મેં તો કુકિંગ ક્લાસનું પ્રાઇઝ પણ જીત્યું છે

02 December, 2020 04:15 PM IST  |  Mumbai | Rashmin Shah

મેં તો કુકિંગ ક્લાસનું પ્રાઇઝ પણ જીત્યું છે

તુષાર કાપડિયા

અનેક ગુજરાતી નાટક અને હિન્દી સિરિયલના ઍક્ટર તુષાર કાપડિયાને જે કોઈ ઓળખે છે એ બધા માને છે કે તે ભૂલથી ઍક્ટર બની ગયો, બાકી તે એક પારંગત શેફના તમામ ગુણ ધરાવે છે. તુષાર પણ કબૂલ કરે છે કે જો તે ઍક્ટર ન હોત તો ચોક્કસ શેફ હોત. પોતાના ઘરને રેસ્ટોરન્ટમાં હોય એવી તમામ સામગ્રીથી ભરી દેનારા તુષાર કાપડિયા અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે પોતાના ફૂડ-એક્સ્પીરિયન્સિસ શૅર કરે છે

ઘરમાં સૌથી મોટો હું, પછી બહેન અને સૌથી નાનો ભાઈ.

અમે નાનાં હતાં ત્યારે મમ્મી શકુંતલાબહેન બહેન ભાવનાને બધું શીખવાડે અને ડીટેલમાં શીખવે. રોટલીનો લોટ કેવી રીતે બંધાયથી માંડીને રોટલી વણવાની કેવી રીતે, એમાં કુમાશ કેવી રીતે આવે, એને કેટલી પકાવવાની. દરેકેદેરક વાતમાં મમ્મી આટલું ડીટેલિંગ કરે અને બહેન ભાવના એ જોયા-સમજ્યા કરે. હું પણ એ બધું જોતો, સાંભળતો અને શીખવાની પ્રક્રિયા તો એમ જ થઈ જતી. કુદરતી બક્ષિસ કહો તો એ અને સારી ગ્રહણશક્તિ કહો એ પણ મમ્મી જે કંઈ ભાવનાને શીખવતી એ બધું હું શીખી લેતો અને પછી હું સામેથી કહું પણ ખરો કે હું કરીને બતાડું. મમ્મી હા પાડે એટલે બનાવીને દેખાડવાનું પણ ખરું. તમને નવાઈ લાગશે, મને મારી રસોઈ માટે જેટલી તારીફ મળી છે એના કરતાં ભાવનાને મારે લીધે વઢ વધારે મળી છે. મમ્મી કહે, જો ભાઈને સરસ આવડી ગયું પણ તને આવડતું નથી. વઢ મળે એટલે ભાવના જ્યારે એકલી પડે ત્યારે તે મારી સાથે ઝઘડે કે તારે લીધે મારે સાંભળવું પડે છે.

નાનપણની વાતો છે આ બધી પણ હકીકત એટલી કે મને જે કંઈ બનાવતાં આવડે છે એનો બધો જશ મારાં મમ્મીને જાય. મમ્મી હંમેશાં કહેતી કે ફૂડ સાથે બાંધછોડ ક્યારેય નહીં કરવાની. જેવું તમારા પેટમાં જાય એવું જ તમારાં વાણી, વ્યવહાર અને વર્તનમાં આવે એટલે ખોરાક હંમેશાં સારો અને સાત્ત્વિક લેવો. બીજી એક વાત કહું. એ મારા પપ્પાના મોઢે મેં બહુ સાંભળી છે. પપ્પા ઈશ્વરલાલભાઈ કહેતા, ભોજન એ માત્ર રસોઈ કે ખોરાક નથી પણ એ લાગણીનો એક ભાવ પણ છે. જે ભાવ સાથે રસોઈ બનાવો એ ભાવ રસોઈમાં આપોઆપ પોરવાઈ જાય એટલે રસોઈ બનાવતી વખતે હંમેશાં સારી ભાવના રાખો.

મને આજે પણ યાદ છે નાનપણના એ દિવસો જ્યારે રસોઈમાં મીઠું ઓછું પડ્યું હોય કે તીખાશ ઓછી હોય ત્યારે પપ્પા શું કહેતા. પપ્પા મમ્મીને શાનુ કહીને બોલાવતા. રસોઈમાં મીઠું કે મરચું ઓછું હોય તો પપ્પા જમતાં-જમતાં બોલે, શાનુ આજે જમવામાં તારો પ્રેમ થોડો ઓછો છે. મમ્મી તરત જ સમજી જાય. ગળપણ વધી ગયું હોય તો તરત પપ્પા બોલે, શાનુ આજે પ્રેમ બહુ ઊભરાય છેને?

આ વાત હું એટલા માટે અત્યારે યાદ કરું છું કે આ પ્રકારની લાગણી અને ભાવના વચ્ચે હું ઘરમાં ઊછર્યો છું અને આ જ ભાવના સાથે મેં ઘરમાં ફૂડ મેકિંગ શીખ્યું છે. મને લાગે છે કે હું જો ઍક્ટર ન હોત તો ચોક્કસ હું શેફ હોત અને આ હું અત્યારે તમારી સાથે વાત કરું છું એટલે નથી કહેતો પણ આ ફૅક્ટ છે. મારા ફ્રેન્ડ્સ પણ આમ જ કહે છે.

જૉઇન કર્યા હતા ક્લાસ...

મૂળ હું રાજકોટનો. પછી અમદાવાદ, બરોડા અને ફાઇનલી મુંબઈ શિફ્ટ થયો. મમ્મી પાસેથી જે પણ શીખ્યો એ બધું બનાવતો અને એવું બનાવું કે કોઈને એમ જ લાગે કે ઘરમાં લેડી મેમ્બર હશે અને એ જ આ રસોઈ બનાવતાં હશે. તમે માનશો નહીં પણ મને જે આવડે છે એમાં નવું-નવું ઉમેરવા મેં અમદાવાદમાં તો કુકિંગ ક્લાસ પણ જૉઇન કર્યા હતા. એ ક્લાસમાં હું એકલો છોકરો અને બાકી બધી છોકરીઓ. ઘરઘરાવ કહેવાય એવા એક કુકિંગ ક્લાસમાં જવાનો મેઇન હેતુ કટિંગ, ચૉપિંગ પ્રૉપર શીખવે એ અને ક્વૉન્ટિટીનું માપ પ્રૉપર આવડે એટલું હતું. મનમાં એમ કે બેચાર દિવસમાં ખબર પડી જશે પછી નહીં જાઉં પણ મને બહુ મજા આવી એટલે આપણે તો જવાનું ચાલુ રાખ્યું. આ કુકિંગ ક્લાસ પૂરા થયા ત્યારે બધા વચ્ચે એક કૉમ્પિટિશન રાખી હતી જેમાં ગોલ્ડ કૉઇન ફર્સ્ટ પ્રાઇઝ હતું, એ ઇનામ પણ હું જીત્યો હતો. ક્લાસમાં જે કોઈ હતાં એ બહેનોમાંથી કેટલીકે તો એવું પણ કહ્યું હતું કે આજે અમે ઘરે જઈને શું કહીએ, એક છોકરો અમને હરાવી ગયો?

મુંબઈ હું એકલો જ આવ્યો. ઍક્ટિંગ ફીલ્ડમાં સ્ટ્રગલ પણ ચાલુ હતી એટલે શરૂઆતમાં રોજેરોજ બહારનું ખાવાનું પણ પછી થયું કે લાંબા ગાળે હેલ્થને અસર થશે એટલે મેં સ્ટ્રગલ વચ્ચે પણ નક્કી કર્યું કે હવેથી રસોઈ હું ઘરે જ બનાવીશ. આજની તારીખે મેં આ નિયમ પાળ્યો છે. બીજો નિયમ, મને જે આવડે છે એ મારે બીજાને શીખવવાનું. થિયેટર કે સિરિયલના ઍક્ટરોને મેં કહી રાખ્યું છે કે મુંબઈમાં એકલા હો તો મારા ઘરે આવી જવાનું, જમાડવાથી માંડીને રસોઈ બનાવતાં શીખવાડવાની જવાબદારી મારી. ઓછામાં ઓછા પંદર જેટલા એસ્ટાબ્લિશ્ડ કલાકારો મારી પાસે રસોઈ શીખી પણ ગયા છે. વાત ભાવની છે. બનાવવું ગમે છે એમ મને જમાડવું અને શીખવવું પણ ગમે છે.

ફૂડ માટેના મારા પ્રેમને લીધે મેં મારું ‘ટક્સ કુકિંગ’ નામનું ઑનલાઇન પેજ પણ બનાવ્યું છે. સેંકડો લોકો ત્યાં જોડાયા પણ છે. આ પેજ પર હું જે બનાવું એના ફોટોગ્રાફ્સ સાથે રેસિપી અપલોડ કરું. એ જોઈને લોકો બનાવે પણ ખરા અને મને પણ એ ફોટો મોકલાવે. એક નાનકડી બીજી વાત કહી દઉં, કોઈની રસોઈમાંથી ક્યારેય વાંક નહીં કાઢવાનો કે પછી વણમાગ્યાં સલાહસૂચન પણ નહીં આપવાનાં. પૂછે તો ચોક્કસ કહેવાનું પણ દોઢડાહ્યા નહીં થવાનું.

વર્લ્ડ્‍સ બેસ્ટ ગુજરાતી

નૉનગુજરાતીઓ ગુજરાતીઓને દાળભાતિયા કહે પણ સાચું કહું તો આપણા દાળભાતમાં જે ત્રેવડ છે એવી કોઈ પણ ફૂડમાં ત્રેવડ નથી. પહેલી વાત તો આપણે ગુજરાતીઓ વેજિટેરિયન છીએ. ખબર છે તમને, હાથી નૉનવેજ નથી ખાતો પણ નૉનવેજ ખાનારા સિંહને ચગદી નાખવાની તાકાત એનામાં છે. આપણા ગુજરાતી ટેસ્ટનો મને ખરેખર ગર્વ છે. જે મસાલા આપણા ઘરમાં વર્ષોથી વપરાય છે એ આજે આપણને ઇમ્યુનિટી આપનારા મસાલા તરીકે પીરસવામાં આવે છે. નાના હતા ત્યારે પેટમાં દુખતું તો તરત જ મમ્મી વાટેલો અજમો સંચળ સાથે પીવડાવી દેતી. હળદરવાળું દૂધ તો એકેક ગુજરાતીઓના ઘરમાં પીવાય છે. હવે ગોલ્ડન મિલ્કના નામે એને પીરસવામાં આવે છે

પણ હળદરના ફાયદાઓ ગુજરાતી

જાણે છે એટલા કોઈ નહીં જાણતું હોય. હું તો કહેતો હોઉં છું કે એક કરોડ પુણ્ય કરો તો તમને ગુજરાતી તરીકે જન્મવા મળે અને ગુજરાતી ભોજન દરરોજ ખાવા મળે.

રોટલીથી માંડીને પીત્ઝા સુધ્ધાં હું ઘરે બનાવું છું. પીત્ઝાની તમને વીસ-ત્રીસ વરાઇટી ખબર હશે પણ હું સોથી વધારે વરાઇટીના પીત્ઝા બનાવું છું. મને પોતાને યાદ નથી કે મેં છેલ્લે ક્યારેય રિપીટ રેસિપીથી પીત્ઝા બનાવ્યો હશે. મેં કુકિંગની બધી સાધન-સામગ્રી ઘરે વસાવી છે. ૮૧૬ લિટરનું પ્રોફેશનલ રેસ્ટોરાંમાં હોય એવું ફ્રિજ છે, માઇક્રોવેવથી માંડીને અવન, ટોસ્ટર, ઇડલી મેકર, રાઇસ મેકર અને એવું બધેબધું મારા ઘરે છે. લોકો ઘરે પીત્ઝા બનાવવા માટે એનો બેઝ બહારથી લઈ આવે, પણ હું એવું નથી કરતો. પીત્ઝાનો બેઝ પણ મારે ત્યાં ઘરે જ બને અને એ આખો પીત્ઝા જ સીધો અવનમાં જાય. પીત્ઝા બનાવવાની એ જ સાચી રીત છે.

અફસોસ એ દાળનો...

આજે હું બધું જ બનાવી શકું, દુનિયાની કોઈ વરાઇટી એવી નથી કે જે મારાથી બને નહીં પણ મમ્મી જેવી તુવેરની દાળ હું બનાવી શકતો નથી એનો મને રંજ છે. મારાં ભાઈબહેન મુંબઈ આવે ત્યારે મેં ઘરે દાળ બનાવી હોય એટલે તે તરત જ મમ્મીને યાદ કરે અને કહે કે હું ડિટ્ટો મમ્મી જેવી દાળ બનાવું છું પણ ના, એ એવી નથી બનતી એની મને ખબર છે. હજારો વખત મમ્મી પાસેથી દાળ શીખવાની કોશિશ કરી તો પણ એવી દાળ મારાથી નથી જ બનતી. ભાઈબહેન બોલે છે એ તેમની લાગણી દેખાડે છે પણ હકીકત તો એ જ છે કે એ દાળ બનાવવી અઘરી છે. આ કોઈ ફિલ્મી સ્ટાઇલ નથી પણ આ શેફ સ્ટાઇલ છે અને એટલે જ કહું છું કે મમ્મીની તુવેર દાળ એ મારા માટે ખરેખર ‘માં કી દાલ’ છે.

મમ્મી જ્યારે યાદ આવે ત્યારે હું ઘરે તુવેરની દાળ બનાવું એટલે તમને જ્યારે પણ ખબર પડે કે તુવેરની દાળ મારે ત્યાં બની છે ત્યારે સમજી જવાનું કે...

બનાવો દાદીમાનો રિઝોટો...

કુકરમાં તુવેરની દાળ અને ચોખા બાફી નાખો, સાથે જ. બફાઈ ગયા પછી એમાં એમાં લસણની ચટણી, દેશી ઘી નાખો અને પછી સ્વાદ અનુસાર નમક નાખો. લસણની ચટણી નાખી છે એટલે બીજા મસાલા ઍડ નહીં કરો તો ચાલશે પણ જો મન થતું હોય તો મરચું કે કાળાં મરી ઍડ કરી શકાય. બધું ઍડ કરી દીધા પછી એને એકરસ કરીને ખાવાનું. આને દાદીમાનો રિઝોટો કહે છે. દેશી દાળભાત. ઓછામાં ઓછી વઘાર પ્રક્રિયાવાળી ઈઝી રેસિપી અને બનવામાં એકદમ ફાસ્ટ.

મસાલા ભાતમાં મેં એક નવી રીત શોધી છે. તૈયાર થઈ ગયેલા ભાતમાં જે ભાવતાં હોય એ બાફેલાં શાકભાજી ઉમેરો. મોટા ટુકડા રાખવાના. શાકભાજી ઉમેરી દીધા પછી એ ભાતને કાંદા અને લસણની ચટણી સાથે વઘારી નાખવાના. વઘારમાં દહીં પણ મૂકવાનું એટલે લસણની તીખાશ, કાંદાની સુગંધ અને દહીંની ખટાશ ઉમેરાશે. ખાવામાં બહુ મજા આવશે.

columnists Rashmin Shah