વેબ સિરીઝ : ગાળ અને સેક્સનું હોલસેલ માર્કેટ

14 July, 2019 02:55 PM IST  |  મુંબઈ | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

વેબ સિરીઝ : ગાળ અને સેક્સનું હોલસેલ માર્કેટ

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

સુપર્બ, ટેરિફિક અને એકદમ હાર્ડકોર.
હા, આપણે વાત કરીએ છીએ વેબ સિરીઝની અને એના સબ્જેક્ટની. સાચે જ વેબ સિરીઝનો જમાનો આવ્યો છે અને એ સ્તરે એની પસંદગી કરવામાં આવે છે કે આપણને મજા પડી જાય. કોઈ હિસાબે આપણે એવા સબ્જેક્ટની ફિલ્મ પણ જોઈ ન શકવાના હોય એવા સબ્જેક્ટ સાથેની વેબ સિરીઝ બને છે અને એ જોવી ગમે પણ છે. મારી વાત કરું તો મને સાચે જ વેબ સિરીઝ જોવાનું ગમે છે. એની ઘણીબધી મજા પૈકીની એક મજા છે એનું લેયર, એટલે કે આઠ-દસ કે બાર એપિસોડમાં એ વાર્તા વહેંચાયેલી હોય છે એટલે સબ્જેક્ટને પણ બરાબર ન્યાય મળ્યો હોય એવું લાગે. રિયલ ઇન્સિડન્સ પરથી બનેલી ફિલ્મો કરતાં હું એના પર બનેલી વેબ સિરીઝ જોવાની વધારે પસંદ કરું. આની પાછળનું કારણ પણ છે. તમારે ફિલ્મ બેથી સવાબે કલાકમાં પૂરી કરી નાખવી પડે, પણ એની સામે વેબ સિરીઝમાં તમે બધા આસ્પેક્ટ્સને સ્પર્શી શકો, એમાં સમયની મર્યાદા નથી રહેતી એટલે તમે બધા દૃષ્‍ટિકોણને એમાં વાપરી પણ શકો. મારા જેવાને એવી વેબ સિરીઝ જોઈને પેટ ભરાયાનો આનંદ મળે. વેબ સિરીઝની બીજી પણ એક ખાસિયત એ છે કે એને રિલીઝ કરવાની કડાકૂટ પણ મોટી નથી હોતી. તમે નક્કી કર્યું અને એ દિવસ વેબ સિરીઝ રિલીઝ કરી લીધી. થિયેટરની કોઈ પ્રોસેસ એમાં આવતી નથી અને એમાં હિટ અને ફ્લૉપની કોઈ કડાકૂટ પણ રહેતી નથી. આ પૉઇન્ટ પર કેટલાક કહેશે કે સેન્સરશિપનો પણ પ્રશ્ન નીકળી જાય છે, પણ મારે માટે આ પ્રશ્નથી જ આજનો ટૉપિક શરૂ થાય છે.
શું કામ?
શું કામ આપણી વેબ સ‌િરીઝમાં આટલી ગાળો હોય છે અને વગર કારણનાં સેક્સ-સીન હોય છે. વાત આગળ વધારતાં પહેલાં હું કેટલીક સ્પષ્‍ટતા કરી દઉં. આજના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ બાળકોના હાથમાં ન હોય એવું માની ન શકાય. બીજું કે યુટ્યુબ અને બીજાં અનેક પ્લૅટફૉર્મ એવાં છે જ્યાં આ વેબ સિરીઝ પાઇરસી સાથે જોવા મળે છે અને એ વેબ ઍડ્રેસ મારા કે તમારા કરતાં પણ વધારે આ બાળકો જાણતાં હોય છે. કોઈને હું ઑર્થોડોક્સ લાગી શકું છું, કોઈને જુનવાણી વિચારધારાનો પણ લાગી શકું અને કોઈને એવું પણ લાગી શકે કે આ વેદિયો છે તો પણ મને વાંધો નથી. એટલા માટે મને વાંધો નથી કે આ વેબ સ‌િરીઝ ખરેખર અંદરોઅંદરના વ્યવહાર અને સંબંધોને પણ એકબીજા સામે શરમજનક અવસ્થામાં મૂકી રહ્યા છે.
એક કિસ્સો કહું તમને.
હમણાં હું મારા એક અંકલને ત્યાં ગયો ત્યારે ત્યાં હાજર રહેલા મારા જેટલી ઉંમરના જ બે યંગસ્ટર્સ સાથે હું વેબ સિરીઝ વિશે વાત કરતો હતો. અમારી આ વાત ચાલતી હતી ત્યારે જ એ અંકલની દીકરી ત્યાં આવી. અમારી વાતચીતમાં તેણે એવું સાંભળ્યું હતું કે અમે કોઈ વેબ સિરીઝની વાત કરીએ છીએ. તેણે તરત જ આવીને કહ્યું કે મેં પણ એ જોઈ છે, બહુ સરસ છે. હવે વાત અમારી ચાલતી હતી એનો ટૉપિક એ સિરીઝમાં આવતા વાહિયાત અને કારણ વગરના સેક્સ-સીન્સની હતી. જરા વિચારો કે વચ્ચે આવી ગયેલી એ છોકરીને લીધે અમારા બધાની હાલત કેવી કફોડી થઈ હશે. મારા મનમાં તો વિચાર પણ આવવા માંડ્યો કે આ છોકરીએ કેવી રીતે એ સીન જોયા હશે અને એ પછીના જાતજાતના વિચારો પણ મનમાં આવવાનું શરૂ થઈ ગયું હશે.
મુદ્દો એ છે કે તમારી પાસે કન્ટેન્ટ ગજબનાક છે, પણ દરેક વાર્તા સાથે જ્યારે બિનજરૂરી ગાળ અને વગર કારણે ઉમેરાઈ જતા સેક્સ-સીન આવી જાય છે ત્યારે થ્રિલની મજા તો મરી જ જાય છે, પણ સાથોસાથ સંકોચની અવસ્થા પણ ઊભી થઈ જાય છે. કોઈને ડરાવવા માટે, ધમકાવવા માટે ગાળો બોલવી ખરેખર જરૂરી નથી, જરા પણ નથી. જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમારો તો કોઈ ડૉન પણ ગંદી ગાળ નહોતો બોલતો.’ વાત જરા પણ ખોટી નથી. તમે જોઈ લો કે એ બધી ફિલ્મો જેણે આપણને ડૉન કેવા હોય એ દેખાડ્યું અને સમજાવ્યું. ગુસ્સો દેખાડવા માટે ગાળ હોવી જરા પણ જરૂરી નથી. ખીજ ચડે ત્યારે ગાળ બોલવી આવશ્યક નથી અને એ પછી પણ વેબ સિરીઝમાં ગંદી ગાળોની ભરમાર છે.
માત્ર ગાળો જ નહીં, આ સિવાય પણ આ વેબ સિરીઝનો બીજો પણ એક બહુ મોટો પ્રશ્ન છે. સિરીઝના દર ત્રીજા સીન પછી નાહકનો સેક્સ-સીન આવી જાય. શું કામ આવે અને કયા કારણસર આવે એના જવાબની તો રાઇટરને પણ ખબર નથી હોતી અને એ પછી પણ એ આવી જાય છે. આવું દેખાડીને શું સાબિત કરવા માગીએ છીએ આપણે, આપણો સમાજ આ હદે સેક્સભૂખ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ સેક્સ તો તેમને જોઈએ જ જોઈએ. જરૂર એ નથી કે ફિલ્મોમાં કે વેબ સિ‌રીઝમાં સેક્સ-સીન ન હોય, ગાળ ન હોય. મેં પોતે પણ એ જોયા છે અને એટલા ઑથેન્ટિક રીતે જોયા છે કે તમે કલ્પના પણ ન કરી શકો. એવા સમયે ગાળ પર તમારું ધ્યાન જ ન હોય અને સેક્સ-સીન પર પણ તમારી નજર ન હોય. માત્ર ચહેરાના હાવભાવથી કે બૉડી-મૂવમેન્ટથી સેક્સ-સીન પ્રેઝન્ટ કરવામાં આવ્યા હોય એવી સિરીઝ પણ મેં જોઈ છે, પણ એની વાત જ જુદી છે. આપણે ત્યાં તો અત્યારે ૧૦ એપિસોડની સિરીઝમાં એટલા સેક્સ-સીન મૂકી દેવામાં આવે છે કે એને જો કાઢી નાખવામાં આવે તો એ સિરીઝ ૬ એપિસોડની બની જાય. આ ૬ એપિસોડમાંથી બે એપિસોડ તો ગાળથી ભરેલા હોય એટલે વાર્તા માટે બચે માત્ર ચાર એપિસોડ. ચાલો કબૂલ કે આજકાલ ગાળ બોલવી એને બહુ સામાન્ય વાત માનવામાં આવે છે અને એ હશે પણ ખરી, પણ એક હકીકત તો એ પણ છે કે જેમના માટે ગાળ બોલવું ખરેખર સામાન્ય છે અને જેનો દરેક ત્રીજો શબ્દ ગાળ છે એ પણ આ હદે ગાળો બોલતા નથી. કબૂલ કે સેક્સ અનિવાર્ય છે અને સામાન્ય છે, પણ વેબ સિરીઝમાં દેખાડવામાં આવે છે એવાં દૃશ્યો જોઈને ખરેખર એવો વિચાર આવી જાય કે આ પ્રોડ્યુસર, આ પ્લૅટફૉર્મ ઑપરેટર શું એવું માને છે કે આપણું ઑડિયન્સ હવસખોરોનું છે. ના, નથી જ નથી, પણ જો આવી અવસ્થા ચાલુ રહેશે તો ચોક્કસ, એ લોકો આપણા ઑડિયન્સને હવસખોર બનાવી દેશે એ નક્કી છે. આપણે ક્રીએટિવ ક્ષેત્રમાં છીએ. સર્જનાત્મકતા આપણા લોહીમાં છે તો પછી શું કામ આપણે પૉર્નની દિશામાં આપણે આગળ વધીએ છીએ અને બીજું એ કે આવું બધું કરવાને બદલે બહેતર છે કે આપણે પૉર્ન બનાવવાની પરવાનગી લઈને એક્સ-રેટેડ કન્ટેન્ટ જ બનાવવા માંડીએ. દુનિયાને ખબર પણ પડે કે આપણે આ જ કરીએ છીએ, એટલે જોવું કે ન જોવું એની પણ એને સમજ પડે.
ગાળ, સેક્સ અને પૉર્ન કહેવાય એવા સી ગ્રેડના સીન્સ. આવું શું કામ?
વેબ સિરીઝના પ્રોડ્યુસર અને પ્લૅટફૉર્મ ઑપરેટર પાસે જવાબ છે, પણ એ જવાબમાં કોઈ તથ્ય નથી. તેમની આર્ગ્યુમેન્ટ છે કે વેબ સિરીઝ મોટા ભાગે યંગસ્ટર્સ જોતા હોય છે એટલે તેમને માટે આ બધું વાજબી છે.
પહેલી વાત તો એ કે જો તમે યંગસ્ટર્સ માટે જ આ બનાવતા હો તો યંગસ્ટર્સને આવું દેખાડવું આવશ્યક નથી. જો એવું જ હોય તો તમે ક્યાંક ને ક્યાંક તમારી નવી પેઢીને ખોટી દિશામાં વાળવાનું કામ કરી રહ્યા છો, જે બહુ ખરાબ છે. જવાબદારીને સમજવી જોઈએ. તમને પ્લૅટફૉર્મ મળે એનો અર્થ એવો નથી કે એના ઉપયોગથી તમે ઇચ્છા થાય એવું વર્તવા માંડો. પ્લૅટફૉર્મ મળતું હોય છે ત્યારે એની સાથે જવાબદારી પણ આવતી હોય છે. આ જવાબદારી દરેક વેબ સિરીઝના પ્રોડ્યુસર અને પ્લૅટફૉર્મ ઑપરેટરની છે. જો આ જવાબદારી તે નિભાવી નહીં શકે તો એક સમય એવો આવી જશે કે આપણા બધા યંગસ્ટર્સના મગજમાં વિકૃતિ ઠાંસોઠાંસ ભરાઈ ગઈ હશે અને સમાજે એ ભોગવવું પડતું હશે. હજી પણ સમય છે, જાગો અને વિચારો.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Bhavya Gandhi columnists