ગાંધી અને આંધી: રાત કી બાત હૈ ઔર ઝિંદગી બાકી તો નહીં

01 February, 2020 12:06 PM IST  |  Mumbai | Raj Goswami

ગાંધી અને આંધી: રાત કી બાત હૈ ઔર ઝિંદગી બાકી તો નહીં

‘આંધી’

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

અગાઉના એક લેખમાં લખ્યું હતું કે મનમોહન દેસાઈની ‘અમર, અકબર, ઍન્થની’ ફિલ્મ અનેક પુસ્તકોનો વિષય બની છે. આવું જ ફિલ્મસર્જક-ગીતકાર ગુલઝારના કિસ્સામાં પણ બન્યું છે. હાર્પર કૉલિન્સ નામની પ્રકાશક સંસ્થાએ ગુલઝારની ત્રણ સીમાચિહ્નરૂપ ફિલ્મો ‘આંધી’, ‘અંગુર’ અને ‘ઇજાઝત’ પર ત્રણ અભ્યાસપૂર્ણ પુસ્તકો પ્રગટ કર્યાં છે. એમાંથી બ્રિટિશ નાટ્યકાર શેક્સપિયરના નાટક ‘કૉમેડી ઑફ એરર’ પરથી બનેલી ‘અંગૂર’ અને સુબોધ ઘોષની બંગાળી નવલકથા ‘જાતુગૃહ’ પરથી બનેલી ‘ઇજાઝત’ની વાત ફરી ક્યારેક, પણ આજે વાત ‘આંધી’ની. લગ્નજીવનની કઠણાઈઓ પરની અત્યંત ખૂબસૂરત ફિલ્મ તો છે જ, પણ એના રાજકીય રંગને લઈને વિવાદાસ્પદ પણ છે.

છેલ્લી વાત પહેલી. ‘આંધી’ (૧૯૭૫) ઇન્દિરા ગાંધીના જીવન આધારિત નહોતી. સબા મેહબૂબ બશીર નામની દિલ્હીની એક લેખિકાના પુસ્તક ‘ગુલઝારની આંધી’માં ગુલઝારે આ સ્પષ્ટતા કરી છે, પરંતુ ફિલ્મમાં ઘણાબધા યોગાનુયોગ એકઠા થઈ ગયા અને ફિલ્મ વિવાદાસ્પદ જ નહીં, પ્રતિબંધિત થઈ ગઈ અને ગુલઝારે એમાં એક-બે દૃશ્યો ઉમેર્યાં એ પછી એને લીલી ઝંડી મળી.

એક તો એનો વિષય રાજકીય હતો. આરતી દેવી (સુચિત્રા સેન) રાજકારણી છે અને ચૂંટણી લડી રહી છે એવાં દૃશ્યો સાથે ફિલ્મ શરૂ થાય છે અને ફ્લૅશબૅકમાં તે હોટેલમાં જાય છે જ્યાં તેનો મૅનેજર જે. કે. (સંજીવકુમાર) હોટેલમાં આવેલી રાજકારણી બાપની પીધેલી છોકરી આરતીના પ્રેમમાં પડીને લગ્ન કરે છે. લગ્ન પછી બન્ને વચ્ચે આરતીની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને લઈને ખટરાગ થાય છે અને બન્ને છૂટાં પડે છે. વર્ષો પછી આરતીદેવી ચૂંટણી પ્રચારના કામે એ જ હોટેલમાં આવે છે અને જે.કે.ને મળે છે. બન્ને વચ્ચે એટલું જ ખેંચાણ છે, પણ નેતા આરતીદેવીનું કોકની સાથે લફરું છે એવા પ્રચારની બીકે આરતી હિંમત નથી બતાવતી. છેલ્લે તે ભરી સભામાં તેના પરિણીત પ્રેમનો એકરાર કરે છે.

આમાં ઘણાબધા લોકોને ઇન્દિરા ગાંધી-ફિરોઝ ગાંધીની વાર્તા દેખાઈ. બીજું એ કે ફેબ્રુઆરી, ૧૯૭૫માં ‘આંધી’ રિલીઝ થઈ ત્યારે એનાં પોસ્ટરો પર ‘તમારાં પ્રધાનમંત્રીને પડદા પર જુઓ’ એવું લખાઈને આવતું હતું. ગુજરાતમાં ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં એવો પ્રચાર થવા લાગ્યો કે ફિલ્મમાં આરતીદેવી (ઇન્દિરા) સિગારેટ અને શરાબ પીએ છે. એક્ઝિબિટર્સ પણ આ ફિલ્મની ‘આંધીમાં ગાંધીને જુઓ’ એવી પબ્લિસિટી કરવા લાગ્યા. ઇન્દિરા ગાંધીએ આ ફિલ્મ જોઈ નહોતી, પણ તેમણે તેમના સ્ટાફને ફિલ્મ જોઈને સલાહ આપવા કહ્યું હતું. આઇ. કે. ગુલઝાર માહિતી-પ્રસારણ મંત્રી હતા અને તેમને ફિલ્મમાં વાંધાજનક લાગ્યું નહોતું. ઇન્દિરાના સ્ટાફે પણ ફિલ્મને લીલી ઝંડી આપી.

છતાં એવો પ્રચાર ચાલુ જ રહ્યો કે આરતીદેવીનું પાત્ર ઇન્દિરા પર આધારિત છે. એનું ત્રીજું કારણ એ કે આરતીદેવીની ચાલ-ઢાલ, પહેરવેશ અને બોલવાનું ઇન્દિરા ગાંધી જેવું હતું. ગુલઝાર એનો એકરાર કરે છે. ‘ઇન્દિરા જેવું બીજું કોઈ આજે પણ નથી,’ ગુલઝાર પેલા પુસ્તકમાં સબા બશીરને કહે છે, ‘એટલે કોઈ પણ ઍક્ટરને તમારે સંદર્ભ આપવો હોય તો તેમનો જ આપવો પડે. તે જે રીતે ચાલતાં હતાં, જે રીતે સીડી ઊતરતાં હતાં અને જે રીતે હેલિકૉપ્ટરમાંથી બહાર આવતાં હતાં. અમે આ બધો સંદર્ભ એટલા માટે લીધો નહોતો કે એ પાત્ર તેમના પર હતું, પણ વિપક્ષોએ બધું જોડી દીધું. એમાં પબ્લિસિટી અને પોસ્ટર જોઈને વધુ મુસીબત થઈ.’

જૂનમાં ઇન્દિરાએ કટોકટી લાદી અને રિલીઝનાં ૨૪ સપ્તાહ પછી ૧૨ જુલાઈએ ‘આંધી’ પર પ્રતિબંધ મુકાઈ ગયો. પાછળથી આ ઇન્દિરાની બાયોપિક નથી એવું સાબિત કરવા માટે આરતીદેવીનાં સિગારેટ-શરાબનાં દૃશ્ય કાપી નાફવામાં આવ્યાં અને આરતીદેવીના મોઢે એક સંવાદ મૂકવામાં આવ્યો કે ‘વો (ઇન્દિરા) મેરી આઇડિયલ થી.’ ગુલઝાર કહે છે, ‘અમે ફિલ્મ ફેસ્ટિવલ માટે મૉસ્કોમાં હતા. સંજીવ (કુમાર) પણ મારી સાથે હતો. અમને ત્યાં ખબર પડી કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (નિર્માતા) જે. ઓમપ્રકાશજીએ પ્રતિબંધ ઉઠાવી લેવા ખૂબ મહેનત કરી હતી. અમે ૨૪મા સપ્તાહમાં હતાં એટલે બે દૃશ્યોને સુધારી લેવાં પડ્યાં.’

‘આંધી’ ફિલ્મનો વિચાર ગુલઝારનો હતો અને એના પરથી હિન્દી સાહિત્યમાં સશક્ત ઉપન્યાસકાર કમલેશ્વરે ‘કાલી આંધી’ નામની ૧૨૦ પાનાંની નવલિકા લખી હતી. કમલેશ્વર અને ગુલઝાર દોસ્ત હતા. કમલેશ્વરની સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા ‘કિતને પાકિસ્તાન’ આજે પણ વિભાજન પરની એક મહત્ત્વની નવલકથા છે. ૧૯૭૫માં જ કમલેશ્વરે ગુલઝારની ‘મૌસમ’ (સંજીવકુમાર-શર્મિલા ટાગોર) લખી હતી. આ ‘મૌસમ’ માટે બન્ને દિલ્હી ગયા હતા. ગુલઝાર ત્યારે ‘આંધી’ પર કામ કરી રહ્યા હતા અને એવું નક્કી થયું કે ગુલઝાર ‘મૌસમ’ અને ‘આંધી’ પર ફિલ્મ બનવાશે અને કમલેશ્વર બન્નેની હિન્દી નવલિકા લખશે. એવી રીતે ‘આંધી’ પરથી ‘કાલી આંધી’ આવી.

કમલેશ્વર ત્યાંથી ભોપાલ ગયા અને ગુલઝારે કહ્યું કે હું તો ‘આંધી’ની ફાઇનલ પટકથા લખ્યા પછી જ હોટેલની બહાર નીકળીશ. એ હોટેલમાં જે. કે. નામનો એક વેઇટર હતો, જે ગુલઝારની બહુ સારસંભાળ રાખે. ગુલઝારે એને કહેલું, ‘હું તને બીજું તો કશું આપી શકતો નથી, પણ મારી ફિલ્મનો હીરો હોટેલનો મૅનેજર છે તેનું નામ જે.કે. રાખી દઉં છું.’

‘આંધી’ સુચિત્રા સેનની છેલ્લી હિન્દી ફિલ્મ અને એમાં જ સુચિત્રા અમર થઈ ગઈ. અગાઉ નિર્માતા સોહનલાલ કંવરની એક ફિલ્મ માટે ગુલઝારે સુચિત્રા સેનનો સંપર્ક કર્યો હતો, પણ સુચિત્રાએ પટકથામાં સુધારા-વધારા સૂચવ્યા એમાં ફિલ્મ ન બની. ‘આંધી’ની પટકથા બની ત્યારે નિર્માતા જે. ઓમપ્રકાશ, ગુલઝાર અને સંજીવકુમારની ઇચ્છા હતી કે સુચિત્રા આ રોલ કરે. એટલે ગુલઝારે બીતાં-બીતાં સુચિત્રાને ‘આંધી’ ઑફર કરી હતી. આ વખતે સુચિત્રાએ ઊંધી શરત મૂકી: આ સ્ટોરીમાં કોઈ જ ફેરફાર નહીં કરવાનો! સુચિત્રાને ખબર હતી કે ફિલ્મમાં આરતીદેવીનું પાત્ર તાકતવર છે અને આખી ફિલ્મ તેની આસપાસ ફરે છે.

અગાઉ વૈજયંતીમાલાને આ રોલ ઑફર થયો હતો, પણ ‘ઇન્દિરાની જેમ ચાલવાનું-પહેરવાનું છે એવી ખબર પડી એટલે મારી હિંમત ઓસરી ગઈ. હું ઇન્દિરાની ચાહક હતી.’ હિન્દી ફિલ્મના ચાહકો સુચિત્રાને ‘આંધી’ માટે આજેય યાદ કરે છે. ‘આંધી’નો શો થયો ત્યારે સંજીવકુમારે અશોકકુમારને પૂછ્યું હતું, ‘દાદામુની, કૈસી લાગી પિક્ચર?’ ત્યારે તેમણે કહેલું, ‘સુચિત્રા જેવી ભવ્ય એક્ટિંગ મેં જોઈ નથી.’ વૈજયંતીમાલાને ‘આંધી’ નહીં કરવાનો અફસોસ રહી ગયો.

સુચિત્રા સેન બંગાળી સિનેમામાં દાયકાઓ સુધી સુપરસ્ટાર હતી. હિન્દીમાં દેવદાસ (૧૯૫૫), બૉમ્બે કા બાબુ (૧૯૬૦) અને મમતા (૧૯૬૬) માટે તે જાણીતી હતી. તે ખાસ્સી બુદ્ધિશાળી ઍક્ટર હતી અને તેની ફિલ્મોની પસંદગીની બાબતમાં બહુ ચીકણી હતી. તે એવી જ ફિલ્મો કરતી હતી જેમાં સ્ત્રીપાત્ર ઘર બહાર કામ કરતું હોય. એ જમાનામાં એ સાહસિક વાત હતી. ‘ઉત્તમકુમાર અને સુચિત્રા સેન’ નામના પુસ્તકમાં મૈત્રેયી ચૌધરી નામની લેખિકા લખે છે કે ‘સુચિત્રા સેનમાં અનોખી સુંદરતા, શિષ્ટતા અને કમનીય આંખો હતી. તેનામાં એક રહસ્ય હતું. તે જે રીતે વસ્ત્રો ધારણ કરતી હતી, મેકઅપ કરતી હતી, વાતો કરતી હતી, એના પરથી લાગે કે જાણે એક સ્ત્રી પોતાના કમાન્ડમાં છે.’

ગુલઝારે કદાચ એટલા માટે જ આરતીદેવી માટે સુચિત્રા સેનની પસંદગી કરી હતી. આરતીદેવીનો રોલ સુચિત્રા માટે ટેલર-મેડ હતો. ‘આંધી’ ના સેટ પર ગુલઝાર અને સુચિત્રા સેન એકબીજાને ‘સર’ કહેતાં. એનું એક દિલચસ્પ બૅકગ્રાઉન્ડ છે. ગુલઝાર કહે છે, ‘તે એક જ એવી ઍક્ટર હતી જેને બધા મિસિસ સેન કહેતા હતા અને તે આવે એટલે બધા ઊભા થઈ જતા. પહેલા જ દિવસે હું તેમને દૃશ્ય સમજાવતો હતો અને તેમણે ‘યસ સર’ કહ્યું. મને ક્ષોભ થયો (ગુલઝાર સુચિત્રાથી નાના હતા). મેં કહ્યું- આપણે ત્યાં સિનિયરને ‘સર’ કહેવાનો રિવાજ છે એટલે હું તમને ‘સર’ કહીશ. તેમણે કહ્યું- તમે મારા ડિરેક્ટર છો એટલે તમે મારા ‘સર’ કહેવાઓ. અમારે બહુ દલીલો થઈ અને તેમણે મને ‘સર’ કહેવાનું ચાલુ રાખ્યું અને મેં પણ તેમને ‘સર’ કહેવાનું ચાલુ રાખ્યું. પછી તો આખું યુનિટ તેમને ‘સર’ કહેતું હતું.’

‘આંધી’ની વાત એનાં ગીતો વગર અધૂરી છે. ત્રણ ગીતો હતાં. ત્રણેને કિશોરકુમાર-લતા મંગેશકરે ગાયાં હતાં. ત્રણેનું ફિલ્માંકન પહલગામમાં થયું હતું અને ત્રણે ગીતો આરતીદેવી અને જે.કે.ના સંબંધને ત્રણ ભાગમાં ચિત્રિત કરે છે. ‘ઇસ મોડ સે જાતે હૈં કુછ સુસ્ત કદમ રસ્તે...’ આરતી અને જે.કે. ના પ્રણયની શરૂઆતમાં આવે છે. ‘તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ...’ બન્ને પ્રેમાલાપથી આગળ જઈને વિવાહનો વિચાર કરે છે ત્યારે આવે છે અને છેલ્લે ‘તેરે બિના ઝિંદગી સે કોઈ શિકવા તો નહીં...’ ત્યારે આવે છે જ્યારે બન્ને નવ વર્ષની જુદાઈ પછી મળે છે. આ વખતે કાયમ માટે સાથે રહેવા માટે.

તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં

રાત કો રોક લો

રાત કી બાત હૈ ઔર ઝિંદગી બાકી તો નહીં

columnists weekend guide raj goswami