મનોમન નક્કી કર્યું છે કે નિવૃત્તિ પછી બીજું કંઈ કરું કે નહીં, કુકિંગ જરૂર કરીશ

08 August, 2022 03:22 PM IST  |  Mumbai | Rashmin Shah

અઢળક સિરિયલોના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આતિશ કાપડિયાએ બનાવેલું ભોજન એક વાર ચાખો પછી બીજી વાર ન માગો તો જ નવાઈ. ભલભલા શેફ પણ જેમની રસોઈ સામે ઝાંખા પડી જાય એવા આતિશભાઈની કુકિંગની ટિપ્સ તમને સોએ સો ટકા કામ લાગશે

મનોમન નક્કી કર્યું છે કે નિવૃત્તિ પછી બીજું કંઈ કરું કે નહીં, કુકિંગ જરૂર કરીશ

વસ્તારી કુટુંબમાં હું મોટો થયો છું. મને યાદ છે કે નાનપણમાં મારા ઘરે એકેય વસ્તુ એવી નહોતી જે બહારથી આવતી હોય. બહારનાં અથાણાં-પાપડનું નામ પડે અને મારાં દાદીમા મોઢું બગાડે. દિવાળીનો તમામ નાસ્તો અમારા ઘરે જ બને. ઇન ફૅક્ટ, ત્યારે રેડિમેડ મસાલા લાવવાનો પણ કોઈ ટ્રેન્ડ નહોતો. તમામ મસાલા પણ ઘરે જ બને અને અથાણાં પણ ઘરે જ બને. અલગ-અલગ વીસ પ્રકારનાં અથાણાં અમારે ત્યાં બનતાં. આ જે અથાણાં હોય એને તડકો આપવાનો હોય. આ કામ મને પણ સોંપવામાં આવતું અને હું એ કરતો પણ ખરો. આ તો થઈ સીઝનલ વાત. એ સિવાયની વાત તમને કહું.
ચિક્કી, સિંગપાક અને એ સિવાયની બધી જ મીઠાઈઓ ઘરે બને. મારી દાદીએ મને વણતાં શીખવેલું. એ રીતે કુકિંગની ટ્રેઇનિંગ કદાચ મને વારસામાં મળી છે. જોકે ખરી રીતે રસોઈ બનાવવાનું મેં મારા દીકરા અગસ્ત્યના જન્મ પછી શરૂ કર્યું એમ કહું તો કંઈ ખોટું નહીં કહેવાય.
હેલ્ધી જ નહીં, ટેસ્ટી ફૂડ
મારો દીકરો અગસ્ત્ય બહારના ફૂડને બદલે ઘરનું જ ખાય એવા આશયથી હેલ્ધી અને ટેસ્ટી કુકિંગની શરૂઆત કરી અને એ પછી ઘણી આઇટમો પર મેં હાથ અજમાવ્યો. આજે એવી સ્થિતિ છે કે મારા ઘરે દિવાળી કે ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટી હોય ત્યારે જમવાનું તો મારે જ બનાવવાનું. ઘરે આવે એ બધાને મારી અમુક ડિશ તો એવી ભાવે કે તે લોકો મારે ત્યાં જમે પ્લસ કન્ટેનરમાં ફૂડ ભરીને સાથે પણ લઈ જાય. કહું તમને એ આઇટમ પણ.
દિવાળીની મારા ઘરે થતી જે લંચ-પાર્ટી હોય એમાં હું પાંચથી છ આઇટમો બનાવું. ટ્રેડિશનલ પંજાબી દાળ અને સ્મોકી વેજિટેબલ્સ સાથે કોફતા કરી હોય. અમુક કૉન્ટિનેન્ટલ બેકિંગવાળી આઇટમો પણ મારા હાથની ખૂબ સરસ બનતી હોય છે. રેસિપી માટે હું અમિત દાસાનાની ‘વેજ રેસિપીઝ ઑફ ઇન્ડિયા’ નામની વેબસાઇટને ફૉલો કરું છું. એમાં મારી રીતે જરૂરી ઇમ્પ્રૂવાઇઝેશન પણ કરું. કઈ ટાઇપનો મસાલો ક્યાંથી મગાવવો, સ્મોકી વેજિટેબલ્સ બનાવો છો તો એમાં કયા કોલસા વાપરવા, ફ્રાઇડ અન્યન ક્યાંથી મગાવવા જેવી બાબતો તમારી રસોઈના સ્વાદમાં બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તમે માનશો નહીં પણ મારા ઘરે રસોડું મારી અનુકૂળતા પ્રમાણે બન્યું છે અને મસાલાનો એક આખો અલગ સેક્શન જ છે. હું કિચનમાં હોઉં ત્યારે વાઇફને હૉલિડે હોય. કુકિંગમાં ચૉપિંગ અને કટિંગનું કામ મને વાઇફ કરી આપે. અમારે ત્યાં દિવાળીનું લંચ હોય ત્યારે વીસ જણ મિનિમમ હોય. એક વાર દિવાળીની પાર્ટીમાં મેં બિરયાની બનાવેલી. હજી તો અમુક લોકો જમવાના બાકી હતા અને બિરયાની પૂરી થઈ ગઈ. બીજા મિત્રો કહે કે અરે, હજી અમે બાકી છીએ. જોકે દસ જણ ખાઈ શકે એટલી બિરયાનીનો સ્ટૉક મેં અલગ જ રાખેલો. આજ સુધી મારા હાથનું ખાવાનું ક્યારેક વધ્યું જ નથી. થોડીક એક્સ્ટ્રા બનાવેલી આઇટમ પછી મિત્રો ડબ્બામાં ભરીને લઈ જાય. 
બાળકોને ભાવે એવું ઇટાલિયન સ્ટાર્ટર બનાવું જેમાં બ્રેડ અને ચીઝ હોય. એ સ્ટાર્ટર પણ બધાને બહુ ભાવે છે.
જેડી મારો ફાઇનલ જ્જ 
મારી નેવું ટકા પાર્ટીમાં જે. ડી. મજીઠિયા હોય જ હોય. જે. ડી.ની એક જવાબદારી છે - બધી જ આઇટમોનું ફાઇનલ ટેસ્ટિંગ તેણે કરવાનું અને એ કેવી બની છે એનું જ્જમેન્ટ પણ તેણે જ આપવાનું. 

મેકિંગની જેમ સર્વિંગની બાબતમાં પણ હું બહુ જ પર્ટિક્યુલર છું. કટલરી બરાબર હોવી જોઈએ. નૅપ્કિન્સ પણ મૅચિંગ હોવા જોઈએ. કઈ વસ્તુ શેમાં સર્વ કરવી એ પણ બહુ અગત્યનું છે. જો આ બધી વાતો પર ધ્યાન આપવામાં આવે તો એની અસર પણ ભૂખ પર સકારાત્મક પડતી હોય છે.

નેવર-એવર
કુકિંગમાં પૅશન્સ બહુ જરૂરી છે. જે દિવસે તમે ઉતાવળ કરો એ દિવસે તમારું ખાવાનું બગડશે જ બગડશે. ઉતાવળ ન કરવી હોય તો ઍડ્વાન્સ તૈયારી કરો. સાંજે ગેસ્ટ જમવાના હોય તો આગલા દિવસથી એની તૈયારીઓ શરૂ થવી જોઈએ અને સાથે બૅક-અપ પ્લાન પણ રેડી હોવો જોઈએ.

columnists Rashmin Shah