ભવ્ય ગાંધી : કૉલમ : ગ ગુરુનો ગ

17 March, 2019 09:38 AM IST  |  | ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી : કૉલમ : ગ ગુરુનો ગ

ભવ્ય ગાંધી

આરંભ હૈ પ્રચંડ

ઍક્ટર્સ માટે હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે એ લોકોનો આત્મા વણજારા જેવો હોય, જેનું કોઈ એક ઘર હોતું નથી, જેનું કોઈ એક શરીર હોતું નથી કે પછી જેને કોઈ એક વ્યક્તિત્વમાં બંધાયેલા રહેવાનું નથી હોતું. આત્માથી પણ વણજારા હોય અને શરીરથી પણ એ વણજારા જેવા જ હોય. બસ ફર્યા કરે. એક જગ્યાથી બીજી જગ્યાએ અને એક કૅરૅક્ટરમાંથી બીજા કૅરૅક્ટરમાં. આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે, ફરે એ ચરે.

આ કહેવત સાવ જ ખોટી નથી પડી. આ હકીકત છે, જે ફરે એ જ ચરે. બકરાને પણ લાગુ પડે અને અનુભવોની દૃષ્ટિએ માણસને પણ આ જ વાત લાગુ પડે. ફ્રેન્ડ્સ, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યા પછીનો સમયગાળો હું જોઉં છું તો મને દેખાય છે કે હું પણ વણજારા જેવો જ થઈ ગયો છું. સિરિયલ છોડ્યા પછી મેં ફિલ્મ કરી અને એ ફિલ્મ માટે હું લાંબો સમય અમદાવાદમાં રહ્યો. અમદાવાદમાં ફિલ્મ પૂરી કરીને પાછો આવ્યો અને પછી થોડા જ સમયમાં મારે ફરીથી પ્રમોશન પર જવાનું થયું. પ્રમોશન માટે હું ગુજરાતનાં એવાં-એવાં શહેર અને ગામોમાં ફર્યો જે મેં ક્યારેય જોયાં પણ નહોતાં. બે શહેર વચ્ચેના ટ્રાવેલ દરમ્યાન મેં એવાં-એવાં ગામો પણ જોયાં, જેના નામો પણ ક્યારેય સાંભળ્યાં નહોતાં. ફિલ્મ પછી મેં પહેલી વાર નાટક કર્યું અને એ નાટક માટે હું અમેરિકા ગયો. એક નવું કૅરૅક્ટર અને એક નવો પ્રવાસ. અમેરિકામાં લગભગ સવાબે મહિના રહ્યા પછી હું પાછો આવીને આફ્રિકા ગયો. ત્યાંથી પાછા આવીને સિંગાપોર, મલેશિયા ગયો. એ ટૂર પૂરી કરીને ફ્રેન્ડ્સ સાથે ગોવા ગયો. મહારાષ્ટ્રનાં જ બીજાં ત્રણેક શહેરોમાં પણ શૂટિંગ પર્પઝથી ગયો. એ પછી સુરત અને પછી બેંગલુરુ અને એ પછી ફરી ફિલ્મ માટે એક મહિનો અમદાવાદમાં. અમદાવાદથી ફિલ્મ પૂરી કરીને પાછો આવ્યો અને પછી નાની-મોટી સોશ્યલ ટૂર ચાલુ અને એ પછી હવે મુંબઈમાં મારી સિરિયલનું શૂટિંગ શરૂ થયું છે એટલે થોડા સમયથી મુંબઈમાં છું.

ફરતાં રહેવાની અને નવાં-નવાં કૅરૅક્ટર કરતાં રહેવાની મજા સાવ જુદી હોય છે. આટલું ફરવાના કારણે એટલા નવા લોકો સાથે કૉન્ટૅક્ટ થયો, એટલું નવું શીખ્યો કે જેની કલ્પના પણ કોઈ ન કરી શકે. શીખવા માટે જરૂરી નથી કે તમારી પાસે ક્લાસરૂમ જ હોવો જોઈએ. શીખવા માટે ફરવું બહુ જરૂરી છે. મારા એક ફ્રેન્ડ બહુ સરસ વાત કહે છે. સિંહ ક્યારેય ક્લાસરૂમમાં બેસીને શિકાર કરવાનું નથી શીખતો, એ આ કામ સીધું ફીલ્ડમાં જ કરે છે અને વાત લિટરલી સાચી જ છે. આફ્રિકાનાં જંગલોમાં મેં જોયું કે સિંહણ એના બચ્ચાને શિકાર કરતાં કેવી રીતે શીખવે છે અને બચ્ચું પણ કેવી રીતે શિકારની એ કળાને ઇમ્પ્લિમેન્ટ કરે છે. પહેલાં તો એ પણ નકલ જ કરે છે અને મોટા હાથી કે હરણની પાછળ ભાગે છે, પણ પછી એને સમજાઈ જાય છે કે આ ભાગવું વ્યર્થ છે એટલે એ ચૂપચાપ ઊભું રહી જાય છે. થોડી વાર આવું કર્યા પછી એ પોતે પોતાની સાઇઝનો શિકાર કરવા પર આવી જાય છે અને સસલાં કે હરણનાં નાનાં બચ્ચાંઓ પર તરાપ મારીને એનો શિકાર કરે છે. મેં મારી સગી આંખે જોયું છે કે પહેલો શિકાર કરીને એ કેવી રીતે પોતાનો શિકાર તાણીને એની મા પાસે લઈ આવે અને માની સામે એ કેવી રીતે ગર્વ અનુભવે.

હું જેટલું ક્લાસરૂમમાં શીખ્યો એના કરતાં ઘણું બધું વધારે હું મારા ફીલ્ડમાંથી શીખ્યો. મારા આ બધા અનુભવો પરથી મને એક વાત સમજાઈ છે કે જે ઍક્ટર સારો એ માણસ સારો નથી હોતો અને જે માણસ સારો હોય છે એ ઍક્ટર સારો નથી હોતો. વાતને સમજવાની કોશિશ કરજો. ઍક્ટર સારો એ માણસ સારો નહીં એવું મારો કહેવાનો ભાવાર્થ જરા જુદો છે. જે ઍક્ટર સારો હોય છે એ પોતાની ઍક્ટિંગ પર એટલો મુસ્તાક થઈને રહે છે કે એ સારો અને સાચો બની રહેવાને બદલે સતત ઍક્ટિંગ જ કર્યા કરે છે. જરૂરી નથી કે તમે એકધારો દેખાવ જ કરો અને એકધારી તમે ઍક્ટિંગ જ કર્યા કરો. જરૂરી એ છે કે તમે જેવું કૅરૅક્ટર છોડો, મેકઅપ ઉતારો કે તરત જ તમે તમારા પોતાના ઓરિજિનલ રંગ અને રૂપમાં આવી જાવ. જો આ ન કરી શકો તો તમે ખરેખર અટવાઈ જતા હો છો. નામ નહીં આપું, પણ આ રીતે અટવાઈ જતાં અનેક ઍક્ટરોને મેં જોયા છે. એ સતત ઍક્ટિંગની આભા વચ્ચે જ જીવતા હોય છે. આવું કરનારા ઍક્ટરો પાસેથી જ હું શીખ્યો છું કે લાઇફમાં ક્યારેય પ્રોફેશનને તમારા પર હાવી થવા ન દેવો. તમે જે છો એ તમારું અસ્તિત્વ ક્યારેય ભૂલવું નહીં અને એને હંમેશાં આંખ સામે રાખીને જ ચાલવું.

ઍક્ટર ધર્મેશ વ્યાસ પાસેથી મને શીખવા મળ્યું કે ક્યારે કોઈથી ડરવું નહીં, ઑન સ્ટેજ પણ નહીં અને ઑફ સ્ટેજ પણ નહીં. જો તમને કોઈ જિતાડી શકે તો એ માત્ર અને માત્ર તમારો કૉન્ફિડન્સ. ડિરેક્ટર ધર્મેશ મહેતા પાસેથી જ હું એક્ટિંગની એ-બી-સી-ડી શીખ્યો એવું કહું તો ચાલે. તેમની પાસેથી હું શીખ્યો કે ઍક્ટિંગ કરતી વખતે જો સામે પડેલા કૅમેરાને સિરિયસલી લઈ લેશો તો એ કૅમેરા તમારા પર હાવી થઈ જશે. કૅમેરા કે પછી સ્ટેજ પર હો ત્યારે સામે બેઠેલા ઑડિયન્સને ભૂલીને ઍક્ટિંગ કરશો તો એ સહજ લાગશે અને એમાં ક્યાંય ઍક્ટિંગ નહીં હોય. ઍક્ટિંગ માટે જ મને મનોજ જોષી પાસેથી પણ સરસ વાત શીખવા મળી. મનોજ જોષીએ મને શીખવ્યું કે તમે જ્યાં સુધી ફીલ નહીં કરો ત્યાં સુધી તમે ફીલ કરાવી નહીં શકો. જો ફીલ કર્યા વિના, સીનમાં રહેલી લાગણીનો અનુભવ કર્યા વિના ઍક્ટિંગ કરશો તો સામે બેઠેલા ઑડિયન્સને એ ઍક્ટિંગ નહીં પણ મિમિક્રી લાગશે. જૉની લીવરે સમજાવ્યું કે બધી જ પ્રકારની ઍક્શનનું રીઍક્શન હોય જ અને એ આપવું જ જોઈએ. જો રીઍક્શન આપવામાં તમે પાછા પડશો તો ફક્ત તમારી જ નહીં, પણ તમારા કો-ઍક્ટરની ઍક્ટિંગનાં પણ ચીથરાં ઊડી જશે. મારી જૂની ટીમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દિલીપ જોશી અને અમિત ભટ્ટ પાસેથી જે શીખ્યો છું એ તો મને ક્યારેય ભુલાવાનું નથી. એવું નથી કે તેમણે મને બેસાડીને શીખવ્યું હોય, પણ હું તેમને સતત ઑબ્ઝર્વ કરતો એટલે મને બહુ સરસ વાતો શીખવા મળી છે.

લાઇફમાં ક્યારેય કોઈ કામને નાનું ગણવું નહીં, ક્યારેય મોડું આવવું નહીં, કોઈ દિવસ બીજા ઍક્ટરોને ઉતારી પાડવા નહીં, કામ શરૂ કરતાં પહેલાં પૂજા કરવી અને આવી અનેક વાતો મને તેમની પાસેથી શીખવા મળી છે. શું કરવું છે એની ખબર હોવી જોઈએ એ પણ તેમણે જ શીખવ્યું અને શું નથી કરવું એની સભાનતા પણ હોવી જોઈએ એ પણ તેમણે જ મને શીખવ્યું. જેને હું મારી બીજી મમ્મી માનું છું એ દિશાદીદી એટલે કે દિશા વાંકાણી પાસેથી શીખ્યો છું કે કોઈ કામ અઘરું હોતું જ નથી અને કોઈ કામ પર તમારો સ્ટૅમ્પ માર્યા વિના ક્યારેય પૂરું કરવું નહીં. દરેક કામ પર તમારો સ્ટૅમ્પ દેખાવો જ જોઈએ.

એવું નથી કે આ જ લોકો પાસેથી મને શીખવા મળ્યું છે. સામાન્યમાં સામાન્ય લોકો પાસેથી પણ શીખવા મળતું રહ્યું છે. કૅન્સર સામેની ફાઇટ વચ્ચે પણ વિલપાવર કેવી રીતે મક્કમ રાખવો એ તાતા કૅન્સર હૉસ્પીટલનાં બાળકોએ શીખવ્યું છે અને અમેરિકા જેવા સિટી વચ્ચે રહીને પણ જરૂરિયાત મુજબના ડૉલર પાસે રાખીને બાકીની ઇન્કમ ડોનેટ કરી દેવાની ભાવના અમેરિકામાં રહેતાં જૅક પાસેથી શીખ્યો છું. શીખવું હોય તો માત્ર આંખ-કાન-નાક ખુલ્લાં રાખવાથી કશું નહીં વળે. હું કહીશ કે શીખવું હોય તો તમારે દિમાગ અને હૃદય બન્ને ખુલ્લાં રાખવાં પડશે. જો એ ખુલ્લાં હશે તો જ તમે જોયેલું ઝડપથી શીખી શકશો અને શીખ્યા પછી તમે એને તમારી લાઇફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશો. શીખવું મહત્વનું નથી, એને જીવનમાં ઉતારવું મહત્વનું છે. શીખવાનું કામ તો આજે દુનિયાભરનાં કરોડો બાળકો કરે જ છે, પણ શીખેલું એ કેટલાં પોતાના જીવનમાં ઉતારે છે એ મહત્વનું છે. જે ઉતારે છે એ ઊંચાઈઓ પામે છે અને જે જીવનમાં એનો અમલ કરે છે એ પોતાના જીવનને નવી દિશા આપી શકે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છોડ્યા પછી મેં નક્કી કર્યું હતું કે હવે એટલું નવું શીખવું છે, નવું એક્સપ્લોર કરવું છે કે મારી પાસે ઑપ્શન્સનો ઢગલો હોય. આ ઑપ્શન્સમાંથી એક ઓપ્શન મેં અત્યારે પસંદ કર્યો છે, તમારા સુધી મનની વાત પહોંચાડવાનો અને સાચું કહું, મનની વાત તમારા સુધી અસરકારક રીતે લઈ જવાનું શીખવ્યું મને ‘મિડ-ડે’એ છે. જો મને શીખવનારા આજે સૌ કોઈને હું યાદ કરતો હોઉં તો પછી ‘મિડ-ડે’ને હું કેવી રીતે ભૂલી શકું?

આ પણ વાંચો : જાવેદ અખ્તરના નિવેદન બાદ ગુજરાતી સેલેબ્સની સલાહ, વાંચો કોણે શું કહ્યું ?

શીખવું હોય તો માત્ર આંખ-કાન-નાક ખુલ્લાં રાખવાથી કશું નહીં વળે. શીખવું હોય તો તમારે દિમાગ અને હૃદય બન્ને ખુલ્લાં રાખવાં પડશે. જો એ ખુલ્લાં હશે તો જ તમે જોયેલું ઝડપથી શીખી શકશો અને શીખ્યા પછી તમે એને તમારી લાઇફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશો. શીખવું મહત્વનું નથી, એને જીવનમાં ઉતારવું મહત્વનું છે. શીખવાનું કામ તો આજે દુનિયાભરનાં કરોડો બાળકો કરે જ છે, પણ શીખેલું એ કેટલાં પોતાના જીવનમાં ઉતારે છે એ મહત્વનું છે.

Bhavya Gandhi columnists