વાત બે ડાયમન્ડની

03 February, 2019 10:49 AM IST  |  | ભવ્ય ગાંધી

વાત બે ડાયમન્ડની

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

આજે મારે તમને એક સ્ટોરી કહેવી છે. આ સ્ટોરીની ખાસિયત અને એ કહેવા પાછળનો હેતુ શું છે એના વિશે ડિસ્કશન આપણે પછી કરીશું, પણ અત્યારે એ જરૂરી છે કે પહેલાં આપણે એ સ્ટોરી જાણી લઈએ.

આપણી આ સ્ટોરીનો હીરો છે રવિ. રવિ એક નાનકડા ગામમાં રહે છે અને તેને ખૂબબધા પૈસા કમાવા છે. રવિ કોઈ બાબતમાં માસ્ટર નથી કે પછી તેણે કોઈ ખાસ પ્રકારનું ગ્રૅજ્યુએશન પણ નથી લીધું. ન તો તેનામાં કોઈ નોકરીની આવડત છે કે ન તો તેનામાં કોઈ બિઝનેસ કરવાની સૂઝ. નથી કોઈ બહુ મોટી પ્રૉપર્ટી કે નથી કોઈ જમીન જેને વેચીને રવિ પૈસાવાળો બની શકે. રવિ પાસે છે તો માત્ર એક હીરો, જેને વેચીને તે જે આવક આવે એનાથી પૈસાદાર બની શકે છે. આ હીરો રવિને એક વખત રસ્તા પરથી મળ્યો હતો. એની ચમક એવી સરસ હતી કે એ ઓરિજિનલ હીરો હોય એવું જ લાગતું હતું, પણ ગામનું કોઈ તેની વાત માનવા તૈયાર નહીં. ગામનો એક ડાહ્યો માણસ રવિને મળ્યો. તેણે રવિને સલાહ આપી કે ‘આ હીરો સાચો છે કે ખોટો, એની કિંમત શું ગણાય એ અહીં તો કોઈ તને કહી નહીં શકે અને જે કોઈ કહેશે એ પણ જાણકાર હશે નહીં. બહેતર એ છે કે તું આ હીરો લઈને મુંબઈ જા. મુંબઈમાં ડાયમન્ડના બહુબધા એક્સપર્ટ્સ છે. તું તેમને મળી જો. જો તારા હીરામાં હીર હશે તો એ મુંબઈમાં સારી કિંમતમાં વેચાઈ જશે અને જો એ ખોટો હશે તો પણ ખબર પડી જશે. જો હીરો ખોટો નીકળે તો તું એને દરિયામાં ફેંકીને નવેસરથી મહેનત પર લાગી જજે.’

રવિને પોતાના પર જેટલો ભરોસો નહોતો એટલે ભરોસો પોતાના હીરાની ચમક પર હતો અને એટલે જ તે હીરા પર વિશ્વાસ કરીને મુંબઈ આવવા તૈયાર થઈ ગયો. આખું ગામ રવિને વળાવવા સ્ટેશને આવ્યું અને વાજતેગાજતે રવિને રવાના કર્યો. કિસ્મત કઈ દિશામાં લઈ જશે એની કોઈ સમજણ હતી નહીં અને સમજણ હોય તો માણસ ક્યારેય પોતાની મહેનત પર વિશ્વાસ રાખે નહીં.

રવિ આવી ગયો મુંબઈ. મુંબઈ તે પહેલી વાર આવ્યો હતો એટલે મુંબઈ આવીને પહેલાં તો તેણે જવાબદારી અને સમજદારી સાથે પૂછપરછ શરૂ કરી કે મુંબઈમાં ડાયમન્ડના વેપારીઓ ક્યાં હોય છે? ખબર પડી ઝવેરીબજારની એટલે ભાઈ તો રવાના થયા ઝવેરીબજાર જવા માટે. માર્કેટમાં એક પછી એક વેપારીને મળતા જાય અને જ્યાં વિશ્વાસ પડે, પાર્ટી ખમતીધર લાગે ત્યાં હીરો દેખાડે. હીરો હાથમાં લઈને બધા એક જ વાત કરે કે આ હીરો નકલી છે, કાચનો ટુકડો છે, આનું કંઈ આવે નહીં.

અરે, કેટલાકે તો રવિને એવું પણ કહ્યું કે તું જ ઠગ છો અને અહીં વેપારીઓને છેતરવા આવ્યો છે. હાથમાં હીરો લઈને તરત જ કહી દે કે આ હીરો ક્યાંથી મળ્યો, આ તો નકલી છે. બધા પાસેથી એકસરખા રિસ્પૉન્સને કારણે પરિસ્થિતિ એવી થઈ કે રવિને સમજાવા લાગ્યું કે અહીં તો હીરો વેચાવાનો નથી. એવા બે-ચાર અનુભવો પણ થયા જેમાં રવિ સમજી ગયો કે બધા અંદરોઅંદર પણ એકબીજાને ફોન કરીને કહી દે છે. રવિએ નક્કી કર્યું કે હવે અહીં વધારે રહેવામાં માલ નથી એટલે હવે તે ગયો નવી માર્કેટમાં એટલે કે મલાડ, પરંતુ મલાડમાં પણ એ જ બનવા માંડ્યું અને તેનો હીરો કોઈ ખરીદવા તૈયાર થાય નહીં. ધીમે-ધીમે હવે રવિ હિંમત હારવા માંડ્યો. ગામથી જે પૈસા લઈને તે આવ્યો હતો એ પણ હવે પૂરા થવા માંડ્યા હતા. જોકે એ પછી પણ રવિએ પોતાના બનતા પ્રયાસો ચાલુ રાખ્યા અને આ મરણિયા પ્રયાસમાં પણ એક વીક નીકળી ગયું. જોકે રિઝલ્ટ એ જ, હીરો વેચાયો નહીં. રવિ પાસે હવે ખાવાનાં પણ ફાંફાં થવા લાગ્યાં. તેના બધા પૈસા પૂરા થઈ ગયા હતા. ખિસ્સાં ખાલી હતાં અને બાકી બચ્યા હતા બે જ જણ. એક તો પોતે અને બીજો હાથમાં રહેલો હીરો.

આઠમા દિવસે રવિ હિંમત ભેગી કરીને માર્કેટમાં ગયો અને એક વેપારીએ તેને જોયો. રવિને તેણે સામેથી બોલાવ્યો અને કહ્યું, ‘શું છે? તને હું એક વીકથી અહીં જોઉં છું, પણ કોઈ તને ભાવ નથી આપતું.’

રવિમાં થોડું જોમ આવ્યું. તેણે શેઠને હીરો બતાવ્યો. શેઠે હીરો ચારે બાજુ ફેરવીને જોયો, ઉપર-નીચે પણ બરાબર જોઈ લીધો અને કહ્યું કે શું ગણતરી છે આ હીરાની કિંમતની? રવિએ અડસટ્ટે જ કહ્યું કે લાખ રૂપિયા. શેઠે ફરી પાછો હીરાને ધ્યાનથી જોયો અને હીરાને જોયા પછી તેણે રવિને પણ ધ્યાનથી જોયો અને એ પછી તેમણે ડ્રૉઅર ખોલીને એમાંથી એક લાખ રૂપિયા કાઢીને આપી દીધા. સ્વાભાવિક છે કે પેલો છોકરો રાજી-રાજી થઈ ગયો. તે જવાની તૈયારી કરતો હતો ત્યાં જ શેઠે તેને પૂછ્યું કે મારે ત્યાં કામ કરીશ?

રવિએ હા પાડી દીધી અને ત્યાં કામ કરવા લાગ્યો. સમય વીતવા લાગ્યો અને શેઠનો ધંધો આ છોકરાને કારણે વધવા માંડ્યો. રવિ બધું શીખી ગયો અને એક સમય એવો આવ્યો કે રવિએ શેઠની ઘણી નવી બ્રાન્ચ શરૂ કરી દીધી. બન્ને ખુશ. દસ વર્ષ થઈ ગયાં અને સમય સાથે શેઠનો બિઝનેસ બહુ મોટું એમ્પાયર બની ગયું.

એક દિવસ શેઠની તબિયત બગડી. શેઠને સંતાનમાં કોઈ નહોતું. શેઠને સમજાયું કે હવે છેલ્લો સમય છે. તેમણે રવિને બોલાવીને તિજોરીની ચાવી આપી અને કહ્યું કે એમાં આપણી બધી કામની ફાઇલો અને દસ્તાવેજ છે એ તું લેતો આવ એટલે હું તને બધું સમજાવી દઉં. રવિએ તિજોરી ખોલી તો અંદર કાગળો સાથે તેણે વેચેલો પેલો હીરો પણ હતો. રવિએ હીરાને ઉપાડીને જોયું. આટલાં વષોર્ના અનુભવથી તેને ડાયમન્ડ પારખતાં હવે આવડી ગયું હતું. તે એકઝાટકે સમજી ગયો કે આ હીરો ખોટો છે. રવિ તરત શેઠ પાસે આવ્યો અને પૂછ્યું, ‘આ હીરો તો ખોટો છે અને તો પણ તમે મારી પાસેથી એ ખરીદ્યો?’

શેઠે આવું શું કામ કર્યું? શું કામ શેઠ તેની પાસે છેતરાયા?

રવિને પાસે બેસાડીને પ્રેમથી શેઠે જવાબ આપતાં કહ્યું, ‘હીરો ખોટો હતો એવું તું માને છે અને એ સાચું પણ છે, પણ તારામાં રહેલો હીરો સાચો હતો એ પારખવાની નજર તો મારામાં હતીને. જો તેં જ તો આ બધું ઊભું કર્યું. આખું એમ્પાયર તારા કારણે તો ઊભું થયું અને એટલે હું અત્યારે પણ કહીશ કે મારી નજર ક્યારેય હીરાને પારખવામાં થાપ ખાય નહીં.’

વાત સાચી છે. સાચા હીરાની ઓળખ માત્ર સાચા ઝવેરીને જ થાય. રવિને જેવો અનુભવ થયો એવો જ અનુભવ મને જરા જુદી રીતે થયો એની વાત કહું તમને. હું અમદાવાદમાં ‘પપ્પા, તમને નહીં સમજાય’નું શૂટિંગ કરતો હતો ત્યારની વાત છે. એક છોકરો મને મળવા આવ્યો. તે છોકરાએ એ સમયે સોલ્જર પર એક શૉર્ટ ફિલ્મ બનાવી હતી અને બીજી એક શૉર્ટ ફિલ્મનું તેનું કામ ચાલતું હતું. પેલી સોલ્જરવાળી ફિલ્મ તેણે મને દેખાડી. મેં ફિલ્મ થોડી જોઈ અને પછી જે સાચું હતું એ કહીને હું તો મારા નેક્સ્ટ શૉટ માટે ચાલ્યો ગયો, પણ અમારા કૅમેરામૅન ત્યાં જ હતા. હું ગયો તો પણ તે પેલા છોકરા સાથે વાતો કરતા હતા. લગભગ અડધો કલાક વાત ચાલી અને એ પછી તે અમારા શૉટ માટે આવ્યા. મારો શૉટ પૂરો થયા પછી પૅક-અપ થયું ત્યારે પણ મેં જોયું કે કૅમેરામૅન પેલા છોકરા સાથે હજી પણ વાત કરતા હતા અને તેમણે લગભગ એકાદ કલાક વાત કરી. રાતે મને કૅમેરામૅન મળ્યા ત્યારે મેં તેમને કહ્યું, ‘શું દાદા, તમે આવો ટાઇમપાસ કરો છો?’

જવાબમાં મને તેમણે કહ્યું, ‘ક્યારેય કોઈની સાથે એવી રીતે વાત નહીં કરવાની કે તેનું કોઈ મૂલ્ય નથી. બને કે ભવિષ્યમાં તે છોકરો રાઇટર કે ડિરેક્ટર બની જાય તો તે પહેલું તો એ યાદ રાખશે કે તારી સાથે કામ ન કરાય. તેની આવડત નથી એ આજ છે, પણ આવતી કાલે તેનામાં ખૂબબધી આવડત હોય એવું પણ બની શકે છે. એટલે ક્યારેય કોઈને ઉતારી પાડવાનો નહીં, કારણ કે સૌથી સરળ કામ જો કોઈ હોય તો એ છે કોઈને ઉતારી પાડવો.’

આ પણ વાંચો : લૉર્ડ ઑફ ધ લાસ્ટ બેન્ચ

એ સમયે તો મેં કૅમેરામૅનની વાત બહુ સરળતાથી સાંભળી લીધી, પણ હમણાં જ્યારે મારે ફરી અમદાવાદ જવાનું થયું ત્યારે ફરી એ છોકરાને મળ્યો. મળ્યો ત્યારે સમજાયું કે કૅમેરામૅનની આંખોમાં અનુભવ કેવો અદ્ભુત છે. તે છોકરાએ હવે બે બુક લખી છે અને એ બેમાંથી એક બુક તો ડાયનોસૉર પર છે. મજાની વાત એ છે કે ડાયનોસૉરવાળી એ બુક પરથી જ તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી લીધી છે અને હિન્દી ફિલ્મના એક પ્રોડ્યુસરે તેને પોતાની નવી એક ફિલ્મ માટે સાઇન પણ કર્યો છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે હાથમાં રહેલો હીરો ભલે નકલી હોય, સામે ઊભેલા ડાયમન્ડનો ચળકાટ ઓળખવાનું ચૂકતા નહીં.

Bhavya Gandhi columnists