બુકે આખો એક ફૂલનો શું કામ ?

09 June, 2019 09:30 AM IST  |  | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

બુકે આખો એક ફૂલનો શું કામ ?

બુકે

આરંભ હૈ પ્રચંડ

આમ તો આ સબ્જેક્ટ પર મને ઘણા વખતથી વાત કરવી હતી, પણ દરેક વખતે બીજાના ઘરની, બીજાની ફૅમિલીની વાત આવતી એટલે હું આ સબ્જેક્ટને સાઇડ પર મૂકી દેતો, પણ આ વખતે તો એવું બન્યું કે મારા ઘરમાં જ આ ટૉપિક ખૂલી ગયો અને આ સબ્જેક્ટ જેવી અસર મને મારા જ ઘરમાં, મારી જ ફૅમિલીમાં જોવા મળી.

આમ તો મને અને મારી મમ્મીને ખૂબ બને અને એની બધાને ખબર છે. યુ કૅન સે ધેટ, હું માવડિયો છું. બીજાને આવા શબ્દો કોઈ વાપરે તો ગમતું નથી, પણ મારો એમાં કોઈ વિરોધ પણ નથી. હું તો કહીશ કે દરેક બાળકે માવડિયા રહેવું જોઈએ. જે વ્યક્તિ તમારે માટે બધું ભૂલીને આખી જિંદગી તમારા ગ્રોથમાં ખર્ચી નાખે એ વ્યક્તિને તમે કેવી રીતે અવગણી શકો અને કેવી રીતે તેને ભૂલી પણ શકો. હું તેમની વાતો માનું પણ ખરો અને તેમની ઇચ્છાઓ પૂરી કરવાની કોશિશ પણ સતત કરતો રહું એમ છતાં બધાના ઘરમાં બનતું હોય એવું અમારી વચ્ચે પણ બને. હું તેમની કોઈ વાત માનું નહીં એટલે તેમને માઠું લાગે. હું માનું એટલે ફરીથી બધું સરખું થઈ જાય. આવી મીઠી નોંકઝોંક અમારી વચ્ચે ચાલ્યા જ કરે અને એમાં કશું ખોટું પણ નથી. હમણાં કોઈ મોટો દિવસ હતો. શાસ્ત્રોક્ત રીતે મોટો દિવસ. કદાચ, ગૂઢીપડવો હતો, બટ આઇ ઍમ નોટ સ્યૉર. મેં વાળ મોટા કર્યા હતા, જેની સામે મારી મમ્મીને સખત વિરોધ. સવારે હું જાગ્યો ત્યાં મારી મમ્મીએ મને કહ્યું કે આજના દિવસે તો વાળ કપાવવા જ પડે અને મારે કપાવવા નહોતા. ઍક્ચ્યુઅલી મેં લાંબા અને મોટા વાળ મુશ્કેલીથી કર્યા હતા. ખાસ્સાએવા લાંબા થયા હતા અને સારા લાગતા હતા. ફૅન્સ અને ફ્રેન્ડ્સને પણ એ ગમતા હતા એટલે મને પણ સારું લાગતું હતું. પણ આ તો મમ્મી, બસ પોતાની જીદ લઈને બેસી ગઈ કે વાળ તો કપાવવા જ પડશે અને હું પણ એક જ વાત લઈને ઊભો રહી ગયો: ‘ના, નહીં કપાવું, મારે નથી જ કપાવવા.’

‘ના કપાવવા જ પડે, ખરાબ લાગે આપણું.’

મને અચાનક સૂઝ્યું એટલે હું મારી જાતે જ રૂમમાં ગયો અને કેંચી લઈ આવ્યો, જાતે એક ખૂણામાં સહેજ કેંચી મૂકીને મેં વાળ કાપીને તેના હાથમાં મૂક્યા, ‘બસ, હૅપી નાઉ?’

મમ્મી પહેલાં તો હેબતાઈ ગઈ, પણ બે મિનિટ પછી સાચે જ ખુશ થઈ ગઈ. કહેવા લાગી કે મારો દીકરો તો બહુ ડાહ્યો, બધું મારું માને ઍન્ડ એક્સ્ટ્રા-એક્સ્ટ્રા...

અહીંથી મારો પ્રશ્ન શરૂ થાય છે, જે મારો જ નહીં, આપણા બધાનો છે.

વાળની લટ નહોતી કાપી ત્યારે પણ હું ડાહ્યો જ હતો અને વાળની લટ કાપીને પણ ડાહ્યો જ રહ્યો છું. આ જે ઘટના બની એને હું ફોકસ નથી કરવા માગતો કે નથી કરાવી રહ્યો, પણ મને એ તો કહેવું જ છે કે આપણે ત્યાં આ જ થઈ રહ્યું છે. તમે વાત માનો તો બહુ ડાહ્યા અને જો તમે વિરોધ કરો, તમારી ઇચ્છા ન હોય એટલે ના પાડો તો તરત જ બધાને તકલીફ થઈ જાય. દીકરો બગડી ગયો છે, દીકરી કોઈનું સાંભળતી નથી. હાથમાંથી ગયા છે આ લોકો તો. ઘરમાં કોઈ આવે એટલે પાણી લઈ આવવાનું કહે, જો દીકરી બીજા કોઈ કામમાં કે પછી પોતાના પર્સનલ કોઈ કામમાં હોય અને તે ના પાડે તો મમ્મીને એટલું હર્ટ થઈ જશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. દરેક ઘરમાં આવું બનતું જ હોય છે. જો વાત માની લીધી તો દીકરી બહુ સારી, દીકરી બહુ ડાહી, પણ જો વાત ન માની તો દીકરી બહુ ખરાબ. વ્હાય? આવું શું કામ? તમારી વાત માનીએ તો સારા, તમારી વાત ન માનીએ તો ખરાબ. આવું શું કામ હોવું જોઈએ.

આ આપણો ઘરઘરનો પ્રશ્ન થઈ ગયો છે. હું કહીશ કે આ આપણી સોસાયટીઆખીને પ્રશ્ન થઈ ગયો છે. સોસાયટી ઇચ્છે એવા બની જાઓ તો સોસાયટી માટે તમે ખૂબ સારા છો અને જો તમે એના જેવા નહીં બનો તો તમને ખરાબ કહેવામાં આવે. સોસાયટી બધાને પોતાના જેવા બનાવવા માગે છે અને બધાને પોતાની ઇચ્છા મુજબ રાખવા માગે છે. પેરન્ટ્સ પણ એ જ કરવા માંડ્યા છે અને આ જ પ્રૅક્ટિસ કરે છે અને એનો કોઈ જવાબ પેરન્ટ્સ પાસે જવાબ પણ નથી. રિયલિટી એ છે કે આ ગલત પ્રૅક્ટિસ છે, ખોટી વાત છે. બધાને એકસરખા બનાવવા માગવાની આ જે રીત છે એ રીતને ખરેખર જાકારો આપવાની જરૂર છે. મને જે ખૂબ જ ગમે છે એ પીયૂષ મિશ્રાને આ જ વાતથી ખૂબ ગુસ્સો આવે. તેમણે આ માટે સરસ લખ્યું છે,

ગુલદસ્તે મેં એક હી રંગ કે ફૂલ હોને ચાહિએ.

મિશ્રાજી કહે છે, નહીં. નહીં હોને ચાહિએ. નહીં હો શકતે. હમ સબ અલગ હૈં.

વાત સાચી પણ છે. આપણે બધા અલગ છીએ. આપણા બધાનાં સ્પેસિફિકેશન અલગ છે અને આપણા બધાની ઍપ્લિકેશન્સ પણ અલગ છે. તમે ઇચ્છો કે નોકિયાનો બેઝિક ફોન આઇફોન-ટેન જેવાં ફિચર્સ આપે તો એ શક્ય બનવાનું જ નથી અને જો તમે ઇચ્છો કે ઍપલના આઇફોન-એક્સ(આર)થી થ્રી-ડી કૅમેરા જેવું કામ હું લઈ લઉં તો એ શક્ય નથી. તમે સ્ટોરવાળાને આવો સવાલ કરશો તો એ તમને મેન્ટલ ગણશે અને ખાસ વાત તો એ કે આપણે એવા મેન્ટલ દેખાવા રાજી પણ નથી અને એટલે જ ગૅજેટ્સ માટે આપણે એવું નથી કરતા, પણ માણસ માટે તો એવું કરી જ લઈએ છીએ. બધાને એકસરખી રીતે જ મૂલવવા છે અને બધાને એકસરખી સક્સેસ લાઇન પર જ જોવા છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે અમે જેકંઈ કરવા માગીએ છીએ એ દિલથી કરવા માગીએ છીએ એટલે તમે અમને, તમારી ટિપિકલ સક્સેસ-સ્ટોરીની નજરથી મૂલવો નહીં. અમે સ્ટ્રગલ કરતા હોઈશું તો પણ અમને એમાં ખુશી મળે છે અને એ ખુશીથી અમને સક્સેસ જેટલી જ હૅપિનેસ મળે છે. આ હૅપિનેસને જોવાની કોશિશ તો કરો પણ ના, એવું કરવું જ નથી. પાડોશીની ડૉટર કિંજલ આટલું કામ કરે છે એટલે તમારી ડૉટરે કામ કરવું જ પડે. અંકલનો સન આટલું કમાય છે એટલે તમારે પણ કમાવું જ પડે. મને ઘરમાં રહેવું ગમે છે તો હું ઘરમાં રહું. ઘરમાં રહેવાના જે ડિસઍડ્વાન્ટેજ છે એની મને ખબર છે, પછી પણ હું જો ઘરમાં રહું તો એમાં ખોટું શું છે. હું કોઈના પર બોજ બનું તો વાત ખરાબ, પણ હું તો બોજ પણ નથી બન્યો તો પણ હું ખરાબ.

આ પણ વાંચો : ફરીથી એક વાર લુડો રમવું છે?

હું મારું એકાંત સારી રીતે એન્જૉય કરું તો પણ તમને પ્રૉબ્લેમ થાય એવું તે કંઈ હોવું થોડું જોઈએ? તમને જે છે દેખાય છે એ મને ૯ લાગે છે અને મને જે ૯ લાગે છે એ તમને ૬ લાગશે એટલે સરખા હોવાની વાત તો કરવી જ ન જોઈએ, પણ વાત સ્વીકારવાની કરવી જોઈએ કે આપણે અલગ-અલગ છીએ અને એવા જ રહેવાના છીએ. કોઈ રમકડાંથી રમીને ખુશ થશે તો કોઈ રમકડાં પડ્યાં હશે એ જોઈને ખુશ થશે, પણ ના, રમકડાંથી રમવું જ પડે અને એવી જ રીતે રમવું પડે જે રીતે બીજાનાં બચ્ચાંઓ રમે છે. આ ચેન્જ લાવવો ખૂબ જરૂરી છે અને આ ચેન્જ સૌથી પહેલાં પેરન્ટ્સે લાવવો પડશે. જો પેરન્ટ્સ ચેન્જ લાવશે તો જ સોસાયટીમાં પણ ચેન્જ આવશે. પેરન્ટ્સે સ્વીકારવું પડશે કે હું બીજાથી જુદો છું. હું તો કહીશ કે પેરન્ટ્સે તેમના સંતાનનું આ જેકોઈ બીજાપણું છે એ માટે ખુશ થવું જોઈએ કે તેનો દીકરો કે દીકરી ટોળામાં છે એવો નથી થયો, તેનું સંતાન યુનિક છે. જો યુનિકનેસ ગમાડશો તો જ તમારા સંતાનની યુનિકનેસને સોસાયટી પણ સ્વીકારશે અને તમારું સંતાન તેની યુનિકનેસને ટોચ સુધી લઈ જવાનું કામ કરી શકશે. તમે જ ક્રિટીસાઇઝ કર્યા કરશો તો ક્યાંથી તમારુ સંતાન પોતાનું યુનિકનેસ એન્જૉય કરશે. સો બહેતર એ છે, બેટર એ છે કે તમે અલગ પડતા તમારા આ સંતાનને હૅપિલી સ્વીકારો.

Bhavya Gandhi columnists