ફિલ્મ હોય કે ફૂડ, મને ફળ્યા છે એક્સપરિમેન્ટ્સ

13 May, 2020 10:28 PM IST  |  Mumbai | Rashmin Shah

ફિલ્મ હોય કે ફૂડ, મને ફળ્યા છે એક્સપરિમેન્ટ્સ

બ્લન્ડરના તો અઢળક કિસ્સાઓ છે મારી પાસે, પણ એટલું યાદ રાખજો બ્લન્ડર ત્યારે જ થાય જ્યારે હટકે

કેવી રીતે જઈશ? ફિલ્મથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની કાયાપલટ કરી દેનારા ડિરેક્ટર-પ્રોડ્યુસર અભિષેક જૈને પ્રોડ્યુસ કરેલી રૉન્ગસાઇડ રાજુને નૅશનલ અવૉર્ડ મળ્યો છે તો અભિષેકે ડિરેક્ટ કરેલી ફિલ્મ બે યાર પરથી બહુ જલદી હિન્દી ફિલ્મ પણ આવવાની છે. અભિષેક માટે ફૂડ માત્ર શોખ નથી પણ પૂજા છે. ફરવા જવાનો પ્રોગ્રામ બને એટલે અભિષેકની આંખ સામે સૌથી પહેલાં એ વિસ્તારનું ફૂડ આવી જાય. અભિષેક માને છે કે કોઈ કલ્ચર કે વ્યક્તિને ઓળખવા હોય તો તેમની ફૂડ-હૅબિટનો સ્ટડી કરવો જોઈએ. હૉસ્ટેલમાં રહે તે કુક બને જ બને એવું દૃઢપણે માનતા અભિષેક જૈન અહીં પોતાના ફૂડ-એક્સ્પીરિયન્સ રશ્મિન શાહ સાથે શૅર કરે છે

ફૂડની વાત આવે એટલે મારી અંદરનો શ્રદ્ધાળુ આત્મા જાગી જાય. હા, ખરેખર. હું ફૂડને કોઈ પણ પ્રકારની ધાર્મિક પૂજા જેટલો જ આદર આપું છું. હું ફૂડી છું, ટોટલી ફૂડી અને કેવો અને કેટલો ફૂડી છું એ તમારે જાણવું હોય તો તમારે મારા ફૅમિલી-મેમ્બરથી માંડીને મારા ફ્રેન્ડ્સ કે પછી મારા યુનિટના કોઈ પણ ક્રૂ-મેમ્બરને પૂછી લેવું જોઈએ. કામ ચાલતું હોય ત્યારે, શૂટિંગ કરતો હોઉં ત્યારે, ઘરમાં સાવ ફ્રી હોઉં ત્યારે, લોકેશનની રેકી કરવા ગયો હોઉં ત્યારે કે પછી એમ જ ચક્કર મારવા પણ ઘરેથી નીકળ્યો હોઉં ત્યારે મારા સુષુપ્ત મનમાં જો કોઈ એક વિચાર અકબંધ હોય તો એ ફૂડનો હોય. જ્યાં હોઉં ત્યાં આજુબાજુમાં શું સારું મળે છે એ મારા ધ્યાનમાં આવે જ આવે. જો બહારગામ ગયો હોઉં તો એ સિટીનું શું ફેમસ છે એ મેં શોધી જ લીધું હોય. ત્યાંની ટ્રેડિશનલ વરાઇટીથી માંડીને લોકલ બેસ્ટ ફૂડ-પૉઇન્ટ્સ કયા-કયા છે એ મેં શોધી જ રાખ્યું હોય અને હું ત્યાં જાઉં જ જાઉં. મારા માટે સૌથી મોટું એક્સાઇટમેન્ટ કે ઍડ્વેન્ચર જો કોઈ હોય તો નવું ફૂડ ટેસ્ટ કરવાનું છે. મારું માનવું છે કે તમારે જો કોઈ કલ્ચર કે વ્યક્તિને ઓળખવા હોય તો તમારે તેના ફૂડનો સ્ટડી કરવો જોઈએ. લોકલ ફૂડ અને વ્યક્તિની ફૂડ-હૅબિટ્સ તમને ઘણુંબધું કહી દે છે. મેં બીજી પણ એક વાત ઑબ્ઝર્વ કરી છે કે જે હાર્ડકોર ફૂડી હોય તે ફૂડ માટે પઝેસિવ પણ બહુ હોય છે અને જે ફૂડ માટે પઝેસિવ હોય તેને ફૂડ-મેકિંગમાં ઇન્ટરેસ્ટ હોય જ હોય. આ એક સાઇકોલૉજી છે જેને સમજવાની જરૂર છે. ફૂડ હોય તે પોતાના ફૂડ પ્રત્યે પઝેસિવ હોય અને પઝેસિવ હોય એટલે તે પર્ફેક્શનિસ્ટ પણ હોય. ફૂડમાં જે પર્ફેક્શનનો આગ્રહ રાખે તે ફૂડ બનાવવાની બાબતમાં આગળ વધે જ વધે.
મારાં મમ્મી ચંદ્રાબહેન બહુ સારા કુક છે. હું તેમની પાસેથી જ ફૂડ બનાવતાં શીખ્યો છું. મમ્મીના હાથનું ફૂડ ખાધું એટલે જમવાનો શોખ લાગ્યો અને જમવાનો શોખ આવ્યો એટલે બનાવવાનો શોખ આવ્યો. મારો આ શોખ રૂટીનમાં ફેરવાયો હું હૉસ્ટેલમાં ગયો ત્યારે. મને લાગે છે કે જે હૉસ્ટેલમાં રહ્યા હશે તેમને કુકિંગ આવડી જાય. બીજું કંઈ નહીં તો છેલ્લે બાકી ચા અને મૅગી બનાવતાં આવડી જાય. મારા માટે પણ હૉસ્ટેલ લાઇફ ફૂડની બાબતમાં મહત્ત્વની રહી છે. હૉસ્ટેલમાં ફૂડ સાથે કરેલા એક્સપરિમેન્ટ્સ અને મિસઍડ્વેન્ચર્સ જ મને ફૂડ-મેકિંગમાં હેલ્પફુલ બન્યાં. ગોટાળાઓમાંથી હું ઘણું શીખ્યો એવું કહું તો ચાલે. તમે કહો કે સત્તર વર્ષથી મેં બનાવવાનું શરૂ કર્યું. એ પહેલાં બનાવ્યું હશે, પણ એમાં સિરિયસનેસ નહોતી.
મેં કહ્યું એમ હૉસ્ટેલમાં મૅગી બનાવતા તો આવડી જ જાય. મારી વાત કહું તો મેં તો એવી ભાતભાતની મૅગી બનાવી છે કે વાત જ ભૂલી જાઓ. હું જ્યારે પણ મૅગી બનાવું ત્યારે મારી અંદરનો શેફ જાગી જાય. હું વિસલિંગ વુડ્સમાં ભણતો ત્યારે હૉસ્ટેલમાં મારો જે રૂમમેટ હતો તે કાનપુરનો હતો. તેની રેસિપી કાનપુરિયા સ્ટાઇલની હોય અને હું રાજસ્થાની અને ગુજરાતી ટેસ્ટની રેસિપી પર કામ કરું. બહુ મજા આવતી આ મિક્સચરમાં. એક દિવસ અમે નક્કી કર્યું કે આજે તીખી મૅગી ખાઈએ. અમે માર્કેટમાં ગયા અને નૂડલ્સમાં જે બધા સૉસ નાખે એ બધા સ્પાઇસી સૉસ લીધા તો સાથે ઑરેગાનો, ચિલી ફ્લેક્સ અને એવું બધું પણ લીધું. પાછા આવીને મૅગી બનાવવાનું શરૂ કર્યું. મૅગીમાં બધું એટલે બધું નાખ્યું. આટલું ઓછું હોય એમ લાલ મરચાનો પાઉડર પણ નાખ્યો અને મૅગીનો ઓરિજિનલ ટેસ્ટ અકબંધ રહે એટલે મૅગીનો મસાલો પણ એક્સ્ટ્રા નાખ્યો. મૅગી બની એટલે એમાં ઑરેગાનો અને ચિલી ફ્લેક્સ પણ નાખ્યા. લાલ ચટાકેદાર રંગની મૅગી રેડી અમારી. પહેલી ચમચી મોઢામાં મૂકી અને પછી...
એ પહેલી અને છેલ્લી ચમચી.
મૅગી ખાઈ ન શકાય એવી તીખી બની ગઈ હતી. આજે પણ જ્યારે લાલ ચટાકેદાર કોઈ આઇટમ જોઉં ત્યારે હૉસ્ટેલની એ મૅગી યાદ આવી જાય છે.બ્લન્ડરના તો અઢળક કિસ્સાઓ છે મારી પાસે, પણ એટલું યાદ રાખજો બ્લન્ડર ત્યારે જ થાય જ્યારે હટકે
તમારે કંઈ કરવું હોય. ટિપિકલ રીતે આગળ વધી જવાનું હોય તો ક્યારેય ભૂલ થાય નહીં.
એક વાર મને દાલબાટી ખાવાની ઇચ્છા થઈ. થયું કે બહારથી મંગાવવા કરતાં હું જ બનાવું, મજા આવશે. મેં તો તૈયારી શરૂ કરી. તમે જો રાજસ્થાન ગયા હો અને ત્યાં જઈને દાલબાટી ખાધી હોય તો તમને ખબર હશે કે ત્યાં અલગ-અલગ અનેક જાતની સ્ટફ્ડ બાટી બને છે. મને થયું કે હું પણ સ્ટફ્ડ બાટી બનાવું. સ્ટફ્ડ બાટીમાં પણ મેં તો અખતરો કર્યો. સ્ટફિંગ તરીકે મેં પનીર લીધું. બાટીમાં પનીર સ્ટફ કરીને મેં બાટી તૈયાર થવા મૂકી. બાટી કડક હોય અને એ એકદમ પાકવી જોઈએ. જો બાટી બરાબર પાકે તો જ એ સરસ રીતે ભુક્કો થાય અને એમાં દાળ એકરસ થાય. મને તો મનમાં હતું કે મસ્તમજાની સ્ટફ્ડ બાટી બનશે અને જમવામાં આજે જલસો પડી જશે. હાથ મોટો એટલે પનીર પણ ખૂબ નાખેલું. બાટી તૈયાર થઈ, પણ ધારણા કરતાં સાવ ઊલટું થયું. પનીરની ક્વૉન્ટિટી હતી એટલે બાટી બરાબર પાકી નહીં અને લોટનો ગોળો હોય એવી બાટી પ્લેટમાં આવી. હવે?
સિમ્પલ. દાળ સરસ બની હતી એટલે એ દિવસે દાળથી કામ ચલાવ્યું. બાટી દેખાવે સરસ હતી, પણ ખાઈ શકાય એમ નહોતી. આજે જ્યારે બાટી જોઉં ત્યારે મને હસવું આવે જ આવે. મારી એ દિવસોની કુકિંગ સ્કિલ્સ પર અને ઘુઘવાતા દરિયાની બહાર ફેંકાવા મથી રહેલા મારા ઉત્સાહ પર.
બ્લન્ડરના તો આપણી પાસે અઢળક કિસ્સાઓ છે બકાભાઈ. હમણાં ઘરે ઉપમા બનાવતો હતો ત્યારે પણ એવું જ થયું હતું. ટમેટાં એટલા મોટાં સુધારીને નાખી દીધાં કે ઉપમા દેખાવે ટૉપિંગ્સવાળા પીત્ઝા જેવો થઈ ગયો અને ટમેટામાંથી સતત પાણી છૂટતું રહ્યું. પણ વાંધો નહીં, મને એક્સપરિમેન્ટ્સ ગમે છે અને મને એક્સપરિમેન્ટ્સ ફળ્યા પણ છે જ. ફિલ્મ હોય કે પછી કિચનમાં હોય.
મારા હાથે બનતી સારી વરાઇટીને હું યાદ કરું તો મોમોઝ મારાથી બહુ સારા બને છે. સરસ, ટેસ્ટી અને કોઈ પણ જાતના બ્લન્ડર વિના. મોમોઝ માટે તૈયારી બહુ કરવી પડે. લગભગ બે-ત્રણ કલાકનો સમય પ્રિપેરેશનમાં લાગે. બીજી પણ એક નવી વરાઇટી હું સરસ બનાવું છું. મમરાના પૌંઆ. આપણા રેગ્યુલર પૌંઆ હોય એમ જ એ બનાવવાના પણ એમાં મમરા લેવાના. મમરાને પલાળી દેવાના અને પછી પૌંઆની જેમ જ આગળની રેસિપી રાખવાની. પાંચ મિનિટમાં બની જાય એવી આઇટમ છે.મારી ફેવરિટ આઇટમનું કહું તો એ છે ચણાની દાળની ખીચડી. એ હું ક્યારેય બનાવવાનો નથી એ પણ નક્કી છે અને મેં એ શીખવાની તસ્દી પણ નથી લીધી, કારણ કે મને ચણાની દાળની ખીચડી મારા મમ્મીના હાથની જ ભાવે છે. બીજા કોઈ બનાવે તો પણ મને ભાવે નહીં. પચાસ વ્યક્તિની ચણાની દાળની ખીચડી બનાવીને મારી સામે મૂકવામાં આવે તો પણ હું એમાંથી મમ્મીના હાથની ચણાની દાળની ખીચડી ઓળખી જાઉં. ગૅરન્ટી.

કોપરાની ચટણીમાં લસણનો સ્વાદ ચાખ્યો છે? ના ચાખતા. એક વાર હું કોપરાની ચટણી બનાવતો હતો. આપણી પેલી પૉપ્યુલર સાઉથ ઇન્ડિયન આઇટમ સાથે હોય એ વાળી. અડદની દાળ, નારિયેળ, મરચું અને બીજી વરાઇટીઓ ભેગી કરીને મેં ચટણીની તૈયારીઓ શરૂ કરી. ચટણી બનાવતાં-બનાવતાં મને વિચાર આવ્યો કે ચટણીમાં જરાક તીખાશ પણ હોવી જોઈએ. મનમાં આવ્યું કે જો લસણ અને આદું ઍડ કરું તો ટેસ્ટ પણ બદલાશે અને તીખાશ પણ આવશે. કરી દીધાં બન્ને ઍડ.મારી એક સારી આદત છે. મારા હાથે બનેલી દરેક આઇટમ બીજાને ટેસ્ટ કરાવવાને બદલે પહેલાં હું ટેસ્ટ કરું. ખોટા અખતરા બીજા પર શું કામ કરવા. ચટણી ચાખી મેં, કોઈ ભળતો જ અને વિચિત્ર ટેસ્ટ આવ્યો. સમજાઈ ગયું કે આ ચટણી ખાવામાં માલ નથી. સમજાઈ પણ ગયું કે કોપરાના દૂધમાં લસણ ઍડ થયા પછી આ એલિયન ટેસ્ટ ડેવલપ થયો છે. પછી શું? ચટણી વૉશબેઝિનને જમાડી દીધી.મારા હાથે બનતી સારી વરાઇટીને હું યાદ કરું તો મોમોઝ મારાથી બહુ સારા બને છે. સરસ, ટેસ્ટી અને કોઈ પણ જાતના બ્લન્ડર વિના. મોમોઝ માટે તૈયારી બહુ કરવી પડે. લગભગ બે-ત્રણ કલાકનો સમય પ્રિપેરેશનમાં લાગે.

indian food Rashmin Shah columnists