લીલા શાહ એટલે કે અલ્પના બુચને ભાખરી બનાવતાં નથી આવડતી. અઢળક ગુજરાતી નાટકો અને હિન્દી સિરિયલ કરી ચૂકેલાં અલ્પના બુચ અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે વાત કરતાં કહે છે, ‘ભાખરી એક જ નહીં, ભાખરીની જેમ મને ગોળપાપડી બનાવતાં પણ નથી આવડતી. ટ્રાય કરું તો પણ ક્યારેય મારાથી એ સરખી બને જ નહીં’

છેલ્લા એક વર્ષમાં મારે માટે ફૂડી હોવાની આખી વ્યાખ્યા બદલી ગઈ. પ્રોફેશનલી અને પર્સનલી હું એવું માનતી કે એક એજ પર પહોંચ્યા પછી તમારે તમારા ડાયટ પર થોડો કન્ટ્રોલ કરવાનો શરૂ કરી દેવો જોઈએ, પણ મારી આ મેન્ટાલિટીમાં લૉકડાઉને થોડો ચેન્જ કરીને સમજાવ્યું કે આપણી જરૂરિયાત સાચે જ કેટલી ઓછી છે. જો આપણે થોડા વાજબી બનીને, જરૂરિયાત મુજબનું જીવન જીવીએ તો આપણે જે વધારે ખર્ચતા હતા કે પછી કહો કે જે વેડફાટ કરતા હતા એનાથી બીજા લોકોની જરૂરિયાતમાં કેવો મોટો ટેકો મળી જાય. લૉકડાઉન પિરિયડમાં આપણે જોયું કે દૂધની વૅલ્યુ શું છે અને બ્રેડના એક પૅકેટની વૅલ્યુ શું છે. પૈસાની દૃષ્ટિએ આપણે ક્યારેય એ બધા પર બહુ ધ્યાન નહોતું આપ્યું, પણ લૉકડાઉન સમયે બધી રીતે આપણને આ બધી ચીજવસ્તુઓની કિંમત સમજાઈ ગઈ અને એ જરૂરી પણ હતું. જો હું ગયા વર્ષની શરૂઆતમાં મારી ફૂડ-હૅબિટ વિશે વાત કહેવા આવી હોત તો જુદી જ વાત થતી હોત અને હવે,­­ આજે જે વાત કહેવાની છે એ સાવ જુદી જ થવાની છે. કારણ કે આખી લાઇફ ચેન્જ કરી નાખે એવો પિરિયડ વચ્ચે પસાર થયો. ગયા માર્ચ મહિના સુધી અમે વીકમાં મિનિમમ બે વખત બહાર ડડિનર માટે જતાં હોઈશું, પણ હવે હાર્ડ્લી મહિનામાં એકાદ વખત બહારથી ફૂડ મગાવતા હોઈએ છીએ. હવે ટેસ્ટ કરતાં ફૂડની હેલ્ધિનેસ મહત્ત્વની બની ગઈ છે અને બધાએ એ બાબત પર ધ્યાન આપવાની જરૂર હોય એવું મને લાગે છે.

ફૂડ-ચાર્ટ

મારા દિવસની શરૂઆત ગરમ પાણીથી થાય. ગરમ પાણીમાં વેરિયેશન હોય. કોઈક વાર તુલસીના અર્કનાં ડ્રૉપ્સ નાખું તો કોઈક વાર આદુંના રસવાળું ગરમ પાણી પીવાનું રાખું પણ પહેલાં ગરમ પાણી પીવાનું અને એ પછી બ્રેકફાસ્ટ. મારો બ્રેકફાસ્ટ હેવી હોય. પૌંઆ, ઉપમા, વેજિટેબલ સૅન્ડવિચ કે ઓટ્સ હોય. સવારની એનર્જી માટે અને જેકંઈ જરૂરી છે એ બધું આ નાસ્તામાં હોય છે એટલે આ નાસ્તો મારો ફેવરિટ બની ગયો છે. હેવી બ્રેકફાસ્ટ પછી ૧૧ વાગ્યે ફ્રૂટ-બ્રેક. ફ્રૂટ-બ્રેકમાં ફ્રૂટ લેવાનું અને બીજી વાત, એમાં કોઈ જાતની પ્રોસેસ નહીં કરવાની. ઘણાં ફ્રૂટ પર હની નાખે કે પછી મિલ્ક કે ક્રીમ ઍડ કરે. ઘણાને જીરાળું પણ નાખવાનું ગમતું હોય છે, પણ નહીં, હું ફ્રૂટ પર કશું જ ઍડ કરતી નથી. પપૈયા જેવા ફ્રૂટમાં ધારો કે મીઠાશ ન હોય તો પણ એમાં ઉપરથી કશું નાખવાનું નહીં, નૅચરલ કે પછી કહો રો ફ્રૂટ જ ખાવાનું. મારાં ફ્રૂટ્સમાં મોટા ભાગે કેળાં, ઍપલ, ઑરેન્જ કે પછી સીઝનલ ફ્રૂટ હોય. વચ્ચે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે હું મખાના કે ડ્રાયફ્રૂટ્સ ખાઈ લેતી હોઉં છું.

લંચ હું ઘરેથી જ લઈ જાઉં. મારી અત્યારની સિરિયલ ‘અનુપમા’ના સેટ પર એક નિયમ છે કે લંચ-બ્રેકમાં બધાએ સાથે જ લંચ કરવાનું. ડિરેક્ટરથી માંડીને તમામ ઍક્ટરો સાથે અમે જમીએ. મોટા ભાગના કલાકારોનું પોતાનું ટિફિન હોય તો સાથે સેટ પર જે લંચ હોય એ પણ હોય એટલે બધાનાં ફૂડનો ટેસ્ટ કરવા મળે. મારે એક વાત કહેવી છે કે અત્યારના સમયે મોટા ભાગના લોકો હેલ્થ વિશે જાગ્રત થયા છે. કોવિડ પછી ખાસ આ વાત મેં નોટિસ કરી છે. ઍક્ટર તો પોતાના લુક માટે કૅરફુલ હોય, પણ ઍક્ટર સિવાય પણ લોકો બહુ સજાગ બન્યા છે. ડિરેક્ટર, કૅમેરામૅન, કોરિયોગ્રાફર બધા ખાવાની બાબતમાં હવે થોડી કૉન્સિયશનેસ રાખે છે જે સારી વાત છે. હવે પહેલાં જેવાં ઑઇલી શાક જોવા નથી મળતાં કે તળેલાં કે વધારે તીખાશવાળા ખોરાક જોવા નથી મળતા.

લંચ પછી સાંજે પાંચેક વાગ્યે ઓટ્સ બિસ્કિટ, પૌંઆ, મમરા, ખાખરા કે ઉપમા જેવો હળવો નાસ્તો હોય. સાંજના નાસ્તાની અમારા સેટ પર નિરાંત છે. મોસ્ટ્લી રવા ઇડલી, રવા ઢોસા કે એવી આઇટમ હોય એટલે હેલ્ધી નાસ્તો થઈ જાય. આ જે નાસ્તો છે એ મારું દિવસનું લાસ્ટ ફૂડ. ફરીથી ભૂખ લાગે તો ૭ વાગ્યા સુધીમાં ખાઈ લેવાનું, પણ એ પછી કાંઈ ખાવાનું નહીં. રાતે માત્ર ગોલ્ડ મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ. એ સિવાય બીજું કશું નહીં લેવાનું.

નો સ્વીટ્સ

મીઠાઈ મને ભાવતી નથી એવું નથી, પણ હવે એ ન ખાવી જોઈએ એવું મને લાગે છે અને એટલે હું એ અવૉઇડ કરું છું. ‘અનુપમા’ના સેટ પર તો એવો નિયમ છે કે દર બીજા અને ત્રીજા દિવસે સેટ પર મીઠાઈ આવે જ આવે. કહો કે બધાને મીઠાઈ મગાવવાનું બહાનું જોઈતું હોય છે. ટીઆરપી સારી આવી, પાર્ટી, મગાવો મીઠાઈ. બધા સમયસર આવી ગયા આજે, પાર્ટી, મગાવો મીઠાઈ. બસ. તમારે પાર્ટી યાદ કરાવવાની એટલે તરત જ કોઈ ને કોઈ મીઠાઈ લેવા ભાગી જાય, પણ હું તમને કહીશ કે જો તમે ૪૦ વટાવી ચૂક્યા હો તો હવે સમય આવી ગયો છે કે મીઠાઈ ખાવાનું તમે ઓછું કરવા માંડો. મીઠાઈ ખાવાનું છોડ્યા પછી તમને ગોળ જેવી વરાઇટી પણ સ્વીટ્સ જેવી લાગશે અને અડદિયાની એકાદ કણી પણ તમને બહુ મોટી લાગશે, પણ એને માટે એક વાર એ બધું છોડવું પડશે. ખાંડ છોડવી હેલ્થ માટે ખૂબ આવકારદાયક છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે ગોળની પણ ચા બને છે, એ ચા કેમ બનાવવી એના વિડિયો યુટ્યુબ પર જોવા મળશે.

કિચન-ક્વીન

મારા પાસ્તા બહુ સરસ બને. મને ભાવે પણ ખરા. જો મને ૩૬પ દિવસ પાસ્તા જ ખાવાનું આવે તો મને વાંધો ન આવે. રેડ અને વાઇટ એમ બન્ને સૉસના પાસ્તા મને ભાવે અને બનાવતાં પણ ફાવે. પાસ્તામાં હું મારા ભાવતાં વેજિટેબલ્સ પણ ઍડ કરું જેને લીધે પાસ્તાનો ટેસ્ટ બદલાઈ જાય. હમસ પણ મને ભાવે અને એ પણ હું ઘરે જ બનાવું છું. મને મારા હાથનું જ બનાવેલું જમવાનું ભાવે. કહો કે મારા ફૅમિલી-મેમ્બરને પણ એવું જ એટલે કુકિંગ મારી જવાબદારી છે. ઘરે મેઇડ છે ખરી પણ એ મને કટિંગ-ચૉપિંગ જેવા કામમાં હેલ્પ કરવા માટે, કુક તો બધું મારે જ કરવાનું.

હું કુકિંગ મારાં મમ્મી પાસેથી શીખી છું એવું કહેવાને બદલે કહીશ કે કુકિંગ મને બે માએ શીખવ્યું છે. મારાં મધર કુસુમબહેન વર્કિંગ વુમન એટલે તેમની પાસેથી હું ઓછામાં ઓછા સમયમાં બેસ્ટ ફૂડ કેમ બનાવવું એની કળા શીખી તો ટેસ્ટ અને પર્ફેક્શન મને મારાં સાસુ ભારતીબહેને શીખવ્યાં. મારાં સાસુ લાજવાબ કુક. તેમની રસોઈમાં એટલું પર્ફેક્શન કે તમે આજે તેમના હાથની કોઈ વરાઇટી ચાખો અને પછી બે વર્ષ પછી એ જ વરાઇટી ટેસ્ટ કરો તો એક ટકો પણ એમાં ફરક જોવા ન મળે. રસોઈમાં મીઠું વધારે પડી ગયું કે પછી કંઈ બળી ગયું એવું ક્યારેય સાંભળ્યું નથી. અરે, ઘરે કાજુકતરી કે અડદિયાં બનાવે તો એના એકેક પીસનો શેપ પણ એકસરખો જ હોય. હું તેમની પાસેથી ઘણી વસ્તુઓ-વરાઇટી શીખી છું, પણ મારા હસબન્ડ મેહુલને સૌથી વધારે જો કંઈ ભાવતું હોય તો એ છે મેથીનાં મુઠિયાં. મેહુલ હંમેશાં મને કહે કે મુઠિયાં તું એક્ઝૅક્ટ મમ્મી જેવાં જ બનાવે છે.

મને પાણીપૂરી પણ બહુ ભાવે અને એ પણ હું ઘરે જ બનાવું. ખીચડીની જેમ પાણીપૂરી દેશઆખામાં મળે છે અને એ બધામાંથી ઑલમોસ્ટ ૮૦ ટકા સ્ટેટની પાણીપૂરી મેં ટેસ્ટ કરી હશે. એ બધા ટેસ્ટની પાણીપૂરી હું બનાવી શકું. ખીચડી પણ મને જુદી-જુદી ૮થી ૧૦ આવડે અને એ બધામાં મારી પાલક ખીચડી સૌથી બેસ્ટ બને. આપણે ત્યાં ઉતરાયણમાં ખીચડો બનતો હોય છે. એ બનાવવાની મારી બહુ ઇચ્છા છે, પણ એમાં રહેલી કડાકૂટને લીધે મેં ક્યારેય એ બનાવવાની હિંમત નથી કરી, પણ મને ખાતરી છે કે જો હું બનાવું તો એ પર્ફેક્ટ જ બને. જરા વિચારો ખીચડા જેવી આઇટમમાં હું જે કૉન્ફિડન્સ દેખાડી શકું છું એવો મારો કૉન્ફિડન્સ હું તમને ભાખરીમાં દેખાડી શકું એમ નથી.

ભાખરીમાં ભગા

રોટલી અને ભાખરી એ બે એવી વસ્તુ છે કે ૯૯.૯૯ ટકા સ્ત્રીને એ આવડતી જ હોય, પણ હું એમાં નથી આવતી. ખબર નહીં કેમ, પણ મારી ભાખરી બરાબર નથી બનતી. ક્યારેક એ કડક થઈ જાય તો ક્યારેક નરમ રહી જાય. આપણા ગુજરાતીમાં તો આજે પણ એવો નિયમ હોય કે દર બીજી અને ત્રીજી રાતે જમવામાં ભાખરી બની હોય. ભાખરી અને ચા અને કાં તો ભાખરી અને શાક. મૅરેજ પછી મને ભાખરી બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે મારાથી ભાખરી બરાબર બની નહીં. એ સમયે મારાં સાસુએ મજાકમાં મેહુલને કહ્યું હતું કે આને ભાખરી બનાવતાં આવડતું નથી, મેહુલ તું ભૂખ્યો રહેવાનો.

મારી ભાખરી ગરમ હોય તો ખાઈ શકાય, પણ એક વાર ઠંડી થઈ જાય પછી તમે એ ખાઈ ન શકો. એવું જ ગોળપાપડીમાં થાય. ગોળપાપડી હું ઘરે બનાવું ત્યારે એમાં ક્યારેક ગોળ ઓછો પડે તો ક્યારેક ઘી વધી જાય અને એ ગોળપાપડીને બદલે શીરાનું રૂપ લઈ લે. ગોળ ઓછો હોય એવા સમયે મેહુલ અચૂક મને કહે, ‘અલ્પના, તું મારું કેટલું ધ્યાન રાખશ... જો મને વધારે ગળ્યું પણ ખાવા નથી દેતી.’

columnists Rashmin Shah