નાટકના અંતમાં પ્રેક્ષકોનો ધસારો, પણ મુખ્ય અભિનેત્રી સુજાતા મહેતા ગાયબ

05 March, 2020 04:20 PM IST  |  Mumbai | Latesh Shah

નાટકના અંતમાં પ્રેક્ષકોનો ધસારો, પણ મુખ્ય અભિનેત્રી સુજાતા મહેતા ગાયબ

સુજાતા મહેતા

ચિત્કારનો પહેલો શો પાટકરમાં થયો. પહેલો અંક સરસ ગયો, બીજો અંક અફલાતૂન ગયો અને ત્રીજો અંક સફળતાના બધા સીમાડા વટાવી ગયો. પ્રેક્ષકોએ ભાવુક થઈને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું. કર્ટન કૉલમાં તાળીઓનો ગડગડાટ એવો હતો કે હજી એના પડઘા યાદ કરવાની સાથે, મનમાં પડઘાયા કરે છે. ચાળીસ ટકા ઑડિયન્સ હતું, પણ પ્રતિસાદ બસો ટકા જેટલો પ્રચંડ હતો. આવો થન્ડરસ ક્લૅપ્સનો રિસ્પૉન્સ આજ સુધી કોઈને મળ્યો હોય એવું મારા જોવા કે સાંભળવામાં નથી આવ્યું. અમુક નાટકો સુપરહિટ થયાં છે. ટુચકા, બુચકા, ડૂસકાં, ધ્રુસકાવાળાં નાટકો, કૉમેડી, ટ્રૅજેડી, ફારસ, આંગિક કસરત, સ્ટૅન્ડઅપ કૉમેડી ધરાવતાં નાટકોનેય દાદ મળી છે; પણ ‘ચિત્કાર’ને આંબી નથી શક્યાં.

ગુજરાતી નાટકોમાં અત્યારે એક નાટકના અંતમાં સ્ટૅન્ડિંગ ઓવેશન મળે છે, રિતિકા શાહને ‘આટલી બાટલી ફૂટલી’માં રિતિકાનો ઉત્કૃષ્ટ અભિનય જોઈને પ્રેક્ષકો ભાવવિભોર થઈને ઊભા થઈને તાળીઓના ગડગડાટથી રિતિકાને વધાવી લે છે. બાકી તો અમુક નાટકો ખરેખર સંસ્થાઓની મહેરબાનીથી જ ચાલતાં હોય એવું લાગે છે. સંસ્થાઓ જ નાટકના લેખક-દિગ્દર્શક લાગે, માઈબાપ લાગે. એ લોકો કહે, ગ્રૅન્ડ રિહર્સલમાં આવીને સજેશન આપે એ પ્રમાણે ટુચકાઓ ઓછા-વધુ કરવાનું નામ નાટક પડી ગયું હોય એવું લાગે. અમુક અપવાદ બાદ કરતાં લગભગ થિયેટર સિનિયર સિટિઝનોની જાગીર થઈ ગયું છે. ના-ના. એમ તો પિસ્તાલીસથી સાઠની વચ્ચેની ઉંમરના લોકોય પધારે છે જો ઘરની નજીક થિયેટર હોય તો. બાકી કોઈ ને કોઈ ગ્રુપના મેમ્બર બની બિચારા નિર્માતા પાસેથી લગભગ મફત જેવા ભાવમાં નાટક પડાવી લે છે. પ્રેક્ષકો એ બહાને પણ નાટક જોવા આવે છે અને ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો ગર્વ અનુભવે છે. બટાટાવડાં ખાતાં કે જમણવાર કરતાં-કરતાં. ભલે પોરસાય, નાટકને લગ્નની સ્ટાઇલમાં માણે; પણ સંસ્થાના મેમ્બર પ્રેક્ષકો નવી પેઢીને પ્રેમથી પટાવી, સમજાવી, લલચાવી, ફોસલાવીને નાટક જોવા લઈ આવે તો ખરા ગુજરાતી ગણાય. તો જ ગુજરાતી ભાષાને આપણે જીવતી રાખી શકીશું. નહીં તો ‘ડૅડ, આઇ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ યૉર ગુજરાતી લૅન્ગ્વેજ, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ’ના દિવસો આવી જ ગયા છે. આપણે નહીં જાગ્યા તો બાળકો કહેશે, અમે ગુજરાતી ભાષાથી દૂર ભાગ્યા. આપણે અભાગિયા થઈને ભાગ્યને ભાંડવાનું નિરર્થક નાટક કરીશું. એમાંથી અમે નાટ્યનિર્માતાઓ નાટકો બનાવીશું અને પ્રેક્ષક, પ્રિયજનને કહીશું કે હાથનાં કર્યાં હૈયે વાગે, હવે સહન કરો ખડખડાટ હસતાં-હસતાં. અમે જનરેશન ગૅપવાળાં નાટકો દેખાડીને દર્શકોને ગલગલિયાં કરાવીને ખડખડાટ હાસ્યથી ભરપૂર નાટક કરીને, ગુજરાતી માબાપો, વડીલ પ્રેક્ષકોને, તેમની દુખતી રગ દબાવીને હસાવીશું. છેવટે નાટક તો સમાજનું જ દર્પણ છેને! દર્પણ જૂઠ ના બોલે. જાગો પ્રેક્ષકો, મારા વહાલા જાગો. કિશોર અને યુવાન વયના પ્રેક્ષકોને ગુજરાતી નાટકો, ફિલ્મો દેખાડો, ગુજરાતી કવિ સંમેલન, નાટ્યપઠન, વાર્તાપઠન, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં રસ લેતા કરો. પૉકેટ થિયેટર, ઇન્ટિમેટ થિયેટર, ઑફ-ઑફ-બ્રૉડવેના ગુજરાતી શો જોયા કરો. જેવી રીતે પ્રાઇમ મૉલ, ઇર્લામાં પૉકેટ થિયેટરમાં સુજાતા મહેતા અને લતેશ શાહ અભિનીત ‘સુજાતા રંગરંગીલી’ દર રવિવારે થાય છે, હિતેન આનંદપરાનું ‘દાસ્તાને ગોઈ’ થાય છે, સતીશ વ્યાસનું ‘લાફ્ટર સ્ટેશન’ ભજવાય છે. ઇન્ટિમેટ થિયેટરમાં હેમાંગ તન્નાનું એકાંકી બાલભારતીમાં થાય છે. શોભિત દેસાઈ અને તેમના જેવા માતબર કવિઓનાં કવિ સંમેલન થાય છે, ભવન્સ કલ્ચરલ સેન્ટર સાંસકૃતિક કાર્યક્રમો કરે છે. આ બધા કલાકારો ગાંઠનાં ગોપીચંદન કરીને ગુજરાતી ભાષાને જીવતી રાખવા અથાક પ્રયત્નો કરે છે. એમાં વિડિયો ગેમ અને નેટફ્લિક્સમાં રાચતી યુવાન પ્રજાને લઈ જાઓ. તમારી સંસ્થાઓમાં, સમાજમાં, કોમમાં આવા શો કરો અને કરાવો. જેટલી પણ ગુજરાતી સંસ્થાઓ ઊભી થઈ છે એમણે આવતી પેઢીમાં ગુજરાતી ભાષા જીવંત રહે એનો અથાક પ્રયાસ કરવો જ જોઈએ. તો આપણે માતૃભાષા ગુજરાતીને જીવંત રાખી શકીશું. આ તો જીવ બળે છે એટલે ફંટાયો. હવે મૂળ વાત પર આવીએ. ‘ચિત્કાર’નાટકે પુષ્કળ નવા પ્રેક્ષકોને ગુજરાતી નાટકો જોતા કર્યા. ‘ચિત્કાર’ની રજૂઆત સમયે તો એટલી સંસ્થાઓ જ નહોતી. ‘ચિત્કાર’ના અંતમાં પાંચમા માળની બારીનો ગ્લાસ (સાચો) તોડી રત્ના સોલંકીનું પાત્ર ભજવતી સુજાતા મહેતા બારીમાંથી કૂદીને ચીસ પાડતી પડી ત્યારે પ્રેક્ષકો અવાચક થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. પ્રેક્ષાગૃહમાં સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર માર્કન્ડ બનેલા દીપક ઘીવાલા રત્નાને બચાવવા બારી પાસે દોડ્યા, પણ રત્નાને બચાવી ન શક્યા. પોતાની નિષ્ફ્ળતા પર રડી પડ્યા અને પ્રેક્ષકો તરફ ફરીને પ્રેક્ષકો તરફ ધસ્યા. પ્રેક્ષકો તરફ આંગળી ચીંધી ચીસ પાડી અને મૌન. મૌનમાં ડૉક્ટરની વેદના અસરકારક રીતે વ્યક્ત થઈ. (‘તમે પ્રેક્ષકો અને તમારો બનાવેલો આ સમાજ આવા દરદીઓની ઉપેક્ષા કરી પરોક્ષ રીતે તેમના પર જુલમ કરે છે એટલે આ માનસિક પીડા ભોગવતાં આપણી જ જાતના, ભાતના, નસલના માનવોનો જીવવાનો અધિકાર છીનવાઈ જાય છે. એના માટે આ સમાજ જવાબદાર છે, જાગો.) અને પડદો પડ્યો. પ્રેક્ષકોનો કોઈ પ્રતિસાદ ન આવ્યો. પ્રેક્ષકોનું મૌન. હું મૂંઝાયો કે કેમ આમ થયું? ...પણ પળવારમાં જ મૂંઝવણ ક્ષણવારમાં ક્ષર થઈ ગઈ. પોઝ પછી પ્રેક્ષકોએ ઊભા થઈ તાળીઓનો ગડગડાટ વરસાવીને બધા કલાકારોને પ્રશંસાના લાગણીભીના પ્રતિસાદથી ભીંજવી દીધા. એ મિનિટો ગુજરાતી રંગભૂમિ પર સુવર્ણ અક્ષરે કોતરાઈ ગઈ. થોડી પળોમાં પ્રેક્ષકો સ્ટેજ પર ધસી આવ્યા. તેમના ચહેરા પર આનંદમિશ્રિત આશ્ચર્યના એક્સપ્રેશન્સ છલકાતાં હતાં. જાણે આવો અનુભવ તેમને પહેલી વાર જ થયો હોય એવો ભાવ તેમના ચહેરા પર સ્પષ્ટપણે વ્યક્ત થતો હતો. પ્રેક્ષકો સ્ટેજ પર કલાકારોને અભિનંદન આપવા પધાર્યા હતા. કૉન્ગ્રેચ્યુલેશન્સ કહીને દરેક કલાકાર સાથે હાથ મેળવતા પ્યારા પ્રેક્ષકોને તેમની પ્યારી અભિનેત્રી સુજાતા મહેતા ક્યાંય જડતી નહોતી. પ્રેક્ષકો ગ્રીનરૂમમાં દોડ્યા, બૅકસ્ટેજ પર ચારેકોર ફરી વળ્યા. અરે અમુક ઉત્સાહી દર્શકો તો બાથરૂમના દરવાજા ખખડાવી આવ્યા, પણ તેમને રત્ના સોલંકીના પાત્રમાં અદ્ભુત અભિનયથી અભિભૂત કરનાર સુજાતા તેમની સાથે જાણે લુપાછૂપીની રમત રમતી હોય એમ લાગ્યું. છેવટે એક પ્રેક્ષકે બૅકસ્ટેજમાંથી બૂમ પાડી, અહીં છે. ઉત્સુક પ્રિયજનો પહોંચ્યા અવાજની દિશા તરફના બૅકસ્ટેજમાં. સુજાતાને મળવા. સુજાતાએ ગ્લાસ ફોડ્યો, બારીની બહાર તૂટેલા ગ્લાસના કાચના ટુકડા અને કરચો વેરાણાં. સેટિંગ સર્વિસવાળા માણસોએ ઉપર તરત જ ગાદલું નાખી દીધું. રત્ના સોલંકી એના પર ચીસ પાડીને કૂદી. સુજાતા (રત્ના) ત્યાં જ પોરો ખાવા બેસી રહી. ઊભા થવાના તેના હોશ નહોતા. આંખોમાંથી અશ્રુની ધાર વહેતી હતી. એ આંસુ હર્ષ અને આનંદનાં હતાં. તેનામાં ઊઠીને સ્ટેજ પર જવાના હોશ નહોતા. એક પ્રેક્ષકે તેને શોધી કાઢી અને બૂમ પાડી બધાને બોલાવી લીધા. સ્ટેજ પર, સેટની પાછળના ભાગમાં લોકો જમા થઈ ગયા. સુજાતાની ભીની આંખો જોઈને બધા ભાવવિભોર થઈ ગયા. બધા સુજાતાને કૉન્ગ્રેચ્યુલેશન આપતાં કહેવા લાગ્યાં કે ‘ચિત્કાર’ સુપરહિટ છે, તમારા જેવી જાનદાર ઍક્ટિંગ તો અમે ક્યારેય જોઈ નથી. અમે ‘ચિત્કાર’ જોવા વારંવાર આવીશું. આવતો શો ક્યાં છે? સુજાતાએ મને પૂછ્યું, મેં સંજયને પૂછ્યું. સંજયનો પર્ફોર્મન્સ બહુ વખણાયો હતો. લોકો તેને ઘેરીને ઊભા હતા. ટોળાને છોડી સંજય મારી પાસે આવ્યો. મેં તેને ફરીથી પૂછ્યું, આવતો રવિ શો ક્યાં છે? તે મને જોતો રહ્યો. પ્રેક્ષકો આસપાસ ઊભા હતા એટલે તે મારા કાનમાં બોલ્યો, નથી. મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. ‘શું? શો નથી? એટલે પહેલા શો પછી બ્રેક? ઓહ માય ગૉડ!’ જો બીજો શો ન થાય તો લોકોને લાગશે કે નાટક બંધ થઈ ગયું. હું અને સંજય એકબીજાને જોતા રહ્યા. આગલો શો થશે કે નહીં? જોઈએ આવતા ગુરુવારે.

માણો  ને મોજ કરો જાણો ને જલસા કરો

જીવવા માટે ધન તો મહત્ત્વનું છે, પણ તન એથી વિશેષ મહત્ત્વનું છે. મન સૌથી વધુ મહત્ત્વનું છે. કહેવાય છે મન હોય તો માળવે જવાય, મન ન હોય તો તાળવે જવાય. મનને તમારે માનવું હોય કે મનાવવું હોય તો એને માન્યતામાં લઈ જાઓ તો એ ધન અને તન બન્નેને સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત રાખશે. માણો મનને અને મોજ કરો. જાણો મનને અને જલસા કરો.

columnists latesh shah