કૉલમ : બિલીફ /બ્રેકઅપ

26 May, 2019 10:07 AM IST  |  | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

કૉલમ : બિલીફ /બ્રેકઅપ

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

બિલીફ ઍન્ડ બ્રેકઅપ.

બહુ સીધો અર્થ છે આ બન્ને શબ્દોનો. બિલીફ એટલે માન્યતા અને બ્રેકઅપ મતલબ સંબંધો તોડી નાખવા કે પછી સંબંધોમાંથી છૂટા પડી જવું. આમ તો મારા દૂરના રિલેશનમાં પણ થાય, પરંતુ મારે તેની સાથે દોસ્તી વધારે છે એટલે એ સંબંધો અમારા નજીકના છે. મારા એ ફ્રેન્ડ સાથે હમણાં એવું જ થયું અને બિલીફને લીધે તેનાં રિલેશન બ્રેકઅપમાં કન્વર્ટ થયાં. સંબંધો તોડવા માટે, સંબંધોને ગૂંચવી નાખવા માટે કે પછી સંબંધોને ગેરવાજબી રીતે વણસાવી દેવા માટે આ જે બિલીફ કે માન્યતાઓ ખરેખર ખતરનાક રોલ ભજવે છે. હું મારા જે ફ્રેન્ડની વાત કરું છું તે અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે ખાસ્સાં બે-અઢી વર્ષથી રિલેશન હતાં, બન્નેની રિલેશનશિપ જોઈને બધા ઈર્ષ્યા પણ કરતા, તેમના જેવા બનવાની વાતો પણ કરતા અને એ પછી પણ આ રિલેશનશિપ તૂટી અને એ તૂટી પણ માત્ર માન્યતાને લીધે, માન્યતાને કારણે.

મારા એ ફ્રેન્ડનું હું સાચું નામ તો નહીં કહું, પણ તેને આપણે રવિ કહીશું. રવિ અને તેની ગર્લફ્રેન્ડ તિયા. આ બન્ને નામ ખોટાં છે એ હું ફરી એક વાર કહી દઉં. રવિ અને તિયા બન્ને પહેલી વાર કૉલેજમાં મળ્યાં. પહેલાં ગ્રુપ એક થયું બન્નેનું, અને પછી બન્નેના ક્લાસ પણ એક થયા. ફૉર્ચ્યુનની આ જે ભાવના હતી એ ભાવના રવિ અને તિયાએ આગળ વધારી અને કૉલેજ-ક્લાસ પછી બન્નેએ પોતાની ઇચ્છાથી બેન્ચ એક કરી અને ધીમે-ધીમે બુક્સ પણ એક બનવા માંડી. પછી આવવા માટે વેહિકલ પણ એક થયું અને છેલ્લે કૅન્ટીનમાં બન્નેની ડિશ પણ એક થઈ ગઈ. બધું સાથે; ખાવું-પીવું, ફરવા જવું, હૅન્ગઆઉટ, નાઇટઆઉટ, પબ, પાર્ટી, ફ્રેન્ડ્સ સાથેનું ગેધરિંગ બધું સાથે થવા માંડ્યું. રવિ અને તિયા બન્ને ઑલમોસ્ટ સાથે જ દેખાય. કૉલેજમાં પણ સાથે દેખાય અને ફરવા ગયાં હોય તો પણ બન્ને સાથે દેખાય. બીચ પર નાળિયેર-પાણી પીએ તો સાથે અને મીઠીબાઈની સામે સૅન્ડવિચ ખાવા ઊભાં રહે તો પણ સાથે. ઘરે ખોટું બોલીને મળે, શૉપિંગ કરે, મરીનલાઇન્સમાં જઈને બેસે, અઢળક વાતો કરે, વાતોને લીધે ખૂબબધા ઝઘડા પણ કરે, છૂટાં પણ પડે અને ફરી પાછાં એક પણ થઈ જાય. ઝઘડો થાય ત્યારે રવિ સૉરી કહી દે. રવિનો વાંક ન હોય તો પણ તે સૉરી કહી દે અને પછી ફરીથી બધું આગળ વધવા માંડે. મને અહીં એક વાતની સ્પષ્ટતા કરવી છે કે સૉરી કહેવામાં કશું ખોટું નથી. જો મહત્ત્વના સંબંધો સચવાઈ જતા હોય તો હું દરરોજ સૉરી કહેવા પણ તૈયાર રહું. આપણે જીવનમાં એક વાત સમજવી જોઈએ કે આપણે માટે મહત્ત્વનું શું છે. વ્યક્તિ કે પછી આપણો ઈગો. મોટા ભાગના કેસમાં એવું જ બને છે કે ઈગોને મહત્ત્વ આપવા જતાં આપણે મહત્ત્વની વ્યક્તિ, મહત્ત્વનાં રિલેશન ગુમાવી દેતા હોઈએ છીએ. સંબંધો જો ટકાવવા હોય તો સાથે રહેવા માટેની જેકોઈ મહત્ત્વની શરતો હોય એ પૂરી થવી જોઈએ. હા, એટલું યાદ રાખવાનું કે સાથે રહેવાની શરત વ્યક્તિ દ્વારા મુકાયેલી ન હોવી જોઈએ. એ શરતો સંબંધોની હોવી જોઈએ.

સમય પસાર થતો ગયો અને બન્નેની રિલેશનશિપને એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો.

તિયાનો બર્થ-ડે આવ્યો. એ સમયે તિયાના ઘરે કોઈ નહોતું એટલે તિયાએ એક પાર્ટી પોતાના દોસ્તો માટે ઑર્ગેનાઇઝ કરી. તિયાનો બર્થ-ડે અને એમાં પણ હાઉસ-પાર્ટી. રવિ ન હોય એવું કેમ બને ભાઈ. એ તો સૌથી પહેલાં હોવો જોઈએ. તિયાએ તેને વહેલો જ બોલાવી લીધો હતો ૭ વાગ્યે, પણ ૭ વાગી ગયા તથા ૮ પણ વાગી ગયા અને ૯ વાગ્યા. બધા રાહ જોતા બેઠા હતા અને નૅચરલી તિયા વધારે ઉત્સાહથી રાહ જોતી હતી. આવું અગાઉ ક્યારેય બન્યું નહોતું એટલે નૅચરલી તિયાને ખાતરી હતી કે રવિ કોઈ પણ હિસાબે આવશે ને આવશે જ. મોડો આવીને તે કદાચ આ રીતે સરપ્રાઇઝ આપે એવી પણ તેણે ધારણા બાંધી હતી, પણ એવું કંઈ થયું નહીં. ૧૨ વાગવા આવ્યા, બધા ફ્રેન્ડ્સે કીધું કે હવે તો કેક કટ કરી લઈએ. કેક કટ થઈ, પણ રવિ લાપતા. તિયાને ગુસ્સો આવ્યો અને તેણે નક્કી કર્યું કે હવે તે સામેથી રવિને ફોન કે મેસેજ નહીં કરે.

આ તો થઈ એક બાજુની એટલે કે તિયાના ઘરની વાત, રવિના ઘરની વાત હવે જોઈએ કે ત્યાં શું થયું હતું.

રવિ તૈયાર થઈને નીકળતો હતો ત્યારે રવિના ભાઈએ તેની મમ્મી પાસે તિયા નામની આખી કવિતા ગાઈ નાખી. રવિની આ ગર્લફ્રેન્ડ છે અને ફેસબુક-આઇડી પરથી તેના ફોટોથી માંડીને બધું મમ્મીને બતાવી દીધું. ચાડી ખાવાની ચરમસીમાએ પણ તે પહોંચ્યો. તેણે રવિના મોબાઇલમાં આ નામ કયા નામે સ્ટોર થયેલું છે એ પણ કહી દીધું અને સામે મમ્મી. મમ્મીએ પણ રવિની પૂછપરછ કરીને એટલો હેરાન કરી દીધો કે પેલાએ સ્પષ્ટતા સાથે કહી પણ દીધું કે હા, મને આ છોકરી ગમે છે. રવિની મમ્મીએ છોકરી જોઈ તો તેને ગમી ખરી, પણ પછી આખું નામ પૂછ્યું તો ખબર પડી કે તિયા ગુજરાતી નહોતી, જૈન નહીં અને સૌથી મોટી વાત, તિયા દલિત છે. મમ્મી આ કેમ ચલાવે?

સવાલોનો મારો શરૂ થયો. રવિ પોતે જૈન અને છોકરી દલિત. રવિને એ પાર્ટીમાં જવાની ના પાડી દેવામાં આવી. રવિએ દલીલ કરી, તોફાન પણ કર્યાં ઘરમાં, પરંતુ મમ્મી પાસે તેનું કંઈ ચાલ્યું નહીં અને બધું બગડવાનું હોય એમ થોડી વારમાં પપ્પા પણ આવી ગયા એટલે એ રીતે પણ આખી વાત અટકી ગઈ. રવિએ ઘરમાં બેસી રહેવું પડ્યું. તેને એટલો ગુસ્સો આવ્યો કે એણે તિયાને મેસેજ પણ ન કર્યો. ગુસ્સાનું કારણ વાજબી હતું. તિયા પાસે તેણે પોતાના ધર્મની, પોતાના ધર્મમાં રહેલી મોકળાશની અને નવા વિચારોને અપનાવવાની જે ક્ષમતા છે એની ખૂબ બધી વાતો કરી હતી, પણ અહીં તો સાવ ઊલટું બની રહ્યું હતું. મમ્મી તો એવી વાતથી પણ ભડકી ગઈ હતી કે તું તેની સાથે ખાય છે, એક પ્લેટમાં જમવા બેસે છે? આ કઈ રીતે ચલાવી લેવાય.

બીજા દિવસે સવારે જઈને રવિ તિયાને મળ્યો, વાત કરી અને ઑબ્વિયસ્લી સૉરી પણ કહ્યું. અહીંથી સાચી વાત શરૂ થાય છે. હવે આ જે સંબંધો હતા એ બિલીફ વચ્ચે અટવાઈ રહેવાના હતા. રવિએ ખૂબ રિક્વેસ્ટ કરી મમ્મીને કે તું એક વખત તિયાને મળે પણ ચુસ્ત રીતે પોતાના ધર્મને પકડીને બેસી રહેનારી મમ્મીને બીજું કશું સાંભળવું નહોતું, બીજી કોઈ વાતમાં પડવું પણ નહોતું. એ તો એક જ વાત લઈને બેઠી હતી કે રવિએ તિયા સાથે સંબંધ રાખવા જ નહીં. તિયાનું પ્રેશર રવિ પર હતું અને રવિ કશું કહી શકે એમ નહોતો. એક દિવસ તિયાને બધી વાતની ખબર પડી ગઈ. બન્યું એવું કે રવિના મોબાઇલમાંથી નંબર લઈને તેની મમ્મીએ જ ફોન કરી દીધો અને ન બોલવાનું, ન વિચારવા જેવું બધું કહી દીધું. પ્રેમ અને લાગણી હવે ચૂલામાં બળવાનાં હતાં અને સંબંધોની સુખડી બની જવાની હતી. મમ્મીએ તિયાને કહી દીધું કે રવિના ભલા માટે પણ તેણે રવિને છોડી દેવો જોઈએ. આ બાજુ તિયાએ પણ રવિને કહેવાનું શરૂ કર્યું કે આ તારી લાઇફ છે, તારાં ડિસિઝન તારે પોતે લેવાં જોઈએ. જા ઘરે જઈને મમ્મી સમજાવ કે તે જે જમાનાની વાત કરે છે એ જમાનો વીતી ગયાને ૩૦-૪૦ વર્ષ થઈ ગયાં.

આ પણ વાંચો : કૉલમ: તમારે મુંબઈને જીવવાલાયક બનાવવા શું કરવાનું છે?

રવિની હાલત સૌથી કફોડી હતી. એક તરફ તિયા અને એક તરફ મમ્મી. તિયા કહે કે કોઈ વાતનું પ્રેશર નહીં લે અને મનમાં સ્ટ્રેસ ન રાખ. મમ્મી કહે કે આ છોકરી આવ્યા પછી રવિની લાઇફ બરબાદ થઈ ગઈ છે. બન્ને જણ એકબીજાથી અલગ થઈને રવિને પોતપોતાની તરફ ખેંચ્યા કરે. તકલીફો અને પ્રૉબ્લેમ વધવાનું શરૂ થયું અને ધર્મના નામે હવે બીજા લોકો પણ આ સંબંધોમાં ઉમેરાયા. વાત વધતી ગઈ અને એક દિવસ એવો આવી ગયો કે રવિએ તિયા સાથેના સંબંધો પર ફુલસ્ટૉપ મૂકી દીધું, સંબંધોમાં બ્રેકઅપ કરી લીધું. મમ્મીને છોડી શકે એમ હતો નહીં એટલે ફરજિયાત તેણે તિયાથી જુદા પડવું પડે એમ હતું. એ જ કર્યું અને સમાજની, ધર્મની જે બિલીફ હતી એ બિલીફને ગળે વળગાડી લીધી. તિયા પાસે પોતાની વાત છે, મમ્મી પાસે તેની વાતો છે, પણ એ બન્ને વચ્ચે રવિની શું પરિસ્થિતિ છે એ જોવા કોઈ રાજી નથી. સંબંધો તૂટવાનો ભાર અસહ્ય હોય છે. જીવતી લાશ ખભા પર હોય એવો અનુભવ થાય છે, પણ આ અનુભવને કોઈ સમજવા રાજી નથી. ખાસ કરીને પરંપરામાં માનનારાઓ અને પોતાની જૂની વાતોને પકડીને આખી જિંદગી જીવનારાઓ. હું કહીશ કે સંબંધોથી વિશેષ કશું હોતું નથી અને સંબંધોથી આગળ પણ કશું હોતું નથી. વ્યવહારુ બનવાને બદલે ક્યારેક જીવનમાં વહાલને પણ મહત્ત્વ આપવું જોઈએ.

Bhavya Gandhi columnists