એવેન્જર્સ એન્ડગેમ : ઉતારો જીવનમાં એક નવો અધ્યાય

05 May, 2019 12:21 PM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

એવેન્જર્સ એન્ડગેમ : ઉતારો જીવનમાં એક નવો અધ્યાય

એવેન્જર્સ એન્ડગેમ

લાસ્ટ વીક મોસ્ટ અવેઇટેડ એવી ‘એવેન્જર્સ - એન્ડગેઇમ’ રિલીઝ થઈ અને આજે એને દસ દિવસ થઈ ગયા. એમ છતાં સતત ફિલ્મ બધા બૉક્સઑફિસ રેકૉર્ડ તોડી રહી છે. ટ્રેડ ઍનૅલિસ્ટ એવું પણ કહે છે કે ‘બાહુબલી’એ બનાવેલો રેકૉર્ડ આ ફિલ્મ બહુ જલદી તોડી નાખશે. એમાં કશું ખોટું પણ નથી, કારણ કે ફિલ્મ ખરેખર અદ્ભુત બની છે. આ જ ફિલ્મની આગલી ફિલ્મ ‘ઇન્ફિનિટી વૉર’ જોઈને જે લોકો રડતાં બહાર નીકળ્યા હતા એ બધાએ આ ફિલ્મના એકેક સુપરહીરોની એન્ટ્રી પર તાળીઓ પાડી હશે એની હું ખાતરી આપું છું, બસ માત્ર એટલી શરત કે એ એવેન્જર્સનો ફૅન હોવો જોઈએ. ફિલ્મ માત્ર એક્શન પર નથી, આ ફિલ્મ ઇમોશનલી પણ એટલી જ સ્ટ્રૉન્ગ છે અને બધાની સાથે કનેક્ટ થઈ છે. કોઈ ને કોઈ સીને એના ફૅન્સની આંખમાં આંસુ લાવવાનું કામ કર્યું છે. આંસુનું કારણ કોઈ પણ હોય. પોતાના હીરોના પાછા આવી જવાની ખુશીનાં હોય કે પછી ફેવરિટ સુપર હીરો ગુમાવવાના દુ:ખનાં હોય, પણ ખાતરી સાથે કહું છું કે આ કૅરૅક્ટર સાથે કનેક્ટેડ રહ્યાં હશે એ ક્યાંક ને ક્યાંક તો આંખમાં આંસુ સાથે બેઠું હશે. જડ જેવો કે પછી પથ્થરહૃદય હશે તો એ મનમાં રડ્યો હશે, પણ રડ્યો ચોક્કસ હશે.

હવે લોકો ફિલ્મ બીજી અને ત્રીજી વાર જોવા માંડ્યા છે અને એ પછી પણ મને લાગે છે કે આવતા બેથી ત્રણ વીક સુધી બધાની પાસે ચર્ચા આ જ ફિલ્મની હોવાની અને ફિલ્મના સ્પોઇલર્સ અને એની અલગ-અલગ થિયરીની ચર્ચા થતી રહેવાની છે, પણ આપણે આજે વાત ફિલ્મના રિવ્યુની કે પછી એના પ્લસ કે માઇનસ પૉઇન્ટની નથી કરવાની. ના, જરા પણ નહીં. કેટલીક ફિલ્મના રિવ્યુ વાંચવાના જ ન હોય, એ જોવા જવાનું એટલે જવાનું અને ફિલ્મોનો સાચો ફૅન એવો જ હોવાનો. એમાં પણ જ્યારે વાત આવી ફિલ્મની હોય ત્યારે એની ફીલ લેવા માટે પણ મોટી સ્ક્રીન પર જવું જોઈએ એવું હું માનું છું.

માર્વેલ સ્ટુડિયોઝની બાવીસમી ફિલ્મ છે. હજુ આટલી જ ફિલ્મ પાઇપલાઇનમાં છે, જેમાંથી સાત ફિલ્મનું તો ઑલરેડી પ્રોડક્શન ચાલુ છે, પણ આવનારી અને જે કોઈ ફિલ્મો આવી ગઈ છે એ બધી ફિલ્મો પૈકીની આ ફિલ્મ એક એવી ફિલ્મ છે કે લોકો એને પોતાના કલેક્શનમાં રાખશે જ રાખશે. હું તો રાખીશ એ નક્કી છે અને મેં તો એ પણ નક્કી કર્યું છે કે હું મારા ફ્રેન્ડને ‘એન્ડગેમ’ની ડીવીડી ગિફ્ટ પણ આપીશ.

જો તમને મનમાં એવું થાય કે શું કામ આવું ગાંડપણ તો એનો જવાબ પણ છે મારી પાસે. આ ફિલ્મ તમને માત્ર ફન કે એન્ટરટેઇનમેન્ટ જ નહીં, પણ મૅનેજમેન્ટ અને મોટિવેશનનું લેસન પણ આપી જાય છે. આના વિશે લખવાની ઇચ્છા તો ગયા વીકમાં જ હતી, પણ મને ડર હતો કે ક્યાંક એવું કરવા જતાં હું ભૂલથી સ્પોઇલર્સ ન આપી દઉં અને જેણે હજુ ફિલ્મ જોઈ નથી એ લોકોનો મૂડ ન બગાડી બેસું. આ જ કારણે આ આર્ટિકલ એક વીક પાછળ લઈ લીધો અને આજે તમારી સાથે એની વાત શરૂ કરી છે.

સૌથી પહેલાં તો થૅન્ક યુ વેરી મચ, માર્વેલના જનક એવા સ્ટેન લી. સ્ટેન લીનો કેમિયો આ ફિલ્મમાં પણ છે અને આ એમનો છેલ્લો કેમિયો છે. ‘આયર્નમૅન’થી લઈને ‘એન્ડગેઇમ’ સુધીની દરેક ફિલ્મમાં સ્ટેન લીનો કેમિયો છે. સ્ટેન લીએ આ એકેક કૅરૅક્ટર્સને જન્મ આપ્યો છે અને પોતાના હાથે મોટાં કર્યાં છે. માર્વેલ સ્ટુડિયો ક્યારેય એમને ભૂલ્યો નથી અને આ વાત શીખવે છે કે જેણે તમને બનાવ્યા છે, જેણે તમારું ઘડતર કર્યું છે, જેમની નજરથી તમને દિશા મળી છે એમને ક્યારેય ભૂલતાં નહીં. એ દોસ્ત હોય, તમારા પહેલા બૉસ હોય કે પછી તમારા પરિવારનું કોઈ સભ્ય હોય, પણ એક વાત યાદ રાખવાની છે કે મેકરને ક્યારેય ભૂલવા નહીં. તમને બનાવવામાં જેમનો ફાળો છે એમને ભૂલવાનું પાપ ક્યારેય કરતા નહીં. એ તમારું મૂળ છે અને મૂળ સાથે જોડાયેલા રહેશો તો જ તકલીફના સાઇક્લોન સમયે તમે સલામત રીતે ટકી શકશો.

‘એવેન્જર્સ-એન્ડગેમ’ બીજું એ સમજાવે છે કે જ્યારે તમે એક ટીમ બનીને કામ કરો છો ત્યારે ટીમનો એકેક પ્લેયર મહત્વનો બની જાય છે. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. આ ફિલ્મના દરેક ટીમ-મેમ્બર પાસે અલગ-અલગ પાવર હતાં અને દરેક ઉપર જવાબદારીઓ હતી. એકેક ટીમ-મેમ્બરે પોતાના ગોલને પ્રાયોરિટી આપી છે, નહીં કે ઇન્ડિવિજ્યુઅલ ટાસ્કને કે પછી પોતાની વાતને. જ્યારે ગોલ પૂરો થશે ત્યારે પણ ટીમને જ નવાજવામાં આવે છે. ટીમથી મોટું કંઈ નથી. તમે જો એકલા ભાગ-ભાગ કરશો તો ક્યારેય કોઈ ગોલ પૂરો નહીં કરી શકો, મંઝિલ નહીં મેળવી શકો. જો તમારે સિદ્ધિ જોઈતી હોય, જો તમને સફળતા જોઈતી હોય, જો તમને આગળ વધવું હોય તો દરેકનો સાથ હોવો જરૂરી છે. તમે એકલા હાથે ક્યાંય પહોંચી નથી શકવાના અને એવું કરવું પણ ન જોઈએ. જો એકલા હાથે કરવા બેસશો તો એ કામ પાંચ-દસ વર્ષે પૂરું થશે, પણ સાથીઓ સાથે મળીને કરશો તો તમારું કામ તમારા સમયે પૂરું થશે. આના માટે સૌથી પહેલાં તો બધા સાથે કામ કરવાની ક્વૉલિટી ડેવલપ કરો. તમે દરેક વાતમાં જો તમારું જ ધાર્યું કરવા માગતા હો કે પછી બીજાને ઉતારી પાડીને આગળ વધતાં હશો તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો, ઊલટું તમારી આગળ વધવાની આ જે દિશા છે એ દિશામાં તમે સતત તમારી પાછળ નારાજ સાથીઓ મૂકતા જઈ રહ્યા છો. આ સાથીઓની નારાજગી એ હકીકતમાં તમારી નિષ્ફળતા છે. એ બૅકસ્ટેબિંગ ન કરે તો એના સંસ્કાર ગણાશે, પણ તમે છાતી પર ઘા કરીને તમારા કુસંસ્કાર તો દેખાડી જ દીધા છે. ફિલ્મમાં ટોની સ્ટાર્ક, બ્રુસ બેનર, સ્ટીવ રોજર્સ પાસે સ્કોટ લેન્ગ એટલે કે એન્ટમેન કરતાં વધારે પાવર હતા, પણ એમ છતાં એક સિચુએશન પર એન્ટમૅનની વાત માનીને એક ટીમ બનીને સૌએ ટાઇમ ટ્રાવેલ કરી, જે ટાઇમ ટ્રાવેલ કેવી રીતે જોખમી પુરવાર થાય છે એ ફિલ્મમાં જોજો, આપણે વાત કરવાની છે ટીમ મેમ્બર અને એના પરના વિfવાસની. વધારે પાવરફુલ હોવા છતાં પણ ટીમના બાકીના મેમ્બરોએ એન્ટમૅનનો ભરોસો કર્યો. બધાને ખબર હતી કે જો એન્ટમૅન એકલો ટાઇમ ટ્રાવેલ પર જશે તો એ બધા ઇન્ફિનિટી-સ્ટોન નહીં લાવી શકે અને એટલે દલીલ વિના એન્ટમૅનની વાત માની. કારણ સ્પષ્ટ હતું કે એન્ટમૅન પણ સેલ્ફિશ થઈને બધાને સાથે આવવાનું નહોતો કહેતો, તેણે પણ બધા માટે વિચારીને જ આ નિર્ણય લીધો હતો. ટીમમાં દરેકનો પૉઇન્ટ ઓફ વ્યુ મહત્વ ધરાવે છે. દરેક જગ્યાએ તમે તમારો સ્ટૅમ્પ મારતાં ફરો તો તમને ક્યારેય વિfવાસુ ટીમ ન મળે જે કોઈ એ ટીમમાં જોડાઈ એ માત્ર પોતાના સ્વાર્થથી જ એમાં જોડાઈ. સો, હંમેશા ટીમ બનીને રહો અને ટીમ બનાવો ત્યારે તમારો પોતાનો ઈગો સાવ નાનો અને પાંગળો કરી નાખો.

ત્રીજી અને છેલ્લી શીખ, જે મને ‘એન્ડગેમ’માંથી મળી. ક્યારેય આશા છોડો નહીં. જો હારી ગયા તો પણ કશો વાંધો નહીં, પણ તમારે એ હારને સ્વીકારીને બેસી નથી રહેવાનું, નવેસરથી ઊભા થવાનું છે અને ફરીથી લડત માંડવાની છે. હારવું સહેલું છે, ફરીથી ઊભા થઈને લડત આપવી અઘરી છે. ફિલ્મમાં દરેક ટીમ મેમ્બર પોતાના બીજા સાથીને ગુમાવીને તૂટી ગયા હતા. હલ્ક હોય કે પછી થોર હોય કે પછી હોય આયર્નમૅન. દરેકને પોતાની લાઇફમાં શાંતિ હતી, પણ એમ છતાં તે ફરી પાછા એ જ બધું કરવા માટે ભેગા થયા જેની પાછળ અગાઉ સર્વસ્વ તેમણે ગુમાવ્યું હતું. આ વખતે નવેસરથી મેદાનમાં ઊતરીને એ લોકો પોતાની હારને જીતમાં ફેરવે છે. યાદ રાખજો, આ જ સુપરપાવર ભરેલી એવેન્જર્સ ટીમ કહે છે કે અમને પણ હાર મળે છે અને અમને પણ એનું સખત દુ:ખ થાય છે, અમે હારથી હતાશ પણ થઈએ છીએ, પણ પછી દરેક વખતે નવેસરથી ઊભા થવાની જવાબદારી પણ અમે જ ઉપાડીએ છીએ. હાર ડિસ્ટર્બ કરી શકે, પણ ડિસ્ટર્બ થયેલી એ હાર જ શીખવે છે કે જો આશા નહીં છોડો તો તમે ફરીથી જીતી શકો છો અને તમારે ફરીથી જીતવું હોય તો આશા નથી છોડવાની, કોઈ હિસાબે નથી છોડવાની.

આ પણ વાંચો : કૉલમ: વિચાર બદલો, દુનિયા બદલો

આ સિવાય પણ ઘણું શીખ્યો છું આ ફિલ્મમાંથી, પણ હું ઇચ્છીશ કે એની વાતો અહીંયાં કરવાને બદલે એક વખત તમે જઈને ફિલ્મ જોઈ આવો. ફિલ્મ જોયા પછી તમે પણ તમારી તકલીફોની સામે જોઈને કહેશો, ‘નાઉ, યૉર ગેમ એન્ડ.’

Bhavya Gandhi columnists