હર ખ્વાબ કુછ કહતા હૈ

19 March, 2023 01:15 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સપનાંઓને ઓળખી શકો તો એ તમારા માટે દિશાસૂચક પણ પુરવાર થાય છે. સપનામાં શું જોવા મળે તો એનો કયો અર્થ નીકળતો હોય છે એ જાણવા જેવું છે.

પ્રતીકાત્મક તસવીર

સાઇકોલૉજિસ્ટ દ્વારા એવું તારણ મૂકવામાં આવ્યું છે કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ સપનાં જોતી હોય છે. સપનાં ન જોવાનો દાવો કરતી વ્યક્તિ હકીકતમાં સપનાં તો જોતી જ હોય છે, પણ એ તેને યાદ નથી રહેતાં. જો સપનાં યાદ ન રહે તો એને ભ્રમદ્વેષ ગણવામાં આવે છે, જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ પોતાના ભવિષ્યની બાબતમાં વધારે સ્પષ્ટ નથી અને તે સ્પષ્ટતા લાવે એ અનિવાર્ય છે. તો એ પણ એટલું જ અનિવાર્ય છે કે તમને આવનારાં સપનાંઓમાં છુપાયેલો ગૂઢાર્થ પણ તમે સમજો, કારણ કે સપનામાં જોવા મળતી દરેક વાતને ભવિષ્ય સાથે સીધો સંબંધ છે.

સપનાંઓને ઓળખી શકો તો એ તમારા માટે દિશાસૂચક પણ પુરવાર થાય છે. સપનામાં શું જોવા મળે તો એનો કયો અર્થ નીકળતો હોય છે એ જાણવા જેવું છે.

મૃત્યુ પામેલા સ્નેહીજનો | જો તમને સપનામાં ગુજરી ગયેલાં તમારાં સગાંવહાલાં જોવા મળે તો એનો સીધો અર્થ એવો છે કે તમે તમારા હયાત ફૅમિલી મેમ્બરથી દૂર નીકળી રહ્યા છો. સપનામાં આવતા મૃત સ્નેહીજનો સૂચવે છે કે પરિવારને થોડો સમય આપો. તમે તેમનાથી દૂર નીકળી ગયા છો, પણ જો આમ જ ચાલતું રહ્યું તો તમારો પરિવાર તમારાથી દૂર થઈ જશે.

સીધો કોઈ સંબંધ ન હોય એવી જાણીતી વ્યક્તિ સપનામાં આવે એવું પણ અનેક કિસ્સામાં જોવા મળ્યું છે. એ સૂચવે છે કે વાત ચાહે કોઈ પણ હોય, આ સમયે તમને એક્સપર્ટ્સ ઍડ્વાઇઝની જરૂર છે.
મળ, કફ, માંસ કે બીમારી | સૌથી નકારાત્મક જો કોઈ સપનાં હોય તો એ સંદર્ભનાં. જ્યારે પણ આવાં સપનાં આવે ત્યારે માનવું કે તમારી અંદર રહેલી નકારાત્મકતા ચરમસીમા પર છે, જેનો તાત્કાલિક ઇલાજ કરાવવાની જરૂર છે. જો આ પ્રકારનાં સપનાં વારંવાર આવે તો ખરેખર ચેતી જવું જોઈએ અને માનસિક સાંત્વન મળે એવી વ્યક્તિઓના સાંનિધ્યમાં રહેવાનું શરૂ કરી દેવું જોઈએ.

મળ, કફ, માંસ કે બીમારી તમારાં જ હોય એવું જરાય જરૂરી નથી. એ કોઈનાં પણ દેખાય અને કોઈને પણ આ તકલીફ હોય, પણ જો એ દેખાય તો એનો અંદેશો શુભ નથી એ સમજીને તાત્કાલિક અસરથી આ પ્રકારનાં સપનાં બંધ કરવાની દિશામાં કામ કરવું જોઈએ.

અનૈતિક શારીરિક સંબંધો | સામાન્ય રીતે નૈતિક શારીરિક સંબંધો સપનામાં આવતા હોય એવું બનતું નથી અને એની સામે અનૈતિક શારીરિક સંબંધો (જો હોય કે પછી એવા સંજોગો ઊભા થયા હોય તો) સપનામાં આવ્યા વિના રહેતા નથી. જો એ પ્રકારનાં સેક્સ-સંબંધિત સપનાં આવે અને એમાં ક્રમ વધવાનો શરૂ થાય તો માનવું કે જીવન ખોટી દિશામાં આગળ વધે એ માટેની સમજણ આપવામાં આવી રહી છે. એ ખોટી દિશાથી પાછા કેવી રીતે વળવું કે પછી એ દિશાને કેવી રીતે કાયમ માટે બંધ કરવી એ બાબતમાં તાત્કાલિક કામ શરૂ કરવું હિતાવહ છે. જરૂરી નથી કે સેક્સનાં સપનાં ફિઝિકલ રિલેશનશિપ જ ઇન્ડિકેટ કરે.

ના, સેક્સને લગતાં સપનાં કાયદાકીય આંટીઘૂંટી કે પછી પોલીસ ખાતાની તકલીફો આવવાનું સૂચન પણ કરે છે એટલે એ દૃષ્ટિએ પણ આ પ્રકારનાં સપનાં આવે તો તરત જ જીવનક્રમ ચકાસીને એમાં જરૂરી સુધારા કરવાનું આરંભી દેવું.

columnists