પર્ફેક્ટ ફિઝિક્સ : આ દુનિયાનો કોઈ શૉર્ટકટ હોતો નથી, ક્યારેય નહીં

28 July, 2019 11:02 AM IST  |  મુંબઈ ડેસ્ક | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

પર્ફેક્ટ ફિઝિક્સ : આ દુનિયાનો કોઈ શૉર્ટકટ હોતો નથી, ક્યારેય નહીં

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

આજે આપણે વાત કરવાના છીએ લાઇફસ્ટાઇલ વિશે. ના, એવી વાતો નથી જેમાં શું પહેરવું અને શું ન પહેરવું? કઈ બ્રૅન્ડનો ફોન વાપરવો કે પછી કઈ બ્રૅન્ડનાં શૂઝ લેવાં, વૉચ લેવી કે પછી સ્ટેટસ માટે સ્માર્ટ વૉચનો ઉપયોગ કરવો? ના, આપણે એવી કોઈ વાત નથી કરવાના, આપણે વાતો કરવાના છીએ હેલ્થ સ્ટેટસ અને હેલ્થી લાઇફસ્ટાઇલ વિશેની. આપણે બધું વિચારીએ છીએ; શું ખાવું, કેવું પીવું, કોની સાથે બોલવું અને કોની સાથે અબોલા લઈ લેવા, કયા એરિયામાં રહેવું જોઈએ અને કેવી કાર વાપરવી જોઈએ. બધી એટલે બધી જ બાબતમાં આપણે વિચારીએ છીએ, પણ શું ખાવું અને શું ન ખાવું એવી મહત્ત્વની વાત માટે ક્યારેય વિચાર નથી કરતા. ખાસ કરીને એ લોકો, જેઓ ૩૦-૩૫ અને ૪૦ વર્ષ વટાવી ચૂક્યા છે. એવા લોકો પણ આમાં આવી જાય જેઓ હજી ૨૦-૨૨ના છે, પણ એવા લોકોની વાત હું એટલા માટે અહીં નથી કરતો, કારણ કે એ લોકોનું સર્કલ એવું હોય છે જેમાં કોઈ ને કોઈ હેલ્થ-કૉન્સિયસ હોય એટલે તેમનામાં આવી આદત કે પછી આ બાબતમાં વિચાર કરવાની માનસિકતા આવી જાય છે, પણ જે ૩૫ની એજ ક્રૉસ કરી ગયા છે તેઓ તો ક્યારેય આ વિશે વિચાર કરતા નથી.

આપણે એટલાબધા ટેક્નોસેવી બની ગયા છીએ કે માર્કેટમાં શું નવું આવે છે, કયો ફોન નવો આવ્યો છે અને એ ફોન બીજા ફોન કરતાં કેવી રીતે ચડિયાતો છે એની બધી ઇન્ફર્મેશન જીભ પર હોય છે. કઈ સુપરમાર્કેટમાં સેલ ચાલે છે અને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એની પણ આપણને ખબર હોય છે અને કઈ રેસ્ટોરાંનું ફૂડ આલા દરજ્જાનું છે એની પણ ખબર હોય છે, પણ આપણા શરીર માટે અને આપણી તંદુરસ્તી માટે સજાગ રહેતા નથી. આપણા બૉડીમાં આપણે શું પધરાવીએ છીએ એનું ધ્યાન નથી રાખતા, આપણે જિમ જવાનું કે પછી બૉડી મેઇન્ટેન કરવા માટેનું કોઈ પ્લાનિંગ નથી કરતા.

હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે તમે કોઈ સ્ટોરમાં ગયા અને ત્યાં તમે એક પ્રોડક્ટ જોઈ, જેના પર એવું લખેલું છે કે આ બૉડી-ડિટૉક્સ ફૉર્મ્યુલા છે અને આ પ્રોડક્ટને એટલે કે અંદર રહેલા આ પાઉડરને માત્ર ૧૦ દિવસ વાપરવાથી પાતળા થઈ જાઓ છો. આગળ કહ્યું એમ, બધા હવે અમુક બાબતોમાં તો એક્સપર્ટ છે જ અને એટલે પોતે કેટલું વેઇટ ગેઇન કરે છે અને એના બૉડી ફૅટ વધવાનાં કારણ શું છે એની તો ખબર જ છે. માત્ર ૧૦ દિવસમાં કોઈ પણ જાતની મેહનત વગર પાતળા થાઓ અને પાછું એ પણ કહ્યું છે કે કોઈ જાતની પરેજી નથી રાખવાની તો તમારા મનમાં પહેલો વિચાર શું આવે? સ્વાભાવિક રીતે એક જ વિચાર આવે મનમાં કે લાવ લઈ જ લઉં. રિઝલ્ટ મળશે જ, પણ આવું વિચારનારા એ નથી વિચારતા કે આની મને આવશ્યકતા છે કે નહીં. એ પણ વિચાર નહીં કરે કે મારી ફૂડ-પૅટર્ન શું છે અને મેં એવું તે શું ખાધું છે કે મારું વેઇટ વધે છે. માણસ ડાહ્યો પણ હમણાં બહુ થવા માંડ્યો છે. જો કોઈ કહેશે કે વેઇટ વધી ગયું છે તો તે સિમ્પલી, ઘરમેળે અને જાતે જ નક્કી કરીને શુગર કે સૉલ્ટ બંધ કરી દેશે. વીટ પ્રોડક્ટ્સ એટલે કે ઘઉં ખાવાનું છોડી દેશે, પણ જરા એ તો જુઓ, તમે જન્ક ફૂડ બંધ કર્યું કે નહીં? વૉકિંગ જેવી સામાન્ય કહેવાય એવી એક્સરસાઇઝ પણ શરૂ કરી કે નહીં? જો વેઇટ લૉસ કરવાની સામાન્ય કહેવાય એવી પણ કોઈ વાત પર તમે ધ્યાન નથી આપતા અને એ પછી પણ એ પ્રોડક્ટ જો તમને હેલ્પ કરે છે તો ખરેખર કહેવું પડે કે એ પ્રોડક્ટ સાચે જ જાદુઈ છે અને જો એવું નથી તો, તો તમારે માટે એ પ્રોડક્ટ જરા પણ કામની નથી. પહેલાં તો હું કહીશ કે આવો જાદુ ક્યારેય થતો નથી અને થાય તો એ જાદુને જરા પણ ફૉલો નહીં કરતા, કારણ કે એ નુકસાનકર્તા જ હોય છે. આવી પ્રોડક્ટ તમારા બૉડીને ડિટૉક્સ નહીં કરે, પણ એ તમારા બૉડીમાં વેસ્ટ વધારવાનું કામ તો કરશે જ કરશે.

બીજો એક કિસ્સો કહું. મેં હમણાં ટીવી પર ઍડ જોઈ જેમાં એવું બતાવતા હતા કે આ પ્રોડક્ટ યુઝ કરો અને તમારા ઇયર-વૅક્સને અંદર સુધી જઈને સાફ કરો. તમારા કાન એકદમ ક્લીન થઈ જશે અને તમે એકદમ ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાંભળી શકશો, એના ઘણા બીજા ફાયદાઓ પણ બતાવવામાં આવતા હતા. મને થયું કે લોકો શું ખરેખર આ પ્રોડક્ટ લેતા હશે? હવે બહુ સામાન્ય વાત છે કે જો લોકો લેતા હોય તો જ આ પ્રકારની પ્રોડક્ટ્સ બનતી હશે અને ત્યારે જ એની આટલી પબ્લિસિટી પણ કરવામાં આવતી હશે. હવે વિચાર એ કરવાનો છે કે લોકો આવી પ્રોડક્ટ કેવી રીતે ખરીદતા હશે? એનાં વખાણ સાંભળીને, એ વાપરવાની રીતભાત સમજીને કે પછી દેખાદેખીમાં આ ખરીદી લેવામાં આવતું હશે? અહીં મને નાનકડી પણ મહત્ત્વની બાયોલૉજીની વાત કરવી છે. ઇયર-વૅક્સ ઑટોમૅટિક જનરેટ થાય છે અને આપણું બૉડી પ્રોડ્યુસ કરે છે, જેને લીધે આપણા કાનની સલામતી અકબંધ રહે છે. આ ઇયર-વૅક્સને કાઢવાની જરૂર નથી અને એને અંદર સુધી સાફ પણ કરવાની જરૂર નથી. તમારું બૉડી એ ઑટોમૅટિકલી પ્રોડ્યુસ કરે છે અને ઑટોમૅટિકલી જ એને રિમૂવ પણ કરી દે છે. આ ઇયર-વૅક્સ કચરાને કાનમાં જતો રોકે છે, ક્યારેક કોઈ જીવડું ભૂલથી અંદર જતું હોય તો એને એ રોકે છે. કાનમાં પાણી જતાં રોકે છે. હવે તમે જ કહો કે જો એ લાભદાયી હોય તો પછી એને ક્લીન કરવાની ક્યાં જરૂર છે? વધારાનું ઇયર-વૅક્સ તો ઑટોમૅટિકલી બોડી જ રિમૂવ કરી દેવાનું છે તો પછી આવી કોઈ પ્રોડક્ટ વાપરવાની શા માટે અને એ પછી પણ એનો ઉપયોગ થાય છે, લોકો ખરીદે છે અને વાપરે પણ છે.

હજી આગળ કહું તમને, માર્કેટમાં જાતજાતના એવા પાઉડર આવે છે જે તમારા દાંતને એકદમ વાઇટ બનાવી દે છે. એટલા સફેદ કે જો તમે કોઈની સામે સ્માઇલ કરો તો સામેવાળાની આંખો અંજાઈ જાય. આવી જ એક ઍડ મેં જોઈ, જેમાં લોકો એ પાઉડર લેવા લાઇનમાં ઊભા છે એવું બતાવતા હતા. લોકો લેતા હશે, ના પાડી પણ ન શકાય, કારણ કે બધાને આજે કોઈ ને કોઈ વ્યસન તો છે જ, ચાનું કે પછી સ્મોકિંગ કે પછી દારૂનું કે એવી કોઈ આદત જેને લીધે દાંત પર પીળાશ આવી જાય. એ પણ કહી દઉં કે ૧૦૦માંથી ૭૦ ટકા લોકોના દાંત નૅચરલી જ એ કલરના એટલે કે પીળા હોય છે અને એ પછી પણ લોકો એ પાઉડર લેવા માટે પડાપડી કરે અને એનો ઉપયોગ પણ કરે, કારણ, બધાને દાંતમાં પણ દૂધની સફેદી જોઈએ છે. આ પાઉડર શું છે ખબર છે તમને, એ બ્લીચ છે, જે દાંત પરનું આખું પડ જ સફેદ રંગે રંગી નાખે છે. એ શરીર માટે નુકસાનકર્તા છે, પણ એ નુકસાન સાથે કંઈ લેવાદેવા નથી. દાંત સફેદ જોઈએ, અંદર જે થવું હોય એ ભલે થતું.

આવી કેટલી ટીવી-ઍડ્સ આખો દિવસ ટીવી પર આવતી રહે છે અને આવી કેટલી પ્રોડક્ટ્સ માર્કેટમાં મળે છે અને લોકો ખરીદે છે અને વાપરે છે. વાપરવાનું કારણ માત્ર એક જ છે કે એનાથી શરીરને ફાયદો થશે અને પોતે સારા દેખાશે. હું અહીં એટલું કહેવા માગીશ કે લોકોને સારા દેખાવું છે, શરીરના લાભ કે ગેરલાભ સાથે કોઈ નિસ્બત નથી. અરે, દાંત સફેદ કરવા છે તો પહેલાં વ્યસન છોડી દોને.

બૉડીને ફાયદો થાય અને તેઓ સારા લાગે. હકીકત એ છે કે તેઓ સારા લાગે એટલા માટે વધારે આવી પ્રોડક્ટ્સનો યુઝ કરે છે ન કે તેમને ખરેખર બૉડીની એટલી ચિંતા છે. જો બૉડીની એટલી ચિંતા જ હોત તો ટીથ વાઇટનિંગને બદલે સ્મોકિંગ કે ડ્રિન્કિંગ છોડી દીધું હોત અને જો હેલ્થની એટલી બધી ચિંતા જ હોત તો જિમ જૉઇન કર્યું હોત. આવા પાઉડર લઈને પાતળા થવા ન નીકળ્યા હોત. ખાવા-પીવામાં ધ્યાન રાખ્યું હોત, શૉર્ટકટ ન શોધતા હોત.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

આવું થવા પાછળ મને લાગે છે કે ત્રણ કારણ જવાબદાર છે; એક, માત્ર દેખાદેખી. કોઈને દેખાડી દેવા માટે કે પછી કોઈને દેખાડી દેવાના હેતુથી. બીજું કારણ, પોતાનાથી સુપીરિયર કે સિનિયર કરતા હોય એટલે નકલચી બંદર બનીને અને ત્રીજું કારણ, લોકોની સામે ચડિયાતા દેખાવા માટે કે પોતે કેટલું જાણે છે અને પોતે કેટલો ઍડ્વાન્સ છે. હું કહીશ કે જો તમારું બૉડી સલમાન ખાન કે ટાઇગર શ્રોફની જેમ રીઍક્ટ નથી કરતું તો તમારે પહેલાં તો તમારા બૉડીને સમજવું જોઈએ અને એને એ દિશામાં લઈ જવું જોઈએ. સક્સેસ માટે હંમેશાં કહેવાયું છે કે એનો કોઈ શૉર્ટકટ નથી. આ જ વાત હું બૉડી માટે પર્ફેક્ટ ફિઝિક્સ માટે કહીશ કે એનો પણ કોઈ શૉર્ટકટ નથી.

Bhavya Gandhi columnists