ફરીથી એક વાર લુડો રમવું છે?

ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ | Jun 02, 2019, 10:10 IST

નાનપણમાં લઈ જવાનું કામ આ લુડો કરે છે. એક વખત ફૅમિલી સાથે બેસીને આ ગેમ રમજો, તમને અનુભવ થશે કે તમારી ફૅમિલી તો આજે પણ તમને એટલું જ ચાહે છે, પણ એ ચાહત તમે પાછળ મૂકીને નીકળી ગયા હતા

ફરીથી એક વાર લુડો રમવું છે?
લુડો

આરંભ હૈ પ્રચંડ

લુડો. હું નાનો હતો ત્યારે બહુ લુડો રમતો. લુડો મારી ફેવરિટ ગેમ અને એને કારણે ઘરના બાકીના મેમ્બરોની પણ એ ગેમ ફેવરિટ બની ગઈ હતી, જેને લીધે હું નહીં, પણ અમે બધા સાથે લુડો રમવા બેસી જતાં. હું, મમ્મી, પપ્પા અને મારો મોટો ભાઈ. લુડોની મને એક બીજી વાત પણ બહુ ગમતી. લુડોનું એક બોર્ડ હોય અને એ બોર્ડની બીજી બાજુએ સાપસીડી હોય. તમે ધારો ત્યારે લુડો રમો અને ઇચ્છો ત્યારે સાપસીડી રમો. નાનપણના એ દિવસ કેટલા સરસ હતા. વેકેશન ચાલે છે ત્યારે આજુબાજુનાં બાળકોને જોઉં છું તો મને મારું પણ નાનપણ યાદ આવી જાય છે. અદ્ભુત એ દિવસો હતા. નાના હતા ત્યારે દરરોજ વેકેશન જ હતું એમ કહું તો પણ ચાલે. બે જ કામ કરવાનું, ભણવાનું અને રમવાનું. એ રમવામાં પણ કેવી મજા આવતી. બીજી કોઈ જાતની ચિંતા નહીં. બસ, એક જ વાતનું ટેન્શન હોય કે મારી કુકરી કોઈ મારે નહીં અને ગેમ હું જીતી લઉં. ગેમ રમતાં-રમતાં ચીટિંગ કરી લેવાનું. પાસામાં ૬ આવે એને માટે પ્રયત્ન કરવાનો, ૬ પડે તો એક દાવ ફ્રી મળે એટલે પણ અને લુડોની ગેમમાં વધુ એક કુકરી બહાર નીકળી શકે એટલે પણ. મને અત્યારે પણ યાદ છે કે ૬ પાડવા માટે હું ખૂબ મહેનત કરતો. આ મહેનત કરવામાં આખો દિવસ મારા મગજમાં એ પાસા જ ચાલતા રહેતા. ઊંઘમાં પણ મને એ પાસામાં પડતા ૬ નંબરનાં સપનાં આવતાં. તમને હસવું આવશે પણ હું તો ૬ પાડવા માટે દિવસ દરમ્યાન ખૂબ પ્રૅક્ટિસ પણ કરતો. એક સમય એવો આવી ગયો હતો કે મારે પાડવા હોય ત્યારે એ પાસા પર ૬ નંબર લઈ આવી શકતો.

નાના હતા ત્યારે જે ગેમ રમતા એ ગેમ બધાને એક કરી દેતી. અમે આખું ઘર એકસાથે બેસીને કલાકો સુધી લુડો રમતા પણ હવે, અઠવાડિયે કે મહિને એક દિવસ બધા સાથે મળે, થોડી વાતો કરો. એકબીજાની આંખમાં આંખ નાખીને વાત તો માંડ પાંચ-દસ મિનિટ થતી હશે, બાકી તો વાતો ચાલતી હોય અને બધાના હાથમાં ફોન હોય, આંખો ફોનમાં હોય. આ ફક્ત મારા એકના ઘરનો પ્રશ્ન નથી, દરેકને નડતો પ્રશ્ન છે, પણ આપણે બધા હવે એની પણ આદત ધરાવતા થઈ ગયા છીએ. મોબાઇલ છે તો જ જીવન છે એવું લાગવા લાગ્યું છે. લુડો નાનપણમાં બધાને ભેગા કરવાનું કામ કરતું. જે મજા લુડોમાં હતી એ મજા આજના મોબાઇલમાં નથી.

લુડોએ મને નૉસ્ટાલ્જિક બનાવી દીધો અને સાથે મને ઘણું શીખવાડી પણ દીધું. આજે પણ તમે લુડો રમી શકો, પણ હવે તમારે બોર્ડ લેવાની જરૂર નથી. તમે જે ફોનને સાથે લઈને ફરો છો એ જ ફોનમાં લુડો ગેમ ઇન્સ્ટૉલ કરવાની છે અને ફરી બધાને ભેગા કરવાના છે લુડો રમવા માટે, નાનપણના એ દિવસોમાં જવા માટે.

હવે મમ્મી, પપ્પા હું અને ભાઈ અમે બધાં ફરી પાછાં ભેગાં થઈને ગેમ રમીએ છીએ અને એ પણ ટ્વિસ્ટ સાથે. ટ્વિસ્ટ એ છે કે હવે પેલા ૬ નંબર લાવવા માટે ચીટિંગ નથી થઈ શકતી. લુડો જ્યારે બોર્ડમાં રમતા ત્યારે ૬ આવે એ રીતે પાસા ફેંકી શકતા, પણ મોબાઇલમાં એવો કોઈ ઑપ્શન નથી કે તમે ખાસ સ્ટાઇલથી પાસો ફેંકીને ૬ લાવી શકો, પણ હા એક ગૅરન્ટી છે કે ગેમ આજે પણ એ જ છે અને મજા આજે પણ એટલી જ આવે છે. ફરક માત્ર એટલો કે પહેલાં બોર્ડ પર આ ગેમ રમાતી, હવે એ મોબાઇલની સ્ક્રીન પર રમાય છે. જો આજે પણ તમારે પરિવાર સાથે બેસીને ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવો હોય તો મોબાઇલમાં લુડો ઇન્સ્ટૉલ કરો અને નાનપણની યાદ ફરી પાછી તાજી કરો. મમ્મી-પપ્પાને સાથે બેસાડો અને કહો કે ચાલો ફરી પાછાં મારા નાનપણમાં ચક્કર મારી આવીએ. તેમને ચોક્કસ ગમશે. તમારા કરતાં પણ વધારે તમારા પેરન્ટ્સને તમારું નાનપણ યાદ હોય છે એટલે ચોક્કસ આ ટ્રાય કરવા જેવી છે. જો તમે તેમને ખુશી આપવા માગતા હો અને તમારી જાતને પણ ખુશ કરવા માગતા હો તો એક વખત, માત્ર એક વખત એ જૂની યાદોમાં જજો. તમને બધું ભુલાઈ જશે. લુડો તો એક માધ્યમ છે. જો તમને મન થાય તો તમારા પપ્પા સાથે, તમારી મમ્મી સાથે તમારી જૂની સ્કૂલ જજો. જો તમને મન થાય તો એક વખત તમારા પ્રથમ ટીચરને મળજો. જો તમને મન થાય તો પહેલી વખત તમને જેણે ચેક કર્યા હતા એ ગાયનેકને મળવા જજો અને સાથે મમ્મીને પણ લઈ જજો. તમે નાના હશો ત્યારે તમારો કોઈ ડૉક્ટર હશે, પીડિયાટ્રિશ્યન. તેને જઈને મળજો. ખુશ થવું, ખુશ કરવું એ આપણો પહેલો ધર્મ છે અને આપણે ભૂલથી આ જ ધર્મને ભૂલી ગયા છીએ. પૈસા માટે એટલું ભાગતા થઈ ગયા છીએ કે આપણે કલ્પના પણ નથી કરી શકતા કે આપણે ખરેખર એ જ કરી રહ્યા છીએ ખરા જે કરવા માગતા હતા.

રેટ-રેસ. આપણે બધા રેટ-રેસમાં મુકાઈ ગયા છીએ. આપણને હવે એ નથી ખબર કે આપણી આ રેટ-રેસ વાજબી છે કે નહીં, આપણી આ દોટ વાજબી છે કે નહીં. આપણને ગમે કે ન ગમે, આપણે ભાગીએ છીએ અને ભાગતાં-ભાગતાં આપણે વચ્ચે ક્યાંક હસી લઈએ છીએ. ખાસ કરીને આપણા મુંબઈકરોને તો આ વાત અચૂક લાગુ પડે છે. ગુજરાતમાં હું હજી પણ લાઇફ જોઉં છું, લાઇફને એન્જૉય કરતા લોકો પણ જોઉં છું. મને તેમની ઈર્ષ્યા પણ આવે અને ગુજરાત છોડીને ફરી પાછો મુંબઈ આવું એટલે બેચાર દિવસમાં મારી સાથે જોડાયેલી રેટ-રેસમાં લાગી જાઉં.

ઉંદર જેવી આ રેસને લાઇફ બનાવવાને બદલે બહેતર છે કે આપણે એ સમજી લઈએ કે શ્રેષ્ઠ રીતે જીવવું હોય તો શું કરવું જોઈએ? મને લાગે છે કે આ સવાલનો જવાબ આપણને સૌને ખબર જ છે પણ આપણે એ જવાબ તરફ જોવા માટે રાજી નથી થતા. કાં તો આપણને જવાબદારી નડે છે અને કાં તો આપણને આપણું સ્ટેટસ નડતરરૂપ બને છે. જવાબદારી માટે હું એટલું જ કહીશ કે એ લાઇફટાઇમ રહેવાની છે અને એ લાઇફટાઇમ રહેવાની છે એટલે જ જવાબદારી છે, પણ મને એ પણ કહેવું છે કે તમે જેને જવાબદારી માનો છો એ સાચે જ જવાબદારી છે કે નહીં એ પણ એક વખત શાંતિથી ચકાસી લો. સ્ટેટસને જાળવી રાખવા માટે દોડનારો જો સ્ટેટસને જવાબદારી માનતો હોય તો એ ભૂલ કરે છે. હુન્દાઇ આઇ-ટ્વેન્ટી વેચીને હવે નવી આવેલી હુન્ડાઇ વેન્યુ ખરીદવી એ જવાબદારી નથી. મારુતિ સુઝુકી અલ્ટો પણ એ જ કામ આપે છે જે કામ તમને બીએમડબલ્યુ કાર આપશે. અલ્ટો જવાબદારી હોઈ શકે, આખી ફૅમિલીને સાથે બહાર જવા માટે જોઈતી જરૂરિયાત હોઈ શકે પણ અલ્ટોથી ઑડીની જર્ની એ જવાબદારી નથી, એ સ્ટેટસ માટેની દોટ છે અને આપણે એવી જ દોટમાં અટવાયા છીએ એવું મને લાગે છે.

દોડવું જરૂરી છે અને એ વાત સાથે હું બિલકુલ સહમત છું કે આપણે દોડતા જ રહેવું જોઈએ, પણ મારું કહેવું એ છે કે આ દોટ દરમ્યાન તમારી ફૅમિલી તમારી પાછળ રહી જાય અને તમે એકલા જ આગળ નીકળી જાઓ એ અયોગ્ય છે. જો તમારે ભાગવું હોય તો ભાગો, પણ તમારી એ રેસમાં તમારી ફૅમિલી પણ તમારી સાથે હોવી જ જોઈએ. દિવસમાં બેથી ચાર કલાક ફૅમિલીને મળવા જ જોઈએ. નહીં તો એવું બનશે કે તમે બધું ઘરમાં ભર્યા કરશો અને ઘરમાંથી ફીલિંગ્સ બહાર જતી રહેશે. દરરોજ બેથી ચાર કલાક અને વીકમાં એક આખો દિવસ ફૅમિલીને આપો. ફૅમિલી સાથે રહો અને ફૅમિલી સાથે તમારી ફીલિંગ્સ શૅર કરો. આ બહુ જરૂરી છે. આપણે ડેવલપમેન્ટ ભલે અમેરિકાનું ઇચ્છીએ પણ આપણે એ બધા વચ્ચે પણ રહેવાનું તો હિન્દુસ્તાની છે અને હિન્દુસ્તાનીની સૌથી મોટી ઓળખ જો કોઈ હોય તો એ છે ફૅમિલીની એકતા. સાથે રહેવું એટલે એકતા નહીં, પણ સાથે હોવાનો સતત અહેસાસ થવો એનું નામ એકતા.

આ પણ વાંચો : કૉલમ : બિલીફ /બ્રેકઅપ

પૈસો જીવનમાં જરૂરી છે, પણ એ પૈસાની આવશ્યકતા ત્યારે જ મહત્ત્વની છે જ્યારે તમારી પાસે તમારો પરિવાર પણ હોય. તમે જરા વિચારો કે તમારી પાસે કરોડો રૂપિયા આવી ગયા, પણ તમારી પાસે તમારી ફૅમિલી નથી તો તમે એ કરોડો રૂપિયાનું શું કરશો? યાદ રાખજો, બે-ચાર દિવસ તમને એકલું રહેવું ગમશે, પણ એ પછી તમને અંદાજ આવશે કે તમે સાવ એકલા પડી ગયા છો. એકલા પડી જવા કરતાં તો બહેતર છે કે તમારી આજુબાજુમાં એ કચકચ હોય જે તમારા પોતાના લોકોની છે. એટલું નહીં ભાગો કે તમને રોકવાનું જ નહીં, તમારી ફૅમિલીને પણ તમારી નજીક પહોંચાડવાનું કામ પણ કોઈ ન કરી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK