જેઠાલાલ જેવી ફાંદ ન જોઈતી હોય તો આટલું ચોક્કસ કરજો

18 January, 2021 12:51 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જેઠાલાલ જેવી ફાંદ ન જોઈતી હોય તો આટલું ચોક્કસ કરજો

પ્રતીકાત્મક તસવીર

પુરુષનો પ્રેમ પેટથી શરૂ થાય છે આ કહેવત ખાસ ગુજરાતી પુરુષો માટે લખાઈ હોય એવું પ્રતીત થાય છે, કારણ કે મધ્યમ વયમાં પેટનો આકાર બદલાઈ જવો એ ગુજરાતી પુરુષોમાં સૌથી કૉમન પરિવર્તન છે. આસપાસ નજર ફેરવીને જોશો તો પેટ બહાર આવી ગયું હોય એવા પુરુષોની સંખ્યા વધુ જોવા મળશે. જોકે જેઠાલાલ તરીકેની ઓળખ ધરાવતા પુરુષો પેટનો ઘેરાવો ઘટાડવા નથી માગતા એવું તો નથી, પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં જલદી સફળ નથી થતા એ હકીકત છે. આજે આપણે વધેલી ફાંદનાં કારણો અને સરળ ઉપાયો વિશે વાત કરીએ.

ફાંદ વધવાનાં કારણો

ફાંદ વધવી એ મેદસ્વિતાની પહેલી નિશાની છે. ગુજરાતી પુરુષોની ખાસિયત એ કે જેમ-જેમ લાઇફ સેટલ થતી જાય છે તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થતા જાય છે. આ સંદર્ભે વાત કરતાં મુંબઈની સૈફી અને અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ સાથે સંકળાયેલાં બેરિઆટ્રિક સર્જ્યન ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કર કહે છે, ‘બૉડી શેપ બે પ્રકારના હોય છે. ઍપલ શેપ અને પેર શેપ. ઘરની અંદર કે ડિનર માટે બહાર જાઓ છો ત્યારે આખી ફૅમિલી સરખો જ આહાર લે છે તેથી સ્વાસ્થ્ય પ્રત્યે માત્ર પુરુષો બેદરકાર છે એવું ન કહી શકાય. તબીબી વિજ્ઞાન પ્રમાણે સ્ત્રીના હિપ્સમાં અને પુરુષોના પેટ પાસે ફૅટ્સ ડીપોઝિટ થાય છે. પુરુષોની ફાંદ વધવાનું કારણ આ એરિયામાં ફૅટ્સનું ડિપોઝિશન છે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા ગુજરાતી પુરુષો ડાયટ અને કસરતને ફૉલો કરતા નથી અને તેમની લાઇફસ્ટાઇલ પણ આરામદાયક છે. પરિણામે પેટનો ઘેરાવો ઓછો થતાં ખૂબ સમય લાગે છે. પેટની ચરબી વધતાં તેઓ શુગર, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ અને હાડકાં સાથે સંકળાયેલી બીમારીમાં જલદી સપડાય છે.’

પેટનો ઘેરાવો વધવાની શરૂઆતમાં સભાન થઈ જવું જોઈએ એવી ભલામણ કરતાં ડૉ. અપર્ણા કહે છે, ‘ટ્રાઉઝર્સની ખરીદી કરતી વખતે સાઇઝ મોટી લેવાની જરૂર પડે ત્યારથી જાગી જવું જોઈએ. સૌથી પહેલાં ડાયટિશ્યનનો અને ત્યાર બાદ ફિટનેસ ટ્રેઇનરનો કૉન્ટેક્ટ કરી વજનને નિયંત્રણમાં રાખવાના ઉપાયો શરૂ કરી દેવા. ઘણી વખત યોગ્ય ડાયટ અને કસરત કરવા છતાં પણ કેટલાંક કારણોસર વજન નિયંત્રણમાં આવતું નથી.’

ચેન્જ ફૂડ પૅટર્ન

પીત્ઝા, પાસ્તા, વડાપાંઉ, પાંઉભાજી જેવા જન્ક ફૂડ અને એમાં મોટા પ્રમાણમાં ચીઝ-બટરની લિજ્જ્ત માણવી આપણો શોખ બની ગયો છે. ફાંદ વધવાનાં કારણોમાં એને ટૉપ પર મૂકી શકાય. જોકે ખાણી-પીણીના શોખીન ગુજરાતી પુરુષો માટે ફાંદ ઘટાડવી મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક છે. મનગમતી વાનગીઓ ખાઈ શકાય અને ચરબી પણ ન વધે એવા સહેલા ઉપાયો વિશે વાત કરતાં અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ પ્રાચી ઝવેરી કહે છે, ‘પેટનો ઘેરાવો વધવાનું મુખ્ય કારણ ક્રેવિંગ, રૉન્ગ ટાઇમિંગ અને ફૂડની ક્વૉન્ટિટી છે. ખાઈ-પીને જલસો કરો જેવું થિન્કિંગ ધરાવતા ગુજરાતી પુરુષોને પીત્ઝા કે પાંઉભાજી ખાવાનું બંધ કરવાનું કહેશો તો શક્ય નથી. તમારા ક્રેવિંગને ફુલફિલ કરવાની સાથે પેટનો ઘેરાવો ઘટાડવા ખાવાનો સમય અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ નક્કી કરો. અઠવાડિયામાં ત્રણ વાર જન્ક ફૂડ ખાતા હો તો એક વાર ખાઓ. આખો પીત્ઝા ખાવાની જગ્યાએ બે સ્લાઇસ ખાઓ. રાતના વહેલા જમી લો. જમ્યા પછી ભૂખ લાગે તો મસાલા દૂધ પી શકાય. દાળ-ભાત, શાક-રોટલી જેવી રોજબરોજની રસોઈમાં કાર્બ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ફાંદ કે ઓવરઑલ વેઇટ લૉસની વાત આવે ત્યારે કાર્બ્સ ઓછું અને પ્રોટીન તેમ જ ફાઇબર વધુ મળે એવો આહાર લેવો જોઈએ. રોટલી અને ભાત બન્નેમાં કાર્બ્સ છે તેથી એક આઇટમ ખાઓ અથવા બન્નેનું પ્રમાણ ઘટાડી નાખો. કમ્પ્લીટ મીલ ઉપરાંત સવારના બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, બાફેલાં ઢોકળાં લઈ શકાય. સાંજના સમયે સૅન્ડવિચ મગાવવા કરતાં સૂકી ભેળ બેસ્ટ ઑપ્શન છે. સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને પીવું જોઈએ. ડે ટુ ડે લાઇફમાં ફૂડ પૅટર્નમાં ચેન્જિસ લાવી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.’

તમામ પ્રકારના પ્રોસેસ્ડ ફૂડને જન્ક ફૂડની કૅટેગરીમાં મૂકવા જોઈએ. બ્રેડ, બિસ્કિટ્સ, ટેટ્રા પૅક્ડ જૂસ સહિતનાં બધાં જ ન્યુટ્રી ફૂડમાં વત્તા-ઓછા પ્રમાણમાં શુગર હોય છે એવી માહિતી આપતાં સાયન્ટિફિક ટ્રેઇનિંગ ફિટનેસ ઍકૅડેમીના ફિટનેસ એજ્યુકેટર ડૉ. તાહેર કુદરતી કહે છે, ‘સાદી રસોઈ ઉપરાંત આપણે બહારનું ફૂડ પણ પેટ ભરીને ખાઈએ છીએ. હવે આપણે મેંદો, ખાંડ અને મીઠું આ ત્રણ વસ્તુની બનાવટના નાસ્તા તરફ વળ્યા છીએ. એક ભાઈએ મને પૂછ્યું કે ખાવામાં ધ્યાન રાખું છું તોય વજન ઘટવાની જગ્યાએ વધતું જાય છે એવું કેમ? તેના ડાયટ ચાર્ટ વિશે ખણખોદ કરતાં જાણવા મળ્યું કે તેઓ સવારે ચા સાથે ડાયટ બિસ્ક્ટિ ખાય, ટેટ્રા પૅક્ડ જૂસ પીએ, સાંજના ફરી ફાઇબરવાળાં બિસ્ક્ટિ ખાય. થેપલાં ખાતાં હતાં ત્યારે વજન નહોતું વધતું પણ ડાયટના નામે વેચાતા પૅકેજ્ડ ફૂડથી વજન વધી ગયું. છાશ પીવાથી પેટનો ઘેરાવો કન્ટ્રોલમાં રાખી શકાય છે તો બજારમાં મળતાં તૈયાર જૂસ પીવાની જરૂર નથી. લેબલ વાંચશો તો ખબર પડશે કે એમાં ઍડેડ શુગર લખેલું હોય છે. ફાંદ ઘટાડવી હોય તો સૌથી પહેલાં રેડી ટુ ઈટ ફૂડને સાઇડ પર મૂકી દો. આવા નાસ્તા ઇમર્જન્સી ફૂડ કહેવાય. ફૂડ હૅબિટમાં પરિવર્તન લાવવાની સાથે એક્સરસાઇઝ જરૂરી છે. ફિઝિકલ ઍક્ટિવિટી વગર બૉડીને શેપમાં લાવવું પૉસિબલ નથી.’ 

આળસ ખંખેરો

ગુજરાતીઓ મૂળ વેપારી પ્રજા હોવાથી બેઠાડુ જીવન વિતાવે છે. ફાંદ ઘટાડવા શરીર પાસેથી કામ લેવું પડે. ડૉ. તાહેર કહે છે, ‘બિઝનેસ કમ્યુનિટી તરીકે ઓળખાતી ગુજરાતી, મારવાડી અને સિંધી જાતિના પુરુષોની ફિઝિકલ ઍક્ટિવિટી ઝીરો છે. શારીરિક શ્રમ ન કરો એટલે તમારા મસલ્સ વીક થઈ જાય. મેટાબોલિઝમ સુધારવા કસરત કરવી પડે. જોકે સ્પૉટ રિડક્શન જેવી કોઈ વસ્તુ હોતી નથી. આ લાંબી પ્રોસેસ છે. શરીરમાં જે ફૅટ્સ જમા થાય છે એનો પેટ્રોલ તરીકે યુઝ થવો જોઈએ. કાર્ડિયો ટ્રેઇનિંગ અને વેઇટ ટ્રેઇનિંગથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આખા અઠવાડિયામાં દોઢસો મિનિટની મૉડરેટ કાર્ડિયો ઍક્ટિવિટી કરવી જેમાં બ્રિસ્ક વૉક કરી શકાય. બૉડીની સ્ટ્રેંગ્થ વધારવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂરી છે. આખો દિવસ ખુરશી પર બેઠા રહેવાથી શરીર જકડાઈ જાય. મસલ્સ અને જૉઇન્ટ્સ પર કામનો લોડ ન પડે તો હાથ-પગ પાતળા રહી જાય અને પેટ વધતું જાય. મસલ્સની સ્ટ્રેંગ્થ વધારવા અઠવાડિયામાં ત્રણ દિવસ વેઇટ ટ્રેઇનિંગ પર ફોકસ રાખવું. જીવનના કોઈપણ તબક્કામાં ખાણી-પીણીની આદતો બદલવાની સાથે કસરત કરો. ૧૦ મિનિટથી શરૂઆત કરવાથી પણ કૅલરી બર્ન થશે અને ધીમે-ધીમે પેટનો ઘેરાવો ઓછો થતો જશે.’

પુરુષોની ફાંદ વધવાનું કારણ આ એરિયામાં ફૅટ્સનું ડિપોઝિશન છે. બિઝનેસ સાથે સંકળાયેલા ગુજરાતી પુરુષો ડાયટ અને કસરતને ફૉલો કરતા નથી અને તેમની લાઇફસ્ટાઇલ પણ આરામદાયક છે પરિણામે પેટની ચરબી ઘટતી નથી. ફાંદ વધવાથી તેઓ શુગર, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ જેવી બીમારીમાં જલદી સપડાય છે. પેટનો ઘેરાવો વધવાની શરૂઆતમાં જ ડાયટિશ્યન અને ફિટનેસ ટ્રેઇનરનો કૉન્ટૅક્ટ કરી ઉપાયો શરૂ કરી દેવા

- ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કર, બેરિઆટ્રિક સર્જ્યન

કાર્ડિયો ટ્રેઇનિંગ અને વેઇટ ટ્રેઇનિંગથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આખા અઠવાડિયામાં દોઢસો મિનિટની મૉડરેટ કાર્ડિયો ઍક્ટિવિટી કરવી જોઈએ. બૉડીની સ્ટ્રેંગ્થ વધારવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ જરૂરી છે. આખો દિવસ ખુરશી પર બેઠાં રહેવાથી શરીર જકડાઈ જાય છે. મસલ્સ અને જૉઇન્ટ્સ પર કામનો લોડ ન પડે તો હાથ-પગ પાતળા રહી જાય અને પેટ વધતું જાય. જીવનના કોઈ પણ તબક્કામાં ખાણીપીણીની આદતો બદલવાની સાથે કસરત કરો તો પેટની ચરબી ઘટાડી શકાય છે

- ડૉ. તાહેર કુદરતી, ફિટનેસ એજ્યુકેટર

ખાણીપીણીના શોખીન ગુજરાતી પુરુષો માટે ફાંદ ઘટાડવી મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક છે તેથી મનગમતી વાનગીઓ ખાઈ શકાય અને ચરબી પણ ન વધે એવા ઉપાયો અપનાવવા જોઈએ. પેટનો ઘેરાવો ઘટાડવા ખાવાનો સમય અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ નક્કી કરો. અઠવાડિયામાં ત્રણ વાર જન્ક ફૂડ ખાતા હો તો એક વાર ખાઓ. દાળ-ભાત, શાક-રોટલી જેવી રોજની રસોઈમાં પણ કાર્બ્સનું પ્રમાણ વધુ હોય છે. વેઇટ લૉસ માટે કાર્બ્સ ઓછું અને પ્રોટીન તેમ જ ફાઇબર વધુ મળે એવો આહાર લેવો જોઈએ

- પ્રાચી ઝવેરી, ન્યુટ્રિશનિસ્ટ

columnists Varsha Chitaliya